STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

4  

PRAVIN MAKWANA

Inspirational

સર, ઓળખ્યો મને ?

સર, ઓળખ્યો મને ?

2 mins
204

"સર, ઓળખ્યો મને ? હું વિશ્વાસ ! તમારો ચાળીસ વર્ષ પહેલાંનો વિદ્યાર્થી !"

"ના, રે ! હવે બરોબર દેખાતું પણ નથી, અને આજકાલ યાદ પણ નથી રહેતું. પણ એ વાત જવા દે, તું કહે, શું કરે છે આજકાલ ?"

"સર, હું પણ તમારી જેમ જ શિક્ષક થયો છું."

"અરે વાહ ! ખરેખર ? પણ શિક્ષકોના પગાર તો કેટલા ઓછા હોય છે ! તને વળી શિક્ષક થવાનું ક્યાંથી સૂઝ્યું ?"

"સર, તમને કદાચ યાદ હશે, આપણા વર્ગનો ત્યારનો આ પ્રસંગ... જેમાંથી તમે મને બચાવ્યો હતો. બસ, ત્યારથી જ મેં તમારા જેવા જ શિક્ષક બનવાનું નક્કી કર્યું હતું."

"એમ ? એવું તે શું બન્યું હતું આપણા વર્ગમાં ?"

"સર, આપણા વર્ગમાં અક્ષય નામનો એક પૈસાદાર ઘરનો છોકરો હતો. એક દિવસ તે કાંડા ઘડિયાળ પહેરીને શાળાએ આવ્યો હતો. અમારામાંથી કોઈ પાસે ત્યારે કાંડા ઘડિયાળ ન હતી. મને તે ઘડિયાળ ચોરી લેવાની ઈચ્છા થઈ. રમતગમત ના સમયે મેં જોયું કે તેણે કાંડા ઘડિયાળ કાઢીને કંપાસ બોકસમાં મૂકી. બસ, યોગ્ય મોકો જોઈને મેં તે ઘડિયાળ ખિસ્સામાં મૂકી દીધી. એ પછી તરત જ તમારો વર્ગ હતો. તમે વર્ગમાં આવ્યા કે તરત અક્ષયે તમારી પાસે તેની ઘડિયાળ ચોરાઈ હોવાની ફરિયાદ કરી.

સહુથી પહેલાં તો તમે વર્ગનું બારણું અંદરથી બંધ કર્યું. પછી બોલ્યા, " જે કોઈએ ઘડિયાળ લીધી હોય, તે પાછી આપી દે. હું તેને કંઈ સજા નહીં કરું." મારી હિંમત ન થઈ કારણ કે એ ચોરેલી ઘડિયાળ મેં પાછી આપી હોત તો જિંદગીભર બધાંએ મને ચોર તરીકે હડધૂત કર્યો હોત.

પછી તમે કહ્યું, "બધા એક લાઈનમાં ઊભા રહો અને આંખો મીંચી દો. હવે હું બધાંનાં ખિસ્સાં તપાસીશ. પણ બધાંનાં ખિસ્સાં તપાસાઈ જાય ત્યાં સુધી કોઈએ પોતાની આંખ ખોલવી નહીં.

તમે એક એક ખિસ્સું તપાસતા, મારી નજીક આવ્યા. મારી છાતીમાં ધબકારા વધી ગયા. તમે મારા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી, પણ છતાં, બાકીના બધા વિદ્યાર્થીઓનાં ખિસ્સાં પણ તમે તપાસ્યાં અને પછી અમને સહુને આંખો ઉઘાડવા જણાવ્યું.

તમે એ ઘડિયાળ અક્ષયને આપી અને કહ્યું, "બેટા, હવે પછી ઘડિયાળ પહેરીને વર્ગમાં ન આવતો." પછી ઉમેર્યું," અને જેણે કોઈએ એ લીધી હતી, તેણે ફરી આવું ખોટું કામ કરવું નહીં." બસ, પછી તમે રાબેતા મુજબ શીખવવાનું કામ શરૂ કરી દીધું. ત્યારે તો નહીં જ, પણ ત્યાર બાદ મેં શાળાંત પરીક્ષા પાસ કરીને શાળા છોડી ત્યાં સુધી ક્યારેય ન તમે મારી ચોરીનો ઉલ્લેખ કર્યો, ન એ તમારા વર્તનમાં બતાવ્યું ! સર, આજે પણ તે યાદ કરીને મારી આંખો ભરાઈ આવે છે. બસ, ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે તમારા જેવો જ શિક્ષક બનીશ - અને જુઓ, બન્યો પણ ખરો !"

"અરે... હા, હા ! મને યાદ છે એ ઘટના ! પણ મને આ ક્ષણ સુધી ખબર ન હતી કે એ ઘડિયાળ મેં તારા ખિસ્સામાંથી કાઢી હતી... કારણ કે તમારાં ખિસ્સાં તપાસાઈ ન જાય ત્યાં સુધી મેં પણ મારી આંખો બંધ રાખી હતી."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational