Punit Thacker

Romance

3  

Punit Thacker

Romance

શરદપૂનમ

શરદપૂનમ

6 mins
239


'વ્હાલાં, નહીં તો વ્હાલાં મટીને વેરી થાય ના,

કઇ ખામી હોવી જોઈએ મારા વહાલમાં.

શરદ પૂનમની રાત હતી, ચંદ્ર એની સોળે કળાએ ખીલેલો હતો. રાતના કાળા આકાશની વચ્ચે પૂર્ણ રીતે ખીલેલો ચંદ્ર તેજ પાથરીને જાણે અંધારાને ચીર્યાની પ્રસન્નતાથી મલકી રહ્યો હતો. બીજી તરફ ધરતી પર અનેક માણસોની ભીડમાં હોવા છતાં એકલો પાવક સોળે કળાએ ખીલેલા ચંદ્રને ઉદાસ ચહેરે જોઈ રહ્યો હતો. ચંદ્રની પ્રસન્નતાની પાવક પર કોઈ અસર નહોતી થઇ. પૂનમની રાત્રે દરિયામાં ઉઠતા મોજાઓની ભરતી જેવી જ વિચારોની ભરતી પાવકના મગજમાં ઉઠી રહી હતી. અનેક વિચારો અતીતમાંથી ઘુઘવાટા મારતા આવતા અને પવકને હલબલાવીને પાછા જતા રહેતા. પાવક એકીટશે ચંદ્રને જોઈ રહ્યો હતો, પવકને ચંદ્રમાં કરૂણાનો ચહેરો દેખાતો હતો. કરૂણા કે જે ક્યારેક પાવકની પ્રેયસી હતી-પત્ની હતી. પરંતુ હવે (!) હવે શું ? આ સવાલરૂપી મોજાની થપાટે પાવકને અતીતના અંધકારમાં ધકેલી દીધો.

પાવકનો ગોરો વાન, માધ્યમ બાંધો, સામી વ્યક્તિને વીંધી નાંખે તેવી વેધક નજર, જોતા જ આંખમાં વસી જાય તેવું પાવકનું રૂપ હતું. સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પાવકે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. સ્વભાવે ખુબ જ વાચાળ, દરેક વ્યક્તિ સાથે પળભરમાં જ એવો હળીભળી જાય કે જાણે વર્ષો જૂની ઓળખાળ હોય. સામાજીક સેવાના કાર્યોમાં પણ અગ્રેસર. આમ બધાની સાથે મળતો, બધાની વચ્ચે રહેતો પાવક અંદરથી ખુબ જ એકલો હતો. કુટુંબ ખુબ મોટું, મિત્ર વર્તુળ પણ ખાસ્સું એવું મોટું પરંતુ પાવક જેને તેના દિલની વાત ખુલ્લી રીતે કરી શકે તેવા મિત્રો ગણવામાં વેઢાઓ પણ વધી પડે.

પાવક કંઈક જુદી જ માટીમાંથી ઘડાયેલો હતો, તેના વિચારો બધાથી જુદા જ. પ્રેમ જેવા નાજુક અને જટીલ વિષયને તેણે ખુબ જ સહજતાથી પચાવ્યો હતો. પ્રેમ વિશેના તેના વિચારો તદ્દન અલગ અને તે વિચારો સાચા હોવા માટેની પુરતી દલીલો પણ તેની પાસે હતી. પાવકનું વાંચન ખુબ જ વિશાળ, કોઈ પણ વિષય આપો પાવક તેના પર લખી શકે, બોલી શકે, વકતૃત્વ કળામાં પણ એટલો જ હોશિયાર. પાવક પાસે પોતાના દરેક વિચાર-મંતવ્ય માટેની પુરતી દલીલ હોવા છતાં તે હમેશા ચર્ચામાં ઉતરવાનું ટાળતો. પ્રેમની વાત આવતા પાવક કહેતો કે પ્રેમ એટલે ત્યાગ, સમર્પણ. પ્રેમ ની સાચી મજા આપવામાં રહેલી છે. ભોગવવું, અધિકાર, લેવું એ પ્રેમના લક્ષણો હોઈ જ ના શકે.

પાવકની ઉમર પચીસીએ પહોચતા પાવકના વડીલોએ તેને યોગ્ય કન્યાની શોધ આદરી હતી. પાવક માટે ઘણાં માગા આવ્યા, પાવક પણ કન્યાને મળતો પરંતુ પાવકને કોઈ પણ કન્યામાં વૈચારિક સુંદરતા ન દેખાતી. બાહ્ય રીતે દરેક કન્યા સુંદર હતી પરંતુ પાવક બાહ્ય સુંદરતાને બદલે આંતરિક સુંદરતા, વૈચારિક સુંદરતાને વધારે મહત્વ આપતો હતો. એવામાં કરૂણાનું માગું આવ્યું. બંને પક્ષના વડીલોએ કૌટુંબિક તપાસ કરી, જન્મક્ષાર મેળવ્યા. બધું બરાબર લાગતા યુવક-યુવતી બંને એકબીજાને મળીને ખુલ્લા દિલે વાતચીત કરી શકે તે માટે એક બગીચામાં મુલાકાત ગોઠવવામાં આવી.

આ મુલાકાતથી જાણે પાવકના જીવનનો એક નવો વળાંક શરૂ થયો. કરૂણાને જોતા વેંત જ પાવાકનું મન બોલી ઉઠ્યું, પાવક હા પાડી દેજે. કરૂણાનો ગોરો વાન, કાજળભર્યા નયનો, લાલાશ વેરતા ગાલ, નાજુક નમણો ચહેરો જાણે કે લજામણીનું ફુલ. પાવક અને કરૂણાએ એકબીજાને જોયા બાદ વીસેક મિનીટ બંનેએ એકલા વાતચીત કરી. આ વાતચીત દરમ્યાન બંનેએ પોતાના વિચારોની આપ લે કરી અને પાવકને લાગ્યું કે તે અને કરૂણા એકબીજા માટે જ બન્યા છે. જાણે કે મેળ ફોર ઈચ-અધર.' બીજા દિવસે પાવકના ઘરના અન્ય વડીલોએ કરૂણાને જોઈ અને તેઓની સગાઇ નક્કી થઇ ગઈ.

સગાઇ બાદ પાવકમાં પરિવર્તન આવી ગયું હતું, હંમેશા એકલો રહેતો, ઉદાસ રહેતો પાવક હસવા લાગ્યો હતો. પાવકના મિત્રો પણ પાવકમાં આવેલા આ પરિવર્તનથી ખુશ હતા. એકાકી રહેતો પાવક અચાનક જ જાણે ખીલી ઉઠ્યો હતો. કરૂણા સાથે ફોન પર દોઢ-બે કલાક જેટલો લાંબો વાર્તાલાપ એનો રોજીંદો નિયમ બની ગયો હતો. કરૂણાનો અવાજ સાંભળ્યા વિના પાવકને ચેન નહોતું પડતું. પાવકને દિવસે તેના કામકાજમાંથી સમય નહોતો મળતો તેથી તેણે રાત્રે એક-દોઢ વાગ્યે કરૂણા સાથે ફોન પર વાત કરવાનો નિયમ રાખ્યો હતો. પાવકના જીવનમાં કરૂણાનાં આગમન પછી પાવકમાં આવેલા પરિવર્તનથી ઘરના અન્ય સભ્યો પણ ખુબ ખુશ હતા.

સગાઇ અને લગ્ન વચ્ચેના લગભગ એક વર્ષના ગાળામાં પાવક અને કરૂણા ઘણું ફર્યા હતા. બંને એકબીજાના વિચારોથી લગભગ વાકેફ આવી ગયા હતા. લગ્નનો સમય નજીક આવતા બંને પક્ષે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. પાવક અને કરૂણા બંનેના વડીલોએ લગ્નના તમામ કાર્યક્રમો ભાવિ નવદંપતિની ઈચ્છા મુજબ જ ગોઠવ્યા હતા. ખુબ જ ધામધૂમપૂર્વક ત્રણ દિવસના લગ્નનું સુંદર આયોજન વિના વિધ્ને પર પડી ગયું. અને અંતે કરૂણા વિધિવત રીતે પાવકના ઘરમાં-જીવનમાં પ્રવેશી ચુકી. લગ્નનો આ દિવસ જાણે કે પાવક માટે જીવનનો સૌથી વધુ ખુશી આપનારો દિવસ બની રહ્યો. લગ્ન પછીની કૌટુંબિક વિધિઓ, ધાર્મિક વિધિઓ નીપટાવવામાં એક માસ જેટલો સમય નીકળી ગયો. પછી આ નવદંપતી ઉપડ્યું હનીમુન માટે.

હનીમુનનું આયોજન પણ પાવકે કરૂણાની પસંદ મુજબ ગોઠવ્યું હતું. કરૂણાને કુદરતી સૌંદર્ય ખુબ જ પસંદ હતું તેથી પાવકે હનીમુન માટે પસંદગી ઉતારી કેરળનાં એક નાનકડા ગામ કુમારકોમ પર. કુમારકોમ – ધાંધલ ધમાલ વાળા વિસ્તારથી દુર, ચારે તરફ હરિયાળી, પક્ષીઓના અભ્યારણથી ઘેરાયેલ નાનું અમથું ગામ. પણ આ નાના અમથા ગામમાં પણ નજર ઉંચી કરતા કુદરતી સૌંદર્ય તમારી આંખમાં છવાઈ જાય. આવા આહલાદક વાતાવરણ વચ્ચે, પ્રકૃતિના ખોળે પાવક અને કરૂણા વીસ દિવસ સુધી મન ભરીને રમ્યા અને એક બીજામાં ખોવાઈ ગયા. અહી પાવકે કરૂણાને એક નવું નામ આપ્યું હતું, કેશીની. કરૂણાના વાળ ખુબ જ સુંદર અને લાંબા હતા, અને પાવકે કરૂણાના લાંબા વાળ જોઇને જ કરૂણાને પસંદ કરી હતી તેથી તેણે કરૂણાને કેશીનીનું નવું નામ આપ્યું.

પાવક અને કરૂણા હનિમૂનથી પરત આવ્યા ત્યારે બંને ખુબ જ ખુશ હતા, ઘરે આવ્યા બાદ પાવક પોતાના વ્યવસાયમાં મન પરોવવા લાગ્યો અને કરૂણા ઘરકામમાં વ્યસ્ત થવા લાગી. બંને પોતાની વ્યસ્તતાની સાથે નવદંપતિ તરીકે સગા સંબધીઓના ઘરે, મિત્રોના ઘરે આવતા જતા રહેતા. પાવક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલો તેથી સંસ્થાઓના મેળાવડાઓમાં પણ બંને જતાં. આમને આમ બીજા ત્રણ માસ કેમ નીકળી ગયા તેની કોઈને ખબર જ ના પડી.

કરૂણાને નવા ઘર, નવા વાતાવરણ અને ઘરના સભ્યોની સાથે એડજસ્ટ થવામાં સમય લાગશે તે વાત પાવક સમજતો હતો તેથી ક્યારેક ક્યારેક અમુક નાની નાની વાતોમાં કરૂણા અને પાવકની મમ્મીની અમુક ફરિયાદો અંગે પાવક મૌન સેવતો કારણ કે તે સમજતો કે ધીમે ધીમે બધું બરાબર ગોઠવાઈ જશે. સામાજીક પ્રસંગો અને રીતરીવાજો પાવક સુંદર રીતે નિભાવી જાણતો. કરૂણાના મામાના ઘરે લગ્ન પ્રસંગ નિમિત્તે પાવકે કરૂણાને એક અઠવાડિયા પહેલા જ મોકલી આપી જેથી કરૂણા મામાના ઘરે લગ્નમાં સારી રીતે ભાગ લઇ શકે. કરૂણાને મામાના ઘરે લગ્ન માટે મોકલતા પહેલા પાવક એ નહોતો જાણતો કે દસ દિવસ પછી શું થવાનું છે. કરૂણાના મામા ઘરે લગ્ન પ્રસંગ પાર પડી ગયા બાદ ત્રીજા દિનસે પાવક કરૂણાને લેવા માટે ગયો ત્યારે કરૂણા અને તેના માતાપિતાનું જે વર્તન પાવકે જોયું તે તેણે સ્વપ્નેય નહોતું વિચાર્યું.

કરૂણાએ પાવકની સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. કરૂણાના માતાપિતાએ પણ તેમના જમાઈ પાવાકકુમારને સંભળાવવામાં કઈ જ બાકી ન રાખ્યું. પાવકના માતાપિતાએ સગાઇ અને લગ્ન વચ્ચેના સમયગાળા દરમ્યાન અને લગ્ન પછીના પાંચ માસ દરમ્યાન દહેજ બાબતે કરૂણાને ખુબ જ માનસિક ત્રાસ આપ્યો છે અને કરૂણા આત્મહત્યા કરે તેવી બીક હોવાથી કરૂણા તમારી સાથે નહિ આવે એમ જયારે કરૂણાના માતાપિતાએ પાવકને કહ્યું ત્યારે પાવક ચક્કર ખાઈ ગયો, આ ચર્ચા પાવક માટે તદ્દન અણધારી હતી. કારણ કે પાવક અને તેના ઘરના દરેક સભ્યો દહેજના સખત વિરોધી હતા અને આ વાત પાવકના સમાજના લોકો પણ સારી રીતે જાણતા હતા.

પાવક સમજતો હતો કે કરૂણાના ઘરે પાછા ન આવવા પાછળ કોઈ અન્ય કારણ છે તેથી તેણે કરૂણા સાથે બેસીને વાતચીત કરીને સાચું કારણ જાણવાની ખુબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા ન મળી. પાવકના દરેક પ્રયત્નો વ્યર્થ ગયા. કરૂણા પાવક સાથે પાછી ન આવી તે વાતને એક વર્ષ થઇ ગયું છતાં હજુ પાવક એ નથી જાણી શક્યો કે કરૂણાની નારાજગીનું શાચુ કારણ શું હતું?

આજે શરદ પૂનમની રાત્રે પાવક ફરી વ્યથિત થઇ ગયો છે કારણકે એક વર્ષ પહેલાની શરદ પૂનમની રાત હતી જયારે કરૂણાએ પાવકને જાકારો આપ્યો હતો. પાવક કરૂણાને સાચો પ્રેમ કરતો હતો અને તેના માટે પ્રેમ એટલે ત્યાગ, સમર્પણ. અને તમે જેને પ્રેમ કરો છો તેની ખુશી. આમ તેણે કરૂણાની ખુશીમાં જ પોતાની ખુશી માનીને કરૂણાના નિર્ણયને મૂંગા મોઢે સ્વીકારી લીધું.

પાવક આજે પણ જીંદગીનો એકડો નવેસરથી ઘૂંટવા તૈયાર છે અને રાહ જોઈ રહ્યો છે. સાથીદારની...

(શીર્ષક પંક્તિ : અમૃત ઘાયલ)


Rate this content
Log in

Similar gujarati story from Romance