સંકલ્પ
સંકલ્પ
આજે શાળામાં શિક્ષકો- વાલીઓ ની મુલાકાત રાખવામાં આવી હતી. બધા જ શિક્ષકો એક કતારમાં પોતાના વિષયના ક્રમ પ્રમાણે ખુરશી- ટેબલ પર બેઠા હતા. વારાફરતી બધાં જ વાલીઓ પોતાના બાળકોને લઈને દરેક વિષયનાં જે તે શિક્ષકને મળીને પોતાના બાળકોની પ્રગતિ વિશે પૂછતાં હતાં.
નિયતિ બહેન પણ આજ શાળામાં વિજ્ઞાન વિષયના શિક્ષિકા હતાં. જયારે પરમ ના પપ્પા પરાગભાઈ નિયતિ બહેન ને મળ્યા તો એમણે પરમની ફરિયાદ અને તેના અભ્યાસ વિશે તો પૂછ્યું પણ સાથે સાથે એક રજૂઆત કરી કે બેન, તમારી શાળામાં અમારા જેવા ગરીબોના છોકરાઓ માટે મફત ટ્યુશનનાં વર્ગો ના ચાલુ કરી શકો ? કેમકે અમને મોંઘા ટ્યુશન ક્લાસ ની ફી પોષાતી નથી. આ સાંભળી ને નિયતિ બહેને સંકલ્પ કર્યો કે તે ચોક્કસ આચાર્ય સાહેબને વાત કરી ને મફત ટ્યુશન ક્લાસ, પોતાની શાળામાં ચાલુ કરાવી ને જ રહેશે.
નિયતિ બહેનનો પ્રસ્તાવ આચાર્ય સાહેબને પસંદ તો પડ્યો પણ તેમને મૂંઝવણ થઈ કે મફત ટ્યુશન આપવા ક્યા શિક્ષકો તૈયાર થશે ? નિયતિ બહેને તેનો ઉકેલ પણ બતાવ્યો કે જો દરેક વિષયનાં શિક્ષકો ને ફરજિયાત અઠવાડિયામાં એક વાર એક કલાક બોલાવવામાં આવે ને બદલામાં તેમને આવવા-જવાનુ ભાડું આપીએ તો કોઈ ના નહીં પાડી શકે.
આચાર્ય સાહેબે નિયતિ બહેન ને મફત ટ્યુશન ક્લાસનાં સંચાલક બનાવ્યા. નિયતિ બહેને અભ્યાસમાં નબળાં વિદ્યાર્થીઓને મફત ટ્યુશન ક્લાસમાં આવવા પ્રોત્સાહિત કર્યા ને આમ તેમનો સંકલ્પ પૂર્ણ થયો.
