STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

અટલ મૃત્યુ

અટલ મૃત્યુ

4 mins
3

માનવ મન પણ કેવું વિચિત્ર કેમિકલ છે! પોતાને દોઢ ડાહ્યો સમજીને બ્રહ્માંડના સિક્રેટ્સ અને નિયતિના નીતિ-નિયમોને છેતરવાનો મિથ્યા પ્રયાસ કરે છે. પણ કહેવાય છે ને કે "ઉસ્તાદ કા બાપ હર દમ તૈયાર હોતા હૈ!" વિધાતાના વહીચોપડા આગળ મોટા-મોટા ભલભલા ચાલાક ચંદુઓ પણ ચત્તાંપાટ થઈ જાય છે.

વાત એમ હતી કે એક સાંજે વાતાવરણ એકદમ ગુલાબી હતું. સોના જેવા સૂરજદાદા આથમવાની તૈયારીમાં હતા. આપણા કથાના હીરો 'ચંદુજી' ઘરમાં નિરાંતે બેઠા બેઠા મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક વીજળીના કડાકા સાથે રૂમમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા! અને સાક્ષાત્ મહાકાળના પ્રાઈવેટ સેક્રેટરી એટલે કે યમરાજ પ્રગટ થયા! હાથમાં મોટી ખાતાવહી, ભેંસ પરથી ઊતરીને સીધા રૂમમાં! તેમનું ડરાવનું રૂપ જોઈને તો ચંદુના પેન્ટ પીળી થઇ ગઈ!

યમરાજે પાડા જેવા અવાજે કહ્યું: "ચંદુડા! આજ તારો ખેલ ખતમ! તારી આખરી ટિકિટ કપાઈ ગઈ છે!"

ચંદુના હાથમાંથી આઈફોન છટકી ગયો! અચાનક મૃત્યુને પોતાના સોફા પર ઊભેલું જોઈને ચંદુની જીભ થોથરાવા લાગી: "પણ... પણ... યમરાજા સર! હું તો હજુ સેટલ પણ નથી થયો! હજુ તો મારી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ની મેચ્યોરિટી પણ બાકી છે!"


गात्रं भिन्नं मुखं दीनं नष्टं चक्षुः कुतो भयम्।

मरणे समनुप्राप्ते किं करिष्यति मानवः॥


જ્યારે મૃત્યુ સામે આવીને ઊભું રહે છે, ત્યારે શરીર ધ્રૂજવા લાગે છે, મોઢું દીન-હીન બની જાય છે અને આંખોની રોશની ગાયબ થઈ જાય છે. કાળના દંડા સામે આ નાનકડો માણસ આખરે કરી પણ શું શકે?


યમરાજે પોતાના ડિજિટલ ચોપડામાં આંગળી ફેરવતાં શાંતિથી કહ્યું: "અલ્યા ચંદુ, તારા PPFના ચક્કરમાં કાળચક્ર થોડું અટકે? જો, આ લિસ્ટમાં સૌથી પહેલું નામ તારું જ છે!"


ચંદુનો મગજનો કીડો જાગી ગયો. તેણે વિચાર્યું, "અરે! આ યમરાજ સર લાગે છે થોડા ભોળા છે. ચાલો, થોડું 'ઇન્ડિયન જુગાડ' લગાવીએ અને કાળને જ ચક્કરમ બનાવી દઈએ!"


ચંદુએ તરત જ પોતાના ચહેરા પર બત્રીસે દાંત બતાવીને સ્માઈલ ફેંકી: "અરે વાહ યમરાજ સર! આપ મારે ઘેર પધાર્યા? અહોભાગ્ય મારા! હવે ઊપર તો જવાનું જ છે, પણ ચાલો જતાં જતાં આપણે ભેગા બેસીને એક-એક કપ આદુ-એલચી વાળી કડક ચા પી લઈએ! આપ પણ થાકી ગયા હશો!"


યમરાજે પણ વિચાર્યું કે બહુ દિવસથી આવી કોઈ ચા નથી મળી. એટલે બોલ્યા: "વાહ ચંદુ! તારું ચા-પ્રેમ જોઈને હું ખુશ થયો. બનાવી લાવ ત્યારે!"

બસ, ચંદુ રસોડામાં ગયો અને પોતાની દોઢડાહપણની લિમિટાશન ક્રોસ કરી નાખી! તેણે મસ્ત ચા બનાવી, પણ યમરાજની ચામાં ઘોડાને પણ બે દિવસ ઊંઘાડી દે એવી તીવ્ર નિદ્રાની ૧૦-૧૨ ગોળીઓ વાટીને પધરાવી દીધી!


યમરાજે તો ચાનો સબડકો બોલાવ્યો અને બે જ મિનિટમાં "ઝઝઝઝ..." કરતા ઘોરવા લાગ્યા! રૂમમાં જાણે ભૂકંપ આવ્યો હોય એવા નકોરા વાગવા માંડ્યા! યમરાજને કુંભકર્ણની જેમ ઊંઘતા જોઈ ચંદુડો તો નાચવા લાગ્યો! કહેવત છે ને કે "વિનાશકાળે વિપરીત બુદ્ધિ!" તેને લાગ્યું કે આજે તો તેણે વિધાતાને પણ ઉલ્લુ બનાવી દીધો! ચંદુએ હળવેકથી યમરાજના હાથમાંથી ગુપ્ત યાદી ખેંચી લીધી. પોતાનું નામ સૌથી ઉપરથી ભૂંસી નાખ્યું અને સાવ છેલ્લે, નવમા-દસમા નંબરે લખી દીધું!

ચંદુ મનમાં ને મનમાં મલકાવા લાગ્યો: "હાશ! હવે મારો વારો છેક છેલ્લે આવશે. ત્યાં સુધીમાં તો હું ઘરડા થઈને દોહિત્ર-પોત્ર રમાડી લઈશ!"

પણ ચાણક્ય નીતિ સ્પષ્ટપણે ચેતવે છે કે આવા દોઢડાહ્યા ચંદુઓ ગમે તેટલો જુગાડ કરે, પણ કિસ્મતનો કાગળ બદલાતો નથી:


आयुः कर्म च वित्तं च विद्या निधनमेव च।

पञ्चैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः॥ (ચાણક્ય નીતિ)

 

મનુષ્યનું આયુષ્ય, એનું કર્મ, એનું ધન, એની વિદ્યા અને એનું મૃત્યુ—આ પાંચ વસ્તુઓ મનુષ્ય જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ ફિક્સ (નિશ્ચિત) થઈ જાય છે. એમાં કોઈ ઓનલાઈન એડિટિંગ ચાલતું નથી!


કલાક પછી જ્યારે યમરાજ ઝાટકા સાથે જાગ્યા, ત્યારે એકદમ ફ્રેશ થઈ ગયા હતા! તેમણે ચંદુ તરફ અત્યંત પ્રેમ અને વાત્સલ્યથી જોયું.

યમરાજ હસીને બોલ્યા: "અરે વાહ ચંદુડા! તારી ચામાં તો જાદુ હતો! મારો કરોડો વર્ષોનો થાક ઊતરી ગયો! હું તારી આ હોસ્પિટાલિટી અને સ્પેશિયલ સર્વિસથી અતિ પ્રસન્ન થયો છું. તારું આ ભલું કામ જોઈને મેં નિર્ણય કર્યો છે કે..."


ચંદુએ ઉત્સુકતાથી પૂછ્યું: "શું નિર્ણય કર્યો યમરાજ સર?"


યમરાજ બોલ્યા: "...કે હવે હું આ લિસ્ટની શરૂઆત ઉપરથી નહીં, પણ સાવ છેલ્લેથી (નીચેથી) કરીશ! ચાલ ત્યારે, પહેલો વારો તારો જ છે!"

આ સાંભળીને ચંદુના હોશકોશ ઊડી ગયા! ચંદુના હાથમાંથી સીધો આત્મા જ બહાર આવવા તૈયાર થઈ ગયો! જે કાળને છેતરવા તેણે નામ છેલ્લે લખ્યું હતું, એ જ નિર્ણાયક ક્ષણે યમરાજે યાદી જ ઊંધી ચાલુ કરી!


ચંદુ સ્વાહા.

માણસ જે હોશિયારી કાળ સામે વાપરે છે, એ હોશિયારી જ તેને ઉધામા મારીને ખાડામાં પાડે છે!


ચતુર થઈને ચંદુડો ચામાં ગોળીઓ ઘોળવા ગયો,

યમરાજને ઊંઘાડીને કાળચક્રને રોકવા ગયો.

પણ કાળે એવી પલ્ટી મારી કે ચંદુ ચત્તાંપાટ થયો,

છેલ્લે નામ લખવા ગયો ને પહેલો જ ઉપડી ગયો!


શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે વિધાતાના આ અટળ સમયચક્ર વિશે કહ્યું છે:

कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः।

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - અધ્યાય ૧૧, શ્લોક ૩૨)

અર્થ: હું જ સર્વનાશ કરનારો મહાકાળ છું, અને સમય પાકે એટલે ગમે તેવા ચાલાક માણસનો હિસાબ પૂરો કરવા માટે પ્રવૃત્ત થાઉં છું.


બહુ વધારે પડતું દોઢ ડાહપણ કે જુગાડ હંમેશાં ઊંધો જ પડે છે! નિયતિના ચોપડામાં જે લખાયું છે, તેને ભૂંસવા જશો તો તમારો જ ભૂકો થઈ જશે! એટલે જ શાંતિથી ચા પીવી અને બહુ હોશિયારી ન મારવી!






 

 




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational