STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

એકતાનો ક્ષય

એકતાનો ક્ષય

5 mins
3

તૂટેલી એકતાની કરુણ કથા: જ્યારે સંગઠનનો તંતુ તૂટે છે, ત્યારે પરકોટીનો એક જ લાઠો ચારેય વિજેતાઓને ધૂળ ચાટતા કરી દે છે!





એક નિર્મળ અને રળિયામણા ગામમાં ચાર મિત્રો રહેતા હતા. એક બ્રાહ્મણ, એક ઠાકોર, એક વાણિયો અને નાઈ. આ ચારેય વચ્ચે એટલો તો અઢળક સ્નેહ અને અતૂટ પ્રેમ હતો કે ગામ આખામાં એમની એકતાના છાપરે પોકારીને વખાણ થતા. ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં કે નવી યોજનાઓ ઘડતાં—ચારેય ક્ષણભર પણ એકબીજાથી અલગ ન થતા. જાતિ કે વર્ણનો ભેદ તો એમના સ્નેહના સમુદ્રમાં ક્યાંય વિલીન થઈ ગયો હતો.


एकं ह्येव विशिष्येत मित्रं धर्मसमन्वितम्।

मृतोऽपि न जहाति यद् दुःखेन याति सह क्षयम्॥

 

ધર્મથી જોડાયેલો એક સાચો મિત્ર જ શ્રેષ્ઠ છે, જે મૃત્યુ પછી પણ સાથ નથી છોડતો અને સુખ-દુઃખમાં સદા સાથે રહે છે.


પણ અરેરે! લોભ અને ધૂર્તતા જ્યારે વિવેકને ઢાંકી દે છે, ત્યારે માણસ પોતાની શક્તિનો દુરુપયોગ કરવા લાગે છે. આ ચારેય મિત્રો પોતાની મજબૂત એકતાના અહંકારમાં અંધ બની ગયા. ગામના ગરીબ ખેડૂતોના ખેતરોમાંથી ગમે ત્યારે લીલાછમ શેરડીના સાઠાઓ કે ચણાના છોડ ઉપાડીને આરોપવા એ એમનો રોજિંદો ક્રમ બની ગયો.

એક સોહામણી બપોરે, ચારેય જણાએ ગામના એક પરિશ્રમી ખેડૂતના ખેતરમાં ઘૂસીને ચણાના લીલાછમ ઝાડવાં મૂળમાંથી ઉખાડી નાખ્યા. ખેતરના એક ખૂણે છાંયડે બેસીને, મુક્ત મને હસતાં-હસતાં એ હરિયાળી ફળીઓનો સ્વાદ માણી રહ્યા હતા.

બરાબર એ જ સમયે ખેતરનો માલિક ત્યાં આવી પહોંચ્યો. પોતાના રક્ત-સિંચિત પાકની આ દશા જોઈને એનું લોહી ઉકળી ઊઠ્યું. એના હાથમાં મજબૂત કાઠિયાવાડી લાઠી હતી. મન તો થયું કે હમણાં જ આ ચારેયના હાડકાં ભાંગી નાખું, પરંતુ ખેડૂત માત્ર પરિશ્રમી જ નહીં, પણ ચતુર અને નીતિશાસ્ત્રનો જ્ઞાતા પણ હતો. તેણે વિચાર્યું કે—'એકલો માણસ ચાર બળવાન યુવાનો સામે લડી ન શકે. અત્યારે ક્રોધ નહીં, પણ નીતિ કામ લાગશે.'


उपायेन हि यच्छक्यं न तच्छक्यं पराक्रमैः। ચાણક્યનીતિ

 

જે કામ બુદ્ધિશાળી ઉપાય કે યુક્તિથી થઈ શકે છે, તે કેવળ શારીરિક પરાક્રમ કે બળથી થઈ શકતું નથી.


ખેડૂતે પોતાના મનમાં એક અદ્ભુત યુક્તિ રચી. તે અત્યંત નમ્રતા અને વિનયનો બુરખો ઓઢીને ચારેય મિત્રો પાસે ગયો. તેણે સહજ ભાવે બ્રાહ્મણના ચરણ સ્પર્શ કર્યા, ઠાકોર સાહેબને ઝૂકીને પ્રણામ કર્યા, વાણિયા મહાજનને મીઠા રામ-રામ કર્યા અને પછી નાઈ તરફ ફરીને કડકાઈથી બોલ્યો: "અરે ભાઈ નાઈ! જરા વિચાર તો કર! આ બ્રાહ્મણ દેવ તો ભૂદેવ કહેવાય, એમનો તો પૂજામાં અધિકાર છે. ઠાકોર સાહેબ આપણા અન્નદાતા અને રક્ષક છે. અને મહાજન તો આખા ગામને અડધા પડધે નાણાં ધીરીને નભાવે છે. આ ત્રણેય તો સમાજના શ્રેષ્ઠ પુરુષો છે. એમણે મારા ખેતરમાંથી ચણા ઉખાડ્યા તો ઉખાડ્યા, પણ તું? તું તો સાધારણ નાઈ થઈને આ પૂજનીય પુરુષોની હરોળમાં બેસીને ચોરી કરે છે?"


આટલું બોલીને ખેડૂતે પૂરા તાકાતથી નાઈના વાંસામાં બે-ત્રણ સણસણતા લાઠા ઝીંકી દીધા!

નાઈ ચીસો પાડતો રહ્યો, પણ બાકીના ત્રણેય મિત્રો મૌન રહ્યા. એમણે વિચાર્યું—'ખેડૂત વાત તો સાચી કરે છે! આપણી પ્રશંસા થઈ રહી છે તો આપણે શા માટે વચ્ચે પડવું?'


“સ્વાર્થ આગળ સગપણ ભૂલાય.”


નાઈને બરાબરનો પાઠ ભણાવ્યા પછી, ખેડૂત હવે વાણિયા તરફ ફર્યો. એણે ભવાં ચડાવીને કહ્યું: "ઓ સેઠજી! તમે તમારા ઘરમાં સાહુકાર હશો. પંડિતજી કે ઠાકોર સાહેબ જેવા પૂજનીય તો નથી ને? તમારી આટલી હિંમત કે આ ગંગા-જમના જેવી જોડી સાથે બેસીને તમે પારકા ખેતરમાં ડાડો મારો?"


આટલું કહી ખેડૂતે પોતાની લાઠી વાણિયાની પીઠ પર વીંઝી દીધી. વાણિયો કણસવા લાગ્યો, પણ પંડિતજી અને ઠાકોરે ચુપકીદી સાધી રાખી. એમને લાગ્યું કે સજા તો માત્ર વાણિયાને જ મળી રહી છે.


પોતાના અધર્મ અને સ્વાર્થનું ફળ વાણિયાને મળી ચૂક્યું હતું. હવે ખેડૂતે ઠાકોર તરફ નજર કરી. એણે ગંભીર અવાજે કહ્યું: "ઠાકોર સાહેબ! આપ તો ક્ષત્રિય છો, દેશ અને ગામના રક્ષક છો. રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા ક્યાં જાય? પંડિતજીની વાત તો જુદી છે, એ તો સંસારના ગુરુ છે. એમના મોઢામાં ધાન જાય તો પુણ્ય થાય, પણ તમે તો અન્નદાતા થઈને લૂંટ ચલાવી?"

આટલું કહી ખેડૂતે ઠાકોર સાહેબને પણ લાઠીનો એવો પ્રસાદ આપ્યો કે એમની આંખે અંધારા આવી ગયા. બ્રાહ્મણ શાંતિથી જોતો રહ્યો. નાઈ અને વાણિયો પોતાની ચોટો ચોળતા મનોમન હરખાતા હતા.


હવે વારો આવ્યો પંડિતજીનો. ખેડૂત એમની પાસે ગયો અને મુસ્કુરાઈને બોલ્યો: "મહારાજ! તમે ભૂદેવ છો એ વાત સાચી, પણ આ ત્રણેયને ખોટા માર્ગે દોરનારા 'ગુરુ ઘંટાળ' તો તમે જ છો ને! જો તમને છોડી દઉં તો પરમેશ્વરના દરબારમાં મને પાપ લાગે!"

આ જોઈને પહેલાં પીટાયેલા ત્રણેય મિત્રો એકસાથે બોલી ઊઠ્યા: "હા... હા... ખેડૂતભાઈ! આ પંડિતને જ બરાબરનો દંડ મળવો જોઈએ! બધી ફસાદની જડ આ જ છે!"

ખેડૂતે પંડિતજીને પણ બરાબરના ફટકાર્યા.


सभा वा न प्रवेष्टव्या वक्तव्यं वा समञ्जसम्।

अब्रुवन्विब्रुवन्वापि नरो भवति किल्बिषी॥ મનુસ્મૃતિ

 

કાં તો સભામાં પ્રવેશ ન કરવો, અને જો પ્રવેશ કરો તો સત્ય અને ન્યાયસંગત વાત જ કહેવી. અન્યાય થતો જોઈને મૌન રહેનાર કે અસત્ય બોલનાર મનુષ્ય પાપનો ભાગીદાર બને છે.

જ્યારે ચારેય મિત્રો એકબીજાના સ્વાર્થ અને અહંકારમાં અંદરોઅંદર વહેંચાઈ ગયા, ત્યારે ખેડૂતે એક પછી એક ચારેયને બરાબરના પાઠ ભણાવ્યા. જે એકતા એમનું કવચ હતી, તે ફાટીને ચીંથરેચીંથરા થઈ ગઈ.


એકતાની ઢાલ તૂટી, સ્વાર્થનો સૂરજ ઊગ્યો,

ભાઈ ભાંડુને હણાયે, મોહનો પડદો ખસ્યો.

સંગઠન વિનાની શક્તિ, ધૂળમાં મળી જાય છે,

વિભાજિત થતાં સમાજો, કાળમુખે ધોવાય છે!

 

એ દિવસ પછી, એ ચારેય મિત્રો ગામમાં ક્યારેય એકસાથે જોવા ન મળ્યા. એમની અખંડ મૈત્રીનો કાયમ માટે અંત આવી ગયો હતો.


ઇતિહાસ સાક્ષી છે કે આપણી અંદરોઅંદરની ફૂટ-ફાટ અને સ્વાર્થવૃત્તિને કારણે જ બાહ્ય શક્તિઓ આપણા પર વિજય મેળવતી આવી છે. જો આપણે વિભાજિત રહીશું, તો વિનાશ નિશ્ચિત છે.



चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः।

तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम्॥ - શ્રીમદ્ ભગવદ્ ગીતા - અધ્યાય ૪, શ્લોક ૧૩

"મેં (ભગવાને) ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે ચાર વર્ણો (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર)ની રચના કરી છે. તે વ્યવસ્થાનો કર્તા હોવા છતાં પણ, અવિનાશી એવા મને તું વાસ્તવમાં અકર્તા જ જાણ."

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप।

कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः॥ -  શ્રીમદ્ ભગવદ્ ગીતા - અધ્યાય ૧૮, શ્લોક ૪૧

"હે પરંતપ (અર્જુન)! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના કર્મો તેમના પોતાના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા અલગ-અલગ વિભાજિત કરવામાં આવ્યા છે."

એક નાની ઓફીસ માં પણ વ્યવસ્થા હોય છે. શેઠ, મેનેજર, ક્લાર્ક, ચપરાસી કે સફાઈ વાળો આ બધી વ્યવસ્થા ને કારણે વ્યવસ્થિત આયોજન થાય છે. 

 

જન્મ નહીં, પણ ગુણ અને કર્મ: ભગવદ્ ગીતા અનુસાર વર્ણવ્યવસ્થા જન્મથી નહીં, પરંતુ વ્યક્તિના ગુણ (સાત્ત્વિક, રાજસિક, તામસિક) અને તેના કર્મ (સ્વભાવગત કાર્યો)ના આધારે નક્કી થાય છે. ભગવાને વર્ણ વ્યવસ્થા કહી છે ને માણસ વર્ણ ભેદ કરી સમાજ માં ફાંટ નાખી બેઠો છે. સમાજ માં જો વર્ણ વ્યવસ્થા સ્થાપિત થશે તો પૃથ્વી સ્વર્ગ બનશે.

यस्य यल्लक्षणं प्रोक्तं पुंसो वर्णाभिव्यञ्जकम्।

यदन्यत्रापि दृश्येत तत्तेनैव विनिर्दिशेत्॥ - શ્રીમદ્ ભાગવત મહાપુરાણ  - સ્કંધ ૭, અધ્યાય ૧૧, શ્લોક ૩૫

"જે વર્ણના જે લક્ષણો કે ગુણો શાસ્ત્રોમાં બતાવ્યા છે, તે લક્ષણો જો બીજા વર્ણની વ્યક્તિમાં જોવા મળે, તો તેને એ જ વર્ણનો માનવો જોઈએ (એટલે કે વર્ણનો આધાર વ્યક્તિના સ્વભાવ અને ગુણો છે, જન્મ નહીં)."






 

 









સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational