Vijay Shah

Inspirational Romance Classics

3  

Vijay Shah

Inspirational Romance Classics

સપ્તપદીની પ્રતિજ્ઞાઓ - ૧

સપ્તપદીની પ્રતિજ્ઞાઓ - ૧

13 mins
13.8K


પ્રકરણ ૧ પાયાનો પથ્થર

અમદાવાદનાં બે ઘરમાં આજે હલચલ હતી..

પહેલું ઘર… એટલે પરભુબાપા અને ધીરી બાનું ઘર જીવરાજ પાર્ક ૪૫૨ નંબર. મુખ્ય રોડ ઉપરનું ઘર. જેમાં પરભુબાપા સોસાયટી સેક્રેટરી અને આખી સોસાયટી જાણે કે ધીરી બાનો સ્વભાવ માયા એટલે પરભુ બાપાની કોહાડા જબાન સચવાઈ જાય... ધીરીબા જેવા મીઠા બોલ વદતી ઉજળી સુશીલા મોટી અને બીજા નંબરે પરભુબાપા જેવી કછારી જબાન વાળી વંદના. સુશીલા કોલેજનાં છેલ્લા વર્ષમાં અને વંદના બીજા વર્ષમાં. પંકજ બારમામાં અને ઉર્મિ દસમામાં સુશીલા સિવાય ત્રણે ત્રણ ઘઉંવર્ણા પર મોર્છા બધાની ધીરી બા જેવી. જાણે એક તાકાનાં ચાર કટ પીસના હોય! પરભુ બાપા વિમા કંપનીમાં કામ કરે અને ખબર આખા ગામની રાખે.

બીજુ ઘર વકીલ નગીનભાઇનું અને જીવકોરબેનનું. શિવરંજની ચારરસ્તા પાસે આવેલી મુગુટ સોસાયટીનું ૧૧૧ નંબરનું. નગીનભાઇને બે સંતાન શશી અને શ્યામા બંને અમેરિકામાં. શ્યામાએ ભાઇ શશીને તેમના સ્ટોરમાં હેલ્પ માટે તેડાવ્યો અને ધીમેધીમે શ્યામાની રાહબરી હેઠળ બે સ્ટોરનો માલિક બન્યો. બંને ઘર આમ તો છ ગામનાં પટેલોનું… ને તેથી સામાન્ય સંપર્ક સુત્ર રહેતા ધીરીબાનાં પિતરાઇ ચંપક ભાઇ.

ચંપકભાઇ સમાચાર લાવ્યા કે નગીનભાઇના નિધન પછી તેમનો યુ.એસ.એ સ્થિત સીટીઝન છોકરો શશી પરણવા અમદાવાદ આવવાનો છે. અને પરભુ બાપાની છઠ્ઠી સેન્સ ખુલી ગઈ. જો શશીનું સુશીલા સાથે લગ્ન ગોઠવાય તો અમેરિકા જવા માટે પાછળનાં સંતાનોનો રસ્તો ખુલી જાય.

આજે શશી પરભુ બાપાને ત્યાં સુશીલાને જોવા આવવાનો હતો.

ચંપકભાઇ આ વાત જ્યારે લાવ્યા ત્યારે ધીરીબાને તો માનવામાં આવતું નહતું કે સુશીલાનું ભાગ્ય આટલું ખુલી જઇ શકે... ચંપકભાઇ કહેતા હતા નગીનભાઇએ વકીલાત દરમ્યાન પૈસા સારા બનાવેલા શ્યામાનાં લગ્ન હ્યુસ્ટન થયા પછી તેમને પહેલો હાર્ટએટેક આવ્યો ત્યાર પછી પ્રેક્ટીસ લગભગ બંધ જ કરી દીધી અને શશીનાં અમેરિકા ગયા પછી ડોલરનાં રૂપિયા આવતા ગયા. અને ઘર ચાલતું રહેતું.

શ્યામા અને શશી તો બંનેને બોલાવતો પણ હજી તારા બાપાને સારું થાય પછી આવશુંનું વાયદા પ્રકરણ ચાલતું અને એક દિવસ નગીનભાઇ બીજા ભારે હ્રદય રોગનાં હુમલામાં બચી ના શક્યા. ત્યારે શશી અને શ્યામા અઠવાડીયા માટે આવ્યા અને બાને બહુ સમજાવ્યા પણ વાયદા પ્રકરણ ચાલુ હતું.

હવે નવો વાયદો હતો શશી તારા લગ્ન પછી વહુના હાથનો રોટલો ખાવા આવીશ.

