શ્રાધ્ધ
શ્રાધ્ધ


અમારી બાજુમાં રહેતા હિંમતભાઈને ત્યાં સવારથી જ મહેમાન આવવાના ચાલુ થઈ ગયા હતા. તેના ઘરે કોઈ પ્રસંગ હોય એવું લાગતું હતું. મેં તેમની બેબીને પૂછ્યું કેમ આજે કંઈ પ્રસંગ છે ? તેણે કહ્યું હા, મારા દાદીમાનું શ્રાધ્ધ છે એટલે મારા ફોઈઓ તથા મારી બહેનોને તેડાવ્યા છે.
ગયા વર્ષેજ હિંમતભાઈના બા મૃત્યુ પામ્યા હતા. આજે તેને એક વર્ષ થયું એટલે તેની પાછળ બ્રાહ્મણ જમાડતા હતાં અને બહેનો-દીકરીઓને તેડાવ્યા હતા. સવારથીજ ઘરમાં રસોઈની તૈયારી અને મહેમાનોના આગમનથી ઘર ગુંજતું હતું. છોકરાઓ ધમાલ બોલાવતા હતા.
હિંમતભાઈના બાપુજી પણ બે વર્ષથી બીમાર રહેતા હતા. બાજુમાં તેનો અલગ રૂમ હતો. ત્યાંજ તેઓ પડ્યા રહેતા. જમવાનું પણ તેને તેના રૂમમાં પહોંચાડવામાં આવતું ! આપણે ત્યાં આમેય મા-બાપ વૃધ્ધ થાય એટલે જાણે ઘરમાંથી પણ નિવૃતી મળી જતી હોય છે ! કોઈને વૃધ્ધ મા-બાપ પાસે બેસવાનો સમયજ નથી હોતો. આટલા વર્ષોનું અનુભવોનું ભાથું તેમની પાસે હોય છે. પરંતુ છોકરાવને તેની સલાહ લેવાનું પસંદજ નથી પડતું. સગવડ હોય તો વૃધ્ધ મા-બાપને એક અલગ રૂમ આપી દેવામાં આવે છે.
વૃધ્ધ દંપતિ હોય ત્યાં સુધી તો વાંધો નહિ. પરંતુ તેમાંથી એકની ચિર વિદાય પછી જે પાછળ રહે છે તેને તો એકલતામાં જ દિવસો પસાર કરવાના હોય છે. એકલતાની એ પીડા તેઓ જ જાણતા હોય છે. તેને પણ ઘરમાં બધાની સાથે બેસીને વાત-ચીત કરવી ગમે છે. કંઈ નવા-જૂની હોય તો કોઈ તેને વાત કરે તેવું તે ઈચ્છતા હોય છે. પરંતુ ઘરમાં કોઈને તેની જોડે વાત કરવાની જાણે ફૂરસદ જ નથી હોતી ! કંઈ પૂછે તો પણ, તમારે હવે એવી બધી શું પંચાત ? બે ટંક જમીને છાનામાના પડ્યા રહો અને ભગવાનનું નામ લો તેવો જવાબ મળતો હોય છે. જાણે કે તે એક વધારાની વ્યક્તિ બની જાય છે. છોકરાઓ તેમને બે ટંક જમવાનૂં આપી દે એટલે તેની ફરજ પૂરી થઈ તેવું સમજતા હોય છે.
માતા-પિતા જીવતા હોય ત્યારે તેની સંભાળ લેવાનો કોઈ પાસે સમયજ નથી હોતો. પરંતુ તેના મર્યા પછી તેની પાછળ બ્રહ્મભોજન કરાવવું, કાગડાને વાસ નાખવી શ્રાધ્ધ કાર્ય વગેરે કરે છે. મા-બાપ જીવતા હોય છે ત્યારે સંતાનોને નડતા હોય છે. મર્યા પછી પણ ક્યાંક એ નડે નહિ એવી બીકે જ પાછળની બધી ક્રિયાઓ કરવામાં આવે છે. શ્રાધ્ધમાં શ્રધ્ધા કરતા બીક વધારે હોય છે. કેમ કે તે જાણતાં હોય છે કે આપણે એને જીવતા ત્યારે ખૂબ હેરાન કર્યા છે. દુભવ્ય
ા છે તેનો બદલો ક્યાંક મર્યા પછી ન લે. જીવ અવગતે ગયો હોય અને નડે તો ? એટલે મૃતકના જીવની સદગતિ માટે બધી ક્રિયાઓ કરવામાં આવે છે. જીવતા હોય ત્યારે તો બિચારાની દુર્ગતિ જ કરી હોય છે. સદગતિ માટે કરેલી ક્રિયાઓના ખર્ચ માટે પણ પાછા ભાઈઓમાં ઝગડા થતા હોય છે.
જીવતા કરતા મર્યા પછી માન સારું મળે છે. મા-બાપ જીવતા હોય ત્યારે છોકરાઓને તેની સામે જોવાની ફુરસદ નથી હોતી. પરંતુ મર્યા પછી મા-બાપના ફોટાને મઢાવી સુખડનો હાર પહેરાવી ડ્રોઈંગ રૂમમાં લટકાવે છે. અને મા-બાપ પ્રત્યેની ભક્તિ દર્શાવે છે.
હિંમતભાઈના ઘરમાં પણ દાદીમાંનુ શ્રાધ્ધ હતું. એટલે બીમાર દાદાને બધા ભૂલી ગયા હતા. સૌ પોત-પોતાના કામમાં મશગુલ હતા. દાદાની દવા ચાલુ હતી. ડોક્ટરે ભૂખ્યા પેટે દવા લેવાની ના પાડી હતી. આથી દાદાએ બે-ત્રણ વાર છોકરાવને પૂછી જોયું જમવાનું થઈ ગયું હોય તો મને આપી દો. હિંમતભાઈના પત્નિ આ સાંભળી ગયા. તેણે દાદાને કહ્યું બેસી જાવ છાનામાના રૂમમાં, જોતા નથી આજે મહેમાન છે ? જમવાનું થશે એટલે તમારા રૂમમાં આપી જશું. દાદા બિચારા રૂમમાં જતા રહ્યાં.
બ્રાહ્મણ જાતે જ રસોઈ બનાવતા હતા. રસોઈ થઈ એટલે કાગડાને વાસ નાખવામાં આવી. સોરી ( પિતૃને) ત્યારબાદ બ્રાહ્મણોને જમાડી ઘરના બધા જમવા બેસી ગયા. આમને આમ બધા જમી પરવારી નવરા થયા ત્યાં સાંજ પડવા આવી. ત્યારે હિંમતભાઈની દીકરી બોલી, દાદાને કોઈએ જમવાનું આપ્યું કે નહિ? ત્યારે બધા અંદરો અંદર કહેવા લાગ્યાં અરે! એ તો ભૂલાઈજ ગયું.! બધા કામમાં હતા કોઈને યાદ જ ન આવ્યું. સાંજના પાંચ વાગી ગયા હતા. દાદાના ઓરડામાં છોકરી થાળી લઈ જમવાનું આપવા ગઈ તો દાદાનું આખું શરીર ખેંચાતું હતું. પથારીમાં તે તરફડિયાં મારતા હતા. ભૂખ્યા પેટે જ તેણે દવા લઈ લીધી હતી. આથી દવાનું રીએક્શન આવ્યું હતું. બધા દોડીને દાદાના રૂમમાં આવ્યા. અને દાદાને તાત્કાલિક દવાખાને લઈ ગયા. હું તેના ઘરે દાદાની ખબર પૂછવા ગઈ ત્યારે આ બધી વાત જાણવા મળી. મને થયું દાદીમાં ભાગ્યશાળી નીકળ્યા તેને સમયસર 'વાસ' નાખવામાં આવી. થોડા સમયમાં દાદાને પણ આવું 'માન' મળી જશે. કેમ કે, 'પિતૃદેવો ભવ' મર્યા પછી માણસ પિતૃ બની જાય છે. અને આપણે પિતૃને દેવ ગણીએ છીએ. અને ભાદરવા મહિનામાં શ્રાધ્ધ કાર્ય કરીએ છીએ, ભાદરવા મહિનામાં કાગડા પિતૃરૂપે આવે છે અને ખીર દૂધ અને રોટલી આરોગે છે.! 'પિતૃદેવો ભવ'.