Punit Thacker

Tragedy

3  

Punit Thacker

Tragedy

પ્રેમસેવા

પ્રેમસેવા

6 mins
457


પ્રથમ વિચારસાગરમાં ડૂબેલો હતો. ટેબલ પર મોબાઈલની રીંગ વાગતા પ્રથમ ઝાટકા સાથે વિચારસાગરમાંથી બહાર આવી ગયો, પરંતુ પ્રથમ મોબાઈલ રીસીવ કરે તે પહેલા સામા છેડેથી નો-રીપ્લાય સમજીને ફોન મૂકી ગયો. મિસ કોલ માં અનાન્યાનું નામ જોઇને પળભરમાં પાછલા પાંચ વર્ષની જીવનયાત્રા ફિલ્મની રીલની જેમ પ્રથમની નજર સામેથી પસાર થઇ ગઈ.

પ્રથમ ટીવાય ની ફાઈનલ પરીક્ષાની તૈયારીમાં મશગુલ હતો. પરીક્ષાના આગલા દિવસે પ્રથમને પ્રાર્થનાનો ફોન આવ્યો. પ્રાર્થના કે જેને પ્રથમ પોતાની જાતથી પણ વધુ પ્રેમ કરતો હતો. પ્રાર્થનાએ પણ પ્રથમ ને સાચા પ્રેમના વાયદા કર્યા હતા. આખી કોલેજ જાણતી હતી કે ફાઈનલ પરીક્ષા બાદ પ્રથમ અને પ્રાર્થના લગ્ન કરવાના છે. પ્રથમના પરિવારના લોકો આ સંબંધથી નારાજ હતા અને પ્રથમના પિતાશ્રી માનતા હતા કે આ કોલેજનો પ્રેમ છે એ કોલેજની સાથે જ પૂરો થઇ જશે તેથી તેઓ કઈ બોલતા ન હતા. પરીક્ષાના આગલા દિવસે ફોન કરીને પ્રાર્થનાએ પ્રથમને કહ્યું કે “પ્રથમ, પરીક્ષાઓ પૂરી થયાના બીજા દિવસે રશેષ સાથે મારી સગાઇ થવાની છે, અને એક સપ્તાહ પછી લગ્ન. રશેષ અમેરિકામાં વેલ સેટલ્ડ છે, ત્યાં તેનો ખુબ મોટો બિઝનેસ છે. હવે તું મને ભૂલી જજે, આઈ એમ સોરી” આ ત્રણ વાક્યોની વાતે ત્રણ વર્ષોના પ્રેમ સંબંધ પર એક જ ક્ષણમાં પૂર્ણવિરામ મૂકી દીધું. પ્રથમને ખુબ જ આઘાત લાગ્યો, પરંતુ તેણે મન મનાવ્યું કે મોહ કરે તે બંધન કહેવાય અને મુક્ત કરે તેને પ્રેમ. પરીક્ષાના છેલા દિવસે પ્રાર્થનાએ પોતાના લગ્નનું કાર્ડ પ્રથમના હાથમાં આપતા કહ્યું, પ્રથમ મને વિશ્વાસ છે કે તું મારા લગ્નમાં હાજરી આપીશ. પ્રથમ, મારા વિશ્વાસને તૂટવા નહિ દે ને?” પ્રથમના મનમાં આવ્યું કે પ્રાર્થના તેં ક્યાં મારા વિશ્વાસને ટકાવ્યો તો પછી હું કેવી રીતે તારા વિશ્વાસને ટકાવી શકીશ? પણ તે બોલી ના શક્યો અને એ જ પ્રાર્થના તરફ પોતાના પ્રેમ ને ખાતર અને પ્રાર્થનાએ તેના પર મુકેલ વિશ્વાસને ટકાવી રાખવા માટે પ્રથમે પ્રાર્થના-રશેષ ના લગ્નમાં હાજરી આપી અને દામ્પત્યજીવનમાં સુખ-શાંતિની શુભકામનાઓના પ્રતિક સમા ગુલાબનો ગુલદસ્તો પ્રાર્થનાને આપી ભારે હૈયે ત્યાંથી નીકળી ગયો.

પ્રથમ બહારથી તો એવું જ બતાવતો હતો કે જાણે તેને પ્રાર્થનાના વિરહનો કોઈ અફસોસ-દુઃખ નથી, પરંતુ અંદરથી એ ખુબ દુઃખી હતો. તેણે અભ્યાસ પૂર્ણ કાર્ય બાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ક્યારેક ક્ક્યારેક પ્રાર્થનાની યાદ તીવ્ર બની જતા તે ખુબ દુઃખી થઇ જતો અને તેના ચહેરા પર વિષાદ ફરી વળતો પરંતુ તેનું સાચું કારણ કોઈ નહોતું જાણતું. પ્રથમના મોટા ભાઈ અને પપ્પા પ્રથમને તેના વ્યવસાયને લઈને ઘણી વખત ટોકતા. નાની નાની બાબતોમાં પ્રથમની ભૂલ કાઢીને તેને રીતસરનો વઢતા.એક પછી એક જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે આવતા પ્રથમ પડી ભાંગ્યો હતો. પ્રથમ જીવનથી તદ્દન નિરાશ થઇ ગયો હતો. જિંદગી જીવવામાંથી તેનો રસ ઉડી ગયો હતો, તે હતાશ થઇ ગયો હતો. જિંદગી જીવવા ખાતર જાણે કે યાંત્રિક રીતે જીવતો હતો.

એવામાં એક દિવસ પ્રથમ તેના મોટા ભાઈના કામસર સાયબર કેફે માં ગયો હતો ત્યારે ઇન્ટરનેટ પર ચેટિંગ કરતા કરતા પ્રથમની મુલાકાત મુંબઈની અનન્યા સાથે થઇ. સામાન્ય હાય હેલોથી શરૂ થયેલ વાતચીત લાંબી ચાલી અને મિત્રતામાં પરિણમી. પ્રથમને અનન્યાની મૈત્રી ગમવાનું કારણ હતું અનન્યાનો સ્વભાવ. ગમે તેવી કઠોર પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસથી જિંદગી જીવવી એ અનન્યા ના સ્વભાવની લાક્ષણીકતા હતી. આમ તો પ્રથમ પણ એવા જ વિચારોનો હતો પરંતુ જીવનની એક પછી એક કારમી થપાટોએ પ્રથમના જીવનમાંથી રસ ઉડાડી દીધો હતો. આ તરફ અનન્યા પણ તેના ઘરના સભ્યો તરફથી તિરસ્કારનો ભોગ બનેલ હતી. એક પ્રાઇવેટ કંપનીમાં એક્ઝીક્યુટીવ તરીકે જોબ કરતી અનન્યા એક એવા મિત્રની શોધમાં હતી જે તેને સમજી શકે, તેના નિરાશાના સમયમાં તેને આશ્વાસન આપે. આમ સમાન વિચારધારાને કરને પ્રથમ અને અનન્યાની મૈત્રી ગાઢ બનતી ગઈ.

બંને મિત્રો નિયમિત રીતે ઈમેલ ચેટિંગ ફોન પર એકબીજાને મળતા રહ્યા. એકબીજાના નિરાશાના સમયમાં, હતાશાના સમયમાં આશ્વાસનના મીઠા શબ્દોથી તાજગી અનુભવતા. ચાર વર્ષ જેટલો સમય આમ ને આમ પસાર થઇ ગયો. પ્રથમ અને અનન્યાએ એકબીજાના ફોટા ઇમેઇલમાં મોકલાવેલ અને ફોન પર અવાજ પણ સાંભળેલ પરંતુ ચાર વર્ષમાં એક પણ પ્રત્યક્ષ મુલાકાત થઇ નહોતી.

એક વખત પ્રથમને તેના વ્યવસાયના કામસર મુંબઈ જવાનું થતા મુંબઈ પહોંચીને તેણે અનન્યાને ફોન કર્યો, અને બંનેએ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પાસે મળવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારથી સાંજ સુધી પ્રથમ અને અનન્યા મુંબઈની જુદી જુદી જગ્યાઓ પર ફર્યા. બંને મિત્રો વચ્ચે ચાર વર્ષની ફોન ઇન્ટરનેટની મુલાકાત દરમ્યાન જે નિકટતા હતી તે આ એક વખતની પ્રત્યક્ષ મુલાકાતમાં જાણે બમણી થઇ ગઈ. અનન્યા સાથેની મિત્રતા બાદ પ્રથમમાં એક મોટું પરિવર્તન આવ્યું હતું. એક સમયે જિંદગીથી હતાશ થયેલો, આત્મહત્યાના વિચારો કરતો પ્રથમ જિંદગીને ચાહવા લાગ્યો હતો. પ્રથમ અનન્યાને ચાહવા લાગ્યો હતો, પ્રથમ ઈચ્છતો હતો કે તેના દિલમાં પ્રાર્થનાએ બનાવેલ ઘર કે જે તેના લગ્ન થઇ ગયા બાદ ખાલી હતું તેમાં અનન્યા રહે. પરંતુ પ્રથમ અનન્યા સમક્ષ તેના દિલની વાત કહેતા ડરતો હતો.

