Punit Thacker

Romance

2  

Punit Thacker

Romance

એન ઇવનિંગ એટ અ કોફી શોપ...

એન ઇવનિંગ એટ અ કોફી શોપ...

5 mins
7.3K


૨૫મી જુલાઈ, રવિવારની સાંજે પ્રિયાંશ બેન્ડ સ્ટેન્ડની સામેના 'કાફે કોફી ડે'માં એક હાથમાં કોફીનો કપ અને એક હાથમાં કલમ લઈને બેઠો હતો. તેનો દર રવિવારનો આ નિયમ હતો. બેન્ડ સ્ટેન્ડના ઉછળતાં મોજાને જોઈને પ્રિયાંશના મનમાં પણ કવિતા-વાર્તાના વિચારોનાં મોજા ઉછળતાં અને તેને તે શબ્દોમાં ઢાળીને સુંદર રચનામાં પરિવર્તિત કરતો, અને તેમાં પણ અત્યારે તો ઉછળતા મોજાને સંગત આપવા આકાશ પણ ઝરમર ઝરમર વરસાદ વરસાવી રહેલ હતો. પ્રિયાંશ સિવાય બીજા પણ અમુક લોકો વરસાદ બંધ થવાની રાહ જોઇને સીસીડીમાં આવીને બેઠા હતાં. સીસીડીની અંદર લગભગ વીસેક ખુરશીઓ રોકાયેલ હતી. પ્રિયાંશ તેની નવી વાર્તાનાં વિચારોને શબ્દદેહ આપવામાં મશગુલ હતો ત્યાં તેના કર્ણપટલ પર એક મધુર સ્વર રણકારે ટકોરા પાડ્યા, એસક્યુઝ મી પ્લીઝ, કેન આઇ સીટ હીઅર ઇફ યુ ડોન્ટ માઇન્ડ? પ્રિયાંશની લેખનયાત્રામાં ખલેલ પડતા સહેજ ગુસ્સા સાથે પ્રિયાંશે આંખ ઊંચી કરી અને સામેની વ્યક્તિને જોતાં જ જાણે કે તેનો ગુસ્સો વરસતા વરસાદમાં પીગળી ગયો. તેની નજર સામે નીલા રંગનાં બાંધણીના સલવાર સૂટમાં અપ્સરા જેવી કન્યા, ગોરો વાન, એકવડિયો બાંધો, અણીયારી આંખો, નકશીદાર નાક, ગુલાબને પણ શરમાવે એવા રતુંબડા હોઠ. પહેલી જ નજરે મોહિત થઈ જવાય એવું રૂપ પ્રિયાંશની સમક્ષ ઉતરી આવ્યું હતું. પ્રિયાંશે એક જ ક્ષણમાં કોફી શોપની અન્ય ખુરશીઓ પર નજર ફેરવી, અન્ય ક્યાંય જગ્યા ખાલી ન હોવાને સદ્દનસીબ માની હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો, આઇ એમ નોટ ઓનર ઓફ ધીસ કેફે, સો આઇ નેવર માઇન્ડ, યુ કેન સીટ વેરએવર યુ લાઇક... પ્રીતિકાએ થેન્ક્સ કહી પ્રિયાંશની સામે ખુરશી પર સ્થાન ગ્રહણ કરતાં શેક-હેન્ડ કરવા હાથ લંબાવી પરિચય આપતા કહ્યું, માયસેલ્ફ પ્રીતિકા જૈન. પ્રિયાંશે હાસ્ય સાથે હાથ મિલાવતા ઉત્તર આપ્યો, નાઇસ ટુ મીટ યુ મિસ. આઇ એમ પ્રિયાંશ રઘુવંશી, વર્કિંગ વીથ શીપિંગ કંપની એઝ સેલ્સ મેનેજર એન્ડ રાઇટર બાય પેશન. આટલું સાંભળતા જ પ્રીતિકા જાણે ઉછળી જ પડી, વાઉ ગ્રેટ, મતલબ કે હું એક લેખકની સાથે બેઠી છું? આશા રાખું છું કે મારા આવવાથી આપનું લેખનકાર્ય અટક્યું નથી? પ્રિયાંશે હસીને ઉત્તર વાળતા કહ્યું, ના ના આમેય હું વિચારતો જ હતો, મારી વાર્તાના નાયક-નાયિકાના મિલન પછી આગળ કેવી રીતે વધવું તે કઈ સમજ નહોતી પડતી એટલામાં તમે આવી ગયા. બાય ધ વે, મેં તો મારો પરિચય આપ્યો પરંતુ તમે હજુ સુધી તમારો પરિચય નથી આપ્યો. પ્રીતિકાએ પોતાના વિષે જણાવતા કહ્યું કે તે એક ઇન્ફોટેક કંપનીમાં એચ.આર. હેડ તરીકે કામ કરે છે. આમ ને આમ વાતો-વાતોમાં બે કલાકનો સમય પસાર થઈ ગયો અને ખબર પણ ના પડી. બહાર વરસાદ પણ થંભી ગયો હતો, એટલામાં પ્રિયાંશના મોબાઈલ પર તેના મિત્રનો ફોન આવતા અને તેને બહાર જવાનું હોતા વાતોનો દોર અટક્યો અને બંને છુટા પડ્યા. અલબત્ત આ બે કલાક દરમ્યાન બંનેએ મોબાઈલ નંબરની આપ લે તો કરી જ લીધી હતી.

પ્રિયાંશનો દર રવિવારની સાંજે ૫ થી ૭ દરમ્યાન આ જ જગ્યા પર બેસીનો લેખનકાર્યનો નિયમ હતો જે નિયમમાં હવે લેખનની સાથે પ્રીતિકા સાથેની મુલાકાતનો ઉમેરો થયો હતો. ધીરે ધીરે સમય પસાર થતો ગયો, પ્રિયાંશ અને પ્રીતિકાની પ્રથમ મુલાકાતની પ્રથમ વર્ષગાંઠ આવી પહોંચી. પ્રિયાંશ અને પ્રીતિકા બંનેને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી હતી જ પરંતુ આજ સુધી બંનેમાંથી કોઈએ એ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી નહોતી. પ્રિયાંશના મનમાં પ્રેમ હોવા છતાં તેને પ્રગટ નહોતો કર્યો કારણ કે તેને થેલેસેમિયાની બીમારી હતી અને તે નહોતો ઈચ્છતો કે પ્રેમનો પ્રસ્તાવ મુકીને પ્રીતિકાનું ભવિષ્ય જોખમમાં મુકે.

આજે તેમની મુલાકાતની પ્રથમ વર્ષગાંઠ હતી. આજે રવિવાર ન હોવા છતાં મિત્રતાની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા બંને કોફી શોપ પર મળ્યા. આ મુલાકાત પૂર્વ નિર્ધારિત ન હતી તેમ છતાં નિયમ મુજબના સમયે બંને આવી ગયા. પ્રિયાંશના આવ્યાના બે મિનીટ બાદ પ્રીતિકાએ કોફી શોપમાં પ્રવેશ કર્યો અને પ્રિયાંશ તેને જોતો જ રહી ગયો કારણકે પ્રીતિકા આજે પ્રિયાંશે આપેલ કાળી સાડીમાં સજ્જ હતી ઉપરાંત પ્રિયાંશે આપેલ આછા ગુલાબી રંગની લીપસ્ટીક લગાવી હતી, ગળામાં એ જ નેકલેસ પહેર્યો હતો જે પ્રિયાંશે તેને આપ્યો હતો. પ્રીતિકાને જોઈ ને પ્રિયાંશ ખુબ ખુશ થઇ ગયો કારણકે આજે પ્રીતિકાએ એ દરેક વસ્તુનો એક સાથે ઉપયોગ કર્યો હતો જે પ્રિયાંશે તેને ભેટમાં આપેલ હતી.

બંનેએ હસ્તધૂનન કર્યા અને પ્રીતિકા પ્રિયાંશની સામેની ખુરશીમાં ગોઠવાઈ, એટલામાં વેઈટર એક પ્લેટમાં બે બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી અને કોલ્ડ કોફીના બે ગ્લાસ મૂકી ગયો. કારણકે હવે તો વેઈટર પણ તેમની પસંદ જાણતો હતો અને નિયમિત ગ્રાહક તરીકે તેમને સેલ્ફ સર્વિસના બદલે ટેબલ પર જ તેમનો ઓર્ડર મળતો. બંનેએ એકબીજાને પેસ્ટ્રી ખવડાવી. કોફી પીતાં પીતાં પ્રીતિકાએ કહ્યું, પ્રિયાંશ, આજે મારા ઘરે છોકરાવાળા મને જોવા આવવાના છે. આ સાંભળી પ્રિયાંશ ખુશ થયો અને તેણે કહ્યું, આ તો ખુબ સારા સમાચાર છે, મને ખાતરી છે કે એ લોકો તને પસંદ કરી જ લેશે. અહી પ્રીતિકાના ચહેરા પર જરા પણ ખુશી ન હતી. પ્રીતિકાએ છણકા સાથે કહ્યું, પણ મને એ છોકરા સાથે લગ્ન નથી કરવા, મારા મનમાં અન્ય કોઈ વસેલો છે. મૂંઝવણ એ છે કે હું એ છોકરાને કહી નથી શકતી અને એ છોકરો પણ કોઈ અગમ્ય કારણોસર મારી સમક્ષ પ્રેમનો એકરાર નથી કરતો પરંતુ હું પણ તેના મોઢે એકરાર કરાવીને જ જંપીશ. આ સાંભળી પ્રિયાંશ અસમંજસમાં પડી ગયો કે પ્રીતિકા પોતાની જ વાત કરે છે કે અન્ય કોઈ યુવકના સંદર્ભમાં કહે છે પરંતુ તેણે વાતને હસી ને ટાળી નાંખી.

બીજા દિવસે રવિવાર હતો એટલે નિયમ મુજબ પ્રિયાંશ તેની લેખનયાત્રા અને પ્રીતિકા સાથે મુલાકાત માટે સીસીડી આવ્યો અને બીજી તરફ પ્રીતિકાના માતા-પિતા પ્રીતિકાનું માંગું લઈને પ્રિયાંશના ઘરે પહોચ્યા. તેમણે પ્રિયાંશના માતા-પિતાને પ્રિયાંશ-પ્રીતિકાના પરિચય વિશેની રજૂઆત કરી ત્યારે પ્રિયાંશના પિતાએ પ્રિયાંશને થેલેસેમિયા હોવાની વાત જણાવી પરંતુ પ્રીતિકાના પિતાએ કહ્યું અમે અને અમારી દીકરી આ વાત જાણીએ છીએ અને અમને આ લગ્ન થાય તેનો કોઈ વિરોધ નથી. પ્રિયાંશના પિતાએ પ્રિયાંશની ઈચ્છા જાણવા માટે એક દિવસનો સમય માંગ્યો.

મોડી સાંજે જયારે પ્રિયાંશ ઘરે આવ્યો ત્યારે તેના માતા-પિતાએ તેને પ્રીતિકાનું નામ આપ્યા વિના સગાઈનું માંગુ આવ્યાની વાત કરી ત્યારે પ્રિયાંશએ અણગમા સાથે ઉત્તર આપ્યો કે પપ્પા તમે જાણો છો કે મને થેલેસેમિયા છે અને માટે જ મેં લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે પછી તમે શા માટે લોકોને સ્પષ્ટ જણાવી નથી દેતા અને મારી સાથે વાત કરવાનો શો મતલબ છે? આ સાંભળી પ્રિયાંશના મમ્મીએ કહ્યું, બેટા, પહેલા તું તારા રૂમમાં જઈ હાથ-મોઢું ધોઈ આવ પછી આપણે આ બાબતે ચર્ચા કરીશું. પ્રિયાંશ હાથ-મોઢું ધોવા તેના રૂમમાં પ્રવેશ્યો કે સામે નીલા રંગના બાંધણી સુટમાં (જે બાંધણી સુટમાં પ્રિયાંશ અને પ્રીતિકાની પ્રથમ મુલાકાત થઇ હતી) સજ્જ પ્રીતિકા તેની રાહ જોઈ રહી હતી. પ્રીતિકાને જોઇને શું બોલવું એ જ પ્રિયાંશને નહોતું સમજાતું એટલામાં પ્રીતિકા પ્રિયાંશની નજીક આવી ગાલ પર ટપલી મારતા બોલી, કેમ લેખક મહાશય, શું વિચારમાં પડી ગયા? હું બધું જાણું છું પરંતુ મેં તારી અંદર રહેલા પ્રિયાંશને પ્રેમ કર્યો છે, હવે ઝટ બહાર જઈ ને હા પાડ, મારા સાસુ-સસરા અને તારા સાસુ-સસરા ચારેય જણ તારી હા ની રાહ જોઈ રહ્યા છે. પ્રિયાંશને હસવું કે રડવું એ જ નહોતી ખબર પડતી ત્યાં જ દરવાજા પાસેથી તેના પિતાનો અવાજ સંભળાયો, તમે બંનેએ વાતચીત કરી લીધી હોય તો અમે અંદર આવીએ? અને બીજી જ ક્ષણે પ્રિયાંશ અને પ્રીતિકા વડીલોના આશીર્વાદ લઇ રહ્યા હતા.

 


Rate this content
Log in

Similar gujarati story from Romance