સંજોગ
સંજોગ
રસીલા સાવ સુન્ન પડી ગઈ હતી, જાણે એના જીવવાનો આધાર જતો રહ્યો હોય એમ.
આજથી લગભગ ૭ વર્ષ પહેલાં એક અકસ્માતે એના આખા પરિવારને ભરખી લીધેલો.
છેલ્લા ૭ વર્ષથી રાતે નિરાંતની ઊંઘ એણે કરી નથી, એની માનસિક સ્થિતિથી સૌ આસપાસના લોકો પરિચિત હતાં, પણ તેના હૃદયના ડૂમાનું શું?
અંદર ને અંદર ધૂંટવાતી રસીલા પોતાના આ એકલવાયા જીવનથી ત્રાસી ગઈ અને અંતે મૃત્યુની પસંદગી કરી.
રાતના અંધકારમાં રસ્તા પર એકલી ચાલવા લાગી બસ હવે આ રસ્તો મોત સુધી જશે એ આશા એ...
અચાનક જ કુતરાના ભસવાનો અવાજ આવ્યો, એક બાળકી ફાટેલા કપડાં અને વિખરાયેલા વાળ અને હાથમાં રોટલી લઈ દોડી રહી હતી જેને જોઇને તરત ખ્યાલ આવી જાય કે ગરીબી બાળકીના બાળપણને ગળી ગઈ છે અને ભૂખના અજગર એ બાળકીના ચેહરાની માસુમિયત ભરડો લીધો છે, જાણે એ રોટલીમાં એના પ્રાણ હોય! અને રાક્ષસી કુતરાઓ બાળકીની પાછળ ભાગી રહ્યા હતાં.
અને અચાનક એ રસીલા સાથે અથડાઈ અને વળગી પડી એ ક્ષણ જાણે રસીલા તરત જીવન્ત થઈ હોય એમ બાળકીને ઉંચકી લીધી કુતરાઓએ રસ્તો બદલ્યો, રડતી બાળકી રસીલાની આંગળી પકડી ચાલવા લાગી.
આ આંગળીએ રસીલા બાળકીને દોરી રહી હતી અને બાળકી રસીલાને, પણ દ્રશ્ય જાણે જમીન પર સ્વર્ગ સરીખું હતું અને આકાશના તારલા બંનેને મળેલા નવા જીવનના વધામણાં કરી રહ્યા હોય એમ ટમટમતા હતાં.....!