PRAVIN MAKWANA

Inspirational

3.6  

PRAVIN MAKWANA

Inspirational

સન્નાટો

સન્નાટો

8 mins
188


ઝબકીને મોહિત જાગી ગયો. હજી ઉપરનું વાક્ય એના મનમાં ગુંજી રહ્યું હતું. એને યાદ નહોતું કે સપનામાં આ વાક્ય કોણ બોલી રહ્યું હતું પણ કોઈ એને જ સંબોધીને આ કહી રહ્યું હતું. કોણ હતું એ? નક્કી પેલી ડફોળ રાજવી જ હશે...એણે વિચાર્યું અને ઊભો થઈ ગયો.રાજવીની યાદ આવતા જ મોહિતનું મન અણગમાંથી ભરાઈ ગયું હતું. બ્રશ કરીને એ તૈયાર થયો અને ઑફિસ પહોંચતા પહેલા તો એણે મનમાં દસ વખત નક્કી કર્યું કે આજે એ રાજવીને નોકરીમાંથી કાઢી મૂકશે. જ્યારથી એ આવી છે ત્યારથી નાકમાં દમ કરી નાખ્યો છે. મોહિતને યાદ આવ્યું જે દિવસે એને પોતાની પર્સનલ સેક્રેટરી તરીકે નોકરી પર રાખેલી એ જ દિવસે એણે મોહિતના ટેબલ પર પહોંચી રહેલા કોફીના છઠ્ઠા કપને બ્રેક લગાવી હતી. આટલી બધી કોફી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે એવું રૂપાળું વાક્ય પણ મેસેજ કરી જણાવ્યું હતું. અરે હું એનો બૉસ છું, બાપ નહીં! વાતે વાતે સર આમ નહીં ને તેમ નહીં કરો, માય ફૂટ... એ ઓફિસે પહોંચ્યો ત્યારે રોજની જેમ રાજવી આવી ગઈ હતી અને એની સામે જોઈને સ્મિત કરી રહેલી. મોહિતને એની સામે એક નજર કરતા જ પેલું વાક્ય ફરી સંભળાયું. “તુમ અશુદ્ધ હો, અપવિત્ર હો, સડ ચૂકે હો"એક પળ એને લાગ્યું જાણે એની આંખો આગળ અંધકાર છવાઈ ગયો અને બીજી જ પળે એ સ્વસ્થ હતો. એને હવે રાજવી પર બરાબર ખીજ ચઢી. જેવો એ એની કેબિનમાં પ્રવેશ્યો કે તરત જ રાજવી આજે કરવાના કામનું લીસ્ટ લઈને આવી પહોંચી. મોહિત એ લીસ્ટ તરફ નજર કરી રહ્યો હતો કે રાજવીએ કહ્યું, “સર બે દિવસ બાદ મેડમનો બર્થ ડે આવશે, એમના માટે કોઈ ગિફ્ટ કે ચોકલેટ બુકે બુક કરાવી લઉં?"“હાલ કયા મેડમનો બર્થડે આવે છે?" “સર મેડમ એટલે તમારા વાઇફ." આ વખતની એની હસી જોતા મોહિતને લાગ્યું જાણે એ કહી રહી હતી, તને આટલું પણ યાદ નથી રહેતું. સાવ નક્કામો માણસ છે તું! “મારી વાઇફના બર્થ ડે પર મારે શું કરવું એ મને ખબર છે." “ઓકે સર, સોરી સર." એણે ટેબલ પર પડેલી ફાઈલ ઉઠાવી અને બહાર જવા નીકળી. છેક દરવાજે પહોંચીને એણે પાછળ વળીને કહ્યું, “મિનાઝ ફ્લાવર્સ શોપમાં અત્યારે વીસ પરસંટ ડિસ્કાઉન્ટ ચાલે છે." આટલું કહી એ ચાલી ગઈ.મોહિતને યાદ આવ્યું કે આજે એનો એક મિત્ર આવી રહ્યો હતો અને પોતે એને મળવા જવાનું છે. મિત્રની વાત યાદ આવતા જ એનો મૂડ સુધરી ગયો. ઓફિસના બાકીના કામ ફટાફટ આટોપી એ રાજવીને કંઈ કહ્યા વગર જ નીકળી ગયો. મિત્ર સાથે થોડીક આડીઅવળી વાતો કરી મોહિત રંગમાં આવી ગયો હતો ત્યાં જ રાજવીનો કૉલ આવ્યો. મોહિતે એ કટ કર્યો અને એના મિત્ર સામે જોઈ કહ્યું, “પાંચ મિનિટ રહીને ફરીથી કૉલ આવશે. જો એ કૉલ નહીં લઉં તો પાંચ મિનિટ રહીને બીજો કૉલ અને આ સીલસીલો ચાલુ જ રહેશે જ્યાં સુધી હું એની સાથે વાત નહીં કરું." મોહિતે એનો ફોન ઉઠાવ્યો અને સ્વીચ ઓફ્ફ કર્યો.“અરે પણ આ છે કોણ? તારી વાઈફનો કૉલ આમ કટ કરી દે એટલો તો તું બહાદુર નથી." “એ મારી સેક્રેટરી, કમ નર્સ, કમ કૂક, કમ મા છે યાર!" મોહિતે કહ્યું તો મજાકમાં હતું પણ એના ચહેરાનો માંડ ખીલેલો રંગ પાછો ઉતરી ગયો.“અરે પણ આટલો બધો અકળાઈ શેને જાય છે. રિલેક્સ યાર અને શાંતિથી વાત કર, પ્રોબ્લેમ શું છે?"“પ્રોબ્લેમ. કોઈ એક હોય તો કહું, એ આખેઆખી જ એક પ્રોબ્લેમ છે." મોહિતે ગળામાં લટકતી ટાઇ ખેંચીને ઢીલી કરી, એની સામે પડેલા ગ્લાસમાંથી બે ઘૂંટડા પીધા અને પછી કહ્યું, “જે દિવસે એને જોબ પર રાખી એના ત્રીજા જ દિવસે એણે મને લંચ સમયે પિઝ્ઝા ખાતો જોઈ કહ્યું, ‘સર આ હેલ્થ માટે સારું નથી.' મેં એને ભૂલથી કહી દીધું કે મારી વાઇફ હમણાં થોડા દિવસ પિયર ગઈ છે એટલે ઘરેથી લંચ નહીં આવે. કેન યુ ઇમેજિન, બીજા દિવસે લંચબ્રેકમાં એ મારા ટેબલ પર એક ટિફિન મૂકી ગયેલી. કહે કે જ્યાં સુધી મેડમ પાછા ન આવી જાય ત્યાં સુધી હું તમારા માટે ટિફિન રેડી કરીને લઈ આવીશ, બટ નો પિઝ્ઝા પ્લીઝ."“તું માનીશ મારી ચોખ્ખી અને વારંવાર ના કહેવા છતાં એ છોકરીએ પંદર દિવસ એના હાથનું રાંધેલું મને ખવડાવ્યું. ખાવાનું જો કે ટેસ્ટી હતું પણ મારે પિઝ્ઝા ખાવો હોય તો?"“અને વાત ખાલી એટલી જ નથી. એણે મારી કૉફી ઓછી કરાવડાવી. હું મંગાવું તોય કોફીને બદલે મેસેજ આવે, આજની તમારી કૉફી લિમિટ પૂરી થઈ ગઈ છે કૃપયા હવે બીજા દિવસ સુધી રાહ જુઓ!"“આ જબરું. લાઈક સિરિયસલી બૉસ જોડે ફની મેસેજની આપ લે થઈ શકે પણ આ થોડું વધારે પડતું છે." મોહિતનો મિત્ર હસી પડ્યો.“અરે આ તો કંઈ નથી તને કહું મેં કિન્નરીને માટે મોકલવા કહેલું રોમેન્ટિક કાર્ડ અને ગિફ્ટ એણે કેન્સલ કરી નાખેલું. પાછી મને ઉપદેશ આપતા કહે, સર તમારા વાઇફના રહેતા તમે બીજી કોઈ યુવતી સાથે આટલા ઇન્વોલ્વ થાઓ એ ઠીક નથી. મને એ દિવસે એટલો તો ગુસ્સો આવી ગયેલો એના પર. એને શું ખબર કે કિન્નરી મારા માટે શું છે?"“તું હજી કિન્નરીના ટચમાં છે?"“સટઅપ યાર હવે તું ચાલું ના પડી જતો. છોડ એ વાત, એક બીજી વધારે ઇન્ટ્રેસ્ટિંગ વાત કહું," મોહિત થોડુક મંદ મંદ હસ્યો અને પછી અવાજ થોડો ધીમો રાખી કહે, “તને તો ખબર છે ને નવરા પડીએ ત્યારે આપણે નેટ ઉપર શું જોતા હોય. એક વાર સનીનો હોટ વિડિયો સ્ક્રીન ઉપર હતો અને એ મારી કેબિનમાં આવી ગયેલી.

મેં એને કહ્યું કે હાલ ડિસ્ટર્બ નહીં કર તો એ મને કહે, પ્લીઝ સર પોર્ન વિડિયો જોવું સારું નથી. એ દિમાગ ખરાબ કરી નાખે છે."“એ તો પછી તરત ત્યાંથી ચાલી ગયેલી અને મને ધ્રાસકો પડેલો. સાલું આવી સલાહ એ પણ એક છોકરી આપી જાય. વધારે નવાઈ તો એ વાતે લાગી કે એને ખબર કેવી રીતે પડી ગઈ કે હું મારા લેપટોપમાં શું જોઈ રહ્યો છું? એ પછી તો એણે જૂના જમાનાની ક્લાસિક હિન્દી ફિલ્મોનું એક લિસ્ટ મને મોકલી આપેલું અને કહે મારધાડ વાળી, ગંદા દ્રશ્યો વાળી સિરીઝ જોવાથી માનવ મન પર વિપરીત અસર પડે છે સર, તમે આ લિસ્ટમાં આપેલી ફિલ્મ જુઓ એનાથી તમને સારું લાગશે."“હવે તું જ કહે હું કંઈ નાનો કીકલો છું મને ખબર નથી પડતી કે મારે શું જોવું અને શું ના જોવું જોઈએ અને એ છે કોણ મને આવી સલાહ આપવા વાળી? આટલો જુલમ તો સાલું મારી વાઇફ પણ મારા પર નથી કરતી."“મને કેમ એવું લાગે છે કે એ તારા પ્રત્યે આકર્ષાઈ છે. બીજું બધું છોડ એ કહે કે રાજવી દેખાવમાં કેવી છે?"“ઠીક છે, આઇ મીન સારી કહી શકાય, પણ તું જેવું વિચારે છે એવું કંઈ નથી અને જો ભાઈ એ મને સેક્સ કેવી રીતે કરવો જોઈએ એને લગતી સલાહ આપવા લાગશે તો સાચું કહું છું હું સુસાઈડ કરી લઈશ." “છોડ યાર એ ટોપિક જવા દે. ઑફિસ વર્કમાં એ કેવી છે?"“એનું કામ તો એ સરસ રીતે કરી જ લે છે પણ એના મારા પર લદાતા રેસ્ત્રિક્શન મને પરેશાન કરી મૂકે છે." મોહિત આ કહી રહ્યો હતો અને અચાનક એને યાદ આવ્યું, પેલું વાક્ય જે એને સપનામાં સંભળાયેલું એ એણે કોઈ હોરર ફિલ્મમાં સાંભળ્યું હતું. રાજવી કહેતી હતી કે તમારા બેક ઓફ માઈન્ડમાં તમે જે જુઓ છો, સાંભળો છો એ બધું તમારી જાણ બહાર ચાલતું હોય છે... બંને મિત્રો પછી બીજા ટોપિક પર વાતે વળગ્યા, ડિનર કર્યું અને રાતના લેટ મોહિત ઘરે પાછો ફર્યો.બીજે દિવસે એ ઑફિસ પહોંચ્યો ત્યારે રાજવી ત્યાં હાજર નહોતી. જેવો એ એની કેબિનમાં જઈને બેઠો કે તરત એક અજાણી છોકરીએ અંદર આવી એક કવર આપ્યું. બરાબર એ જ સમયે મોહિતના ફોનમાં એક મેસેજ આવ્યો. રાજવીનો મેસેજ હતો. પેલી યુવતી પાસેથી કવર લઈ મોહિતે એને બહાર જવા કહ્યું અને એણે કવર ફોડ્યુ. થોડાં દિવસોથી એની તબિયત ખરાબ હતી, આંખે અંધારા આવી જતા હતા અને ભયંકર એસિડિટી, એણે ડોકટરની મુલાકાત લીધી હતી. એમણે જે કેટલાક ટેસ્ટ કરાવેલા એનો જ આ રિપોર્ટ હતો. એણે એક નજર એ રિપોર્ટ તરફ નાંખી અને આ શું...? એને ડાયાબિટીસ હતો. બ્લડ સુગર લેવલ ખૂબ વધારે રહેતું હતું. બીપી પણ કંટ્રોલમાં નહોતું અને તાત્કાલિક સાવચેતી ના રાખે તો...

બીજું બધું પણ જે મીનીમમ અને મેક્સીમામ હોવું જોઈએ એ એના જોઈતા પ્રમાણમાં નહોતું. એને થયું કે ડૉકટર સાથે વાત કરવી પડશે. ડૉકટર સાથે એપોઇન્ટમેંટ ફિક્સ કરવા રાજવી યાદ આવી. એણે ટેબલના ખૂણે આવેલું બટન દબાવ્યું અને રાજવીની જગ્યાએ ફરી પેલી અજાણી યુવતી અંદર આવી.“તું કોણ છે અને રાજવી ક્યાં છે?" “સર હું વનિતા, આજથી રાજવીની જગ્યાએ હું..., રાજવી એ તમને મેસેજ કરેલો," એ યુવતીએ સહેજ સંકોચ સાથે કહ્યું. “કાલે એણે તમને કૉલ કરવાનો ટ્રાય કરેલો પણ તમારો ફોન બંધ આવતો હતો."હવે જ મોહિતને યાદ આવ્યું કે એણે રાજવીનો મેસેજ નથી જોયો. એણે ફોન લીધો અને મેસેજ પર નજર ફેરવી. રાજવી: ગુડ મોર્નિંગ સર હેવ અ ગ્રેટ ડે અહેડ માફ કરશો તમને વાત કર્યા વગર જ મારે જવું પડે એમ છે. મારા જૂના બૉસ, જેમને ત્યાં હું પહેલાં કામ કરતી હતી એ હવે યુએસથી પાછા આવી ગયા છે અને એમણે નક્કી કર્યું છે એ હવે અહીં જ રહેશે. એમની તબિયત ઠીક નથી, કદાચ માઇલ્ડ એટેક આવી ગયેલો. એ હાલ હોસ્પિટલમાં દાખલ છે. એમના વાઇફ ખૂબ ડરી ગયા હતા અને એમણે મને ફોન કર્યો એટલે મારે તાત્કાલિક જવું પડ્યું. તમને તકલીફ ના પડે એટલે એક છોકરીને મારી જગ્યાએ મૂકતી જાઉં છું. જ્યાં સુધી તમે નવી સેક્રેટરી નહીં શોધી લો એ કામ સંભાળી લેશે. હું ફરીથી મી.પારેખને ત્યાં જોબ કરું એવી એમની ઈચ્છા છે અને મને લાગે છે કે એ જ સારું રહેશે. વાતે વાતે કેર કરવાની મારી ટેવ તમને પસંદ નથી પણ અહીંયા મારા બૉસને મારી એ આદત ગમે છે.હું અનાથાલયમાં ઉછરી છું સર અને પરિવારની કિંમત શું હોય એ ખૂબ સારી રીતે જાણું છું એટલે જ જ્યારે પણ લાગ્યું કે તમે કાંઈક ગલત કરી રહ્યા છો ત્યારે તમારા ગુસ્સાની પરવા કર્યા વગર મેં તમને ટોક્યા હતા. હું તમારી અંગત સેક્રેટરી હતી સર અને તમે ઓફિસમાં સરસ રીતે કામ કરી શકો એ માટે તમારી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ સારી રહે એની પરવા કરવાની મારી ફરજ અદા કરતી હતી. જાણે અજાણે મેં તમને હર્ટ કર્યા હોય તો આઇમ્ સોરી! ક્યારેક મારી જરૂર પડે તો આ નંબર પર જ એક મેસેજ કરી દેજો હું તમારો સંપર્ક કરીશ. તમે ખૂબ સારા બૉસ છો સર, હંમેશા એવા જ રહેજો. ટેક કેરગુડ બાયરાજવી ગાંધી.અચાનક મોહિતને લાગ્યું જાણે એની કેબિનમાં સન્નાટો છવાઈ ગયો છે. જે છોકરીથી પીંછો છોડાવવા એ ગઈ કાલ રાત સુધી શું કરી શકાય એમ વિચારી રહ્યો હતો એ આજે સામેથી ચાલી ગઈ હતી અને તોય ખબર નહીં કેમ પણ એને ખુશી નહોતી થઈ રહી. રાજવીનું છેલ્લું વાક્ય, તમે ખૂબ સારા બૉસ છો, એ હજી એના મનમાં પડઘાઈ રહ્યું હતું અને કોઈ એની અંદરથી જ બોલી રહ્યું હતું, “તુમ અશુદ્ધ હો, અપવિત્ર હો, સડ ચૂકે હો"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational