શ્રદ્ધા ભાગ ૨
શ્રદ્ધા ભાગ ૨
( રાઘવનો પરિવાર શેઠ સાથે ગામડામાંથી અમદાવાદ આવે છે હવે આગળ...)
અમદાવાદ પહોંચવા આવ્યા. જાણે સડકો રાઘવને આવકારતી હોઈ એવું રાઘવને પ્રતીત થયું. દૂરદૂર સુધી પથરાયેલી સિમેન્ટ કોંક્રિટની ગગનચુંબી ઇમારતો જોઈ રાઘવને લાગ્યું કે જાણે આકાશ પાસે પહોંચવાનો રસ્તો કદાચ અહીંથી જ શરૂ થતો હશે. શેઠના આલીશાન ઘર આગળ ગાડી ઉભી.
એક નોકર આવી દરવાજો ખોલી ગાડી નજીક ઉભો રહ્યો. એક સેકંડ માટે તો આ ગરીબ પરિવાર ઘર જોઈ દંગ રહી ગયો. આ ઘર છે કે મહેલ. ચોપડી ઓમાં દોસ્તારો પાસેથી છુપાઈને જોયેલા ચિત્રોમાં જોયેલ મહેલની વ્યાખ્યા આજે સમજાઈ. ગાડી માંથી હજુ તો માંડ ઉતર્યા હતા ત્યાજ એક રાઘવ જેટલી જ એક ગોરી ચટાક નાની છોકરી દોડતી આવી.
'પપ્પા ... પપ્પા..'. શેઠે દીકરીને બાથ ભરી લીધી. પપ્પા આ બધા કોણ છે ?
'બેટા, ગામમાં આપણી જમીન, ખેતર હતું ને તે આ લોકો સાચવતા. મારે ઘરે થોડી જરૂર હતી એટલે એમને અહી લાવ્યો. આજથી તું ઘરે એકલી નઈ પડે. આ નાનકો રઘુ છે ને બહુ ડાહ્યો છે. તું રમાડજે હો તારી સાથે.
રાઘવને થોડી નફરત ને થોડા આશ્ચર્યથી એ ઢીંગલી નિહાળી રહી.
શેઠે ગાડી પાસે સામાન લેવા આવેલ માણસને થોડી વાતચીત કરી આ પરિવારનો સમાન મુકાવવા ઈશારો કર્યો. પેલો માણસ રાઘવ અને તેના પરિવારને ઘર બહાર જ આવેલ એક રૂમ બાજુ લઈ ગયો. આજથી રાઘવની દુનિયા અહીંથી શરૂ થવાની હતી. આ પરિવારને થોડો આરામ કરવાનું કહી સાંજે મળીશું એમ સૂચના આપી શેઠ ઘરમાં ગયા.
પેલી પરી જેવી છોકરી હજીય રાઘવને તાકી રહી. તેને કદાચ રાઘવ ગમ્યો નહિ હોય. રાઘવ હતો પણ થોડો શ્યામ. ને ઉપરથી કપડાં પણ થીંગડા થી સુશોભિત.
શેઠે ઘરમાં જઈ શેઠાણીને વાત કરી.
'અરે પણ નોકરો ઘરમાં છે તો... અને કામવાળી બહારથી આવે તો છે.' શેઠાણીએ નારાજગી વ્યકત કરતા જણાવ્યું.
'અરે, આ લોકો બહુ નિષ્ઠાવાન ને પ્રામાણિક છે. વર્ષોથી એમનો પરિચય છે મને. આપણે કામ અર્થે બહાર જવાનું થાય તો રીપલને આમના ભરોસે મૂકી શકાય એમ છે. ને તારે ઘર કામકાજમાં ચોવીસ કલાક કિશનની ઘરવાળી રહેશે તો...' શેઠ બોલ્યા.
સાંજે શેઠે રાઘવના પિતાને પોતાની પરી રિપલની દેખરેખ અને સાથે બગીચાની જાળવણીનું કામ સોંપ્યું. શેઠાણી એ પણ રાઘવની માને ઘરકામ સમજાવી દીધું. રાઘવના મા-બાપ અને દીકરાની ખુશી અર્થે સઘળું કરવા રાજી હતી.
ટુંક સમયમાં જ રાઘવનો પરિવાર આ પરિવાર સાથે ગોઠવાઈ ગયો. રાઘવને થોડી મનમાં ઈર્ષ્યા આવતી. પેલી રીપલ તેના કપડા, રમકડાં અને એવું બીજું ઘણું બધું. પણ પોતે મોટો થઈ આ બધું મેળવશે એવો વિશ્વાસ હતો. સુખ સમૃદ્ધિ વાળુ જીવન મેળવવાનું પ્રોત્સાહન અહીથીજ તેને મળતું. રાઘવ પોતાની માને ઘર કામ કરતા જોતો. ક્યારેક શેઠાણી કડવા વેણ પણ સંભળાવી જતા. રાઘવને આ થોડું માઠું લાગતું પણ શેઠે રાઘવને રીપલ સાથોસાથ ભણવાની ભલામણ પણ કરેલી. એટલે ચૂપચાપ આ બધું જોઈ રહેતો.
ખૂબ ભણીને નોકરી મેળવી પૈસા કમાવવા હતા જેથી મા-બાપુને અહીંથી બહાર પોતાના ઘરમાં સુખેથી રાખી શકાય. રીપલ ભણવામાં નબળી હતી જ્યારે રાઘવ તો ધીરે ધીરે ત્યાંની શાળામાં શિક્ષકો પાસે ઘણું બધું શીખી ગયો. ગામમાં તો ભણવાનું શક્ય નહોતું ને. રીપલ ભણવા કરતા વધુ સમય રાઘવ સાથે મીઠો ઝગડો કરવામાં પસાર કરતી.
સમય પસાર થતો ગયો. રાઘવ અને રીપલ યુવાનીના ઉંબરે પહોંચ્યા. રાઘવની મા ઉમ્મર થતા બહુ કામ કરી શકતી નહોતી. છતાં ઘસરડા કર્યે જતી. વર્ષોથી કામ કરતા માબાપને સુખ આપવાની ખેવના હવે પૂર્ણ થવાની હતી. રાઘવ કોલેજમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયો હતો. હવે સારી નોકરી એ શોધી રહ્યો.
મા... મા... દોડતો દોડતો રાઘવ આવ્યો. મને નોકરી મળી ગઈ. એક મોટી કંપનીમાં એને સારા પગાર ધોરણની નોકરી મળી હતી. રાઘવની માના આંખમાં આંસુ આવી ગયા. મા-બાપ બન્નેને આજે પોતાના દીકરા પર ગર્વ થયો. શેઠ શેઠાણી એ પણ અભિનંદન પાઠવ્યા. થોડા જ સમયમાં રાઘવે પોતાની વ્યક્તિગત કમાણી દ્વારા શહેરમાં એક ઘર ખરીદી લીધું. શેઠ શેઠાણીની રજા લઈ અનેક યાદો સાથે રાઘવ મા-બાપુ સાથે પોતાના ઘરમાં આવ્યો. આખો પરિવાર શેઠજીનો આભાર માની ત્યાંથી નીકળ્યા.
વિદાય માત્ર રાઘવના પરિવારની નહિ, રિપલની ખુશીઓની પણ હતી. રીપલ મનોમન રાઘવને ચાહતી હતી. આ વાત રાઘવના જાણમાં નહોતી. પણ પોતાના રડતા હ્રદયને છુપાવી કૂત્રીમ હાસ્ય થકી એણે રાઘવને બાય બાય કહ્યું.
કેટલાયે વર્ષોની મજૂરીથી ઘડપણનો ખરો સહારો બની રાઘવે મા-બાપને આરામ આપ્યો હતો. શહેરમાં આવવું સાર્થક થયું. રાઘવની માની બસ દિલથી હવે રાઘવના લગ્નની ઈચ્છા બાકી રહી હતી.
'બેટા, બધું આપ્યું તે તો.. હવે બસ ઘર સાચવનાર લાવી દે.' રાઘવ હસીને વાત ઉડાડી દેતો.
મા હમેશા તેને કહેતી, 'ઉપરવાળો દરેકને નિશ્ચિત સમયે ખુશી આપે જ છે. જોને ક્યાં પેલા ગામડા મા હતા ને ક્યાં આ ઘર.. હવે એક વહુ પણ તારા માટે બનાઈ હશે.'
પરંતુ કહેવાય છે ને કે સુખના દાડા ઝાઝા ટકતા નથી. રાઘવ સાથે પણ આવું જ કઈક બન્યું. હ્રદયરોગના હુમલાથી રાઘવની માનું મૃત્યુ નિપજ્યું. ૧૦૮ આવે એ પેલા જ તેની માનું પ્રાણઘાતક હુમલામાં પ્રાણ પંખેરું ઉડી ગયું. રાઘવ માટે આ દુઃખ સહન કરી શકવું ઘણું કઠિન હતું. હજુ તો સુખના દિવસો જોયાં ના જોયા ત્યાં વિધાતાનો આવો ક્રૂર ન્યાય. એ ભગવાન પર ખૂબ ગુસ્સે ભરાયો. ગરીબી, આખી જિંદગી કરેલા કામના ઢસરડા અને કડવા વેણ, બીમારી સઘળું ઝીલીને પણ શાંત ચિત્તે કરેલ કામો બધાના બદલામાં મોત.? રાઘવના લગ્નનો ઓરિયો અધૂરો જ રહી ગયો. એ વિચારતો હતો ત્યાજ રીપલ મળવા આવી. હમેશ ઝગડા પૂરતા સીમિત સંબંધમાં આજે નવુ જ રૂપ મળ્યું. રાઘવ અજાણતાં એના ખોળામાં માથું મૂકી ખૂબ રડ્યો.
(ક્રમશ:)
( રીપલ અને રાઘવ વચ્ચેનો સંબંધ, રાઘવની માના મૃત્યુ બાદ કેવો દિલચસ્પ વળાંક લે છે વધુ વાંચો શ્રદ્ધા પ્રકરણ ૩)

