સ્મોકિંગ
સ્મોકિંગ


મિત્રો આપણાં જીવનમાં ઘણીવાર આપણે ગેર માર્ગે દોરાય જતાં હોઈએ છીએ, અને જો આપણને કોઈ એ ગેરમાર્ગેથી પાછા ન વાળે. તો આપણો અસ્ત થઈ જાય છે એટલે કે આપણું અસ્તિત્વ કે વજૂદ ના બરાબર બની જાય છે.
આવું જ મારી સાથે બનેલ હતું, મેં ધોરણ બાર સુધી એકદમ ગંભીરતાથી અભ્યાસ કર્યો, સારા એવા ટકા આવ્યાં, આથી મને ભાવનગર નર્સિંગ કોલેજ ખાતે એડમિશન પણ મળી ગયું..આથી હું રાજીખુશીથી ભાવનગર જઈને મારો અભ્યાસ શરુ કરી દીધો, રાબેતા મુજબ મારો અભ્યાસ પણ શરૂ થઈ ગયો, અને મેં મારું બધું જ ધ્યાન ભણવામાં કેન્દ્રિત કરી દીધેલ હતું...!
પણ મિત્રો કહેવાય છે કે જો તમારી સંગત સારી હોય તો તે તમને ચાંદ સુધી પહોંચવામાં પણ સફળતા આપાવે છે, અને જો ખરાબ સંગત મળી જાય તો તમને જહનમમાં પણ સ્થાન નથી મળતું, આવું જ કંઈક મારી સાથે બન્યું, મારા નસીબ કદાચ નબળા હશે.આથી મને પણ બુરી સંગત મળી ગઈ.અને મારામાં પણ એવાં બધાં બદલાવો આવ્યા કે જે મારો પરિવાર ક્યારેય પણ ગ્રાહય રાખે તેમ ન હતાં, મારામાં ઘણી કુટેવો આવી ગયેલ હતી, જેમાં સ્મોકિંગ, ડ્રિંકિંગ, તમાકુ, પાન - માવા ખાવા વગેરેનો સમાવેશ થયેલ હતો, ધીમે ધીમે દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષ વીતવા લાગ્યાં, અને આ બધી કુટેવો મારી અંદર જાણે ઘર કરી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.
એક દિવસ હું જે હોસ્પિટલમાં નાઈટ શિફ્ટ કરતો હતો, તે હોસ્પિટલના સાહેબ મને એકવાર સ્મોકિંગ કરતાં જોઈ ગયાં, જે બાબતનો મને જરાપણ અંદાજો હતો જ નહીં, એ જ દિવસે રાતે હું જ્યારે હોસ્પિટલે પહોંચ્યો તો સાહેબે મને એક બુક આપી."ગાંધીજીનું જીવન ચરિત્ર" અને મને કહ્યું કે આ બુક કાલે વાંચીને આવજે.
બીજે દિવસે મારી નાઈટ શિફ્ટ શરૂ થઈ એ પહેલાં હું સાહેબને મળ્યો, અને સાહેબે મને સમજાવતાં કહ્યું કે,
"રાહુલ ! આ ઉંમર જ એવી છે કે વ્યક્તિ પૂરેપૂરી રીતે યુવાનીના રંગે રંગાઈ જતાં હોય, ગેરમાર્ગે દોરાય જતાં હોય છે, અમુક પ્રકારની કુટેવો પણ પડી જતી હોય છે, જેમ તને સ્મોકિંગ કરવાની ટેવ છે.!" - આ સાંભળી મને નવાઈ સાથે આશ્ચર્ય પણ થયું.
"ના ! સાહેબ ! મને કોઈ સ્મોકિંગ કરવાની ટેવ નથી.!" - મેં મારો બચાવ કરતા કહ્યું.
"રાહુલ ! મેં તને ગઇકાલે જ મારી પોતાની આંખોથી સ્મોકિંગ કરતાં જોયો હતો, અને મેં આ "ગાંધીજીના જીવન ચરિત્ર" વાળી બુક એટલાં માટે આપી હતી કે તારામાં સાચું બોલવાની હિંમત આવી જાય.!" - સાહેબ મારી આંખોમાં આંખો પરોવીને બોલ્યાં.
"હા ! સાહેબ ! તમારી વાત સાચી છે..મને સ્મોકિંગ કરવાની ટેવ છે.!" - હું લાચાર અવાજે બોલ્યો.
"રાહુલ ! એમાં તારો કોઈ વાંક નથી, તારી જિંદગી છે, એ તારે કેવી બનાવવી છે, એ તારે નક્કી કરવાનું છે, આ સમય જ એવો છે કે આપણાં પર થોડીઘણી અસર થતી જ હોય છે, હું જ્યારે એમ.બી.બી.એસ કરતો હતો, ત્યારે મને પણ આવી જ કુટેવ પડી હતી.અને મને મારા જ એક પ્રોફેસરે ત્યાંથી પાછો વાળેલ હતો, જયારે મેં તને આવી રીતે સ્મોકિંગ કરતાં જોયો, તો જાણે તારી અંદર મારી દસ વર્ષ પહેલાંની મારી જાતને જોઈ રહયો હોય તેવું મને લાગી રહ્યું હતું, મારા પ્રોફેસર તો મને સારા અને સાચા રસ્તે લાવવામાં સફળ રહ્યાં હતાં, હું તારા કેસમાં કેટલો સફળ થઈશ, એ મને ખબર નથી.!" - આટલું બોલી સાહેબ સહેજ અટકયા અને મારી સામે એકીટશે જોવા લાગ્યાં.
"સાહેબ ! મારી ભૂલ મને સમજાય ગઈ.! હું તમારો પ્રયત્ન વ્યર્થ નહીં જવાં દઈશ.અને તમે પણ તમારા પ્રોફેસરની જેમ કોઈને સારા અને સાચા રસ્તે લાવવામાં સફળ જ થશો, હું આજ પછી ક્યારેય પણ સ્મોકિંગ નહીં કરીશ અને મારામાં આ સિવાય અન્ય જેટલી કુટેવો છે, એ બધી જ છોડી દઈશ." - આંખમાં આંસુ સાથે હું બોલ્યો.
આ સાંભળીને સાહેબની આંખોમાં પણ હરખનાં આંસુ આવી ગયાં, અને ત્યારથી માંડીને મેં આજસુધી ક્યારેય પણ સ્મોકિંગ કર્યું નથી.
મિત્રો, અહીં મેં મારી સાથે જે ઘટનાં બની હતી, તે વર્ણવી છે. જેના માટે મારે હિંમતની પણ જરૂર હતી. જે મને મારા સાહેબે જ આપી હતી, જો કદાચ એ સમયે સાહેબે મને રોક્યો કે પાછો વાળ્યો ન હોત તો કદાચ આજે ટી.બી થઈ ગયો હોત, એમાં કોઈ નવાઈ નથી, આમ મારા સાહેબ મારા માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની ગયાં, અને મારા યુવાનીના મુક્ત મને વહેતાં ઝરણાને એક ચોક્કસ દિશા બતાવી. જેનો હું અહીં આભાર માનુ એટલો ઓછો છે.