સપનું
સપનું
હેલીના જીવને આજે સવારથી અસુખ લાગ્યા કરતું હતું, કંઈ ચેન પડતું નહોતું. અંતે એને ઉલટી થઈ ગઈ ત્યારે રાહત થઈ. સાધારણ રીતે એને કોઈ દિવસ ઉલટી થતી નહીં એટલે એ વિચારમાં પડી ગઈ. કાલે રાત્રે શું ખાધું હતું ? પણ ના એવું તો ખાસ કંઈ ભારે ખોરાક ખાધો નહોતો. પછી હશે, ચાલ જવા દે. કરી એ કામે લાગી. પછીના બે ચાર દિવસ એ જ પરિસ્થિતિ થઈ. એટલે એણે સાસુને વાત કરી. વાત સાંભળી સુનંદાબેન તો વિચારમાં પડી ગયા. એ સુનંદાને એમના પરિવારના ડૉક્ટર કુસુમબેન પાસે લઈ ગયાં. ડૉક્ટરે જે વાત કરી તે સાંભળીને એમની એક આંખમાં ખુશી તો બીજી આંખમાં દુઃખના આંસુ ધસી આવ્યાં. દાદી બનવાની ખુશી હતી તો સામે મહિના પહેલાં જ વિધવા બનેલી જુવાન વહુ હતી.
ઘરે પહોંચી એમણે હેલીને કહ્યું, "બેટા, ડૉક્ટરે જે કહ્યું તે તેં સાંભળ્યું ને ? હવે તારે વિચાર કરવાનો છે. હજી તારી સામે આખી જિંદગી છે. નિર્ણય તારે લેવાનો છે. હજી તો બે મહિના જ થયા છે. તારે એબોર્શન કરાવવું હોય તો પણ જે તે નિર્ણય લેવા માટે તું સ્વતંત્ર છે."
"મમ્મી, આ શું બોલ્યા ? તમને અમારો ભાર લાગતો હોય તો હું મારા પિયર જતી રહું પણ મારા અને હેમંતની આ આખરી નિશાનીને હું ઊની આંચ પણ નહીં આવવા દઉં."
"ના, બેટા, હેમંતના ગયા પછી પણ તેં પિયર જવાને બદલે અમારી સાથે રહેવાનો નિર્ણય કર્યો. તો અમે કંઈ એટલા નગુણા છીએ કે તને આ હાલતમાં પિયર મોકલી આપીએ? આ તો તું હજી જુવાન છે, તારી સામે આખી જિંદગી પડી છે એટલે મેં કહ્યું."
જોતજોતામાં સાત મહિના તો ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ન પડી. હેલીએ નાનકડી પરીને જન્મ આપ્યો. પરિવારમાં ત્રીજી પેઢીએ દીકરી જન્મી હતી એટલે બધાં ખુશ હતાં. જો કે હેમંતની ગેરહાજરી વર્તાતી હતી પણ ઘરમાં બધાં જ હેલી અને નાનકડી પરીને જરાપણ ઓછું ન આવે એની કાળજી રાખતાં હતાં. રાજાની કુંવરીની જેમ પરી દિવસે ન વધે એટલી રાત્રે વધવા લાગી. હેલી બેન્કની નોકરી સાથે ઘર અને સાસુ સસરાનું પણ ખૂબ ધ્યાન રાખતી. દિવસે તો કામકાજમાં સમય પસાર થઈ જતો પણ રાત્રે ઘણી વાર એ હેમંતની યાદમાં આંસુ સારી લેતી. એકવાર એમણે પોતાના બાળકને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ આપશે એમ નક્કી કર્યું હતું એટલે હેમંત સાથે મળીને વિચારેલાં સપનાને સાકાર કરવાનું એણે બીડું ઝડપ્યું હતું.
હેલીની નોકરી સારી હતી, પૈસાનો કોઈ પ્રશ્ન ન હતો. છતાં એકલા હાથે દીકરીને ઉછેરવાની અને તેમાં પણ બીજા બાળકોને પોતાના પપ્પા સાથે જોતી પરીના સવાલોના જવાબ આપવાનું અઘરું થઈ પડતું. જો કે જેમ જેમ પરી મોટી થતી ગઈ તેમ સમજતી થઈ એટલે પપ્પા માટે પ્રશ્નો પૂછતી બંધ થઈ ગઈ. સમય પસાર થતો ગયો, પરીના દાદાએ વિદાય લીધી. હવે ઘરમાં ત્રણ સ્ત્રીઓ જ રહી ગઈ. પણ પરી ખૂબ સમજદાર અને ઠરેલ છોકરી હતી. કૉલેજમાં એ ભણવા સાથે ઈતર પ્રવૃત્તિમાં ભાગ લેતી પણ બીજા કોઈ લફડામાં પડતી નહીં. પોતાની મમ્મીના બલિદાન અને ત્યાગને એ ભૂલી શકે એમ નહોતી. એમાં પણ જ્યારે એક વાર એ દાદી સાથે એકલી હતી ત્યારે દાદીએ એને હેલીના નિર્ણય વિશે જણાવ્યું હતું. ત્યારથી તો એના માટે મમ્મી પપ્પાનું સ્વપ્ન સાકાર કરવાની ધૂન સવાર થઈ ગઈ હતી.
આજે પરીનું પરિણામ આવવાનું હતું. એની શેમાં વરણી થાય છે તેની તે આતુરતાથી રાહ જોતી હતી. ત્યાં જ એના લેપટોપ પર એક મેસેજ આવ્યો. જે વાંચીને એની આંખોમાં એક ચમક આવી ગઈ. "મમ્મી, દાદી આજના આ માતૃદિનની એક મસ્ત ભેટ હું તમને બંનેને આપું છું. બોલો શું હશે ?"
"મારી દીકરીની એની મનગમતી જગ્યાએ નિમણૂંક થયાના ખબર આવ્યા હશે." હેલીએ કહ્યું.
"મમ્મી, તને કઈ રીતે ખબર પડી ગઈ ?" પરીએ ઉત્સુકતાથી પૂછ્યું.
"બેટા, હું તારી મા છું. તારા સપનાની મારા સિવાય બીજા કોને ખબર હોય ?" હેલીએ પ્રેમથી પરીને વહાલ કરતાં કહ્યું. એની આંખોમાં ખુશીના આંસુ આવી ગયાં. એણે હેમંતના ફોટા પાસે દીવો પ્રગટાવ્યો અને પગે લાગી.
"પપ્પા, તમારું અને મમ્મીનું સપનું આજે પૂરું થયું છે. મમ્મીના તપ અને ત્યાગને હું એળે નહીં જવા દઉં. આજે મારી વરણી કલેકટર તરીકે થઈ છે. હવે તમે મમ્મીની અને દાદીની ચિંતા ન કરશો. આજના માતૃદિને હું તમને એ બંનેની ચિંતામાંથી મુક્ત કરું છું." હેમંતના ફોટા પાસે માથું નમાવીને પરીએ મનોમન પપ્પા સાથે સંવાદ કરી લીધો.
