Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

PRAVIN MAKWANA

Inspirational


3  

PRAVIN MAKWANA

Inspirational


શ્રી કૌમુદી મુનશી : અંતિમ શ્વાસ સુધી સંગીતનાં સેવક

શ્રી કૌમુદી મુનશી : અંતિમ શ્વાસ સુધી સંગીતનાં સેવક

8 mins 158 8 mins 158

એક એવી પેઢી જેને અમુક અણમોલ રત્નોનાં યુગમાં જન્મ્યા હોવાના અહેસાસ માત્રથી ગૌરવ અનુભવાય છે ત્યાં આવનારી પેઢી ને અમુક નામ સુદ્ધા ખબર નથી હોતી. કદાચ નવી પેઢી માટે એવું જ એક ભુલાઈ ગયેલું નામ એટલે શ્રી કૌમુદી મુન્શી. આજે એમની પ્રથમ પુણ્યતિથિ પર એમનું સ્મરણ કર્યા વગર રહી ન શકી. ગયાં વર્ષે કોરોનાંને લીધે છીનવાઈ ગયેલા આપણા ગૌરવવંતા ગુજરાતીઓનાં લિસ્ટ માટે જો આક્રોશ ઠાલવવો હોય તો ઘણા બધા નામ સાથે હું આ નામ પણ શિરમોર ગણું જેણે એક અદ્ભૂત કંઠ છીનવી લીધો આપણી પાસેથી.

ગુજરાતનું એવું અમૂલ્ય ઘરેણું જેમના પર મા સરસ્વતીનાં ચારેય હાથ. ગુજરાતી ભાષાના ગીત - સંગીતને મળેલા એક એવા શિરમોર ગાયક, કોકીલ કંઠી શ્રી કૌમુદી મુનશી જેમના થકી આ સંગીતનો વારસો ભવ્ય અને અવિસ્મરણીય બન્યો. જીવન પ્રત્યે હંમેશાં હકારાત્મક અભિગમ ધરાવતાં કૌમુદી બહેન કહેતાં કે જીવનમાં સંગીતનો પ્રવાહ કાયમ ચાલુ રહેવો જોઈએ. 

જીવનના અંતિમ શ્વાસ સુધી સંગીતની સેવા કરી શકું એ જ એમનાં જીવનનું ધ્યેય રહ્યું હતું. છેવટ સુધી એ સંગીતમય જ રહ્યાં. એમના જીવનની જીવંત ક્ષણોને માણી કૌમુદીબહેનને આજે આનંદપૂર્વક યાદ કરીએ. એમની આસપાસનાં લોકો એ એમને ક્યારેય દુ:ખી જોયાં નથી તો પછી એમનું સ્મરણ સંગીતસ્મૃતિઓ સાથે જ કરવાનું હોય ને..!

એમની સંગીત યાત્રાની વાત કરીએ તો, વારાણસીમાં સ્ત્રીઓનાં જાહેર કાર્યક્રમ પર સામાજીક પ્રતિબંધ હોવાને કારણે તેઓ ૧૯૫૧માં મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી જ એમના સંગીત સફરની શરૂઆત થઈ હતી. આપણે પણ આ સફરનો અનુભવ તાજો કરીયે એ પહેલા એમનાં ભૂતકાળમાં ઝાંખી કરવી જરૂરી છે જે કદાચ કેટલાંય કલાકારો માટે પ્રેરણા રૂપ છે. ૩ ફેબ્રુઆરી, ૧૯૨૯નાં રોજ વારાણસીનાં કાશીમાં જન્મેલા શ્રી કૌમુદી મુનશીનું મૂળ વતન વડનગર પરંતુ તેમનો પરિવાર કાશીમાં સ્થાયી થયો હતો. 

જે હવામાં એમણે પ્રથમ શ્વાસ લીધા એ હવામાં ભારતનું સંગીત, શાસ્ત્ર, ધર્મ, આધ્યાત્મ બધું જ યુગોથી ભળેલું છે. વતન તો વડનગર પણ વડવાઓ પાંચ-છ પેઢીથી બનારસ જઈને વસ્યા હતા. એટલે આખો પરિવાર બોલે પણ હિન્દી. પિતા નંદલાલ મુનશી અને મા અનુબહેનનું છઠું સંતાન એટલે કૌમુદીબહેન. એમના દાદા માધવલાલ મુનશી બ્રિટીશ વાઈસ રોય લોર્ડ મીન્ટોની એડવાઈઝરી કમિટીના સભ્ય હતા. કૌમુદી બહેનના માતા અનુબહેન આપણા જાણીતા સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈનાં બહેન હતા. ’ભારેલો અગ્નિ’, ’ગ્રામલક્ષ્મી’, ’કોકિલા’ જેવી કૃતિના સર્જક જેમનાં મામા હોય એ વ્યક્તિને સંગીત અને કળાનો વારસો ન આવે તો જ નવાઈ લાગે ને ? 

પણ વાત ત્યાં અટકતી નથી. વારાણસીનાં મોટા જમીનદારનાં ઘરમાં એમનો જન્મ અને વારાણસીમાં મોટા જમીનદારનાં ઘરમાં પુરુષો સંગીતનાં શોખીન પણ ખરા તે માટે તેઓ બહાર જાય. પારંપારિક રીતે ઠુમરી વગેરે એ જમાનામાં ગણિકા ગાન ગણાતું હતું, આજે નહીં. એ જમાનામાં એમ મનાતું ખાનદાન ઘરની સ્ત્રીઓએ ઠુમરી ગાવી કે સાંભળવી નહીં. કૌમુદીબહેન ૩ વર્ષના હતા ત્યારે જ એમના પિતાનું અવસાન થયું અને આઝાદી જમીનદારી નષ્ટ થઈ ગઈ. 

વિદ્યાર્થિની તરીકે કૌમુદીબહેન રિયાઝ કરે ત્યારે એમની મા બારી-બારણા સખત રીતે બંધ કરી દેતા કે જરા સરખો અવાજ પણ બહાર ન જાય. કૌમુદીબહેન આ વધી વાડો ઓળંગીને છેક ‘દાબકીમંડી’ જેવી બદનામ વસતીમાં જઈને પણ ઠુમરી સંગીતનાં મહારાણી કહેવાતાં એવા સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરી, દાદરા વગેરે શીખ્યા. એમના પોતાનાં પરિવારમાં તો આવા વિસ્તારમાં તે જાય એ બિલકુલ નાપસંદ હતું. આ બધી વાડાબંધી ઓળંગીને તેઓ ગીત-સંગીત અને ઠુમરી ગાવામાં પારંગત થયાં હતાં.

તેમના ઘરમાં પહેલેથી જ કલા અને સાહિત્યપ્રેરક વાતાવરણ હતું. તેઓ મૂળ બનારસનાં એટલે હિન્દી, ઉર્દુ, વ્રજ ભાષા પર કહું સરસ પ્રભુત્વ ધરાવે. તેમણે વર્ષ ૧૯૫૦માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી હિન્દી સાહિત્ય અને સંગીત સાથે બી.એ.ની પદવી મેળવી હતી. નાનપણથી જ તેમને સંગીતનો શોખ હતો. સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરીની તાલીમ લીધી એ પછી ઉસ્તાદ તાજ અહમદ ખાં પાસે ગઝલ ગાયકીની તાલીમ અને પંડિત મનોહર બર્વે પાસેથી પણ તાલીમ લીધી હતી. ૧૯૫૦માં બનારસ યુનિવર્સિટીમાંથી સ્નાતક તો થયા પણ એ સમયે સ્ત્રીઓ જાહેરમાં ગાઈ તો શકે નહીં અને એમને તો ગાવાની લગની લાગી હતી. 

શ્રી કૌમુદી મુનશી તાલીમ પછી કેટલાક સમય માટે જાહેરમાં કાર્યક્રમ આપવાથી દૂર રહ્યા. પરંતુ એવો રૂઢિચુસ્ત સમય લાંબો ચાલ્યો નહીં. નસીબ તેમને મુંબઈ લઈ આવ્યું. જ્યાં તેમના માતાનાં ભાઈ રહેતા હતા. ર.વ. દેસાઈનાં પુત્ર અક્ષય દેસાઈએ તેમને બહુ જ હૂંફ અને પ્રેરણા આપી અને ખુબ પ્રોત્સાહન પૂરું પાડયું. લાંબો સમય સુધી હિન્દી ભાષા સાથે ઓતપ્રોત રહેવાના કારણે ગુજરાતીમાં ગાવું એ મુશ્કેલ કામ હતું. અક્ષય દેસાઈએ કૌમુદીબહેનને કેટલાંક ગુજરાતી ગીતો શીખવ્યાં. તેમાં તેમને સફળતા મળી. એક દિવસ ઓડિશન ટેસ્ટ આપવા માટે તેઓ મુંબઈના રેડિયો સ્ટેશને ગયાં અને તેઓ પસંદગી પામ્યાં.

તેઓ ૧૯૫૧થી રેડીયોના મુંબઈ સ્ટેશનમાં ગાવા લાગ્યા. એ વખતે એમનો પરિચય શ્રી અવિનાશ વ્યાસ, શ્રી દિલીપ ધોળકિયા, નીનુ મઝુમદાર, અજિત મર્ચંટ જેવા દિગ્ગજો સાથે થયો. હિન્દી ભાષા-બોલીમાં ઉછેર થયો હતો અને અહીં કરિયર તો હતી ગુજરાતી ગીતો ગાવાની. શરુઆતમાં તો એમણે કોરસમાં ગાયું. પણ એ કંઠ, સ્વર, સૂર નીનુ મઝુમદારનાં કાને બરાબર ઝીલ્યા. 

નીનુભાઈ ઓલ ઈન્ડિયા રેડીયોનો સંગીત વિભાગ સંભાળતા અને સંગીત નિર્દેશક પણ હતા. કૌમુદીબહેને તેમના જ માર્ગદર્શન અને દિગ્દર્શન હેઠળ ગાવાનું શરૂ કર્યું. નીનુ મઝુમદાર તેમના ગાયકીથી પ્રભાવિત થયા. એમના સંબંધો પ્રગાઢ બન્યા અને તેઓ પરણી ગયાં, આ યુગલ ગીત-સંગીત અને સાહિત્યનાં એક અદ્વિતીય સંગમનું પ્રતીક હતું.

બન્ને વચ્ચે પરિચય વધ્યો અને ૧૯૫૪માં બન્નેએ લગ્ન કર્યાં. લગ્ન પછી મોટા ભાગે સ્ત્રીઓ ઘરનાં કામમાં એવી તો પરોવાઈ જતી હોય છે કે ખુબ ખંતથી શીખેલી કળા પણ ઘણી વાર બાજુ એ રહી જાય. પણ એ કઈંક નોખી માટીનાં જ હતા એમણે એ કળા એવી રીતે આત્મસાત કરી કે આજે પણ ઘરમાં રહેતી સ્ત્રીઓ કામ કરતાં કરતાં કે ઓફિસે જતી સ્ત્રીઓ પણ સમય કાઢીને એમને સાંભળવાનું ચૂકતી નથી. એમના લગ્ન પછી તેઓ ફરીથી બનારસ ગયા- પ્રખ્યાત ગાયિકા સિધ્ધેશ્ર્વરી દેવી પાસે સંગીત શીખવા. ઠુમરીનાં તેઓ મહારાણી ગણાતા અને કૌમુદી બહેને એમને આત્મસાત કર્યાં. 

એ વખતે કૌમુદી બહેન ગુજરાતી સુગમ સંગીતમાં વધુ લોકપ્રિય હતાં પરંતુ એક દિવસ તેમણે ઠુમરી પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું. ઠુમરી ક્વીન તરીકે જાણીતા સિદ્ધેશ્વરી દેવી કહેતાં હતા કે, ‘જો ઠુમરી હૃદયથી ગવાતી નથી તો તે ઠુમરી નથી.’ કૌમુદીબહેને આ વાત બરાબર આત્મસાત કરી લીધી અને ઠુમરી પર પણ તેમણે પ્રભુત્વ કેળવ્યું. કૌમુદી બહેન એકવાર ગાવાનું શરૂ કરે એટલે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા.

૨૧ વર્ષની વયે મુંબઈમાં સ્થાયી થયા બાદ તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો પર ગુજરાતી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. રેડિયો પર જાણીતાં બન્યાં પછી મુંબઈમાં પાંચ વર્ષ સુધી તેઓ ગઝલ શીખ્યાં. તેમના ગઝલ ગુરુ તાજ અહેમદખાન હતા. ગઝલ પર પણ તેમનો જબરદસ્ત કાબૂ આવી ગયો. લગ્ન બાદ તેમના પતિ નીનુ મઝુમદારે પણ કૌમુદીબહેન માટે કેટલાંક ગીતો લખ્યાં અને કૌમુદીબહેને ગાયા. એમ કરતાં કરતાં તેમણે ગીત-સંગીત ક્ષેત્રે ૫૦ વર્ષની કારકિર્દી પૂરી કરી. તેમણે ઠુમરી, દાદરા ઉપરાંત ભોજપુરી ગીતો પણ ગાયાં. તેઓ જે કાંઈ ગાતાં તે શ્રોતાઓના હૃદયને સ્પર્શી જતું. તેઓ માનતા હતા કે સંગીત એ સાક્ષાત્ દેવી સરસ્વતી છે.

શ્રી અવિનાશ વ્યાસે તેમને પ્રથમ તક આપી અને ‘અલી ઓ બજાર વચ્ચે બજાણિયો’ તથા ‘નવી તે વહુના હાથમાં રૂમાલ’ ગીતો દ્વારા તેમનું સુગમ સંગીત ક્ષેત્રે પદાર્પણ થયું હતું. વર્ષ ૧૯૫૨માં આવેલી ફિલ્મ 'મનુની માસી'નું અવિનાશ વ્યાસનું ગીત 'નહિ મેલું રે નંદજીનાં લાલ', સુરેશ દલાલનાં 'આજ મારાં હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે', 'વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી', રમણલાલ વસંતલાલ દેસાઈનું ગીત 'જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી', હરીન્દ્ર દવેનું 'કોઈ આઘે આઘેથી વેણુ વાય છે', બરકત વિરાણી ‘બેફામ’નું 'જીવન મળ્યું જીવનની પછી વેદના મળી' વગેરે એમના લોકપ્રિય ગીતો છે. તે સિવાય 'કિને કાંકરી મોહે મારી રે', 'ચોર્યાસી રંગનો સાથિયો', 'ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ', 'હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું', 'તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ' પણ ખુબ લોકપ્રિય થયેલા.

૧૯૫૨માં એેચ.એમ.વી. કંપનીએ તેમનું પહેલું મ્યુઝિક આલબમ બહાર પાડયું. તેઓ માત્ર રેડિયો પર જ નહીં પરંતુ દૂરદર્શન પર પણ ગાતાં રહ્યા. તેમનું ગીત ’ચોર્યાસી રંગનો સાથિયો’ આજે પણ ગુજરાતીઓમાં લોકપ્રિય છે. એમનાં અન્ય લોકપ્રિય ગીતોમાં (૧) ‘આ રંગ ભીના ભમરાને કહોને કે કેમ કરી ઉડાડું (૨) મને જરા જૂક વાગી ગઈ (૩) ચૈતર ચંપો મહોર્યો મહોરી આંબા ડાળ અને (૪) એક વાર એકલામાં કીધું અડપણું જે મબલખ મેળે ચડયું યાદ’- અત્યંત લોકજીભે છે. એ જ રીતે ‘ઝાંઝર અલક મલકથી આવ્યું રે અને આઘે આઘેથી વેણુ વાય છે’ તે ગીતો પણ ચિરંજીવ છે.

ઘણા બધા લોકોને કૌમુદી બહેનનાં ગળાંની ઓળખ સુગમ સંગીત, કૃષ્ણની ધૂન, ગુજરાતી કવિતાઓ થકી જ છે. ૧૯૫૨માં ગરબાનું આલ્બમ બહાર પડ્યું એ ઘણાને યાદ હોય કોઈ પાસે કલેક્શનમાં પણ હોય કે પછી આપણને યાદ આવે ’તારો વિયોગ’, ’બરફનો પહાડ થઈ’, ’એ તો ગયા પણ એમના ચહેરા રહી ગયા’ જેવી રચનાઓ. પણ ઠુમરી, દાદરા, ચૈતી, ખમાજ જેવા ગાયકી પ્રકાર એમને કંઠ ગત છે. અને ભોજપુરી ગીતો પણ એમણે સરસ રીતે ગાયાં છે. ઠુમરી ગાનારા બહુ ઓછા ગુજરાતી કલાકારમાં એમનું નામ મોખરે. 

ગાયકીનો એમનો અંદાજ લોકોના કાનમાં સોંસરવો ઉતરે. એમના કંઠની મીઠાશને લીધે એમને ‘નાઈન્ટિન્ગલ ઓફ ગુજરાત’નું બિરુદ મળેલું. શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઉપ શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, ભોજપુરી લોકગીતો, ઠુમરી, ગઝલ, દાદરા, કજરી વગેરે સંગીતના વિવિધ પ્રકારોમાં તેમણે નિપુણતા મેળવી હતી. 

સેંકડો પ્રાચીન બંદિશો તેમને કંઠસ્થ હતી. ગીત કૌમુદી, તારો વિયોગ, સ્મરણાંજલિકા જેવી એમની કેસેટ્સ અને સીડી ખૂબ લોકપ્રિય થયાં હતાં. ઉત્તરપ્રદેશ, રાજસ્થાનનાં લોકગીતોનો એમની પાસે ખજાનો હતો. રસોઈ કલા, પેઈન્ટીંગ, એમ્બ્રોઈડરીનાં પણ શોખીન. તેમણે બાળકો માટે પહાડ, નદી, સમુદ્ર, સૂરજની થીમ બનાવીને બાળકોને સમજાય એવાં સુંદર ગીતોનું સર્જન પણ કર્યું. ત્યાર પછી કૌમુદીબહેને પુષ્ટિ સંપ્રદાય માટે ભજનો, સ્તુતિઓ વગેરેનું નિર્માણ કરેલું. એની લાખો નકલો વેચાયેલી અને એની નકલ પણ થઈ છે.

એમની આખરી મહત્ત્વની ભૂમિકા સંગીત ગુરુ તરીકેની. એમણે ખુબ કાબિલ ગાયિકાઓને તૈયાર કર્યા છે જેવા કે ઉપજ્ઞા અને પરિજ્ઞા પંડયા, જ્હાન્વી શ્રીમાંકર અને ફાલ્ગુની દલાલ એટલે ‘ફાલુ’ જેનું આલ્બમ અમેરિકામાં ગ્રેમી એવોર્ડ માટે પહેલી પસંદગીની યાદીમાં આવેલું. ફાલ્ગુની અને જ્હાન્વી બાળપણથી જ કૌમુદીબહેનની શિષ્યા. ગાયક, સંગીતકાર ઉદય મઝુમદાર એમના પુત્ર અને એમની ત્રણ બહેનોમાં ગાયિકા રાજુલ મહેતા, નારીવાદી કર્મશીલ લેખક સોનલ શુકલ અને અભિનેત્રી મીનળ પટેલ. 

વર્ષ ૨૦૧૧ માં શ્રી કૌમુદી મુનશીનું કલાનું ‘હ્રદયસ્થ અવિનાશ વ્યાસ પારિતોષિક’ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એ સિવાય ૯૦ વર્ષની ઉંમરે એમને ગુજરાત ગૌરવનો પુરસ્કાર મળ્યો. મારા માટે આમ જોવા જાઓ તો દુઃખની બાબત છે કે બહુ મોડો મળ્યો પણ ઘણી વાર અમુક સન્માન જે મરણોત્તર જાહેર થતાં હોય છે એના કરતાં તો સારું હતું. જોકે કળા ક્ષેત્રમાં મળતાં સન્માન કેટલા સમયસર હોય છે એ ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે. 

તેઓ સંગીતને પવિત્ર માનતા એટલે જ પૈસા કે પ્રસિદ્ધિ માટે ક્યારે પણ ગાયું નથી. તેઓ ભલે હવે આ દુનિયામાં નથી પણ તેમનું સંગીત શાશ્વત છે. સંગીત ક્ષેત્રે તેમની ખોટ હંમેશા સાલતી રહેશે. ગયાં વર્ષે કૌમુદી બેનની વિદાયથી ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે કદી ન પુરાય એવી મોટી ખોટ તો પડી જ છે એ છતાંય આજે એમની પુણ્યતિથિ પર સાદર વંદન જ હોઈ શકે. 


Rate this content
Log in

More gujarati story from PRAVIN MAKWANA

Similar gujarati story from Inspirational