શશી નગીનદાસભાઇ જેવોજ ઘાટે અને રંગે ઉજળો. એટલે એને કોઇ ના કહે તેવું બનવાની શક્યતા નહોતી. હા એ જેને હા કહેશે તેનું ભાગ્ય જરુર બની જશે તેવું ચંપકભાઇ જરૂરથી માનતા તેથી ધીરી બેન અને સુશીલાને લઈને પરભુબાપા શશી આવતા. પહેલા જીવકોર બાને મળી આવ્યા હતા. કહોને કે સુશીલાને બતાવી આવ્યા હતા… અને કહી પણ આવ્યા હતા કે જે માંગશો તે દહેજ પણ આપીશું… છોડી છેલ્લ વરસમાં છે એટલે ભણી રહેને પરણાવવાની બાબતે વિલંબ એમને ગમતો નહીં. બરોબર સાડા આઠનાં ટકોરે પરભુબાપાનાં ઘરે સુશીલાને જોવા શશી અને જીવકોર બા પહોંચ્યા.

“આવો... આવો...” કહીને ધીરી બાએ માન અને આદર સાથે ઘરમાં બેસાડ્યા.

અમેરિકન કથ્થાઇ પેંટ અને ગોલ્ડન યેલો કલરની જર્સીમાં શશી આવ્યો હતો. આમ સાવ સામાન્ય દેખાતા શર્ટની પાછળ ફોરેન રીટર્નનું લેબલ આગવી આભા પુરતું હતું. સુશીલાએ ફોટો જોયો હતો પણ રુબરુમાં શશીને જોયો ત્યારે તેના મનનો રાજકુમાર સહેજ વામણો લાગ્યો… અંદરથી ધડક ધડક થતા હૈયે તેને ટકોરી. લગ્ન એ આખી જિંદગીનો કરાર છે પહેલી નજરે ગમવું એ નસીબની વાત છે.અને તું ક્યાં કોઇ સ્વર્ગની અપ્સરા છે?

ધીરીબા મહેમાનગતિમાં વ્યસ્ત હતા તે સમયે ચંપક્ભાઇએ અને પરભુભાઇએ સુશીલા અંગ્રેજી સાથે કોલેજનાં છેલ્લા વર્ષમાં છે. સીવણ ગુંથણ અને પાક કળામાં નિષ્ણાંત છે જેવી અનેક બાબતોથી મા દીકરાને વાકેફ કર્યા.. અને નસ્તો લઇને વંદના આવી ચા લઇને સુશીલા આવી.

જીવકોર બા કહે, “શશી! સુશીલા વંદના પંકજ અને ઉર્મિ ચારેય ધીરીબાની બીબાઢાળ પ્રતિકૃતિ છે. મને સુશીલા તારા માટે યોગ્ય લાગી છે.”

શશી જોઈ શકતો હતો કે સુશીલા નિઃશંક શ્રેષ્ઠ છે. જીવકોરબાનું મંતવ્ય સાચું છે તેણે સુશીલા સામે જોયું તો તે ચા હાથમાં આપી જવા જતી હતી ત્યારે જીવકોર બાએ કહ્યું, "બેસ બેટા. ચા નાસ્તો પતે પછી તમે થોડીક એક બીજાની જાણકારી તમારી રીતે લો અને પછી જણાવો કે તમારી પસંદ શું છે?" સુશીલા ધીરીબાની બાજુમાં જઇને બેઠી.

વંદના ગરમ ગરમ ઉપમા પીરસી રહી હતી ત્યારે શશીએ જોયું તો ફક્ત રંગનો ફર્ક ન હોત તો ઓળખવી ભારે પડી જાય તેવું ગજબનું સામ્ય બંને બેનોમાં હતું. ઉપમામાં કાજુ અને ડ્રાયફ્રુટ હતું તેની તેને નવાઇ લાગી. ખાસ તો તુટીફ્રુટી અને ચેરી ઉપમાને ઉપમા બનેલી રહેવા દેતી નહોતી. પણ મીઠું વ્યંજન જરુર બનાવી દેતું હતું.

ચા નાસ્તો પુરા થયા અને ધીરીબાએ કહ્યું, "સુશીલા ઉપરનાં રૂમમાં તમે જાવ અને કંઈક વાત ચીત્ત કરવી હોય તો કરો." અને વંદના ઝડપભેર ઉપર જતી રહી રુમ સરખો કરવા તેની પાછળ સુશીલા ઊભી થઈ અને જીવકોરબાની આંખોએ આદેશ આપ્યો ત્યારે શશી ઉપર જવા ઊભો થયો.

ઉપરનાં રુમમાં બે ખુરશી આમને સામને મૂકી હતી. શશીના આવ્યા પછી વંદના નીચે જતી રહી.

બેચેની અનુભવતી સુશીલાને સંકોચાતી જોઈ વાતાવરણ હળવું કરવા શશી બોલ્યો, “તમારે મારા વિશે કશુંક જાણવું હોય તો તમે પૂછો. મને તો ચંપક મામાએ જાણવા જેવું બધું જ જણાવી દીધું છે.”

સુશીલા સહેજ હળવાશ અનુભવતા બોલી, “તમારું ભણતર કેટલું?”

મેં અહીં એલ.ડી. એન્જીનીયરિંગમાં બી.ઈ. કર્યુ છે. પણ અમેરિકાને તેનો ખપ નહોતો એટલે 'શ્યામાદી'નો સ્ટોર ચલાવતા શીખ્યો અને આજે બે કન્વીનીયંટ સ્ટોર છે મારા. એન્જીનીયર કરતાં વધુ ડોલર રળું છું.” એના અવાજ્માં સ્વમાનનો રણકો હતો કે ગુમાનનો તે સુશીલા નક્કી ન કરી શકી.

“અમેરિકા આવીને સ્ટોરમાં મારી સાથે દિવસનાં ૧૮ કલાક કામ કરવાની તૈયારી છે ને?”

સુશીલા ચમકી અને વિચારમાં પડી. શશી તો જાણે મારી હા હોય તેમજ વાત કરે છે… તેણે ધીમે રહીને કહ્યું, “અમને અમારા માવતરે એવું શીખવાડ્યુ છે કે સાસરીમાં જેવું વાસણ તેવો ઘાટ થઈ જવાનું એટલે જેવી જરુરિયાત તેવું વર્તન અમને બચપણથી આવડે છે.”

“વાહ!” તે બોલી ઉઠ્યો. થોડોક સમય વિચારીને તે બોલ્યો.

“જીવકોરબાની 'હા' છે એટલે મારી પણ હા જ છે. અને હું એટલું સમજું છું. સારો જીવનસાથી શોધવાને બદલે સારો જીવનસાથી બનવું મને ગમે છે. હા... એક વાત કહી દઉં મને બીન જરુરી સલાહ સુચન કોઇ આપ્યા કરે તે ગમતું નથી. અને હા મેં મારો અભિપ્રાય તો આપ્યો પણ તું શું કહે છે તે તો કહે.”

સુશીલાને આ તુંકારો ગમ્યો. તે કહે, “મા બાપે તો અન્ય પરિબળો જોઇ યોગ્ય મુરતિયો બતાવ્યો હોય ત્યાં વિચારવાનું હોય જ નહીં ને?”

“એટલે તારી પણ હા છે ને?”

“હા અને તેથી તો અત્યારનો તુંકારો ગમ્યો.”

“જો બીજી એક વાત... હું હથોડા છાપ માણસ અને તું અંગ્રેજી અને સાય્કોલોજી જેવા વિષય સાથે ગ્રેજ્યુએટ થવાની તેથી કહી દઉં ધારણા ન ધારીશ… મનમાં જે હોય તે સ્પષ્ટ કહેજે... તારા મનમાં શું ચાલતું હોય તેની મને તું નહીં કહે તો મને સમજણ પડી જશે તેવું ધારી ના લઇશ.”

સુશીલા મીઠુ હસી.

વંદના તે વખતે રૂમમાં આવતી હતી. તે શશીની નજરોથી સમજી ગઈ કે વાત હકારે જઇ રહી છે. સુશીલા શરમાઇને રુમ બહાર જવા તૈયાર થઇ ત્યારે વંદનાને બોલાવતા શશી બોલ્યો. ”સાળી થવા તૈયાર છે ને? ખબર છે ને સાળી એટલે અર્ધી….” “ઘરવાળી” બોલતા બોલતા તેણે તાળીઓ પાડી.

નીચે બધાં તાળિઓનાં અવાજ્થી પ્રસનન થતાં હતાં.

શશીએ નીચે આવીને જીવકોર બાને કહ્યું, “શ્યામાદિ’ ને જણાવી દો અમારા બંનેની હા છે.”

