Ankita Mehta

Inspirational

1.4  

Ankita Mehta

Inspirational

સંગાથ

સંગાથ

9 mins
799


ખૂબ વરસીને થાકી ગયેલા આકાશમાં હજુ ઊઘાડ નથી થયો. અપર્ણા બાલ્કનીના ઝૂલા પર બંધ આંખે હ્રદયના ઓરડાને સંઘરેલી યાદોથી સજાવતી હતી. વર્ષો પહેલા મનના એક ખૂણામાં દાટેલી એ લાગણીઓ જાણે કે આજ કુંપળો બની રહી રહીને ફૂટી રહી હતી.

વર્ષો પછી આજ પોતાના માટે સમય કાઢવાનુ બની શક્યુ છે. નહી તો રોજિંદી જંજાળમાંથી પોતાના માટે સમય મળતો નહી અને કદાચ પોતાને એ સમય કાઢવો પણ ન હતો. એ પોતાના મનને ખૂબ સારી રીતે જાણતી હતી કે જો હ્રદયનો એ બંધ દરવાજો ખૂલશે તો લાગણીઓના વાવાઝોડામાં પોતે જ ફંગોળાય જાશે. પણ આજ તો પોતે મનોમન એ નક્કી કરી લીધુ હતું કે આજે તો હ્રદયના એ ખૂણામાં ફરીથી થોડુ જીવી લેવું છે અને અપર્ણા પચ્ચીસ વર્ષ પહેલા ના સમયમાં સરી ગઈ.

ખૂબ તેજસ્વી અને મહત્વકાંક્ષી આદિત્યને જ્યારે પહેલી વાર જોયો ત્યા જ તેના પ્રેમમાં પડી ગઇ હતી. આદિત્ય, પોતાના નામ જેવું જ તેજ, આંખોમાં કંઈક કરી બતાવવાની ઘેલછા પણ સાથે સાથે સમજદારી પણ એટલી જ. એટલે તો નાના એવા રામપુરથી ભણવામાંટે મોટા શહેરમાં એના બાપુએ મોકલ્યો હતો. તો નિર્દોષ સૌંદર્યની મૂર્તિ સમી અપર્ણાને જોતા જ આદિત્ય એનો થઇ ચૂક્યો હતો. અપર્ણા, તામ્ર વર્ણી વાન, કાળી આંખો, લાંબા વાળ. એનામાં એવું કશુંક તો હતું જ કે એને જે જોવે તે આકર્ષાયા વગર ન રહે. પહેલી નજરનો એ પ્રેમ એક નહી પણ જન્મો જન્મનો સંગાથ થઈ ચૂક્યો હતો. આદિત્ય અને અપર્ણા જાણે એક બીજામાંટે જ બન્યા હતા.

કોલેજના પેલા વર્ષની શરૂઆતમાં જ એક બીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી દીધો હતો. સાથે ભણતા, સાથે હરતા - ફરતા. કોલેજમાં હોય એટલી વાર બંને સાથે જ હોય. આમ બે વર્ષ ક્યા વિતી ગયા ખબર પણ ન પડી. આદિત્ય ખૂબ હોશિયાર હતો ભણવામાં જ્યારે અપર્ણા કઇ ખાસ નહી. એ હંમેશા કહેતી "મારે બહુ ભણવાની ક્યા જરૂર છે તુ આપણા બંનેના ભાગનું તો ભણે છે. તું ભણીને ખૂબ પૈસા કમાજે અને હું વાપરીશ" અને બંને ખડખડાટ હસી પડતા અને પોતની વૈવાહિક જીંદગીના સપના જોતા. સપનાથી સજાવેલા પોતાના નવા સંસારને જલ્દીથી હકીકતમાં માણવું હતું.

કોલેજનુ ત્રીજુ વર્ષ પણ પૂરૂ થવામાં હતુ . હવે બંનેને પોતાની ઘરે કેમ વાત મૂકવી એ વિચાર મૂંજવતો હતો. એક વરસાદી સાંજે બંને કોલેજના એ નાના એવા બગિચામાં બેઠા હતા. આમ પણ ત્રણ દિવસની રજા પડવાની હતી, એક્ઝામ પેલાનો રીડીંગ ટાઈમ. એટલે થોડો સમય વધુ સાથે રહેવું હતું. ખૂબ વરસાદ પછી સંધ્યા પણ ખૂબ ખીલી હતી. એ વાતાવરણમાં બે પ્રેમીઓ અને એકલતા, પહેલા ચુંબન માટેનું આનાથી

સાનુકુળ વાતાવરણ બીજુ શું હોય શકે ? બસ નજર મળી અને આપોઆપ જાણે એકમેક તરફ ખેચાઇ ગયા, એ અધરોનુ મિલન થયુ અને નજર ઢળી ગઇ. અને જાણે કેટ કેટલા જન્મો પછીનો એ મેળાપ હતો. અને જ્યારે ફરી નજર મળી ત્યારે પ્રેમનો રંગ વધુ ઘાટો થઇ ગયો હતો. આંખોમાં સ્નેહની સાથે સંતોષ પણ ઝરતો હતો. અંધારૂ પણ થઈ ગયું હતું અને હવે ઘરમાં વાત કરવામાં વધુ સમય નથી કાઢવો એટલે ત્રણ દિવસ પછી બંને કોલેજ આવે એ પહેલા પોતપોતાને ઘરે વાત કરી લેશે એવુ નક્કી કરી અને છૂટા પડ્યા.

પણ ત્યારે ક્યાં એવી ખબર હતી કે આ છેલ્લું મિલન થઈ રહેવાનું હતું.. વિધાતા એ કંઇક બીજા જ લેખ લખ્યા હતા.

કાશ! માણસ પોતાના ભવિષ્યને જાણી શક્તો હોત તો કદાચ દુનિયા અલગ જ હોત. પણ અફસોસ કે પછીની ક્ષણ પણ જીંદગી શું લઇ ને આવાની એ ક્યાં કોઈ ને ખબર છે.

આદિત્ય હોસ્ટેલ પહોંચી, સામાન લઈ પોતાના ગામ રામપુર જવા નીકળી ગયો. મનમાં કેટલાય સપના લઈને કે અપર્ણા સાથે લગ્નની વાતમાંતા પિતા સ્વિકારી લેશે અને પછી… પછી તો બસ ખૂશી જ ખૂશી હશે જીવનમાં. આપણુ વિચારેલું થતું હોત તો ક્યાં કઈ દુઃખ હોત.

અપર્ણા પણ પોતાની સખી રીયા સાથે ઘર તરફ ચાલી. અપર્ણા અને રિયા બાજુ બાજુમાં જ રહે. કોલેજ એક પણ ક્લાસ અલગ હતા. બંને નાનપણથી સાથે મોટી થઈ હતી. એક બીજાથી કઇ છુપાવે નહીં. આદિત્ય સાથેનો પ્રેમ પણ એનાથી છૂપો ન હતો.

અપર્ણા ઘરે પહોંચી ત્યારે તાળું જોઈ રિયાની ઘરે પહોંચી કે શારદામાસીને તો ખબર હશે જ કે મમ્મી પપ્પા આવા ટાઈમે ક્યાં ગયા હશે. ત્યાં જ શારદામાસી સામે મળ્યા એ સમાચાર આપવા કે અપર્ણાના પપ્પાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો એટલે હોસ્પિટલ લઈ ગયા છે. અપર્ણા માંટે તો જાણે જીવનના નવા વળાંકોની શરૂઆત થઇ ગઇ હતી. ભાગતી એ હોસ્પિટલ પહોંચી અને મમ્મીને મળી ત્યાં તો મમ્મીના એ ચોધાર આંસુ ઘણું બધું કહી ગયાં. અપર્ણાના પપ્પા પાસે હવે બહુ સમય બચ્યો ન હતો. રાજીવભાઇને અપર્ણા એ એક જ પુત્રી. એટલે સ્વભાવિક છે કે એમને પોતાની દિકરીની ચીંતા થતી જ હોય. એમાં પણ જ્યારે ખબર પડે કે હવે બહુ સમય નથી બચ્યો ત્યારે તો વધુ ચીંતા કોરી ખાય.

થોડા ભાનમાં આવતા જ રાજીવભાઇ પરિસ્થિતિ પામીને મિત્ર શૈલેષને તાબડતોડ મળવા બોલાવ્યા. રાજીવભાઇ અને શૈલેષભાઈ ખાસ મિત્રો. શહેરોનુ અંતર ક્યારેય મનનુ અંતર ન બન્યું. અને પોતાની ચિંતા વ્યક્ત કરી અને અપર્ણા માંટે એના પુત્ર અથર્વનો હાથ માંગ્યો. શૈલેષભાઈ એ પણ વાત સહર્ષ સ્વિકારી લીધી અને બીજા જ દિવસે સવારે મંંદિરમાં રાજીવભાઇની હાજરીમાં અપર્ણા અને અથર્વના લગ્ન ગોઠવવાનુ નક્કી થઈ ગયું. બધું એટલું જલ્દી બની ગયું કે અપર્ણા પાસે કંઈ કહેવા કે વિચારવાનો સમય જ ન હતો. અને કહેવુ પણ કોને અને શું? મરણપથારીએ પડેલા પિતા પાસે કેવી રીતે પોતાનું મન ખોલે. એની ઈચ્છાનો કેમ વિરોધ કરી શકે. આદિત્ય પણ ગામમાં ન હતો. અપર્ણા તો જાણે આત્મા વગરનુ શરીર બની યંત્રવત જે થતું હતું તે થવા દેતી હતી.

આજની રાત બસ રહી હતી. કાલે સવારે તો એ પોતાના અને આદિત્યના સપનાઓ ને બાળી એ જ અગ્નિની સાક્ષી એ કોઈ બીજાની થઇ જવાની હતી હંમેશ માટે. જ્યારે કોઈ વ્યક્તિ સાથે જીંદગીભરનો સાથ થવાનો જ નથી તો શું કામ કૂદરત એને આપણી જીંદગીમાં મોકલે છે. અને જે પણ કંઈ બન્યું એમાં દોષ પણ કોનો ? અપર્ણા ખૂબ રડી. હૈયુ ફાડીને રડી.. એ સંબંધને વિંટળાઈ ને રડી કે જે એણે જીવ્યો હતો, માંણ્યો હતો, ચાહ્યો હતો હવેથી કદાચ એ આ સંબંધ માટે રડી પણ નહીં શકે. કેટલી પિડા ! જ્યારે બધું જ આપણું છતાં પણ આપણે કંઇ ન કરી શકીએ. સંબંધ આપણો, જીવન આપણું, ઈચ્છાઓ આપણી અને એ બધું જ આપણા હાથમાંથી સરતુ જતું હોય છતાં પણ આપણે કંઈ જ ન કરી શકીએ.

કંઈક વિચાર આવ્યો અને એ ઊભી થઈને દોડીદોડીને આદિત્યની પાસે એના ગામ જવા. પણ એ ઘરનો ઊંબરો ઓળંગવા જતી હતી ત્યાં જ એમ્બ્યુલન્સ આવી ને ઊભી રહી. રાજીવભાઇની ઈચ્છા પ્રમાણે એ હવે ઘરેથી જ સારવાર કરાવશે અને જે પણ કંઈ થાય તે પોતાના ઘરની ભૂમિ પર જ થાય. અને અપર્ણા એ ઊંબરો ન ઓળંગી શકી. આદિત્યને પત્ર લખવા બેઠી પણ શબ્દો પણ રિસાઈને દૂર થઈ ગયા હતા. એ કંઈ જ ન લખી શકી, બસ એના આંસુ એ પત્રને પલાળતા રહ્યા. અને સમય રેતી બની સરી ગયો.

આજની સવારમાં પણ અપર્ણાને તો ફક્ત અંધકાર જ દેખાતો હતો. અને થોડી જ વારમાં તો એના ગળામાં અથર્વના નામનુ મંગળસૂત્ર લટકતું હતું. બધું જ પૂરું થઈ ગયું, પોતાના સપનાઓનો ધુમાડો એની આંખોમાં ગજબ બળતરા કરાવતો હતો. અપર્ણા હજી પોતાના મનને સમજે ત્યાં તો રાજીવભાઇ એ દેહ પણ છોડી દીધો. એક સાથે બે બે વ્યક્તિની પોતાના જીવનમાંથી વિદાય થઈ ગઈ.

કોલેજમાં પરિક્ષા શરૂ થઇ ગઇ. નક્કી થયા પ્રમાણે આદિત્ય પોતાની ઘરે વાત કરી અને સહર્ષ મંજૂરી પણ લઈ આવ્યો હતો. એ અપર્ણા ને શોધતો હતો પણ એ ક્યાંય ન દેખાઈ. પરિક્ષાનો બેલ પણ વાગી ગયો. અપર્ણાને કદાચ મોડું થઇ ગયું હશે એવું વિચારી એ પરિક્ષા ખંડમાં ગયો. પેપર પણ એ જ ઉત્સાહથી પૂરુ કર્યું કે જલદી એ અપર્ણાને મળી આ સારા સમાચાર આપે અને આવા જ સમાચાર સામે સાંભળવા મળે. પણ અપર્ણા ક્યાંય ન મળી. હવે આદિત્યને ચિંતા થવા લાગી કે એવું તો શું થયું કે અપર્ણા પરિક્ષા આપવા જ ન આવી. ચીંતા સાથે તરફડાટ પણ વધી ગયો. પણ પોતે શું કરે, કોને પૂછે કંઈ સમજાતું નહોતું. બેબાકળો બની એ આમથી આમ એને શોધતો રહ્યો. કોલેજ બંધ કરવાના સમયે પટ્ટાવાળાના કહેવાથી બહાર નીકળ્યો. બીજા ત્રણ દિવસો પણ આવું જ બન્યું.. આદિત્ય માટે હવે પરિસ્થિતી અસહ્ય બની ગઇ. એની તડપ હદ પાર કરી ગઇ હતી. સતત એક જ વાત કે એવું તો શું થયું? અપર્ણાની વફાદારી પર તો એને પૂરો ભરોસો હતો તો પછી શું થયું એવું? ત્યાં એને રિયા દેખાઈ. એ દોડીને રિયા પાસે પહોંચ્યો અને એને જ્યારે હકીકત ખબર પડી એના પગનીચેથી જાણે જમીન ખસી ગઇ. કોઇ જ પ્રતિભાવ વગર એ ફસડાઇ પડ્યો. અને જ્યારે આંખો ખોલી ત્યારે…

આંખો ખોલી ત્યારે અપર્ણા એનાથી કાયમ માટે દૂર થઈ ગઇ હતી. આ આઘાત પચાવવો ખૂબ અઘરો હતો. પહેલા તો ખૂબ ગુસ્સો આવ્યો.

જે સપના ચાર આંખોથી જોવાયા હોય. જે સંબંધને બે હ્રદયે સાથે મળી સિંચ્યો હોય. જેમા હંમેશના સાથ માટે પરસ્પર વચનો દેવાયા હોય. જે સંબંધ એકબીજાને સાથે રાખી વાવ્યો હોય. એ સંબંધ ને પૂરો કરવાનો નિર્ણય કોઈ એક જ વ્યક્તિ કેવી રીતે કરી શકે ? પણ આદિત્ય પોતાની અપર્ણાને જાણતો હતો. એ ગુસ્સા અને નારાજગી સામે પોતાના પ્રેમની જીત થઈ. એની મજબૂરી ખૂબ સારી રીતે સમજી શક્યો. હવે એને પોતાની તકલીફ કરતાં અપર્ણાની તકલીફો વધુ પિડા આપવા લાગી. કોઈની પત્ની બની એણે આખી જીંદગી સંસાર નિભાવવાનો હતો એ પણ કોઈ ફરિયાદ વગર, હસતા ચહેરા સાથે.

એણે મનોમન નક્કી કર્યુ કે એ હવે ક્યારેય અપર્ણાને નહીં મળે. એ કાયમ માટે ન્યુ યોર્ક જતો રહ્યો. અને અહીં અપર્ણાએ પણ પોતાની જાતને વચન આપ્યું કે તે અથર્વ ને અને પોતાના સંસારને પૂરી નિષ્ઠા અને વફાદારીથી નિભાવશે.

સમયનુ ચક્ર ફરવા લાગ્યું. બંન્ને એ પોતાની જાત ને એટલી વ્યસ્ત કરી દીધી કે જાણે આ જન્મે જ બધી જવાબદારી પૂરી કરી હવે ના બધા જન્મો બસ એકબીજા માટે ના જ થઇ રહે.

પણ, આજ પચ્ચીસ વર્ષ પછી એ લાગણીઓ કેમ તોફાને ચડી આટલા વર્ષોની તપસ્યાને ડગમગાવતી હતી. મનમાં સખત અજંપો અને તરફડાટ. આ તે કેવી બેચેની. પોતાનું મન આજ આદિત્યને વિંટળાઈને કેટલી સંવેદનાઓમાં અટવાવા લાગ્યું. આંખોના આંસુ આજે રોકાવાનું નામ ન હતા લેતાં જાણે આટલા વર્ષોથી બાંધેલો દરિયો આજ ગાંડોતૂર બની બસ બધું તબાહ કરી નાખશે.

ત્યાં ડોરબેલ વાગી. પોતાની જાતને માંડ સંભાળતી એ દરવાજો ખોલવા ગઇ. સામે કોઈ સાવ અજાણ્યો માંણસ હાથમાં મોટું કવર લઇને ઊભો હતો. “તમે અપર્ણા મેડમ ?”, અપર્ણા એ ફક્ત હકારમાં માથું હલાવ્યું. “હું આદિત્ય સરનો સેક્રેટરી,” આદિત્યનું નામ સાંભળતાં જ અપર્ણા સ્તબ્ધ થઈ ગઈ. મનમાં એક સાથે હજારો વિચારો આવ્યા અને ગયા. “મેડમ, આદિત્ય સર છેલ્લા ત્રણ મહિનાથી ન્યુ યોર્કથી અહીં પોતાના વતન આવ્યા છે. જીંદગીની છેલ્લી ક્ષણો એ અહીં વિતાવવા ઇચ્છતા હતા. સરની બંન્ને કિડની ફેઇલ થઈ ગઇ હતી. અહીં આવી એમણે સારવાર પણ બંધ કરી દીધી હતી. એમની ઇચ્છા પ્રમાણે એમના ગયા પછી તમને આ એન્વેલપ અને આ લેટર દેવાનું કહ્યું હતું. એ સાવ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અને હવે તો કદાચ ……”

અપર્ણા એ કવર સાઇડ માં મૂકી લેટર ખોલ્યો.

અપર્ણા,

મારી કહેવાનો હક નથી રહ્યો એટલે ફક્ત અપર્ણાથી જ સંબોધી. જે પણ કંઈ થયું એ આપણા નસીબનો ખેલ હતો. તુ તારી જાતને જરા પણ દોષી ન માનતી અને આ સંપત્તિના કાગળિયા સ્વિકારી લેજે. મારી જીંદગીમાં તારું સ્થાન કોઈ ન લઈ શક્યું. એ સ્થાન તારુ જ હતું અને દરેક જન્મમાં તારું જ રહેશે. આ જન્મમાં આપણો સંગાથ લખાયો જ નહીં હોય પણ હવે દરેક જન્મમાં તારા જ સંગાથની રાહમાં...

આદિત્ય….

આટલું વાંચતાં જ અપર્ણા પણ નીકળી પડી આદિત્યની રાહ પર જન્મોજન્મના સંગાથ માટે….


Rate this content
Log in

Similar gujarati story from Inspirational