સ્મિત રેલાઈ ગયું
સ્મિત રેલાઈ ગયું
માલાને મનન સાથે સવારનો બ્રેકફાસ્ટ મૅકડોનાલ્ડમાં લેવો ખૂબ ગમતો. નાનો મિત, પાછળ હિંચકા ખાતો, લપસણી પર લસરતો. થોડી થોડી વારે આવે, મમ્મી એક કોળિયો ખવડાવે એટલે પાછો રમવા દોડી જાય. દર રવિવારનો આ નિયમ હતો. સહકુટુંબ સાથે સુંદર સમય વિતાવતાં. માલાનો અઠવાડિયાનો થાક અહીં આવે ત્યારે ઉતરી જતો. મનનને પણ માલાનો સહવાસ
માણવો ખૂબ ગમતો. ઘરે હોય ત્યારે પાંચ મિનિટ પણ માલા તેની સાથે શાંતિથી ન બેસે.
આજે મહિનાનો પહેલો રવિવાર હતો. બંનેનો પગાર ગઈ કાલે જ આવ્યો હતો. ત્રણેય જણાં ખૂબ ખુશ હતાં. મિતને તો તેનું “હેપી મીલ” પસંદ પડતું. નવું રમકડું મળે. આજે તો માલા અને મનન પણ અહીંજ કોફીની સાથે, ‘બર્ગર વિધાઉટ બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝને અને એપલ પાઈ “ની મોજ માણવાનાં હતાં. દર વખતે ખિસાને ન પણ પરવડે. આજની વાત જુદી હતી.
બહાર મિત રમતો હતો. સુંદર સવાર, રજાનો દિવસ અને મૅકડોનાલ્ડમાં બ્રેકફાસ્ટ, માલા ખૂબ આનંદમાં હાતી. જીવનમાં આવી નાની નાની ખુશીની પળો તેને માટે અતિ મહત્વની હતી.
લગભગ અડધું ખવાઈ જવા આવ્યું ત્યારે તેની નજરે ગાડીનાં કાચ સાફ કરતો યુવાન નજરે પડ્યો. અમેરિકામાં 'હોમલેસ' આવું કામ કરતાં હોય છે પણ આ તેનો પ્રથમ અનુભવ હતો.
મનનને કહે એક મિનિટમાં આવી.
અંદર જઈને બર્ગર, ફ્રાઈઝ, પેપ્સી અને એપલ પાઈ ખરીદી લાવી બહાર ‘હોમલેસ’ને આપ્યું. પેલો તો અચંબાથી તેને જોઈ રહ્યો, થેંક્યુ કહ્યું. તેના આભારની પાછળ જે હલકીસી સ્મિતની રેખા હતી તેને માલા નિહાળી રહી.
