સપ્તપદીના સોણલાં
સપ્તપદીના સોણલાં
"સપ્તપદીની અગ્નિમાં કર્યું સમર્પણ સાથ નિભાવવાનું,
સાત જન્મનાં ફેરામાં સમર્પણ ઈચ્છાઓની બલિદાનોનું,
સમર્પણના ત્યાગમાં સ્વાહા કરી શોખની બલિહારીઓ,
પ્રેમનાં મોહમાં આકર્ષિત સપનાં સોણલાંની આહુતિઓ.'"
હા એવું જ કંઈક હોમી રહી હતી અનાયા સપ્તપદીની અગ્નિમાં, પિતાગૃહે રાજકુમારીની જેમ જીવન વ્યતિત કર્યું હોય, લાડકોડ ભરપૂર માણ્યા હોય, જવાબદારીનું નામનિશાન ના હોય, આનંદ જ સાથે સાથે ફરતો હોય, મુક્ત ગગનનું પંખી જાણે કેદ થવા જઈ રહ્યું હતું પતિગૃહે.
અનાયાને પ્રેમ થઈ ગયો હતો આરવ સાથે, બંનેની કોલેજ તો જુદી હતી. બંને પોતાના દોસ્તોને કાફેમાં મળતા. ત્યાંના ટેબલો કોલેજીયનોની આવન જાવનથી ચિક્કાર રહેતા. અનાયાનાં મિત્રો ત્યાં કોલ કરી દેતા કે અમે આવીએ છે એટલે રિઝર્વનું બોર્ડ મૂકી દેતા, એવું જ આરવનાં મિત્રો પણ કરતાં. બંને ગેંગ સાથે આવતી. એમાં કેટલીય વાર ઝઘડા થયા હતા પણ કડવાશ ભૂલીને મિત્રતાનાં મંડાણ થઈ ચૂક્યા હતા. એમાં અનાયા અને આરવ સૌથી કટ્ટર એકબીજાનાં, પણ એક નાની વાત પર બંને ફિદા થઈ ગયા, બંનેના પ્રેમનો પતંગ હવા સંગ લહેરાવા લાગ્યો અને લગ્નમાં પરિણમ્યો.
અનાયા એવું જ માનતી હતી કે સાસરે જઈએ એટલે પુરી સ્વતંત્રતા છીનવાઈ જાય, વડીલો અને આરવ કહે એમ જ મારે કરવાનું. ઘરમાં આવી પરિસ્થિતિ મમ્મીની જોઈ હતી એમની મરજી મુજબ એ કઈ ન કરી શકે, મોટીબહેનની પણ સાસરે એવી જ હાલત હતી. ઘરમાં સુખ સંપત્તિમાં આળોટતા પાણી માંગે તો દૂધ હાજર, પણ તમારાં શોખ, ઈચ્છાઓનું કોઈ અસ્તિત્વ નહીં. યંત્રવત ચાલવાનું, અનાયા આ બધું જોઈ ચૂકી હતી મનને મનાવી લીધું હતું કે મારે પણ એમ જ રહેવાનું છે.
અનાયાનો ગૃહપ્રવેશ બહુંજ ભવ્યતાથી કર્યો, નાજુક પગની ઠેસ કળશને સ્પર્શીને ચોખા વેરાણા રંગોળી રૂપે. ઘરનો ઉંબરો ઓળગીને અંદર આવી આરવની દિલની રાણી સાથે લાવી સંસ્કારો ને આમાન્યાની લાજ. સપનાઓનું ભાથું પણ ઉચાટથી ભરેલું, પૂરા થશે કે નહીં ?
બીજા દિવસની સવાર અનોખી હતી અનાયાની. નવો માહોલ, નવી દિનચર્યા, નવા વિચારો, નવી રહેણીકરણી, નવા સ્વભાવ, નવા નવા મૂડ સભ્યોના, નવી ખાણીપીણી, એક ઘરથી બીજા ઘરે જાવો એટલે ઘરમૂળથી ફેરફાર દેખાઈ આવે એમાં નવી વહુને સેટ થતાં વાર તો લાગે ? અનાયા મુંઝવણમાં હતી કે શું કરું હવે ! મને સાસુમાં એ કહ્યું હતું કે દસ વાગે તૈયાર થઈને નીચે આવજો તો હું તો આવી ગઈ પણ હવે શું ? સાસુમાં વાત કળી ગયા અને કહ્યું કે આજે તારી પહેલી રસોઈ છે તો તારે કંસાર બનાવાનો છે. અનાયાને તો આવડતો નહતો, મોં પરથી સાફ દેખાઈ આવતું હતું, આરવે પણ કહ્યું હતું કે રસોઈ તારે જ શીખવાડવાની છે. મમ્મીજી પણ મને તો નથી આવડતો ? અનાયાનું બોલવું નિખાલસતાથી મમ્મીજીને ખૂબજ ગમ્યું. અનાયાએ ગોળ ગોળ જવાબ આપ્યા વગર સીધું કહી દીધું આ એનું પહેલું પગથિયું પસાર થયું.
સમયે સમયે સાસુમાં મદદ કરતાં રહેતાં. દરેક વાતમાં અનાયાનો પણ ઓપિનિયન લેવાતો ચાહે ઘરમાં નાની કે મોટી વસ્તુની ખરીદી થતી હોય કે રસોઈની વાત હોય, ટુર માં જવાનું હોય તો કયું સ્થળ વધારે ગમે ? આરવ સાથે બહાર ફરવા જવાનું હોય તો કોઈ રોકટોક નહીં, સાસુમાં મિલનસાર બની રહેતા. અનાયા પર ખૂબ લાગણી રાખતા દીકરી એનું ઘર છોડીને આવી છે તો ખુશ રહેવી જોઈએ. અહીંના વાતાવરણમાં સેટ થવી જોઈએ. હવે તો આજ એનું ઘર છે એને સંભાળવાનું છે. એનું ઘર યાદ ભલે આવે પણ આંખમાં આંસુ ન આવવા જોઈએ. આટલા વર્ષો મા ની મમતાની છાવમાં ને પાપા ના દુલારમાં વિતાવ્યા હોય જવાબદારી વગર અને તમે એકદમ ભાર નાંખો ઘરનો એ કુણું માનસ કેવી રીતે કરી શકે ? એવી પરિસ્થિતિ અનાયાને આપવા માંગતા નહતા. પ્રેમથી એનું દિલ જીતવા માંગતા હતા. તારા સપનાઓનું જ ઘર હશે એવો વિશ્વાસ ઊભો કરવા માંગતા હતા. મોકળાશ પણ અનાયાને ખૂબ મળતી તેથી અહીં ગુલાબની કળીની જેમ ખીલતી ગઈ એની ધારણાં જે લગ્ન પછીની હતી તે આનંદની ક્ષણોથી ભૂંસાતી રહી.
આરવ તો અનાયાને આ રૂપમાં જોઈ ખુશ રહેતો, મમ્મી પણ ખુશ હતી દીકરી પામીને, વહુ તમને માન આપે, અમાન્યા રાખે, તમારી સાથે પ્રેમથી રહે, એકજ ટેબલ પર બેસી હાસ્યની છોળો ઊડતી હોય અને જમણ થતું હોય તો આનાથી બીજી શુભ ઘડી કઈ ?
પારકી દીકરીને પ્રેમ, વ્હાલ, લાગણી, મોકળાશ, વિચારોની આઝાદી આપો જરૂર તમારી દીકરી બની પડખે રહેશે અને કહેશે સારું છે "તમે મમ્મીજી છો એટલે તમને છોડીને હું ક્યાંય નહીં જવું". મમ્મીનાં ઘરેથી જવું પડે.. વહુ હંમેશા દીકરી બનીને જ રહે છે, શરૂનાં વર્ષોમાં એને નવા માહોલમાં સેટ થવા સમય આપો.
"હોમ્યાંતા મેં સપના સપ્તપદીની અગ્નિમાં,
સોનાંની જેમ તપીને આજે ચમકી ઊઠ્યાં."
