STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

સંકલ્પ સિદ્ધિ

સંકલ્પ સિદ્ધિ

4 mins
4

"મંત્રોના ધુમાડામાં અગ્નિદેવ ન મળ્યા, પણ મસ્તકની બલિદાનની એક ધારે સ્વયં વિધાતાને ઝુકાવી દીધા; જાણો કેવી રીતે વિક્રમાદિત્યના એક અચળ સંકલ્પથી વિપ્રનો હોમાયેલો વિશ્વાસ પુનઃ જીવંત થયો!"





ઘણા સમય પહેલાંની આ વાત છે. એક શાંત, પવિત્ર અને હરિયાળા વનની મધ્યમાં આહુતિઓનો ધુમાડો આકાશ તરફ ઊંચે જઈ રહ્યો હતો. એક બ્રાહ્મણ પોતાના મનોરથની સિદ્ધિ અર્થે દિવસોથી અહોરાત્ર એક મહાયજ્ઞ કરી રહ્યો હતો. તે જપ, તપ અને આહુતિઓમાં કોઈ કસર છોડતો નહોતો. પરંતુ, દિવસો વીતતા ગયા અને અગ્નિદેવના પ્રત્યક્ષ દર્શન ન થયા.

જેમ જેમ સમય વિતતો ગયો, તેમ તેમ બ્રાહ્મણના હૃદયમાં આશાનું સ્થાન નિરાશાએ અને શ્રદ્ધાનું સ્થાન સંશયે લઈ લીધું. મંત્રઉચ્ચારણમાં પહેલાં જે શ્રદ્ધાનો નિનાદ હતો, તે હવે માત્ર એક યાંત્રિક વિધિ બનીને રહી ગયો હતો. તેના ચહેરાનું તેજ હણાઈ ગયું હતું. હૃદયમાં દ્રઢતા વગરની ભક્તિ માત્ર કાયાકષ્ટ સમાન બની ગઈ હતી.


अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति।

नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः॥ (શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૪.૪૦)



અજ્ઞાની, શ્રદ્ધાહીન અને સંશયયુક્ત મન વાળા મનુષ્યનો વિનાશ થાય છે. સંશયી પુરુષ માટે નથી આ લોકમાં સુખ, નથી પરલોકમાં કે નથી ક્યાંય શાંતિ.


અનેક દિવસોના અથાક પરિશ્રમ છતાં અગ્નિદેવ પ્રગટ ન થતાં, બ્રાહ્મણ ભારે દુઃખ સાથે યજ્ઞવેદી પાસે બેસી રહ્યો. તેનું મોં ઉતરી ગયું હતું.

બરાબર એ જ સમયે, તે વનમાર્ગ પરથી ઉજ્જૈન ના તેજસ્વી અને ન્યાયપ્રિય સમ્રાટ રાજા વિક્રમાદિત્ય પસાર થઈ રહ્યા હતા. પ્રજાના સુખ-દુઃખથી સદા જાગરૂક રહેનારા વિક્રમાદિત્યની નજર આ ઉદાસ બ્રાહ્મણ પર પડી. તે રથ પરથી ઊતરીને બ્રાહ્મણ પાસે આવ્યા અને વિનમ્રભાવે પૂછ્યું:

"બ્રાહ્મણદેવ! પ્રણામ. આપના મુખ પર આટલી વિષાદની છાયા કેમ છે? આપ આટલા ઉદાસ અને નિરાશ કેમ દેખાઓ છો?"


બ્રાહ્મણે ઊંડો નિસાસો નાખતા કહ્યું: "હું કેટલાય દિવસોથી આઠે પહર યજ્ઞમાં આહુતિઓ આપી રહ્યો છું, પરંતુ અગ્નિદેવ મારા પર પ્રસન્ન થયા નથી. મને હજુ સુધી તેમના પ્રત્યક્ષ દર્શન થયા નથી. મારી સઘળી સાધના વ્યર્થ ગઈ હોય તેમ લાગે છે."


