સત્ય
સત્ય


વારુણીએ ઘડિયાળમાં જોયું,
“ઓહોહો ! દસ વાગી ગયા. સવારે છ વાગે દિવસ શરુ થાય તે રાતના દસ ક્યાં વાગી જાય એની ખબર જ નથી પડતી. આ ઘર સંભાળવું એ ફૂલ ટાઇમ જોબ છે એ કોણ સમજે છે ! બસ, દરેકને પોતાનું કામ જ અઘરું અને મોટું લાગે પણ દરેકની પાછળ મારો સહકાર અને મદદ કોણ જોવે છે!“
વારુણી બરાબર કંટાળી હતી. ચાર જણના પરિવારમાં બે દિકરીઓ પોતપોતાની જોબમાં અને પતિ પણ બિઝનેસમાં વ્યસ્ત. માત્ર પોતે હાઉસ-વાઇફ. એટલે દરેક જણને એમ થાય કે, તું તો ઘરમાં જ છે. તને આટલો કંટાળો અને થાક ન લાગવો જોઇએ.
વારુણીને હાડોહાડ લાગી આવતું.
“સવારે ત્રણે જણ જાગે એ પહેલાં ચા-નાસ્તા અને ટિફિન તૈયાર કોણ કરે છે ! આખો દિવસ એમનાં જ કામ વધુ હોય. કપડાં, ઘરની સફાઈ, સાંજનું જમવાનું આ બધું કોણ કરે છે ! ઘર ચોખ્ખુંચણક અને દરેકના રુમ અપ ટુ ડેટ કોણ રાખે છે? હેં ! પણ કદર જ નથી. આના કરતાં હિમાલયમાં જતા રહેવું. વારુણીને સ્વર્ગમાં જતા રહેવું એમ કહેતાં સહેજ જીભ અચકાઈ.“
વારુણીને ભરઉંઘમાં કોઈ બોલાવતું હોય એવો ભાસ થયો. પરાણે આંખ ખોલીને જોયું તો એક દેવદૂત હાથ લંબાવીને બોલાવી રહ્યો હતો...
“વારુણી, તું સ્વર્ગની હકદાર છે. પૃથ્વી પર તેં બહુ મજૂરી કરી. હવે તને એશોઆરામની જિંદગી જીવવાનો હક છે.”
વારુણી એકદમ ખુશ હતી.
“હાશ! કોઈ તો સમજ્યું.”
અને જાણે વારુણીમાંથી એક પડછાયો દેવદૂત તરફ આગળ વધી ગયો.
સ્વર્ગના દરવાજા ખૂલ્યા.
“ઓહોહો ! શું સાહ્યબી છે !”
વારુણી સહેજ આગળ વધી ત્યાં તો બાજુવાળાં મંદામાસી દેખાયાં.
“અરે માસી તમારે તો જલસા જ છે.”
“ના ના વારુણી. એમ જરાય ન સમજતી હોં!
સાચી મજા તો પૃથ્વી પર પરિવાર સાથે આવતી. ભલે આ બધી સાહ્યબી નહોતી પણ સાંજ પડે આખો પરિવાર ભેગો થાય અને ચકચક કરે એવું અહીયાં કંઈ નહીં. એકલા જ સાહ્યબીમાં જીવો. કોઈ બેસવા-બોલવા-પૂછવાવાળુંય નથી. ગાંડા થઈ જવાય
એવી પરમ શાંતિ છે. હું તો જો ફરી મોકો મળે તો પરિવારમાં પાછી પહોંચી જાઉં.”
વારુણી હક્કાબક્કા હતી. દિકરીઓના કોયલ જેવા ટહુકારા અને પતિનો પ્રેમાળ સ્પર્શ બહુ યાદ આવી રહ્યો..
ટ્રીનનનનન...એલાર્મ વાગી રહી હતી. વારુણી નવી સકારાત્મક વિચારધારા સાથે તાજગી અનુભવતી જાગી ગઈ..
“શું હું પણ... આનાથી વધુ સુંદર જિંદગી ક્યાંય ન હોય..”
ઘણા સમય પછી દિકરીઓ અને બાપે વારુણીનાં સુંદર પ્રભાતિયાં સાથે સવાર પડતી જોઈ.