સફાઈ
સફાઈ
નવરાત્રી પતી ગઈ, પછી દશેરામાં ફાફડા અને જલેબીની ઉજવણી પણ થઈ ગઈ અને હવે અનુપમા દિવાળીના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ. વર્ષો વીતી ગયા, જીવનની ઘટમાળ, એ જ ક્રમ પ્રમાણે ચાલતી રહી અને ચાલવી પણ જોઈએ. જીવન પોતાનામાં જ એક સુંદર અવસર છે જેની ઉજવણી ભરપૂર થવી જ જોઈએ. દરેક ક્ષણ જે પાછી ક્યારે ફરીને નહીં આવે એને ભરપૂર માણ્યા વગર હાથમાંથી કેવી રીતે જવા દેવાય ? અનુપમા પહેલા જ્યારે માતા પિતા ના ઘરે હતી ત્યારે અને પછી પોતાના ઘરે ગઈ, પછી પણ એ જ રીતે દિવાળીમાં ઘરની સાફ સફાઈ થતી. ખૂણેખૂણાથી ધૂળ અને બાવા જાળાં પાડવામાં આવતા, માળિયા પર ચડીને જૂના વાસણો નીચે ઉતારવામાં આવતા. પછી એને ફરી સાફ કરી, ચકાચક કરીને ફરી યથાવત સ્થાને ગોઠવવામાં આવતા.જૂના પટારા નીચે ઉતારીને એમાંથી જુના બ્લેક એન્ડ વાઈટ ફોટાવાળા લગ્ન ના આલ્બમ નીકળતા, તો ક્યાંક જતનથી સાચવી રાખેલા જુના ખાસ લોકોના પત્ર નીકળતા. ક્યાંક લગ્નોના કિંમતી કપડા તો ક્યાંક જૂની કેસેટો નીકળતી. બધું કાળજીપૂર્વક બહાર કાઢીને એના પર જામેલી ધૂળને ખંખેરી ને ફરી પાછી એ વસ્તુઓને ખૂબ જતનથી એના યથાવત સ્થાને ગોઠવવામાં આવતી. ઘર નો એક એક ખૂણો, દરેક દીવાલો સ્વચ્છ અને ચોખ્ખી થઈ જતી. ક્યાંય ગંદકી નું નામ નિશાન ના રહેતું. દિવાળી આવતા સુધીમાં તો આખું ઘર ચોખ્ખું થઈ જતું.
વિચારોમાં મગ્ન અનુપમા એ ઘરના લિવિંગ રૂમના ખૂણામાં પડેલા કબાટમાંથી એક જૂની ફોન નંબર લખવાની ડાયરી બહાર કાઢી, જે જોઈને દર દિવાળીએ ઘરની સાફ સફાઈ કરતી વખતે પુત્રી નિકિતા અનુપમાને કહેતી,"મમ્મી, હવે આ મોબાઇલના જમાનામાં જૂની ડાયરી નું શું કામ ? બધા નંબર તો મોબાઈલમાં સેવ જ છે ને ? હવે ફેક આ ડાયરી ને". જવાબમાં અનુપમા સ્મિત આપીને ફક્ત એટલું જ કહેતી,"શું ખબર ક્યારે એની જરૂર પડે ?"અને ફરી પાછી એ કબાટમાં ગોઠવી દેતી. અને આજે આ મોબાઇલના જમાનામાં પણ કદાચ સાચે અનુપમા ને એ ડાયરીની જરૂર પડી હતી. એ ડાયરીમાં કેટલાય વર્ષો પહેલાના અધૂરા રહેલા સબંધોના સરનામાં હતા તો કેટલાક માત્ર નાની ગાંઠ પડી હોવાથી અટવાયેલા સબંધ ઉકેલની રાહ જોઈ રહ્યા હતા. અનુપમા નાનપણથી જ સાંભળતી આવી હતી કે વર્ષમાં એકવાર દિવાળીના સમયે તો ઘરની સાફ સફાઈ થવી જ જોઈએ. ઘરની સાફ-સફાઇ તો થઈ ગઈ, પણ આ મન ? આ મનનું શું ? આ મનમાં વર્ષોથી પડી રહેલા ઈર્ષા, વેરઝેર, ગુસ્સો અને નફરત જેવા નકારાત્મક લાગણીના ધૂળ અને કચરાનું શું ? એને કઈ રીતે સાફ કરવું? એ તો ક્યારેય કોઈએ શીખવ્યું જ નહીં. આ વર્ષે અનુપમ એ દિવાળીની સાફસફાઇ નિમિત્તે કેટલાય અધૂરા રહેલા સબંધો, જે ક્યાંક ગુસ્સાના કારણે તો ક્યાંક ઈર્ષા ને કારણે તો ક્યાંક વળી અહમ વચ્ચે આવતા ક્યાંક જૂની ડાયરીમાં બંધ થઈ ગયા હતા એ સંબંધોને, એના ઉપર પડી ગયેલી ધૂળ ખંખેરીને ફરી ચમકાવવાના હેતુથી પોતાની ડાયરી ખોલી. અનુપમા એક પછી એક ડાયરીના પાનાં ફેરવતી ગઈ અને જૂના સંબંધો તાજા થતા ગયા. એને સામેથી બધાને ફોન કરીને યાદ કર્યા. ક્યાંક પોતે માફી માંગી લીધી તો ક્યાંક સામેવાળાને માફ કરી દીધા. સામે પક્ષે પણ જાણે ફોનની રાહ જોવાઈ રહી હોય એમ ઉત્સાહપૂર્વક આવકાર મળ્યો. કોઈક જગ્યાએ સામે પક્ષે ગુસ્સો અને અહમ મનમાં યથાવત જ હતા પરંતુ અનુપમા માફી ભર્યા મીઠા શબ્દો એ સામેવાળાના ગુસ્સો અને અહમને ઓગાળી નાખ્યા. મન એકદમ હળવું થઈ ગયું. વર્ષોથી મન પર રહેલી નકારાત્મકતા નો બોજ આટલો વધારે હશે એનો અહેસાસ અનુપમા ને ત્યારે થયો જ્યારે એ બોજ ઉતર્યા પછી રાહતનો અનુભવ થયો. મને એકદમ હળવુંફૂલ જેવું થઈ ગયું. સાફ-સફાઈનો ખરો આનંદનો અનુભવ જીવનમાં પહેલી જ વખત થયો.
નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કર્યા પછી દશેરાનાા દસમા દિવસે મનમાં રહેલા અહમ ના નામના રાવણનો અંતરમાંથી વધ કર્યો ત્યારે જ દિવાળીની સાફ સફાઈ થયાનો ખરો મહિમા સમજાવ્યો !
