STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

5  

હર્ષદ અશોડીયા

Inspirational

નારીહૃદયસ્ય રહસ્યમ્

નારીહૃદયસ્ય રહસ્યમ્

4 mins
3

"મોતની સૂળો પર ઊભેલા વિદ્વાનને એક ભયાનક ડાકણે જીવનનો એવો અદ્ભુત મંત્ર આપ્યો, જેણે સ્ત્રીહૃદયનું સદીઓ જૂનું ગૂઢ રહસ્ય ખોલી નાખ્યું!"



 

 

 

સમયના પ્રવાહમાં કેટલાય રાજમહેલો ધૂળમાં મળી ગયા, પરંતુ માનવસ્વાભાવ અને સ્ત્રીહૃદયનું આ રહસ્ય આજે પણ એટલું જ તાજું છે.


પ્રાચીન કાળની વાત છે. એક સમર્થ અને પ્રકાંડ વિદ્વાન પર કોઈ ગંભીર આરોપસર પ્રાણદંડની સજા સંભળાવવામાં આવી. રાજા પણ ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ હતો, તેથી તેણે વિદ્વાન સમક્ષ એક વિચિત્ર પણ ગહન શરત મૂકી: "હે વિદ્વાન! જો તું મને આ સંસારના સૌથી કઠિન પ્રશ્નનો સાચો ઉત્તર આપી દે, તો તારો પ્રાણ બક્ષી દેવામાં આવશે. પ્રશ્ન એ છે કે — આખરે સ્ત્રી પોતાના જીવનમાં સૌથી વધુ શું ઈચ્છે છે?"


વિદ્વાન ક્ષણભર વિચારમાં પડી ગયો. સ્ત્રીહૃદય તો સમુદ્ર કરતાંય ઊંડું છે. તેણે રાજા પાસે થોડા સમયની માંગણી કરી. રાજાએ દયા દાખવીને તેને એક વર્ષની મુદ્દત આપી.


વિદ્વાન પોતાના પ્રાણ બચાવવા દેશ-દેશાંતર ભમ્યો. તેણે અનેક જ્ઞાનીઓ, ઋષિઓ, રાણીઓ અને સાધારણ સ્ત્રીઓને પૂછ્યું, પરંતુ કોઈનો ઉત્તર સંતોષકારક ન હતો. કોઈએ કહ્યું 'ધન', કોઈએ કહ્યું 'રૂપ', તો કોઈએ કહ્યું 'સંતાન'.


જ્યારે જીવનના અંતિમ દિવસો નજીક આવ્યા, ત્યારે નિરાશ થઈને તે આશાહીન બની રખડતો હતો.


अनिर्दिश्यरसं स्त्रीणां चित्तं कुसुमकोमलम्।

कदाचिद् कठिनं चापि गिरिशृङ्गसमं भवेत्॥ - ચાણક્ય નીતિ

 

સ્ત્રીઓનું ચિત્ત અત્યંત રહસ્યમય અને ફૂલ જેવું કોમળ હોય છે, પરંતુ પ્રસંગોપાત્ત તે પર્વતના શિખર જેવું કઠોર અને અગમ્ય પણ બની જાય છે.


અંતે કોઈકે તેને સલાહ આપી કે, "જંગલની પાર એક વિદ્રૂપ અને ભયાનક ડાકણ રહે છે, માત્ર તે જ આ ગૂઢ પ્રશ્નનો સાચો ઉત્તર આપી શકે છે." વિદ્વાન વિવશ થઈને તે ડાકણ પાસે પહોંચ્યો. ડાકણનો ચહેરો વિકરાળ હતો, વાળ વિખરાયેલા હતા અને આંખોમાં ભય હતો.

ડાકણે કુટિલ હાસ્ય સાથે કહ્યું: "હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ, પરંતુ મારી એક શરત છે — તારે મારી સાથે વિવાહ કરવા પડશે!"


વિદ્વાન ધર્મસંકટમાં મુકાયો. એક તરફ મૃત્યુનો દર હતો અને બીજી તરફ આજીવન એક ભયાનક ડાકણ સાથેનું સગપણ!


आपदर्थे धनं रक्षेद् दारान् रक्षेद् धनैरपि।

आत्मानं सततं रक्षेद् दारैरपि धनैरपि॥ પંચતંત્ર

આપત્તિ માટે ધનની રક્ષા કરવી, ધન આપીને પણ પત્નીની રક્ષા કરવી; પરંતુ ધન અને પત્ની બંનેનો ભોગ આપીને પણ પોતાના આત્મા (પ્રાણ)ની રક્ષા પ્રથમ કરવી જોઈએ.

જીવતો નર ભદ્રા પામે! પ્રાણ બચાવવા વિદ્વાને વિવાહની હા પાડી દીધી.


વિવાહ સંપન્ન થયા. રાત્રે જ્યારે બંને એકાંતમાં આવ્યા, ત્યારે ડાકણે એક અદ્ભુત રહસ્ય ખોલ્યું:

"હે પતિદેવ! તમે મારી શરત માનીને મારો સ્વીકાર કર્યો છે, તેથી હું તમને એક વરદાન આપું છું. હું ૨૪ કલાકમાંથી ૧૨ કલાક અત્યંત સુંદર અપ્સરા જેવી પરમ સુંદરી બનીશ અને બાકીના ૧૨ કલાક આ જ ભયાનક ડાકણ રહેશ. હવે નિર્ણય તમારો છે — તમે મને દિવસે સુંદરી જોવા માંગો છો કે રાત્રે?"

વિદ્વાન ગંભીર ચિંતામાં પડી ગયો.


જો દિવસે ડાકણ રાખે, તો સમાજમાં અપમાન અને દિવસ વિતાવવો કઠિન બને!

જો રાત્રે ડાકણ રાખે, તો ગૃહસ્થ જીવન અને રાતનો આનંદ છીનવાઈ જાય!


"આગળ કૂવો ને પાછળ ખાઈ!"


લાંબા વિચાર-મંથન પછી વિદ્વાનને વિદુરનીતિ અને ભર્તૃહરિના નીતિશતકનું જ્ઞાન યાદ આવ્યું કે નારીને સન્માન અને સ્વતંત્રતા આપવી જ ઉત્તમ છે.


यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।

यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥ - मनुस्मृति (अध्याय 3, श्लोक 56)

જ્યાં નારીઓનું સન્માન અને પૂજન (આદર) થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે (અને પ્રસન્ન રહે છે); પરંતુ જ્યાં નારીઓનું સન્માન નથી થતું, ત્યાં કરવામાં આવેલાં તમામ ધાર્મિક અને શુભ કાર્યો પણ નિષ્ફળ નીવડે છે.

 તેણે અત્યંત વિનમ્રતાથી કહ્યું: "હે દેવી! આ નિર્ણય હું તમારા પર જ છોડું છું. જ્યારે તમારું મન કરે ત્યારે તમે પરમ સુંદરી બની જજો, અને જ્યારે તમારું મન કરે ત્યારે ડાકણ બની જજો. તમારી ઈચ્છા જ મારો નિર્ણય છે."


વિદ્વાનનો આ ઉત્તર સાંભળતા જ ડાકણનો ચહેરો દિવ્ય તેજથી ઝળહળી ઊઠ્યો! તેણે સદા માટે એક અત્યંત રૂપવતી અપ્સરાનું રૂપ ધારણ કરી લીધું અને મધુર સ્વરે કહ્યું:

"હે જ્ઞાની! તમે મને મારી મરજી મુજબ જીવવાની પૂર્ણ સ્વતંત્રતા આપી દીધી! તમે મારું સ્ત્રીત્વ સમજી ગયા. તેથી હું હવે ક્યારેય ડાકણ નહીં બનું, આજીવન તમારી પત્ની બનીને એક સુંદરી તરીકે જ તમારી સેવા કરીશ. અને આ જ તમારા પ્રશ્નનો સાચો ઉત્તર છે!"




બંધનમાં રાખશો તો ચંડી થઈને એ નડશે,

મુક્ત આકાશ આપશો તો લક્ષ્મી થઈને ફળશે.

સ્ત્રી નથી માગતી સ્વર્ગ કે રત્નોના ઢગલા,

બસ, પોતાની મરજીનું જીવવા દેશો તો એ પારીજાત થઈને ખરશે.


વિદ્વાન દરબારમાં પહોંચ્યો અને રાજાને ઉત્તર આપ્યો:

"હે રાજન! સ્ત્રી પોતાના જીવનમાં સૌથી વધુ સ્વાયત્તતા અને પોતાની મરજી મુજબ જીવવાની 'સ્વતંત્રતા' ઈચ્છે છે. જો તેને પોતાની ઈચ્છાનું સન્માન મળે, તો તે ઘરને સ્વર્ગ બનાવી દેતી પરી છે; અને જો તેને દબાવવામાં આવે, તો તે ચંડી કે ડાકણનું રૂપ ધારણ કરી લે છે!"


રાજા વિદ્વાનના આ ઉત્તરથી પરમ સંતોષ પામ્યો અને તેને આદરપૂર્વક મુક્ત કર્યો.








 

 




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational