સરપ્રાઈઝ
સરપ્રાઈઝ


ઘરમાં કોઇ નહોતું અને કુરીયરમાં પલક જે એન.જી.ઓ. તરફથી સ્લમ એરીઆના બાળકોને સંગીત ભણાવવા જતી એ સંસ્થામાંથી એને માટે સન્માન સમારંભનું માનસભર ભાષામાં આમંત્રણ અને પ્રોત્સાહક પ્રેરક સર્ટિફિકેટ આવ્યું. સાસુમાએ સહી કરીને કવર લઇ તો લીધું , પણ વાંચીને વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાંખી દીધું ! એમને અચાનક સાંભર્યું કે આ આટલું માન પલકને ?
એજ પલક કે જેનો માત્ર રંગ ગોરો નથી એટલે પુત્રવધુ તરીકે પસંદ નથી એવાંજ અપમાન પોતે એના પાલવમાં વારંવાર સેરવતાં રહ્યા. અગણિત વાર પલકની લખેલી કવિતા તે હોંશથી વંચાવવા આવતી ત્યારે પોતે ઝાટકો મારીને કહ્યું હતું,
"રાખ તારી કવિતા તારી પાસે. આ બધા વેવલાવેડા મને નહી બતાવવાના, કાળી ડિબાંગ છો.જે કાળા હોય એનું જીવન કાળું જ રહે."
પોતે રુપ રુપના અંબાર, પ્રિન્સિપાલ જેવી જગ્યા શોભાવતાં એટલે સુપિરિયારીટી કોમ્પ્લેક્ષથી પીડાતાં. દિકરો દેખાવ જોયા વગર ગુણના પ્રેમમાં પડ્યો. જીદ આગળ નમતું તો જોખ્યું પણ મનનો વળ ન ગયો. ક્યારેય પોતે કૌવત પારખ્યું નહી, જેની મબલખ આવડતની ક્યારેય કદર કરી નહી, સમાજમાંથી પલકના વખાણ સાસુમાને મોઢે આવે પણ એમના મનના અહંકારનો પડદો એ ક્યારેય સ્વિકારે નહી.
આજે સર્ટીફિકેટ અને જાહેરમાં સન્માન સમારોહનુ આમંત્રણ વાંચીને પ્રથમ વખત પસ્તાવો થયો. આજે સમજાયું કે પલકે મૌન સહનશીલતા દ્વારા શું મેળવ્યું હતું. એ પોતાના કરતાં એક પગથિયું આગળ જઈ ચૂકી હતી. પોતે માત્ર જાત માટે જીવ્યાં જ્યારે પલક માનવસેવા અપનાવીને મુઠ્ઠીઉંચેરું સ્થાન પામી ચૂકી હતી. એક વાત નક્કી આજે સાબિત થઈ હતી કે, સ્ત્રી જો સ્ત્રીનું સન્માન કરી શકે તો સંસારમાં ક્યારેય કડવાશ ન રહે.
એ સાંજે પલક ઘેર આવી ત્યારે એની અપેક્ષાથી ક્યાંય પર એને માટે સરપ્રાઈઝ પાર્ટીની તૈયારી થઇ ચુકી હતી. સાસુમાએ આમંત્રેલા એન.જી.ઓ.ના સંચાલકો અને મહેમાનો સમક્ષ પલકના ભાલે હૂંફાળું ચુંબન કરીને કહ્યું,
“રંગ તો પળ બે પળના મહેમાન. તું જે કરી રહી છો એ સદીઓ સુધી તારા નામ અને તારા નામની સાથે પરિવારનું નામ ગુંજતું રાખશે. તું કુટુંબનું ગૌરવ છો. મને માફ કરી શકીશ બેટા ?”
અને... પહેલી વાર સાસુમાના મોઢે પોતાના માટે બેટાનું સંબોધન સાંભળીને પલકની પાંપણ પર આંસુનાં તોરણ બંધાયાં. મા કહેતાં એ સાસુમાને ભેટી પડી.