રાજા વિક્રમાદિત્ય બ્રાહ્મણની મનોદશા સમજી ગયા. તેમણે સ્મિત સાથે કહ્યું: "હે વિપ્રદેવ! યજ્ઞ માત્ર સામગ્રીઓ અને મંત્રોથી નથી થતો. દ્રઢ સંકલ્પ વગરનો યજ્ઞ તો માત્ર અગ્નિમાં ધુમાડો કરવાનો વ્યાપાર છે! યજ્ઞ તો આવી રીતે કરાય જ નહીં."


બ્રાહ્મણે આશ્ચર્યથી પૂછ્યું: "તો પછી સાચો યજ્ઞ કેવી રીતે કરાય, રાજન?"


તે જ ક્ષણે રાજા વિક્રમાદિત્યના ચહેરા પર એક અલૌકિક તેજ પથરાઈ ગયું. તેમની આંખોમાં અચળ શ્રદ્ધા અને અદમ્ય આત્મવિશ્વાસની જ્વાળા પ્રજ્વલિત થઈ ઊઠી. તેમણે ત્વરિત પોતાની મ્યાનમાંથી ઝબકારા મારતી તલવાર બહાર ખેંચી અને યજ્ઞવેદી સમક્ષ ઊભા રહીને મહાસંકલ્પ લીધો: "હે અગ્નિદેવ! જો આજે સંધ્યાકાળ સુધીમાં આપ પ્રત્યક્ષ પ્રગટ થઈને દર્શન નહીં આપો, તો હું આ જ તલવારથી મારૂં મસ્તક કાપીને આપના ચરણોમાં હોમી દઈશ!"


"હિંમતે માનવ  તો મદદે દેવ "

"નિશ્ચય એ જ વિજયની ચાવી છે."


વિક્રમાદિત્ય યજ્ઞવેદી પાસે બેઠા. તેમણે પૂર્ણ એકાગ્રતા, સમર્પણ અને દ્રઢ સંકલ્પ સાથે અગ્નિમાં માત્ર કેટલીક જ આહુતિઓ આપી. હજુ તો ત્રીજી-ચોથી આહુતિ સમર્પિત થઈ જ હતી ત્યાં તો આખો આશ્રમ દિવ્ય પ્રકાશાપુંજથી ઝળહળી ઊઠ્યો. સ્વયં અગ્નિદેવ યજ્ઞકુંડમાંથી પ્રત્યક્ષ પ્રગટ થયા!


અગ્નિદેવે અત્યંત પ્રસન્ન થઈને કહ્યું: "હે રાજન! તારા અસીમ સાહસ અને દ્રઢ સંકલ્પથી હું અતિ પ્રસન્ન છું. માંગ, તારે જે વરદાન જોઈતું હોય તે માંગ!"


પરંતુ નિઃસ્વાર્થ અને પરોપકારી વિક્રમાદિત્યે પોતાના માટે કંઈ ન માગ્યું. તેમણે જોડેલા હાથ સાથે અગ્નિદેવને કહ્યું: "હે પ્રભુ! જો આપ મારા પર પ્રસન્ન હો તો આ બ્રાહ્મણદેવની ઈચ્છા પૂર્ણ કરો અને એમની મનોકામના સિદ્ધ કરો."


આ જોઈને બ્રાહ્મણ સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં એકીસાથે શ્રદ્ધા, આશ્ચર્ય અને જિજ્ઞાસાનો વિસ્ફોટ થયો. તે અગ્નિદેવના ચરણોમાં નમી પડ્યો અને વ્યાકુળ થઈને પૂછ્યું: "હે દેવ! મેં દિવસો સુધી જપ કર્યા, કઠોર પરિશ્રમ કર્યો, છતાં આપ પ્રગટ ન થયા. અને આ રાજાએ ક્ષણભરમાં માત્ર કેટલીક આહુતિઓ આપી ત્યાં આપ પ્રગટ થઈ ગયા! આ પક્ષપાત કેમ? મારી સાધનામાં એવી તે કઈ ઊણપ હતી?"


ત્યારે ભગવાન અગ્નિદેવે અત્યંત મધુર પરંતુ ગંભીર વાણીમાં કહ્યું:


प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः।

विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारब्धमुत्तमजना न परित्यजन्ति॥ (ભર્તૃહરિ - નીતિશતક)

નીચ (નબળી મનોદશાવાળા) લોકો વિઘ્નો આવશે એવા ભયથી કોઈ સારું કાર્ય શરૂ જ કરતા નથી.મધ્યમ કક્ષાના લોકો કાર્ય તો શરૂ કરે છે, પરંતુ વચ્ચે વિઘ્નો, મુશ્કેલીઓ કે નિષ્ફળતા આવે ત્યારે તે કાર્ય અધવચ્ચે જ છોડી દે છે.પરંતુ ઉત્તમ પુરુષો વારંવાર વિઘ્નો, અવરોધો અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડે તો પણ, પોતાના શરૂ કરેલા કાર્યનો ક્યારેય ત્યાગ કરતા નથી. તેઓ ધૈર્ય, દૃઢ સંકલ્પ અને અવિરત પ્રયત્નથી અંતે સફળતા પ્રાપ્ત કરે છે.

અગ્નિદેવે આગળ ઉમેર્યું: "હે વિપ્ર! તારી સાધનામાં આહુતિઓ તો હતી, પણ પ્રાણ પૂરનારો 'અચળ સંકલ્પ' નહોતો. તું માત્ર મંત્રો બોલતો હતો, પણ તારું મન સંશયથી ઘેરાયેલું હતું. જ્યારે રાજા વિક્રમાદિત્યે પોતાના પ્રાણની બાજી લગાવી દીધી. તેમણે જે કર્યું તે દ્રઢતા, એકાગ્રતા અને પૂર્ણ લગનથી કર્યું. દ્રઢ સંકલ્પ જ સાચા યજ્ઞનું આત્મા છે."


કાયર મનથી અગ્નિ કદી પ્રગટે નહીં,

માત્ર મંત્ર બોલ્યે દેવ કદી રીઝે નહીં;

શ્રદ્ધાનો જ્યાં હોમ થાય અચળ સંકલ્પથી,

વિધાતા પણ વરદાન દેતાં ખચકાય નહીં!


યજ્ઞવેદીની જ્વાળાઓ વધુ દિવ્ય બની રહી. બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે સમજી લીધું કે શ્રદ્ધા વગરનો જપ અને સંકલ્પ વગરનું તપ ફોગટ છે.


"મન હોય તો માળવે જવાય"

"આત્મવિશ્વાસ એ જ સફળતાનો પાયો છે."


मनसा चिन्तितं कार्यं वाचा नैव प्रकाशयेत्।

मन्त्रवद् रक्षयेद् गूढं कार्ये चापि नियोजयेत्॥ (ચાણક્ય નીતિ)


મનમાં વિચારેલા કાર્યને વાણી દ્વારા પ્રગટ ન કરવું જોઈએ. તેને મંત્રની જેમ ગુપ્ત રાખીને પૂર્ણ દ્રઢતા અને નિષ્ઠા સાથે આચરણમાં મૂકવું જોઈએ. વિક્રમાદિત્યના અપ્રતિમ ત્યાગ અને દ્રઢ સંકલ્પને કારણે બ્રાહ્મણનો યજ્ઞ સફળ થયો અને તેને ઇચ્છિત ફળ પ્રાપ્ત થયું.

કોઈપણ સતકર્મ કે મહાન કાર્ય હાથમાં લેતાં પહેલાં હૃદયમાં અચળ દ્રઢ સંકલ્પ હોવો અનિવાર્ય છે.


अनिर्वेदः श्रियो मूलम् अचलम् सुखमेव च। (વિદુર નીતિ)

 

ઉદાસીનતા કે હિંમત ન હારવી (ઉત્સાહ અને દ્રઢતા જાળવી રાખવી) એ જ સમૃદ્ધિ અને અવિચળ સુખનું મૂળ છે.








 

 




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational