Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Punit Thacker

Drama Tragedy

1.9  

Punit Thacker

Drama Tragedy

ત્યાગ

ત્યાગ

9 mins
227


પ્રિયમે અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કરી જીવનની કડવી વાસ્તવિકતાઓ સમક્ષ પ્રથમ પગ મૂક્યો ત્યારે તેના વડીલો તેના માટે કન્યાની શોધમાં હતા. ઘાટીલો દેહ, ગોરો વાન, પહોળી છાતી. કોઈ પણ છોકરી પહેલી જ નજરમાં દિલ દઈ બેસે તેવો હતો પ્રિયમ. પ્રિયમે તેના વડીલોએ બતાવેલી ઘણી કન્યાઓ જોઈ પરંતુ કોઈ તેની આંખમાં વસતી નહોતી.

એક દિવસ પ્રિયમ અને કંચન બંને શહેરના રેસ્ટોરન્ટમાં પહેલી વાર મળેલા (ગેરસમજ ના કરશો, આ મુલાકાત વડીલોએ જ ગોઠવેલી હતી) પ્રિયમ અને કંચને એકબીજાના વિચારો જાણવા માટે એકાદ કલાક જેટલો સમય સાથે ગાળ્યો. એકબીજાના શોખ, પસંદ-નાપસંદ, કોલેજ, મિત્રો એવી ઘણી વાતો થઇ. આ દરમ્યાન પ્રિયમે એક વાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેણે વારંવાર કંચનને કહ્યું હતું કે “તમે જે કોઈ નિર્ણય આપો તે તમારી મરજીથી જ આપશો. તમારા વડીલોએ આંગળી ચીંધી અને તે સંબંધમાં હા પાડવી એવા કોઈ દબાણમાં આવીને તમારો નિર્ણય ના કરશો.”

આ મુલાકાત બાદ કંચનના વડીલો તરફથી કંચનનો હકારાત્મક જવાબ હોવાની વાત સાંભળી પ્રિયમ ખુબ ખુશ થઇ ગયો કારણ કે કંચન તેની આંખમાં વસી ગઈ હતી. અને કેમ ના વસે. રૂપરૂપનો અંબાર, કાજળભર્યા નયનો, લાલાશ વેરતા ગાલ, ગુલાબની કળી જેવા રતુમડા હોઠ, ઘૂંટણે પહોચે તેવી લાંબી ઘાટી કેશાવલી. હસે ત્યારે જાણે કે ગુલાબ વેરાય, મરકે ત્યારે બંને ગાલે પડતા ખંજનથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જતા. આવી સ્વર્ગની અપ્સરા જેવી કંચન જાણે ખરેખર કંચન (સોના)ની ઢીંગલી પ્રિયમની જીવનસંગીની બનશે એ ખ્યાલથી જ પ્રિયમ ફુલાઈ રહ્યો હતો.

આમ આ સંબંધ બાંધવા બંને પક્ષ તૈયાર હતા, બંને પક્ષના વડીલોએ સારું મુહુર્ત જોઈ પ્રિયમ અને કંચનની સગાઈની વિધિ હોંશભેર પાર પાડી. સગાઇ અને લગ્ન વચ્ચેના દસ માસ દરમ્યાન પ્રિયમ અને કંચન ખુબ ફર્યા, ઘણો સમય તેમણે સાથે ગાળ્યો. કંચન ઘણી વખત પ્રિયમના ઘરે આવી હતી. ઘરના દરેક સભ્યો સાથે કંચન ખુબ જ હળીભળી ગઈ હતી. ઘરના સૌ સભ્યો કંચનના વખાણ કરતા થાકતા નહોતા. પ્રિયમના પાડોશીઓ પણ કંચનથી પ્રભાવિત થયા હતા. આ દસ માસમાં પ્રિયમ અને કંચન એકબીજાના સ્વભાવથી ઘણા વાકેફ થયા હતા. કંચનનો સ્વભાવ અમુક અંશે નિખાલસ અને અમુક અંશે લુચ્ચો કહી શકાય એવો મિશ્ર હતો. પ્રિયમ ખુબ જ સમજદાર, ગંભીર અને સત્યપ્રિય હતો. કોઈ પણ વાત સાંભળીને તાત્કાલિક તેનો પ્રતિભાવ આપવાને બદલે પૂર્ણ રીતે દરેક પાસાનો વિચાર કર્યા પછી જ પ્રિયમ કોઈ પ્રતિભાવ આપતો.

સગાઈ અને લગ્ન વચ્ચેના દસ માસ કેવી રીતે પસાર થઇ ગયા તે જાણે ખબર જ ન પડી. પ્રિયમને તો આ સમય જાણે કે દસ દિવસનો જ હોય તેવું લાગતું હતું. જોતજોતામાં લગ્નનો દિવસ આવી ગયો. લગ્નની વિધિ-સત્કાર સમારંભનો સમગ્ર કાર્યક્રમ બે દિવસનો હતો. બે દિવસ ધૂમધામ પૂર્વક નીકળી ગયા. લગ્ન અને સત્કાર સમાંરભ રંગેચંગે પાર પડી ગયા. બહારગામથી આવેલા મોટા ભાગના મહેમાનો સત્કાર સમારંભ પતાવીને નવદંપતિને લગ્નજીવનની સફળતાના આશીર્વાદ આપી નીકળતા ગયા. હવે ઘરમાં નજીકમાં કુટુંબીજનો સિવાય કોઈ નહોતું. પ્રિયમે મધુરજની માટે હોટેલનો રૂમ રાખવાને બદલે ઘરના પોતાના રૂમને જ કંચનના મનગમતા ગુલાબ અને જાસ્મીનના ફૂલો વડે મન ભરીને શણગાર્યું હતું. રાત્રે સત્કાર સમારંભમાંથી આવીને નજીકના મિત્રોને પણ પ્રિયમે ઝડપથી વિદાય આપી રવાના કર્યા.

પ્રિયમે ધીમા ડગલે રૂમમાં પ્રવેશ કર્યો. પ્રિયમના મનમાં મધુરજનીનો રોમાંચ હતો, ઉત્સાહ હતો. પલંગ પર ફૂલોની સેજની વચ્ચે નવોઢા કંચન સોળે શણગાર સજીને પ્રિયતમ પ્રિયમની રાહ જોઈ રહી હતી. પ્રિયમે કંચનની પાસે બેસી તેનો હાથ પોતાના હાથમાં લઇ પ્રેમથી સ્હેજ દબાવ્યો. કંચને શરમાઈને હાથ પાછો ખેંચી લેતા તેના હાથમાંની બંગડીઓના રણકારથી પ્રિયમ રોમાંચિત થઇ ઉઠ્યો. કંચને બાજુમાં ટીપોય પર મુકેલ કેસર ઘૂંટીને બનાવેલ દુધનો ભરેલો ચાંદીનો ગ્લાસ પ્રિયમ સામે ધરતા પ્રેમથી કહ્યું, “લો પ્રિયમ દૂધ પી લો.” પ્રિયમે તેમાંથી પોતાના હાથે પહેલો ઘૂંટડો કંચનને પીવડાવ્યો અને પછી પોતે થોડું દૂધ પીધું. પ્રિયમે કંચનના ખોળામાં માથું મુકતા કહ્યું, “કંચન આજે આપણા જીવનની નવી શરૂઆત છે. હું આજે તને એક વાતનો વિશ્વાસ અપાવવા માગુ છું કે હું માત્ર તારો પતિ જ નહી તારો મિત્ર પણ છું. આપણે પતિ-પત્ની ઉપરાંત મિત્રો પણ છીએ. તારા સુખમાં હું કદાચ તારો ભાગીદાર ન બનું પરંતુ તારા દુઃખમાં હું ૧૦૦% તારો ભાગીદાર રહીશ. કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં તું મને પતિ તરીકે નહિ પણ એક મિત્ર તરીકે નિસંકોચપણે તારા દિલની વાત કહી શકે છે. કંચને પ્રિયમના માથાના વાળમાં આંગળીઓ રમાડતાં કહ્યું “પ્રિયમ હું નસીબદાર છું કે મને તમારા જેવો પ્રેમાળ વ્યક્તિ એક મિત્ર તરીકે અને પતિ તરીકે મળ્યો છે. મેં ગયા જન્મમાં ચોક્કસ કોઈ સારા કર્મો કર્યા હશે તેનું જ આ પરિણામ આજે મને મળી રહ્યું છે.”

પ્રિયમે હળવેકથી લાઈટ બંધ કરી અને જીરો બલ્બ ચાલુ કર્યો. જીરો બલ્બના આછા અજવાળામાં કંચનની સુંદરતા જાણે ઓર નીખરી આવી હતી. લાઈટ બંધ થતાં કંચને કહ્યું “પ્રિયમ મારે તમને એક વાત કહેવી છે પણ મને કહેતા ડર લાગે છે. સારું થયું કે તમે લાઈટ બંધ કરી તેથી કદાચ હું અંધારામાં તમારી સાથે વાત કરી શકીશ” પ્રિયમે કહ્યું “જાન એવી તે શું વાત છે કે તું અજવાળામાં કહેતા ગભરાતી હતી. મેં હમણાં જ તને કહ્યું ને તું મને પતિ તરીકે નહિ પણ મિત્ર તરીકે તારા દિલની વાત ખુલીને કરી શકે છે.” કંચને કહ્યું તમારા આ પ્રેમને કારણે જ હું આજે આ વાત કહેવાની હિંમત કરી શકી છું. દસ માસથી હું તમને આ વાત કહેવા માગતી હતી પણ હિંમત નહોતી કરી શકતી.

પ્રિયમે કહ્યું, તું જરાય ડર રાખ્યા વિના જે વાત હોય તો કહી દે. કંચને ડરતા ડરતા કહ્યું, “પ્રિયમ મેં તમને છેતર્યા છે, તમારો વિશ્વાસઘાત કર્યો છે, મને માફ કરશો પ્રિયમ?” પ્રિયમે સવાલ કર્યો, કંચન તું શું કહે છે મને કઈ સમજાતું નથી, તેં મને છેતર્યો છે, તેં મારો વિશ્વાસઘાત કર્યો છે. તું આ શું બોલે છે? અને આજની આપણી આ અમુલ્ય રાત્રે તું આ કેવી વાતો લઈને બેઠી છે કંચન ! કંચને કહ્યું દસ મહિનાથી હું આ વાત નથી કહી શકી, જો આજે આ વાત નહીં કરું તો અનર્થ થઇ જશે. પ્રિયમે કહ્યું કે જો ખરેખર કોઈ ગંભીર વાત હોય તો કહી દે, હું સાંભળું છું તારી વાત.

કંચને ધીમા સાદે વાત શરૂ કરી, “પ્રિયમ હું કોલેજના સમયથી રાજીવ નામના એક યુવકના પ્રેમમાં હતી અને આજે પણ હું તેને એટલો જ ચાહું છું, પરંતુ મમ્મી-પપ્પાની બળજબરીના કારણે મેં તમારી સાથે લગ્ન કરવાની હા પાડી હતી. કંચન એકીશ્વાસે બોલી ગઈ, તેની આંખો શરમ-ડર-ગુનાની મિશ્ર ભાવનાઓથી ઝુકી ગયેલી હતી. પ્રિયમ પણ આ વાત સાંભળી જાણે કે શૂન્યમનસ્ક બની ગયો હતો. બે મિનિટ સુધી મૌન છવાયેલુ રહ્યું. પ્રિયમે મૌન તોડતા કહ્યું, કંચન તેં આ વાત મને પહેલા કેમ નાં કરી? સગાઇથી પહેલા પણ મેં તને કહ્યું હતું કે સગાઈનો નિર્ણય તારી ઇચ્છાથી જ લેજે, વડીલોના દબાણમાં આવીને કોઈ નિર્ણય ના કરજે. કંચને કહ્યું, હું સમજુ છું કે તમને મારા પર અનહદ ગુસ્સો આવે છે, તમે મારા પર નારાજ છો પરંતુ આજ સુધી તમને આ વાત કહેવાની મારામાં હિંમત જ નહોતી આવતી.

પ્રિયમે તરત જ વાતને વળાંક આપતા હસતા હસતા કહ્યું, અરે ગાંડી તું રડે છે શા માટે? તેં પ્રેમ કર્યો છે, કોઈ ગુનો નથી કર્યો અને મને નારાજગી માત્ર એટલી જ છે કે તેં આ વાત મને વહેલી કેમ ના કહી. કંચને કહ્યું મને મારા મમ્મી-પપ્પાની બીક હતી. હું જાણતી હતી કે મારી વાત સાંભળીને તમે સગાઇ તોડી નાખશો અને એ આઘાતથી પપ્પાની તબીયત પર અસર પડશે. પરંતુ આ દસ મહિનામાં મારા પ્રત્યેનો તમારો અનહદ પ્રેમ જોયા પછી હવે તમને વધારે છેતરીને, બેવડી જીંદગી જીવવાની મારામાં હિંમત નથી રહી. એટલે મેં આજે તમને આ વાત કરી અને હવે તમે જે પરિણામ આપી તો ભોગવવા હું તૈયાર છું, કારણકે હું તમારી ગુનેગાર છું અને હું એ ગુનો કબુલ કરું છું.

રૂમમાં ફરી મૌનનું સામ્રાજ્ય છવાઈ ગયું. પ્રિયમને આ વાતથી ખુબ જ આઘાત લાગ્યો હતો. જે કંચનને તેણે પોતાની જાતથી વધારે પ્રેમ કર્યો તેનું આ રૂપ તેના માટે અકલ્પનીય હતું. પરંતુ પ્રિયમે આઘાત છુપાવતા કહ્યું, “કંચન જો તને મારા પર વિશ્વાસ હોય અને તું મને સાથ આપવાની ખાતરી આપે તો હું તને વચન આપું છું કે બે મહિના પછી તારો પ્રેમ તારી સાથે હશે. આ સાંભળી કંચન નક્કી નહોતી કરી શકતી કે તેને હસવું કે રડવું. એક તારી પ્રેમ મળવાની વાતથી ખુશી થતી હતી તો બીજી તરફ આશ્ચર્ય હતું કે ખરેખર પ્રિયમે આ વાતને દેખાય છે એટલી હળવાશથી લીધી છે કે પછી આ એક સ્વપ્ન છે.

પ્રિયમે કંચનને સમજાવીને કહ્યું કે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તારે આ ઘરની વહુ તરીકે અહીં રહેવાનું છે અને ઘરની કોઈ પણ વ્યક્તિને આ વાતની જરા સરખી પણ ખબર ન પડવી જોઈએ. તું મારા પર વિશ્વાસ રાખજે, સમાજની સામે આપણે પતિ-પત્ની છીએ પરંતુ અંગતમાં આપણે મિત્રો છીએ. કંચનને આ વાત સાંભળીને સંતોષ થયો અને તે રાત્રે તેણે દસ મહિના બાદ મીઠી નિંદર માણી પરંતુ પ્રિયમ પડખા ફેરવતો રહ્યો, કારણકે તેના ભાગની નિંદર પણ કંચન પ્રેમથી માણી રહી હતી.

બીજા દિવસે સવારથી લગ્ન પછીની ધાર્મિક વિધિઓથી પરવાર્યા બાદ કંચન ઘરના કામમાં પરોવાઈ ગઈ અને પ્રિયમ તેના ઓફીસના કામમાં ડુબી ગયો. પ્રિયમનાં ઘરનાં દરેક સદસ્ય રાહ જોતા હતા કે પ્રિયમ હનિમૂન માટે ક્યારે જાય છે પરંતુ એક અઠવાડિયું પસાર થવા છતાં પ્રિયમે હનિમૂનનું નામ સુદ્ધા ન લીધું, ઉલ્ટાનું પ્રિયમનું કંચન પ્રત્યેનું વર્તન પણ બધાને જુદું જુદું લાગતું હતું. નાની વાતમાં પ્રિયમ ઉશ્કેરાઈ જતો, બધાની સામે કંચનને વઢતો, કંચને બનાવેલ રસોઈ સ્વાદિષ્ટ હોવા છતાં તેમાં ખામી કાઢતો. ઘરના દરેક સભ્યો અને કંચન પણ પ્રિયમમાં અચાનક આવેલા આ પરિવર્તનથી અવાક થઇ ગયા હતા.

આમને આમ એક મહિનો પસાર થઇ ગયો. પ્રિયમનું બદલાયેલું વર્તન એમનું એમ જ ચાલતું હોવાથી એક દિવસ તેના પપ્પાએ તેને એકાંતમાં પૂછ્યું, પ્રિયમ તને કંચન સાથે કઈ વાતે વાંકું પડ્યું છે? નાની નાની વાતોમાં આમ ગુસ્સે શા માટે થઇ જાય છે? પ્રિયમે કહ્યું મને તો કંચન પહેલાથી જ નહોતી ગમતી, તમારા આગ્રહને કારણે મેં હા પડી હતી, દસ-અગિયાર મહિના તો મેં હસી હસીને કાઢી નાખ્યા પરંતુ આમ ને આમ ખોટું ખોટું હસીને હું કંચન સાથે આખી જીંદગી પસાર કરી શકું એમ નથી. પ્રિયમના ઘરના સભ્યોએ જયારે આ વાત જાની ત્યારે સૌના મનમાં એક જ સવાલ હતો કે પ્રિયમને હવે કેવી રીતે સમજાવવો. પ્રિયમને સમજાવવાના ઘરના સભ્યોના દરેક પ્રયત્નો નિષ્ફળ નિવડયા. પ્રિયમ કોઈ પણ સંજોગોમાં કોઈની વાત સાંભળવા જ તૈયાર નહોતો. કંચનના માતા-પિતા સુધી આ વાત પહોંચતા તેઓને પણ આઘાત લાગ્યો. તેમણે પણ પ્રિયમને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ પ્રિયમ તેની વાત પર અડગ હતો કે કંચન તેને નથી ગમતી અને તે કંચન સાથે જીંદગી પસાર કરી શકે તેમ નથી.

કંચનને પણ લાગ્યું કે તેણે કરેલી વાતનો જ આ પડઘો છે તેથી તેણે પ્રિયમને કહ્યું, હું જાણું છું કે તમે શા માટે આવું વર્તન કરી રહ્યા છો, તમે કેમ બધાને કહી નથી દેતા કે કંચનની ભૂલના કારણે હું તેની સાથે રહી શકું તેમ નથી. પ્રિયમે કહ્યું, ‘કંચન મેં તને કહ્યું હતું કે તું મારા પર વિશ્વાસ રાખજે અને મને સાથ આપજે, તું ચુપચાપ જોયા કર. હું મારું વચન ચોક્કસ પૂરું કરીશ.

લાંબી ચર્ચા, વિચારણા, સમજુતી છતાં તમામ પ્રયત્નોમાં નિષ્ફળ થયા બાદ પ્રિયમના પપ્પાએ ગુસ્સાનું શસ્ત્ર પણ ઉગામ્યું પરંતુ પ્રિયમ ટસ નો મસ ન થયો. આખરે પ્રિયમના પપ્પાએ શરણાગતિ સ્વીકારતા પ્રિયમને તેનો છેલ્લો નિર્ણય જણાવવા કહ્યું. પ્રિયમે જણાવ્યું કે સમાજની હાજરીમાં લગ્ન થયા છે તેવી જ રીતે સમાજની જ હાજરીમાં છૂટાછેડાના દસ્તાવેજ પર સહી કરાવી છૂટાછેડા કરાવી આપો. નાની અમથી વાતને આટલી હદે વણસતા જોઈ ઘરના દરેક સભ્યો દુઃખી હતા, પ્રિયમની મમ્મીએ તો પ્રિયમને પૂછ્યું પણ ખરું કે તારી નજરમાં કોઈ બીજી છોકરી હોય તો કહી દે અમે તેની સાથે તારા લગ્ન કરાવી દઈએ. પરંતુ પ્રિયમે કહ્યું એવી કોઈ વાત નથી. કંચન પણ સમગ્ર ઘટનાને મુંગે મોઢે જોતી રહી.

આખરે સમાજના આગેવાનોની હાજરીમાં છૂટાછેડાના દસ્તાવેજમાં સહીઓ કરી કંચનને તેના પિયર મોકલી અને પ્રિયમ પોતાના ઘરે આવ્યો. તે રાતે પ્રિયમ ખુબ જ રડ્યો. તેણે કંચનને સાચા હૃદયથી ચાહી હતી અને એટલે જ તેણે કંચનના પ્રેમ ખાતર પોતાના પ્રેમનું બલિદાન આપ્યું હતું. કારણકે તેણે ક્યાંક વાંચ્યું હતું કે તમે જેને પ્રેમ કરતા હો તેની ખુશીને પોતાની ખુશી બનાવો તો એ જ તમારો સાચો પ્રેમ.

છૂટાછેડાના એક મહિના પછી કંચન અને રાજીવે સિવિલ મેરેજ કરી લીધા. બે સાક્ષીઓની સહીમાં એક સહી પ્રિયમની હતી. કંચન અને રાજીવ તેમની પુત્રી ચાર્મિ સાથે જીવનની મજા માણી રહ્યા છે અને તેના માટે યોગ્ય મુરતિયો શોધવાના પ્રયત્નોમાં છે બીજી તરફ વન પ્રવેશ (એકાવન વર્ષ) કરી ચુકેલો પ્રિયમ મનમાં કંચન પ્રત્યેના તેના સાચા પ્રેમની યાદો અને કંચનને તેનો સાચો પ્રેમ મેળવી આપવામાં પોતે નિમિત્ત બન્યાની ખુશીના સથવારે એકલો જીવન વિતાવી રહ્યો છે.


Rate this content
Log in