ચંપક્મામા જીવકોરબાની સામે જોઇ રહ્યા… જીવકોરબાએ મસ્તક હલાવીને કહ્યું, “હા…મારા છોકરાને હજી અમેરિકન હવા લાગી નથી. તે હજી માબાપનું કહ્યું માને છે.

---

આમેય અમેરિકનો પાસે સમય ઓછો હોય તેથી એક વખત નક્કી થયા પછી ચટ મંગની અને પટ્ટ બ્યાહ્માં તેઓ માનતા હોય છે. અટવાડીયામાં શ્યામાદી અને દેવેન અવી ગયા. અને લગ્ન તારીખ નક્કી થઇ ગઈ.

સુશીલાને ફાઇનલ પરિક્ષા આપવાની હતી તેથી તે આ લગ્નની જલ્દી નક્કી થયેલી તારીખથી તાણ અનુભવતી હતી. અને વડીલોનાં મતે સારું સાસરું મળી ગયું. હવે નહીં ભણો તો ચાલશેવાળી વાતો તેને ગમતી નહોતી તેથી ધીરી બાએ જીવકોર બાને આ મૂંઝવણ કહી ત્યારે શશી કહે, "હા. તેની વાત સાચી છે. તેને સાસરે આવવાની બાબતે કોઇ રીવાજોનાં નામે તાણ નહીં થાય…"

સુશીલાને આ વહેવાર ગમ્યો. પરિક્ષાઓ પતી અને બીજે અઠવાડીયે લગ્ન હતાં. શ્યામાદિ’ આવ્યાં તે દિવસે આખો દિવસ તે મુગટ સોસાયટીમાં રહી. શશી સાથે અલપ ઝલપ આંખ મિંચોલી થતી રહી. એક દિવસમાં લગનની સાડીઓ પલ્લાનાં દાગીના લેવાયા અને ધર્મ સ્થાનોમાં કંકોત્રી અને મિઠાઇ પહોંચાડાઇ.

ધીરી બા રહી રહીને દ્રવતાં હતાં… આમ તો સુશીલા અંગ્રેજી ભણેલ છે પણ ૧૦,૦૦૦ માઇલ દૂર દીકરી જવાની જ્યાં ન કોઇ ઓળખાન ન કોઇ સાથી સંગી. કેમની કાઢશે ત્યાંનાં દિવસો ત્યારે પરભુબાપા ખુશ હતા. હવે વંદના પ્રકાશ અને ઉર્મિના અમેરિકા જવાનાં દરવાજા ખુલી ગયા.

તે દિવસે સુશીલાએ ધીરીબાને કહ્યું, "બહુ ચિંતા થતી હોય તો ના પાડી દઈએ…" ધીરીબાએ સુશીલા સામે જોયું અને કહે, “બેટા તું તારા અન્નજળ તેની સાથે લખાવીને આવી છે તેથી હવે કરી પણ શું શકાય…? આતો તું પહેલી એટલે થોડી ઓછી ઘડાઇ. તારી જગ્યાએ વંદના હોય તો ચિંતા જરાય ના હોત…”

“ભલે તો મારા બદલે વંદનાનું ગોઠવી દઇએ?”

“શુભ શુભ બોલ... સુશીલા... એનું ભાવી એ લખાવીને આવી હશે... પણ આ માનો જીવ એટલે નબળા સંતાનો વિશે વધારે ચિંતિત રહેને?”

લગ્નના આગલે દિવસે જીવકોરબેન અને શ્યામાદી’ને લગ્ન પડવો આપવા જતી વખતે ધીરીબા ફરી રડ્યાં. ત્યારે જીવકોર બા બોલ્યાં, "હા, થાય મનમાં વિષાદ થાય પણ એક વાત સમજો દીકરી તો હંમેશા પારકી થાપણ. તમે એને ઘરમાં ક્યારે રાખી શક્યા છો? વળી એ એકલી ક્યાં છે? દેવેન અને શ્યામા પણ ત્યાંજ છે ને? ચિંતા ના કરશો…”

લગન પડો આપતાં રિવાજ્ની વાત નીકળી ત્યારે જીવકોરબા બોલ્યાં, "વેવાઇ અમને તો કોઇ અપેક્ષા નથી વળી તમે જે આપશો તે તમારી દીકરી પાસે જ રહેવાનું છે તેથી નિશ્ચિંત રહેજો.”

“હું તો નિશ્ચિંત જ છું પણ આ ધણી ધણિયાણી એકલાં રહેવાનાં તેથી થતું હતું કે શરુઆતનો થોડો સમય તમે પણ તેમની સાથે ગયા હોત તો…”

“ના ભાઇ ના... એમનો સંસાર એમની રીતે શરુ કરવા દો. કંઇક જરૂર હશે તો શ્યામા તો છેને?”

"ભલે." પૈઠણ અને લગન પડો આપીને ધીરીબા અને પરભુ બાપા જવાની તૈયારી કરતા હતા ત્યારે નરભેશંકર ગોર બાપાએ મંત્રોચ્ચાર કર્યા. વિધિ સહ ભેટો અને પૈઠણ લીધી અને સાસરીની ચુંદડી આપી.

બીજે દિવસે પીઠી ચોળવાની વિધિ પહેલાં શશીની થવાની હતી સુશીલાને ત્યાં તૈયારી થઈ રહી હતી… મોસાળીયા અને પિતરાઇઓથી ઘર ખીલ ખીલાટ હતું. ગોર મહારાજ શશીને ત્યાંથી ૯ વાગે આવી ગયા હતા.

પીઠી ચોળતાં ચોળતાં ધીરીબાની આંખો ફરી દ્રવતી હતી. દીકરી ચાલી પરદેશ… વંદના અને ઉર્મિ પણ આ જોઇને રડતી હતી. ગોર મહારાજ કહે, "કન્યાદાન માટે તૈયાર કરાતી દીકરીને જોઇ રડાય ના." ચંદન અને હલદીનો લેપ લગાડતાં આશિર્વચન આપો કે દીકરી બંને ઘરનો દીવો બને… પરભુ બાપા પણ દીકરીનાં ખીલેલા રૂપને જોઇ રહ્યા હતા… પોતાનું લોહી હતુંને…?કુટુંબીઓએ મંડપ મુહર્તની થાંભલીઓ રોપી. સખીઓએ ગીત ગાયાં.

ઘડીયાળ ઝડપથી ફરતી હતી તૈયાર થઈને જ્યારે સુશીલા બહાર આવી ત્યારે જાન આવી ગઈ હતી. ભારે સુરવાલ પહેરીને આવેલ શશીકાંત સાચે જ વરરાજા તરીકે શોભતો હતો. માથે તિલક, જરકસી સાફો અને જાનૈયાઓમાં ઠંડું પીણું અપાતું હતું. સૂરજ માથે ચઢતો હતો. એર કંડીશન હૉલમાં પણ તેને માથેથી પરસેવો ટપકતો હતો.

નરભેશંકર મોટા અવાજે દેવોને આહવાહન આપતા હતા. અને બોલ્યા, “કન્યા પધરાવો સાવધાન...” ધીરીબાનાં નાનાભાઇ યશવંત સુશીલાને બે હાથમાં ઉંચકીને મંડપમાં લાવ્યા ત્યારે દુલ્હન સ્વરૂપમાં સુશીલાને જોઇને સૌએ આનંદથી તેને વધાવી.

વરરાજા અને કન્યાનાં પગ ધોઇ માતપિતા કહે છે, "મારી પારકી થાપણ! આજે સમય આવ્યો છે. તને વળાવીને અમે ઋણ મુક્ત થઈએ અને કન્યાદાનનું પૂન્ય પામીએ અને વર જેવો પૂત્ર પામીને “વરદાન” પામીએ.

નરભેરામ ગોર તેમનો પાઠ બરોબર ભજવતા હતા પણ ધુણીથી શશીની આંખમાં જલન થતી હતી અને ભારેખમ શેરવાનીથી પરસેવે રેબ ઝેબ થતા હતા. તેથી તેમને માટે ઊભા પંખાની વ્યવસ્થા કરાવી. પ્રકાશ અને ઉર્મિનાં મિત્રો બૂટ ઉપાડવામાં સફળ નીવડ્યાં. લગ્નની ધમાચકડી ચાલુ હતી ત્યારે સપ્તપદીનાં સાત ફેરા ફરવાની પ્રથા શરુ કરી.

શીવ અને પાર્વતી જેવા વરઘોડીયાને લગ્ન પ્રથાનાં મૂળમાં રહેલી શરતો સમજાવવાની શરુ કરી.

પહેલા ફેરામાં પતિ અને પત્ની એક મેકની ક્ષુધા સમગ્ર જીવન દરમ્યાન તૃપ્ત કરશે… અગ્નીમાં ચોખાની આહુતિ આપી ત્યારે અજાણ્યો શશી ઓચિંતો સુશીલાનાં મનનો માણિગર બન્યો.

