સંસારની જંજાળ ગુરુ બોધ
સંસારની જંજાળ ગુરુ બોધ
એક સંતને તેમનો એક વેપારી શિષ્ય અવારનવાર કહેતો રહેતો હતો કે ‘ગુરુજી, મારે આ સંસારની માયા છોડી દેવી છે.’ તે જ્યારે એવું કહેતો ત્યારે દરેક વખતે ગુરુ તેને કહેતા કે ‘તો છોડી દે સંસારની માયા. વિચારે છે શા માટે ?’
શિષ્ય કહેતો કે ‘હજી મારાં સંતાનોને મારી જરૂર છે. તેઓ મને છોડતાં નથી.’
આ રીતે દરેક વખતે શિષ્ય એ બહાનું આપતો રહેતો હતો.
આ રીતે એક વખત તે શિષ્યએ તેના ગુરુને કહ્યું કે ‘ગુરુજી, મારે સંસારની બધી જંજાળ છોડી દેવી છે.’ ગુરુએ તેને કહ્યું કે ‘તો જંજાળ છોડી દે.’
શિષ્યએ એ જ જવાબ આપ્યો કે ‘હું તો ઘણો પ્રયત્ન કરું છું, પણ સંસારની આ જંજાળ મને છોડતી નથી.’
એ વખતે ગુરુ કશું બોલ્યા વિના ઊભા થયા અને તેમની નજીકમાં એક ઝાડ હતું એના થડને વળગી પડ્યા અને તેમણે બૂમાબૂમ કરી મૂકી કે ‘કોઈ મને આ ઝાડથી છોડાવો ! હું આ ઝાડ છોડવા માટે મથી રહ્યો છું, પણ આ ઝાડ મને છોડી રહ્યું નથી ! મને બચાવો નહીં તો આ ઝાડ મને ક્યારેય નહીં છોડે !’
તેમનો શિષ્ય આશ્ર્ચર્યચકિત થઈ ગયો. તે તેમની નજીક દોડી ગયો અને તેણે પૂછ્યું, ‘આ શું કરી રહ્યા છો, ગુરુજી ?’
ગુરુએ કહ્યું, ‘જોને આ ઝાડનું થડ મને વળગ્યું છે, છોડતું જ નથી. હું ક્યારનો કોશિશ કરું છું, પરંતુ હું આ ઝાડના થડમાંથી મુક્ત થઈ શકતો જ નથી. મને છોડાવ આ વૃક્ષની પકડમાંથી !’
શિષ્ય આશ્ર્ચર્યચકિત થઈ ગયો. ઝાડને પકડીને એ ઝાડથી છોડાવવા માટે બૂમો પાડી રહેલા ગુરુને જોઈને તેને હસવું આવી ગયું. તેણે કહ્યું, ‘ગુરુજી, તમારું મગજ તો ઠેકાણે જ છે ને ! ઝાડનું થડ તમને નથી વળગ્યું, તમે ઝાડના થડને વળગ્યા છો ! તમે થડને બે હાથે પકડી રાખ્યું છે. તમે તમારા હાથ છૂટા મૂકી દો એટલે તમે છૂટી જશો.’
ગુરુએ થડ છોડી દીધું અને પછી શિષ્ય સામે જોઈને કહ્યું, ‘ખરેખર આ એટલું જ સહેલું છે ?’
શિષ્ય ખુશ થઈ ગયો કે તેણે ગુરુને પોતે જ્ઞાન આપ્યું. તેણે કહ્યું, ‘હા, ગુરુજી. તમે હાથ છોડી દો એટલે તમે છૂટી જશો.’
ગુરુએ કહ્યું, ‘તો પછી તું સંસારને વળગ્યો છે કે સંસાર તને વળગ્યો છે ? તું તારા બંને હાથ છોડી દે ને ! સંસારની જંજાળ તને નથી વળગી, તું એ જંજાળને વળગ્યો છે. તું છોડી દે એટલે જંજાળ છૂટી જશે !’