મુંબઈથી પાછા આવ્યાના ચારેક માસ પછી એક દિવસ અનન્યાએ પ્રથમને ફોન કરીને કહ્યું, પ્રથમ મારા ઘરના લોકો મને લગ્ન કરવા માટે ખુબ દબાણ કરે છે છે અને હું હમણાં લગ્ન કરવા નથી માગતી, મારે ઘરના લોકોને કેવી રીતે સમજાવવા. પ્રથમે કહ્યું, લગ્ન ન કરવાનું કોઈ કારણ તો હશે જ ને? તું મને તારું કારણ જણાવે તો હું ચોક્કસ તારી મદદ કરી શકું. અનન્યાએ ફોનમાં કારણની ચર્ચા કરવાનું ટાળતા તે વિગત ઈમેઈલ લખવાનું કહી ફોન મૂકી દીધો. પ્રથમે પણ નક્કી કરું લીધું કે ઈમેઈલ આવતા જ પોતાના દિલની વાત અનન્યાને કહી દેશે. પરંતુ બીજા દિવસે અનન્યાનો ઈમેઈલ પ્રથમ માટે ખુશીમાં બદલે આઘાતના સમાચાર લઈને આવ્યું. ઈમેઈલ ની વિગતમાં અનન્યાએ જણાવ્યું હતું કે તે પોતાની ઓફીસના જનરલ મેનેજર સુહાસને ચાહે છે અને સુહાસ પણ અનન્યાને પ્રેમ કરે છે પરંતુ અનન્યાના પરિવારવાળા પ્રેમ લગ્નના વિરોધી હોવાને કારણે અનન્યાને લગ્ન માટે દબાણ કરે છે. અનન્યાએ વધુમાં લખ્યું હતું કે તે લગ્ન કરશે તો સુહાસ સાથે જ, બીજા કોઈની સાથે લગ્ન કરવાને બદલે તે આત્મહત્યા કરવાનું પસંદ કરશે. આ સંપૂર્ણ વિગત વાંચીને પ્રથમને ફરી એવો જ ઝાટકો લાગ્યો જેવો પ્રાર્થનાનો ફોન સાંભળીને લાગ્યો હતો. પ્રેમમાં નિષ્ફળતાનો આ બીજો આઘાત હતો પ્રથમને. આજે પ્રથમના મનમાં ફરી આત્મહત્યાના વિચારો ફરતા હતા એટલામાં તેના કોમ્પ્યુટરમાં વાગતી મનહર ઉધાસના સ્વરમાં ગવાતી રજની પાલનપુરીની ગઝલ પ્રથમના કાને પડી

પ્રણય પંથે જનારો સિદ્ધિની પરવા નથી કરતો,

ફના થઇ જાય છે કિન્તુ કદમ પાછા નથી ભરતો.

પ્રથમના મનમાંથી આત્મહત્યાના વિચાર પળભરમાં નીકળી ગયા. તેને અનન્યાને ફોન કરીને સુહાસના નંબર લીધા. અનન્યાનો સુહાસ પ્રત્યેનો પ્રેમ અને સુહાસ સાથે લગ્ન કરવાની તેની ઈચ્છા કેટલા ગંભીર છે જાણ્યા બાદ તેણે સુહાસને ફોન કર્યો અને સુહાસ અનન્યા પ્રત્યે કેટલો વફાદાર છે અને તેનો અનન્યા પ્રત્યે સાચો પ્રેમ છે તેની ખાતરી કર્યા બાદ જયારે તેને વિશ્વાસ થયો કે અનન્યા અને સુહાસ બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે અને પુરેપુરી ગંભીરતાથી લગ્ન કરવા માંગે છે અને લગ્ન પછી પણ બંને એકબીજાનો સાથ નિભાવશે ત્યારે તેણે અનન્યાને ફોન કરીને એક જ વાક્યમાં રસ્તો બતાવતા કહ્યું, અનન્યા તું અને સુહાસ ભાગી જઈને લગ્ન કરી લો. લગ્ન પછી તમારા બંનેના પરિવારજનો તમને અપનાવી લેશે.

ટેબલ પરનો મોબાઈલ ફોન ફરી વાગતા પ્રથમ વિચારસાગરમાંથી બહાર આવ્યો અને ફોન રીસીવ કર્યો, સામા છેડે અનન્યાનો ખુશી ભર્યો સ્વર સંભળાયો, “પ્રથમ થેન્ક યુ વેરી મચ, આજે તે મને હિંમત આપી તેના પરિણામે હું અને સુહાસ એકબીજાના બની શક્યા છીએ, અમે જીવનભર તારા ઋણી રહીશું. અમારા પરિવારવાળાઓએ પણ અમારા લગ્નને સહમતી આપી દીધી છે. પ્રથમ અમે તારું આ ઋણ કેવી રીતે ઉતારીશું? પ્રથમ આજે માત્ર તેં આપેલી હિંમતના કારણે જ અનન્યા મારી બની શકી છે. તેં અમારા પ્રેમને પરિણામલક્ષી બનાવ્યું છે. પ્રથમે હસીને ફોન મૂકતા કહ્યું એક સાચા મિત્ર તરીકે આ મારી ફરજ હતી.

તે દિવસ પછી પ્રથમે કોઈને પ્રેમ નથી કર્યો. તેના દિલની એ જગ્યા આજે પણ ખાલી જ છે. તેણે લગ્ન પણ નથી કર્યા પરંતુ તેણે જાણે કે એક ઝુબેંશ હાથ ધરી છે પ્રેમસેવાની. પ્રથમની મદદ માગનારા કોઈ પ્રેમીને તે અલગ થવા નથી દેતો. પ્રથમની મદદ લેનારા દરેક પ્રેમીઓની પ્રેમયાત્રા લગ્નના મહેલ સુધી પહોંચે જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy