સપ્તપદી પ્રતિજ્ઞા
સપ્તપદી પ્રતિજ્ઞા
કિશોરના લગ્ન પંદર વર્ષ પહેલાં રાજનગરના પ્રાણજીવનભાઇની દીકરી કુમારી સાથે થયા હતા. એ વખતે પ્રભુદાસે તેમના દીકરા કિશોરને જલશાબંધ પરણાવ્યો હતો.બંને પક્ષે કોઇ કચાસ રાખી ન હતી. ફટાકડાના અવાજથી જાન આગમનની ચેતવણી આપી. માંડવે પણ ફુલ તૈયારીઓ હતી. વર તોરણે થયો, સાસુએ પોંખીને માંડવામાં લઇ આવ્યા. ફટાણાની રમઝટ વચ્ચે ગોરમહારાજે મંત્રોચ્ચાર ચાલું કર્યા. કન્યાની પધરામણી થઇ. વિધિ વિધાનથી ચાર ફેરા સંપન્ન થયા. ગોરમહારાજે "સપ્તપદી પ્રતિજ્ઞા"ની વિધી ચાલું કરી. કન્યાના પગ આગળ સાત સોપારી મુકી. ગોર મહારાજ એક પછી એક પ્રતિજ્ઞા બોલવાનું ચાલું કર્યું. અને બંન્નેને સમજાવવાની રીત કરી. સાત પ્રતિજ્ઞા પુરી થઇ એટલે વરરાજાએ સાતેય સોપારીને એક સામટી ભેગી કરી અને આ વિધિ પુર્ણ થઇ. અને બંન્ને જણ વચનેથી બંધાયાં. જાનને વિદાય આપી.
કુમારી અને કિશોર તેમના લગ્ન જીવનને બહેતરીન બનાવી જીવવા લાગ્યાં. કોઇ ફરીયાદ જ ન હોય.તેમનું જીવન ખુબ સારી રીતે ચાલવા લાગ્યું. જતે દિવસે કુમારીએ પુત્રને જન્મ આપ્યો. ઘરમાં આનંદ છવાઇ ગયો. કુમારીના સાસુ સસરા પણ આનંદિત થઇ ગયા. કુમારી તેના પતિનો પડ્યો બોલ ઉપાડી લેતી.આવો નિર્દોષ પ્રેમ હતો આ બંનેનો.
"એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી" આ ઉક્તિ જાણે સાચી ઠરી હોય તેમ એક દિવસ કુમારી લકવાની શિકાર બની ગઇ. કમરથી નીચેનો ભાગ કામ કરતો બંધ થઇ ગયો.ડૉકટરો પણ છૂટી પડ્યા. કિશોર કુમારીને ઘેર જ રાખતો અને કુમારીની સેવા કરતો. કુમારીની સવારે શૌચક્રિયાથી લઇને સવારની બધીજ કામગીરી કિશોર કરતો. તેને બીલકુલ સૂગ પણ ન આવતી. તેના માટે જમવાનું પણ કિશોર બનાવતો.તેને જમાડીને પછી તે બા બાપુજીને જમાડતો પછી તે જમીને પછી જ કામ પર જતો. આ નિત્યક્રમ થઇ ગયો હતો. સાંજે ઘેર આવે ત્યારે પણ તે કુમારીની પુછા કરીને બા બાપુજીની પુછા કરતો. પુરા દિલથી સેવા કરતો.
એક દિવસ કુમારીએ કિશોરને કહ્યું, "કિશોર તું વર્ષોથી મારી સેવા કરેછે.તું મને પાપની ભાગીદાર બનાવે છે."
કિશોરે હસીને કહ્યું,"અરે પગલી! આવું શું બોલે છે ? આ સેવા નથી, આતો " સપ્તપદી પ્રતિજ્ઞા "નું પાલન કરું છું. લગ્ન વખતે આપણે બંને જણે જે પ્રતિજ્ઞા લીધી હતી તે તને યાદ છે ? નથી ને ? બસ મને યાદ છે, એટલે જ તો આ ફરજ અદા કરું છું. તેમાં કોઇ નવાઇ નથી કરતો, કદાચ તારી જગ્યાએ હું હોતતો ? તુ મારી સેવા ન કરત ? એક બીજાના સુખમાં સુખી અને દુખમાં દુખી થવાનું જે વચન લીધું હતું તે આજ પુરું થઇ રહ્યું છે. અને તેં મારા પર જે ભરોંસો મુક્યો છે તે ભરોંસાનો હું ક્યારેય ભંગ નહીં કરું. "
કુમારીએ કિશોરની આટલી પતિ ભક્તિ જોઇ ભગવાનનો લાખ લાખ આભાર માનીને કિશોરના ખોળામાં માથું મુકીને સુઇ ગઇ,
