STORYMIRROR

Hina dasa

Tragedy Inspirational

4  

Hina dasa

Tragedy Inspirational

સંપત્તિવાન

સંપત્તિવાન

3 mins
419

આંખોમાં સમયની વ્યાકુળતાને જાકારો, કપાળમાની કરચલીઓ તો જાણે મોરપીંછની કલગી, વાર્ધકયનો રંગ કેશને મનોરમ્ય બનાવવામાં સફળ થઈ રહ્યો હતો. જીભ ને કાન ક્યારેક વળી સાયુજ્ય સ્થાપી ન હતા શકતા. 

મારી સવાર આવી એક સારસબેલડી ને જોઈને થતી. ઉઠવાનું તો વહેલું હોય પણ મને જગાડવાનું કામ આ બંને કરતા. 

હું રોજ સવારે જ્યા ઊભી હોય ત્યાં સામે એક વયોવૃદ્ધ દંપતી શાકભાજી વેચવા બેઠા હોય. ઓળખાણ તો કાંઈ નહીં, પણ મને એ બંનેને જોવા બહુ ગમે, મારી પ્રતીક્ષાને તેઓ કંટાળાજનકમાંથી રસપ્રદ બનાવી દે. 

દાદા બધો વહીવટ કરે, બા તો બસ ટેકો દેવા જ બેઠા હોય એવું લાગે, હાવભાવ કે આંખો ભલે ન કહે પણ બને એકબીજાના પૂરક જોઈ લો. ક્યારેક એકાદ જણ ન આવ્યું હોય ને તો બીજું વહેલું ને અધૂરું શાકભાજી વહેંચીને જતું રહે. 

એકબીજાથી ક્યારેક છૂટવા આપણા હાઈ ક્લાસ સોસાયટીના માણસો એકબીજાને એટલી સ્વતંત્રતા આપી દે છે કે એકબીજાની લાઈફમાં શુંં થયું છે ક્યારેક તો પતિ પત્ની ને પણ જાણ નથી હોતી, જ્યારે આ સાવ સામાન્ય લાગતા માણસો કેટલું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. 

હું રોજ તેમને જોઉં ને એટલે મારો ગર્વ ઉતરી જાય. કેટલી સરળતા બંનેમા. જરાય મોહ નહીં, વ્યાજબી ભાવ હોય ને તાજું શાકભાજી હોય, ખબર છે કે આનાથી જ તેની રોજીરોટી છે તો પણ મોકળા મનના. 

હું રોજ વિચારું કે આજે તો એમની સાથે વાત કરું પણ કાંઈ મેળ પડે નહીં, એ તો આતુર નજરે ગ્રાહકની રાહ જોતા હોય, દરેક પસાર થતી વ્યક્તિ એના માટે તો ભગવાન જ જોઈ લો, અને વર્તન પણ એવું જ કરે હો, કે તમે એના માટે કેટલા મહત્વના છો. 

એક દિવસ તો મેં હિંમત કરી જ લીધી ને પૂછ્યું, 

"દાદા છોકરા શુંં કરે તમારા ? "

તો કહે,

"અરે બેન, એ તો ખબર નહીં કોણ જાણે કયા હશે ?"

એટલી વાત થઈ ત્યાં મારી બસ આવી ગઈ ને હું નીકળી ગઈ. પણ આખો દિવસ ને રાતે પણ મને એ જ દેખાયા. વિચારો તો હજારો આવી ગયા કે એમના છોકરાને શુંં થયું હશે. પણ વિચારોના ઘોડા દોડાવ્યા સિવાય મારી પાસે કોઈ જ વિકલ્પ ન હતો. 

બીજે દિવસે હું થોડી વહેલી નીકળી કે આજે તો પૂરી વાત કરવી જ છે. એ તો હાજર જ હતા વગર ઘડિયાળે પણ સમયસૂચકતા તેમની પાસે હતી. 

ગ્રાહકો હતા એટલે હું નિરાંતે બેઠી હતી, ત્યાં તો દાદા બોલ્યા કે કેમ બેન આજે વહેલા મેં હકારમાં માથું હલાવ્યું. મેં કહ્યું, "દાદા કાલની વાત અધૂરી રહી ગઈ હતી, તમારો દીકરો શુંં કરે? "

જરાય સંકોચ વગર કહે "બેન એને તો ઘરમાંથી કાઢી મૂક્યો."

મેં કહ્યું, "કેમ ?"

તો દાદી બોલ્યા, 

"કપાતરને શું ઘરમાં રાખે."

હવે દાદા બોલ્યા, "અમારે એકનો એક દીકરો હતો. લાડકોડથી ઉછેર્યો એમ તો ન હતું, અમારે વળી લાડકોડ કેવા ! પણ અમે કામે જઈએ એટલે એ એકલો હોય. એટલે અવળે રવાડે ચડી ગયો હશે. અમને તો મોડી ખબર પડી. જુવાન થયો એટલે અમને એમ કે હવે બેસીને રોટલો ખાશુંં. 

એય એવો કામનો હતો. અમને કહે કે બા બાપુ હવે તમે આરામ કરો હું કમાઈશ. અમે તો બહુ રાજી થયા. બસ એના લગન કરી અમારે તો શાંતિથી રે'વુ હતું. 

સારી છોકરી જોઈને પરણાવી પણ દીધો. ભગવાને ફૂલ જેવી દીકરી પણ તેને ત્યાં આપી. બસ હવે તો કોઈ તમન્ના ન'તી. 

સમય પસાર થતો ગયો તેમ છોકરો પીવાના રવાડે ચડ્યો ને ફૂલ જેવી વહુને મારવા લાગ્યો. હું જોઈ ગયો. તે દિ'ની ઘડી ને આજનો દિ, એનું મોઢું જોયું નથી. કાઢી મૂક્યો ઘરમાંથી.

ઘરે બે દીકરીઓ હતી એક વહુ ને બીજી એની દીકરી, એમને પાળવા તો ખરી ને એટલે પાછું કમાવાનું ચાલુ કરી દીધું. 

વહુ ને કહ્યું કે તારે બીજું ઘર કરવું હોય તો તારી દીકરીને અમે સાચવશુંં, પણ એ ન માની, એને છૂટાછેડા અપાવી ને અમારી પાસે જે થોડું હતું તે એ બેય મા દીકરીના નામે કરી દીધું. એટલે પાછળથી કોઈ એમને હેરાન ના કરે."

હું તો અવાચક !

એમને તો જરાય અફસોસ પણ ન હતો. ના નસીબને દોષ આપ્યો કે ના ઈશ્વરને. કેટલી ધીરજ ને ઈમાનદારી !! નૈતિકતાની કેટલી મોટી મિસાલ. 

આંખોમાં જરાય થાક નહીં, ન ઉંમરનો કે ન મુસીબતોનો, સાચા સંપત્તિવાન તો મને મારી સામી બેઠેલી આ બે મૂર્તિઓ લાગી !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy