Bhairvi Maniyar

Inspirational

4.5  

Bhairvi Maniyar

Inspirational

સફળ જીવનનું રહસ્ય

સફળ જીવનનું રહસ્ય

3 mins
297


એક નાનકડો દિકરો જુનિયર કે.જી. માં જતાં જ સૌનો પ્રિય બની જાય છે. ટીચર એને મંત્રોચ્ચાર કરવાનું કહેતાં એનું શુદ્ધ ઉચ્ચારણ સૌનું મન મોહી લેતું.

એ થોડોક મોટો થતાં એની શારીરિક તકલીફને કારણે સહાધ્યાયીઓ દ્વારા ચીડવવામાં આવે છે. એટલે શાળામાં જવાનું બંધ થાય છે. પછી ઘરે ભણીને પરીક્ષા આપવા જવાની મંજૂરી મળે છે.

આઠમા ધોરણથી ફરી વૉકર લઈને શાળાએ જવાનું શરૂ થાય છે. વર્ગમાં જવાબ આપવા એ તત્પર જ હોય. શરૂઆતમાં મિત્રો કંઈ બોલે તો પંજા લડાવે અને જીતે છે. થોડાક જ દિવસમાં મિત્રો મળી જાય છે.

એ કોલેજમાં ભણવા જાય છે, ત્યારે વળી પાછો એ જ પ્રશ્ન ! પરંતુ અહીં એની સાથે સ્કૂલમાં ભણતી છોકરીઓ એની પડખે ઊભી રહે છે. છોકરાઓને ચેલેન્જ કરે છે કે જો તેમાથી એકપણ છોકરો એના પ્રશ્નોના સાચા જવાબ આપી શકે તો એને ખીજવી શકશે. અને હારે તો ખીજવવાનું બંધ. અને છોકરાઓ હારે છે. એની સાથે દોસ્તી કરવા આવે છે. 

હવે તો સૌને એનાં જ્ઞાનનો લાભ મળવા લાગે છે. કોલેજના આચાર્ય તો એને પોતાના મિત્ર તરીકે ઓળખાવે છે. ગુજરાતી માધ્યમમાં ભણેલો હોવાથી સ્પોકન ઇંગ્લિશ, કોમ્પ્યુટર વગેરેના વર્ગમાં જઈને વધુ સજ્જ બને છે. 

અહીં એક ઘટના બને છે. કોલેજના શ્રેષ્ઠ વિદ્યાર્થીની સ્પર્ધામાં ભાગ લે છે. જ્યુરિમાં એક શ્રીમતિ સુધા મૂર્તિ છે. " તમારું ધ્યેય શું ?" એવો સવાલ થતાં એ જવાબ આપે છે, " શબ્દકોશમાંથી 'વિકલાંગ' શબ્દ હટાવીશ. " 

B.Com. થયા બાદ WLC માં MBA માટે લેખિત પરીક્ષા પાસ કરીને ઇન્ટરવ્યૂ આપવા જાય છે. એને પૂછાતા પ્રશ્નોના જવાબની સાથે એ સામે પ્રતિપ્રશ્ન પૂછતો હતો. જ્યૂરિને એ ખૂબ ગમ્યું. અને કહ્યું કે, " અહીં તો અમે ઇન્ટરવ્યૂ આપવા આવ્યાં હોઈએ અને તમે અમારાં પસંદગીકાર હોવ એવું લાગે છે."

થોડાંક વર્ષ બાદ એ M.Com., 

PGDHR - માનવ અધિકાર, 

MJS - જર્નાલિઝમ ભણીને એક મેગેઝિનમાં એડિટર બને છે. અને થોડાક જ સમયમાં એનાં જ્ઞાનની છબી એનાં લખાણો વડે ઘણાને પ્રભાવિત કરે છે.

એક દિવસ જય વસાવડા એક વ્યાખ્યાન દરમિયાન એના વિષે સરસ વર્ણન કરીને એને ઑડિયન્સમાંથી ઊભાં થવા જણાવે છે, ત્યારે જ એની શારીરિક સ્થિતિ વાશે જાણતાં જાહેરમાં એને સન્માને છે.

એકવાર મેગેઝિન આપવા શ્રીમતિ અવંતિકા ગુણવંતનાં ઘરે ગયો ત્યારે જ ગુણવંતભાઈ ને એની સ્થિતિનો ખ્યાલ આવ્યો. પછી તો અવંતિકા બહેને એમને સજોડે બોલાવ્યાં અને દિલ ખોલીને વાતો કરી.

સત્ય સાંઈ વિશેનાં પુસ્તકનું સંકલન અને સંપાદન કરે છે. એ પુસ્તકનાં વિમોચન સમયે એનાં કાર્યનાં ખૂબ વખાણ કરનાર સ્વામીજી જ્યારે એને જુએ છે, ત્યારે બસ નિ:શબ્દ બની જાય છે !

3/12/2016 ના રોજ એક સફળ વ્યક્તિત્વ તરીકે B.M. Institute માં આંતરરાષ્ટ્રીય મહાનુભાવો વચ્ચે એનું સન્માન થાય છે.

એની કલમ જેટલી નમ્ર એટલી જ તેજ પણ હોવાથી ઘણીવાર એને ધમકીઓ પણ મળતી રહે છે. એ એટલીજ દ્રઢતાથી એનો સામનો પણ કરતો રહે છે. 

અને હા, આટલી સુંદર સફરમાં ડગલે ને પગલે અંતરાયો આવતાં રહે એ સ્વાભાવિક છે. એનો સામનો કરવાની હિંમત એણે બાળપણથી કેળવી લીધી છે.

આજે એ અને એની જીવનસંગિની પરિવાર સાથે આનંદમય જીવન જીવે છે.

આપને થશે કે આ કોઈનું જીવનકવન છે. તો પછી એમાં રહસ્ય શું હશે?

આજના સમયમાં વાચન પ્રત્યે રસ-રુચિ ઘટી રહ્યાં છે ત્યારે આ વ્યક્તિત્વની વાચનની ટેવ છેક બાળપણથી અકબંધ રહી છે. એનાં દાદીમા અને નાન-નાની દ્વારા હજાર કરતાં વધુ વાર્તાઓ સાંભળી છે. અને આખો દિવસ એ વડીલોને વાંચતા જોઈને પોતાને વાંચતાં નહોતું આવડતું એટલી નાની વયથી એ પણ પુસ્તક કે છાપાં લઈને સતત જોયા કરતો. અને દરેક ફોટા વિશે સવાલો પૂછતો રહેતો.

એનાં ઘરની લાયબ્રેરીમાં પણ ત્રણચાર હજાર પુસ્તકો છે. ઉપરાંત અભ્યાસ દરમિયાન એણે સી.એન. વિદ્યાલયની લાયબ્રેરીમાંથી મોટાભાગનાં પુસ્તકો વાંચી લીધાં છે.

એને જ્યારે કોઈ લેખ લખવાનો હોય ત્યારે એ જરૂરી બધાં પુસ્તકો વાંચ્યા બાદ જ લખવાનું શરૂ કરે છે, ભલે ને એકનું એક પુસ્તક હોય, એ વાંચી જ લે.

અને એનું શબ્દભંડોળ વધારવામાં એનાં વડીલો સાથે શબ્દોની અંતાક્ષરી વર્ષો સુધી રમતો. જે શબ્દ નવો હોય એનો વારંવાર ઉપયોગ કરી જોતો.

આને કારણે એની યાદશક્તિમાં પણ ખૂબ વધારો થતો રહ્યો. કોઈપણ ધોરણમાં ભણેલો પાઠ પૂછો કે પછી કોઈ પુસ્તકની વાત કરો, એ જે તે પુસ્તકનાં પાનાં નંબર સહિત કહી શકે.

આમ, એણે પેલો 'વિકલાંગ' શબ્દ 'દિવ્યાગ'માં ફેરવી બતાવ્યો. 

તો વાચનની ટેવ પર જે ઇમારત ઊભી છે, તે યુવાનનું નામ જાણવાની તાલાવેલી લાગી છે ને ? ! 

એ છે કુલદીપ મણિયાર, જ્ઞાનનો ખજાનો.

આ ટેવ ઇ-યુગનાં બાળકોમાં પાડીએ તો દર મિનિટે ગૂગલ કરવાને બદલે પોતાનાં મગજની હાર્ડડિસ્ક જ માહિતીનો ખજાનો બની શકે. ખરુંને ? !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational