STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

મનની લગામ

મનની લગામ

2 mins
3

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्॥ શ્રીમદ ભગવદ ગીતાજી ૬- ૬ 

 

જેણે પોતાના મનને જીત્યું છે, તેના માટે મન શ્રેષ્ઠ મિત્ર છે; પરંતુ જે મનને વશ કરી શક્યો નથી, તેના માટે મન જ શત્રુ બની જાય છે.


પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં પ્રખ્યાત અને અનુભવી વૈદ્યરાજ રહેતા હતા. તેમની નૈસર્ગિક ચિકિત્સા પદ્ધતિ અને નિદાન શૈલી અદ્ભુત હતી. એક દિવસ એક અધીરો અને ઉતાવળો દર્દી તેમની પાસે પોતાની દીર્ઘકાલીન બિમારીની પીડા લઈને આવ્યો. વૈદ્યરાજે નાડી પરીક્ષણ કર્યું, ગંભીરતાથી વિચાર કર્યો અને પછી એક અનોખી કસોટી કરવાનું નક્કી કર્યું.

વૈદ્યરાજે તેને એક ખાસ ઔષધિની પડીકી આપી અને સાથેસાથે એક ગરમાગરમ વડાપાવ પણ આપ્યો. વૈદ્યરાજે ગંભીર અવાજે કહ્યું, "આ દવા શરૂ કરતા પહેલા આ વડાપાવ અત્યારે જ લઈ જા, પણ શરત એટલી કે બરાબર એક કલાક પૂરો થાય પછી જ તેને ખાજે. આ આપણી ચિકિત્સા પદ્ધતિ અને દવાનો જ એક અભિન્ન ભાગ છે."

દર્દી મૂંઝવણમાં મૂકાયો. દવાની સાથે વડાપાવનો શું સંબંધ? તે બધું સમજી ન શક્યો, પરંતુ વૈદ્યરાજની પ્રતિષ્ઠા અને પોતાની શ્રદ્ધાને કારણે તે વડાપાવ અને દવા લઈને ચૂપચાપ ઘરે રવાના થયો.

अति सर्वत्र वर्जयेत्।

દરેક બાબતમાં અતિશયતા ટાળવી જોઈએ. અતિરેક હંમેશાં નુકસાનકારક હોય છે; સંયમ અને મધ્યમ માર્ગ જ શ્રેષ્ઠ છે.

ઘડિયાળના કાંટા સામે મન હારી જાય છે,

સુગંધ જોઈ જીભ પર કાબૂ છૂટી જાય છે;

જે જીતી ન શકે પોતાના જ મનના વેગને, તે માનવી જીવનની બાજી હારી જાય છે.

 


ઘરે પહોંચ્યા પછી પેલા દર્દીની અધીરાઈ જાગી ગઈ. નજર વારંવાર ઘડિયાળના કાંટા પર જવા લાગી. મનનું ચંચળપણું તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું. વડાપાવની સુગંધે તેની ઇન્દ્રિયોને વશ કરી લીધી. હજુ એક કલાક થવામાં પૂરી દસ મિનિટ બાકી હતી, ત્યાં જ વૈદ્યરાજનો ફોન રણક્યો. વૈદ્યરાજે સામેથી પ્રશ્ન કર્યો, "બોલો ભાઈ, સૌથી પહેલા વડાપાવનું શું કર્યું?"

દર્દી સંકોચમાં પડી ગયો, પણ સત્ય છુપાવી ન શક્યો અને બોલી ગયો, "વૈદ્યરાજજી, માફ કરજો! પણ સમયની રાહ ન જોઈ શકાઈ અને બરાબર પંદર મિનિટ પહેલા જ મેં વડાપાવ ખાઈ લીધો!"

આ સાંભળીને વૈદ્યરાજે નિઃશ્વાસ નાખ્યો અને અત્યંત શાંતિથી કહ્યું, "ભાઈ, મારી આ દવા તને ક્યારેય કામ નહીં લાગે. જે વ્યક્તિ પોતાની જીભ અને મન પર કાબૂ નથી રાખી શકતી, તે મારી આપેલી કઠિન પરેજી અને નિયમો શું પાળી શકવાની? માટે, સૌથી પહેલા તું તારા ચંચળ મન ઉપર અંકુશ મેળવતા શીખ, પછી મારી પાસે આવજે, તો જ આ દવા તને ગુણ કરશે."


गजस्नानमिव व्यर्थं पुनः पापस्य सेवनम्।

 

દવા પરેજી વગર લેવી એટલે હસ્તિસ્નાન બરોબર કહેવાય. હાથી નદીમાં જઈને સારી રીતે સ્નાન કરે છે, પરંતુ પાણીમાંથી બહાર નીકળતાની સાથે જ પોતાની સૂંઢ વડે ફરી શરીર પર ધૂળ અને માટી નાખે છે. તેથી તેનું સ્નાન નિરર્થક બની જાય છે.

 



चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम्।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्॥ શ્રીમદ ભગવદ ગીતા ૬-૩૪

હે કૃષ્ણ! મન અત્યંત ચંચળ, બળવાન અને દૃઢ છે. તેને કાબૂમાં રાખવું પવનને રોકવા જેટલું કઠિન લાગે છે.




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational