સમોસા
સમોસા


મિત્રો, જ્યારે આપણે "ભાવતું ભોજન" આ શબ્દ સાંભળીએ ત્યારે આ શબ્દ સાંભળતાની સાથે જ આપણને જે ખોરાક પસંદ હોય તે આપણી નજર સમક્ષ આવી જતો હોય છે, અને મોઢામાં પાણી આવી જતું હોય છે.
આમ તો હું કાઠિયાવાડી છું, એટલે કાઠિયાવાડી કે ગુજરાતી ડિશ એ મારી ઓલ ટાઈમ ફેવરીટ રહી છે, અને રહેશે પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી..!
પરંતુ જ્યારથી હું ભાવનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરવા માટે ગયો, ત્યારથી મને ભાવનગરના "સમોસા" પસંદ પડયા, અને દરરોજના ઓછામાં ઓછા સાતથી આઠ સમોસા હું ખાઈ જતો હતો, ક્યારેક હું બપોરે ભોજનમાં પણ સમોસા ખાઈ લેતો હતો, રૂમ પર ટિફિન આવેલ હોવા છતાં પણ હું મારા રૂમે જતાં પહેલાં એકાદ - બે સમોસા તો ચોક્કસથી ખાય લેતો હતો. જાણે મારો અને સમોસાનો સબંધ વર્ષો પુરાણો હોય તેવું મને લાગી રહ્યું હતું.
પણ જાણતાં - અજાણતાં હું સમોસાનો ભોગી બની ગયો, પરંતુ મિત્રો હું મારા અભ્યાસનાં છેલ્લાં વર્ષમાં પહોંચ્યો તો મારું વજન અને શરીર ખુબજ વધી ગયું હતું, મારા જાણીતા પણ મને ઓળખી ના શકે એવી મારી હાલત થઈ ગઈ હતી. આ સમયે મારી હાલત "મોટું - પતલુ" કાર્ટુન સીરિયલમાં આવતાં મોટું જેવી હાલત થઈ ગઈ હતી. જે પણ મારી જેમ સમોસાનો ભોગી હોય છે.
પરંતુ મિત્રો આપણી લાઈફમાં એવી પરિસ્થિતિ આવતી હોય છે, કે આપણે ના છૂટકે ભાવતું ભોજન કે ખોરાક છોડવાની નોબત આવતી હોય છે, મારું વજન 94 કિલો કરતાં પણ વધી ગયું હતું, આથી મેં રનિંગ, જોગીગ, યોગા, અને કસરત ચાલુ કરી, હું જેને ખુબજ પસંદ કરતો હતો એવા મારા ફેવરિટ "સમોસને" પણ મેં કાયમિક માટે વિદાય આપી દીધી, આ સિવાય મેં બહારના તમામ પ્રકારનો જંક ફૂડ, ઉપરાંત ઘઉં વગેરે ખાવાનું બંધ કરેલ છે, અને આજે મારું વજન 84 કિલો થઈ ગયેલ છે.
પરંતુ હાલમાં પણ મને જ્યારે એ કાઠિયાવાડી ભોજન, સમોસા, ઘી કે માખણથી તરબતોળ બિસ્કિટ જેવી ભાખરી યાદ આવે ત્યારે મોંમાં પાણી ચોક્કસથી આવી જાય છે !
દુનિયા ભલે ગમે તે કહે પરંતુ મિત્રો જે વ્યક્તિને ડાયાબીટીસ હોય તેની હાલત ખરેખર દયનીય હોય છે, પોતાનીજ નજર સામે દુનિયાની સારા સારી મીઠાઈ, શિરો, શિખંડ, બાસુંદી જેવો મનપસંદ ખોરાક પડ્યો હોય છે, છતાંપણ તે ખાઈ શકતાં નથી, આ સમયે તેની માનસિક સ્થિતિ ખરેખર સમજવા અને વિચારવા જેવી છે. માટે મિત્રો આપણી આવી હાલત ના થાય માટે, આજથી જ "જાગ્યાં ત્યારથી સવાર" ગણીને થોડુંક રનિંગ, જોગીગ, યોગા અને કસરત શરૂ કરી દઈએ, જેથી કરીને આપણે આપણને જે ખોરાક ખૂબ જ ભાવે છે કે પસંદ છે, એ એટલીસ્ટ થોડોક તો ચોક્કસથી ખાઈ શકીશું, અને એનો આસ્વાદ માણી શકીશું !