સંબંધોનું વાવેતર
સંબંધોનું વાવેતર
કાવ્યા કાલે મારે કંપનીમાં અગત્યની મિટિંગ છે પપ્પા મમ્મી જાત્રાએથી પાછા આવી રહ્યા છે. જવાબદારીવાળી મારી પોસ્ટ હોવાથી કાલે અચાનક રજા લેવી મારા માટે અયોગ્ય ગણાશે. શું કરવું એ સમજાતું નથી.
મેં રાત્રે ડિનર લીધા પછી કાવ્યાને વાત કરી.
કાવ્યા બોલી..આટલી વાતમાં ચિંતા કરો છો ? હું કાર લઈ એરપોર્ટ જઈશ અને પપ્પા મમ્મીને લઈને આવીશ તેમાં તમારી ક્યાં જરૂર છે ?
હું કાવ્યા સામે જોતો રહ્યો..
કોઈ શંકા ? કાવ્યા બોલી.
ના ડાર્લિંગ...પપ્પા જ કહે છે કાવ્યા મારો બીજો દીકરો છે.
એ સ્માઈલ આપી ફરી કિચનમાં પોતાનું અધૂરું કામ કરવા જતી રહી.
હું કાવ્યાનું બદલાયેલ વ્યક્તિવને ઝાંખતો રહ્યો અને વિચારતો રહ્યો, ક્યાં અમારા લગ્ન થયા ત્યારની કાવ્યા અને અત્યારની કાવ્યા, બંનેમાં આભ જમીનનો ફેર છે.
પહેરવેશમાં પણ પપ્પા મમ્મી એ કાવ્યાને છૂટ આપી હતી. અજાણી વ્યક્તિને ઘરમાં દીકરી ફરે છે કે ઘરની વહુ એજ પ્રથમ દ્રષ્ટિએ ખબર ન પડે.એ કારણથી કાવ્યાને પણ પિયર કરતા સાસરે વધારે ગમતું હતું.
અમારા લગ્ન થયા ત્યારે ઘરકામ સિવાય કાવ્યાને કોઈ પ્રકારનું બીજું જ્ઞાન ન હતું. હા તે B.Com થઈ હતી પણ તેનું પિયર જુનવાણી મગજનું હોવાથી કોલેજથી ઘર અને ઘરથી કોલેજ, આજ તેની પ્રવૃત્તિ અને જીવન હતું.
વાસ્તવમાં કાવ્યાના જીવનમાં પરિવર્તન લાવનાર કોઈ હોય તો એ મારા માઁ બાપ. સંયમ, ધીરજ અને પ્રેમથી તેમણે ધીરે ધીરે કાવ્યાને એક સ્માર્ટ ગૃહિણી બનાવી દીધી. સામેની વ્યક્તિના દિલમાં જગ્યા બનાવવા આપણા પ્રયત્ન પણ દિલથી હોવા જોઈએ. એ મારા પપ્પા મમ્મીએ સાબિત કરીને બતાવ્યું જેનો મને ગર્વ છે.
મારા પપ્પા મમ્મી Govt.માં કલાસ વન ઓફિસર હતા.
બચત ઉપરનું વ્યાજ અને પેન્શન પણ સારું એવું મળતું હોવાથી દીકરાની વહુ કમાતી આવે તેવો તેમનો કે મારો કોઈ આગ્રહ ન હતો. ઈશ્વરે બધું આપ્યું હતું..જરૂર માત્ર નિવૃત્તિમાં પપ્પા મમ્મીને શાંતિની હતી.. તે કાવ્યાના વાણી, વર્તન, વ્યવહારથી તેઓને મળી રહી હતી.
પપ્પાએ કાવ્યાને શીખવાડ્યું હતું કોઈ પણ તને પૂછે કે શું કરો છો ?
તો કહેવાનું "વર્ક ફ્રોમ હોમ"
પપ્પાએ અમારા લગ્નના એક વર્ષ પછી કાવ્યાને પ્રથમ કાર ચલાવતા શીખવાડી. પપ્પા મમ્મીને મંદિરે જવું હોય, બેન્કમાં જવું હોય, પોસ્ટ ઓફીસ જવું હોય કે પછી કોઈ ફંક્શનમાં, કાવ્યા કાર ચલાવી તેમને લઈ જતી. મારા પુત્ર પિન્ટુને સ્કૂલે મુકવાથી પેરેન્ટ્સ મિટિંગ સુધીનું કામ તે સરળતાથી એકલી કરવા લાગી હતી.
પપ્પા હસવા માં મને કહેતા કાવ્યા મારો બીજો દીકરો છે.
એક વખત મેં પપ્પા મમ્મીને હસવામાં પૂછ્યું..કાવ્યાના બેન્ક એકાઉન્ટમાં આટલા બધા રૂપિયા કેવી રીતે જમા થાય છે.. ?
પપ્પા હસી ને બોલ્યા ...વર્ક ફ્રોમ હોમ.
મેં હસી ને કીધું હું સમજ્યો નહિ પપ્પા.
જો બેટા તું જે પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમાં દર મહિને પગાર રૂપી તમને તેનું વળતર મળે છે. જ્યારે કાવ્યા ઘરની જે પ્રવૃત્તિઓ કરે છે..એ પ્રવૃતિઓનું કોઈ આર્થિક વળતર તેને મળતું નથી એટલે હું અને મમ્મી દર મહિને તેનાં એકાઉન્ટમાં ૧૫૦૦૦ ૧૫૦૦૦ રૂપિયાએમ ૩૦૦૦૦ રૂપિયા જમા કરાવીએ છીએ.
અમે તેને કીધું હતું સમીર તને હાથ ખર્ચીના રૂપિયા આપે તો ના ન પાડતી...એ તારો હક્ક છે અને તેની ફરજ પણ છે.
હું કાવ્યા સામે જોઈ હસી પડ્યો હું પણ તેને હાથ ખર્ચીના ૧૦,૦૦૦ રૂપિયા આપું છું.
મતલબ ૪૦,૦૦૦ ઘરે બેઠા ?
પપ્પા બોલ્યા, ના બેટા માત્ર ૪૦,૦૦૦ નહિ, તું જાણે છે હવે તો તે કોમ્યુટર પણ શીખી ગઈ છે એટલે મારા મિત્રના ગ્રૂપના અકોઉન્ટના ઘણા કામ એ ઘરે બેસીને કરી મહિને ૩૦,૦૦૦ જેવું જાતે કમાઈ લે છે..સમજ્યો...બોલ હવે કેટલા રૂપિયા મહિને કાવ્યા કમાય છે ?
મારી કાવ્યા તારાથી ઉતરતી નથી..કહી પપ્પા હસી પડ્યા
મેં હસીને કીધું મારે પણ "વર્ક ફ્રોમ હોમ" કરવું છે.
મમ્મી બોલી વાંધો નહિ કાવ્યા જે ઘર ના કામ કરે છે એ તારે પણ કરવા પડશે.
અમે બધા હસી પડ્યા.
વહુને જન્મદિવસે સોનાના ઘરેણાં કે અન્ય ભેટ આપતા સાસુ સસરા ઘણા મેં જોયા છે. પણ પપ્પા મમ્મીએ તો કાવ્યાને પ્રથમ જન્મ દિવસે સ્માર્ટ ફોન બીજા જન્મદિવસે લેપટોપ અપાવ્યું. સાથે કોમ્યુટરના કલાસ પણ જોઇન્ટ કરાવ્યા. અને ત્રીજા જન્મદિવસે એક્ટિવા આપી કાવ્યાને સંપૂર્ણ આઝાદી આપી એક આદર્શ સ્માર્ટ ગૃહિણી બનાવવા તરફ પ્રયાણ કર્યું હતું.
મેં જ્યારે કીધું પપ્પા આટલા બધા રૂપિયા કાવ્યાના એકાઉન્ટમાં કેમ જમા કરાવો છો ?
ત્યારે તેમણે સુંદર જવાબ આપ્યો, જો બેટા અમારું જે છે એ બધું અમારી ગેરહાજરીમાં તમારું જ છે. બધું ભેગું કરીને અમારી ગેરહાજરીમાં તમને આપવું તેના કરતાં અમારી હાજરીમાં તમને આપી તમને ખુશ થતા જોઈ અમે પણ ખુશ કેમ ન થઈએ ?
એક આદર્શ માતા પિતા મારી નજરમાં તો તેઓ હતા જ પણ તેમણે આદર્શ સાસુ સસરા બનીને પણ મારી અને કાવ્યાની નજરમાં એક મુઠી ઊંચું સ્થાન સાબિત કરી બતાવ્યું.
ફકત હાથમાં સ્માર્ટ ફોન પકડી હૉશિયાર નથી બનાતું... પણ આપણા રોજિંદા વ્યવહારમાં પણ હોશિયારી અને કુશળતા આવે ત્યારે હાથમાં સ્માર્ટ મોબાઈલ શોભે એ કાવ્યાએ પુરવાર કરી બતાવ્યું..કાવ્યાએ ફક્ત પપ્પા મમ્મીનું નહિ મારા ૫૦% બહારના કામ તેણે સંભાળી લીધા છે. વધારે પડતા કામ તો ઓનલાઈનથી તે પતાવી દે છે.
કોઈને ખીલવા માટે વાતાવરણ આપવું, અને ઊડવા માટે પાંખ છે તેવો અહેસાસ કરાવવો એ પણ મહાનતા છે જે અમારા ઘરે પૂરું પાડ્યું હતું.
અચાનક કાવ્યાનો ગાવાનો અવાજ સાંભળી હું વિચારોમાંથી બહાર આવ્યો ત્યારે કાવ્યા રસોડામાંથી ગીત ગાતી હતી
મૈ તો ભૂલ ચૂકી બાબુલ કા દેશ પિય કા ઘર..
કોઈ જામેલ છોડને ઉખાડી બીજા ક્યારામાં રોપીએ ત્યારે પણ ધીરજ અને સંયમની જરૂર પડતી હોય છે. ત્યારે તેમાં ફૂલ બેસે છે. જ્યારે આપણે તો કોઈના ઘરની દીકરી લાવીએ છીએ..રીત રિવાજ, સ્વાદ, સબંધ, ઘર, વ્યક્તિઓ બધું જ નવું...થોડો સમય તો લાગે સેટ થતા.
પરસ્પર એક બીજાની માવજત, પ્રેમ અને ધ્યાન રાખશું તો ઘર એક મંદિર જરૂર બની જશે. આજકાલ પરિવાર નાના બની ગયા છે સુખ દુઃખમાં બીજા ઉપર આધારિત ન રહેવું હોય તો ઘરની દરેક વ્યક્તિને હોશિયાર અને ચકોર બનવું પડશે.