બીજા ફેરામાં સંસારે સાથે રહીને વિકાસ પામવાની વાત હતી. તન અને મનથી સંપન્ન થવાની પ્રતિજ્ઞા હતી.

ત્રીજો ફેરો સંપતિનો હતો મારું અને તારુ કરવાની વાતને ત્યજી જે કંઇ છે તે આપણું છે તેને સમજથી વધારવાની પ્રતિજ્ઞા લેવાઈ. નરભેશંકર ગોરની વાતો અમેરિકન તરીકે શશીને પછાત લાગતી હતી. તેને ગરમી લાગતી હતી અને ગોર મહારાજ્ને જલ્દી પતાવવા ઇશારો થતો હતો.

ચોથે ફેરે.. સુખ અને દુઃખ બંનેનું સમભાગે છે તેની પ્રતિજ્ઞા અપાતી હતી. સુખમાં અને દુઃખમાં સાથ ન છોડવાની સલાહ અપાતી હતી.

પાંચમો ફેરો વંશને જાળવવા સંતાનો અને માવતરને સાચવવાની વાત આવી. નરભેશંકર મહારાજ સામે જલદી પતાવોની હિમાયત શ્યામા બેને કરી તેથી શ્રવણ અને રામનાં ઉદાહરણો ટુંકાઈ ગયાં.

છઠ્ઠો ફેરો એમ સુચવતો હતો કે ગમે તે પરિસ્થિત હોય બંનેએ સાથે જ રહેવાનું છે. એક મેકનું માન જાળવવાનું છે.

સાતમે ફેરે, સુશીલાને આગળ કરી અને કહ્યું, "આ ફેરો અગ્નીની સામે લીધેલી પ્રતિજ્ઞાનો છેલ્લો ફેરો છે જે મુજબ સંસારમાં કોઇ પણ મન દુઃખ આવે છતાં તે સાથે રહીને મિત્રની જેમ સંસાર નિભાવવાનો છે.

શશી તેનો ભારે ડ્રેસ ઉતારીને પંખા સામે ઊભો રહી ગયો...

બીજી બાજુ ભોજન શરુ થઇ ગયું હતું એટલે નજીકના સગાં સિવાય સૌ વહાલાઓ ટેબલ ઉપર ગોઠવાઇ ગયા હતા. જીવકોર બા જોઇ રહ્યાં હતાં. નગીન બરોબર આવાજ હતા.. તાપ બીલકુલ ના જીરવાય.

દસેક મીનીટના વિરામ પછી ડ્રેસ પહેરીને વડીલોને પગે લાગવાનું અને ગણપતિનાં સ્થાનકે પગે લાગવાની વીધી પતી. શશીને ભારે રમૂજ થતી હતી. અખંડ સૌભાગ્ય વતી કહેવાનું અને વેવાઇ અને વેવાણને મિઠાઇ ખવડાવવાની વિધિ… લગ્ન બ્રાહ્મ મુહુર્તે પૂરું થયું. સેંથામાં સિંદુર પુરાયું અને વરઘોડીયુ જમવા બેઠું… મસ્તી મજાકનો દોર પત્યો અને વિદાયનો પ્રસંગ આવ્યો. આમ જુઓ તો એક ઘરેથી નીકળીને બીજા ઘરે જવાની જ વાત છે. પણ મનથી જાણે માની નાળેથી છુટા પડતા બાળક જેટલું રડે અને જે વેદના થાય તે વેદના કન્યા વેઠતી હોય છે તેથી કહે છે.

“મા તારા આંગણમાં મારું બાળપણ છોડીને જઉં છું. પણ મા તને મારા ચિત્તમાં સાથે લઈ જઉં છું. બાપુ! તારો સ્નેહ અને દુલાર મારી ઝોળીમાં લઈ જઉં છું અને મારા હાથનાં થાપા થકી કહી જઉં છું મારો કોઇ હક્ક દાવો હોય તો તે તમારો દુલાર ઉપર છે. અને આ થાપા ઝાંખા ભલે પડે પણ આપનો દુલાર ના ઘટે તેવી પ્રાર્થના કરતી જાઉં છું. અને જાનૈયા પક્ષે ઉત્સાહ ઘણો હતો તેથી ગાતા હતા.

અમે ઈડરીયો ગઢ જીત્યા રે આનંદ ભયો….

સાંજે રીસેપ્શન હતું.

છ ગામનાં કોઇ ઘર બાકી નહીં હોય જે લોકો વરઘોડીયાને આશીર્વાદ દેવા ના આવ્યું હોય. શશીને આ ખરચા ગમતા નહોતા પણ જીવકોર બાની એક જ વાત હતી આપણે વહેવાર કર્યા હોય તે પાછા લેવાનો આ સમય છે. વળી કહેનાર કહી પણ જાય કે અમારે ઘેર આવીને ખાઇ ગયા હવે તમારે ત્યાં પ્રસંગ છે ઢીંક ખાઇને ઢીંક મારવાની છે.

રીસેપ્શનમાં ન જાણે કેટલાય જણે આવીને શુભેચ્છાઓ આપી અને સગાઇ બતાવી. પણ હસતું મોં અને શોકેસનાં પૂતળાની જેમ ફોટો પડાવાતા રહ્યાં.

રીસેપ્શન પત્યા પછી હનીમૂન રૂમમાં જ્યારે શશી આવ્યો ત્યારે શરાબમાં ધુત્ત હતો શશીના આ સ્વરૂપે સુશીલા પહેલી રાત કોસતી રહી… ચંપકમામાને અને બાપાને. આ કેવો મુરતિયો છે જે મુરતમાં જ ભાન ખોઇ બેઠો.

પરભુ બાપાનાં સપના.. પૈઠણ અને લગ્નના સપ્તપદીનાં ફેરા તેને સખત આંચકો લાગ્યો હતો. તેની પરણિત જીવનનો પહેલો દિવસ 'હા' અને 'ના'માં અથડાતો રહ્યો… તેનું મન તેને ના પાડતું હતું પણ હૈયામાં ઊંડે ઊંડે આશ હતી… તે જરુર શશીની સાથે નિભાવી લેશે….

ત્યાં ઓ ઓ કરીને શશીએ ઉલટી કરી. રૂમ આખો ગંધાઇ ઉઠ્યો. પણ તેની નશાભરેલી આંખો ના જાગી. સાયકોલોજી ભણેલ સુશીલા બેઉ બાજુ ઝોલા ખાતી હતી. "હા આજે આનંદમાં બહુ પી લીધી હશે…"

ધીમે રહીને તેણે શશીના મોજા અને બૂટ કાઢ્યા. ઉલ્ટીની ગંધાતી ચાદર દૂર કરી. તેનાં કપડાં બદલયાં.

તેને આ બધી સાફ સફાઇ કરતાં ઉબકા આવતા હતા. ત્યાં ફરીથી શશીને ઉબકો આવ્યો. તેનો અવાજ સાંભળીને શ્યામા બેને રુમ ખખડાવ્યું..

રૂમ ખોલતી વખતે શક્ય સ્વસ્થ ચહેરો રાખીને કહ્યું, ”જુઓને તમારા ભાઇ... આજે પણ આટલું પીને આવ્યા?” આજે પણ મુકાયેલો ભાર શ્યામને ડંખ્યો.

દેવેને શશીને ઉંચકીને ખુરસીમાં બેસાડ્યો કે જેથી ફરી કરેલી ઉલટી સાફ કરી શકાય.

શ્યામા માફી માંગતી હોય તેવા અવાજે બોલી, “સુશીલા માફ કરજે એને... પણ એણે આવું ન કરવું જોઈતું હતું.”

“શ્યામા બહેન! સવારનાં નરભેરામ કાકાની સપ્તપદી પ્રતીજ્ઞાઓ રજે રજ યાદ છે તેથી આ આઘાત જીરવી શકાય છે. લગ્નની પહેલી રાતની આ ભેટ આખી જિંદગી ભુલાય તેવી નથી.”

દેવેને સુશીલાને કહ્યું, “તમે બીજા રૂમમાં સુઈ જાવ. તમને આ ગંધ પજવશે.”

ત્યાં જીવકોર બા અગરબત્તી લઇને આવ્યાં. શશી સામે જોયું ત્યારે તેમની આંખોમાંથી સખત ગુસ્સો ટપકતો હતો. “ચાલ સુશીલા તું નીચે સુઇ જજે. આજનાં દિવસે આ કમભાગીયાને માફ કરી દેજે. મને તો તારી સાથે વાત કરતાય લાજ આવે છે.”

“બા, હવે મને શરમમાં ના નાખો. તમે બધા સૂઇ જાવ અગરબત્તી છે એટલે દુર્ગંધ નહીં રહે. હું અહીં જ રહીશ ફરી ઉલટી થાય કે તબિયત બગડે તેથી હું અહીંજ આ સોફા ઉપર સૂઈ જઇશ."

દેવેન અને શ્યામા સુશીલાની વર્તણુંકને માનભરી રીતે જોતાં હતાં.

“રાતનાં બે વાગ્યા છે સવારની ફ્લાઈટ પકડવાની છે એટલે તમે થોડીક ઊંઘ કાઢી લો.” સુશીલાએ બહું વિવેક પૂર્વક કહ્યું.

“ફ્લાય તો તારે પણ થવાનું જ છે ને ભભલડી…” શ્યામા બહેને ટહુકો કર્યો.

“નાની ભાભી તો નાની બેન છે તમે ભાભી નહીં કહો તો ચાલશે દી.”

શશી ઊંઘરેટા અવાજમાં બોલ્યો, "આઈ એમ સોરી સુશીલા...”

જીવકોરબા તાડુકીને બોલ્યાં, “અલ્યા શશીયા તને શરમ ના આવી આજને દિવસે સુશીલા સાથે આવું કરતા?”

“માથું ચક્કર ચક્કર થાય છે છતાં જરા ઠીક લાગ્યું તો પહેલાં તેની જ માફી માંગીને?”

“અમારા બધાની માફી માંગ...” દેવેને ટીખળ કરતા કહ્યું અધરાતે ઓ ઓ કરી બધાને ઉઠાડી દીધાં…

સુશીલા નીચે જઈને બધાં માટે કડક કૉફી લઇને આવી અને શ્યામા શશી માટે લીંબુનું પાણી. ઘડીયાળનો કાંટૉ આગળ વધતો હતો.

પહેલા લીંબૂ પાણી અને પછી કોફી પીધા પછી શશીનાં ચક્ક્કર ઘટયા. દેવેન તેને બાથરૂમમાં લઈ જઈને સાવર નીચે મૂકી આવ્યો ત્યારે ઘડીયાળ ૪નો કાંટો બતાવતો હતો. આમેય સવરની ફ્લાઇટ પકડવા સાડા પાંચે તેઓને નીકળવાનું હતું. સુશીલા નહાવા ગઈ ત્યારે શ્યામા જીવકોરબાને શશીની હાજરીમાં કહેતાં હતાં.

"છોકરી ખુબજ ગુણીયલ અને સમજુ છે તેથી આવી બેજવાબદાર વર્તણૂંકને સહી ગઈ છે. બાકી છોકરીનું આ અપમાન કહેવાય અને તે પણ આખી જિંદગી ના ભુલાય તેવું. હું હોઉં તો રોકકળ કરીને ઘર ભેગી થઈ જઉં." જીવકોરબાએ પણ સંમતિમાં માથું હલાવ્યું

પાંચનાં ટકોરે ડ્રાઇવર આવી ગયો હતો અને મોટી મોટી બેગો ટાટા સુમોમાં મુકાવા માંડી હતી. ધીરીબા અને પરભુ બાપા શુકન કરાવવા આવી પહોંચ્યાં હતાં. આજે મુંબઈ અમેરિકન એમ્બસીમાં લગ્ન રજીસ્ટર કરાવવાનાં હતા. જે કરાવીને રાતની ફ્લાઈટમાં શશી દેવેન અને શ્યામા અમેરિકા જવાના હતા અને જીવકોર બા અને સુશીલા પાછા આવવાનાં હતાં.

જમાઇ બાબુને ઢીલાં જોઇ ધીરીબા ચિંતામાં પડ્યા. ”કેમ તબિયત સારી નથી?”

સુશીલા કહે, "ના બધું સારું છે.” તેનું મન તેને કહેતું હતું કે શશી માનતો હતોને કે લગ્ન જીવનમાં સારો સાથી શોધવા કરતા સારો સાથી બનવું અગત્યનું છે. અને હવે તે તેનો જીવન સાથી છે. અને સપ્તપદીની શરતો મુજબ આજથી જ જીવવાનું શરું થયું છે.

મિઠાઇનાં બોક્ષ હાર તોરા અને કવર સૌને આપીને દહીં ખવડાવી હેપી બૉન્વૉયેજની શુભેચ્છાઓ આપી તેઓની કારમાં સુશીલાને લઈને નીકળ્યા. ટાટ સુમો પાછળ આવતી હતી.

ધીરીબાની ગોદમાં માથું મૂકીને સુશીલા રડી અને બોલી, “બા! કોઇકે તો પાયાનાં પથ્થર બનવું પડેને?”

“બેટા? કેમ આમ બોલે છે?”

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Inspirational