શંકા
શંકા


ઓફિસ માં બહુ કામ હોવાથી ઘરે મધુકર મોડો આવ્યો..ઘર માં આવી ને ," મધુ,ઓ મધુ.. ક્યાં છે?". એટલામાં મધુકર ની દિકરી સેજલ આવી અને બોલી," પપ્પા, મમ્મી તો ઘર માં ગરમી વધુ લાગતી હતી તેથી ધાબે લટાર મારવા ગઈ છે"..આ સાંભળી ને મધુકર ચમક્યો અને ગુસ્સે થઈ ને બોલ્યો," અરે, તેં એને એકલી ધાબે કેમ જવા દીધી? તને ખબર છે કે તારી મમ્મી હંમેશાં તનાવમાં હોય છે અને માનસિક અસ્વસ્થ રહે છે."
છેલ્લા કેટલાક દિવસોથી મધુની તબિયત સારી રહેતી નહોતી. સારા ડોક્ટર ની દવાઓ લીધી પણ મધુ ઘણી વખત ના સમજાય તેવું બોલતી અને માનસિક તાણમાં રહેતી હતી. એક સારા સાઈકીયાટ્રીટની સારવાર પણ એક અઠવાડિયાથી શરૂ કરી હતી. મધુકર અમદાવાદના એક ગીચ વિસ્તારમાં ચાર માળના ફ્લેટમાં રહેતો હતો. મધુ ધાબે ગઈ છે એ ખબર પડતાં મધુકર ઝડપથી ધાબા પર જવા દોડ્યો અને પાછળ પાછળ તેની દિકરી સેજલ પણ. મધુકર ફ્લેટના ધાબે પહોંચ્યો અને જોયું તો તેની પત્ની મધુ ધાબા પરથી પડતું મુકવાની તૈયારીમાં જ હતી અને મધુકરે દોડીને મધુને પકડી લીધી અને મધુ મધુકર ને ભેટી ને....ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી..." મને માફ કરજો, મને માફ કરજો." મધુકર અને દિકરી સેજલે મધુને શાંત રાખી અને ઘરમાં લઇ આવ્યા. મધુને પાણી અને લીંબુનું શરબત પીવડાવ્યું. પછી ધીમે રહીને મધુકરે મધુ ને પુછ્યુ," આવું પગલું કેમ ભરે છે? તારા વગર અમારૂં કોણ? અને આ સેજલ આપણી દિકરી તને કેટલી વ્હાલી છે!!! આવતા વર્ષે એ દસમા ધોરણમાં આવશે. તેને ભણી ગણાવીને પગભર કરવાની છે. તુ ધીરજ રાખ. તને સારૂં થઈ જશે." આ સાંભળી ને મધુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.અને બોલી," આજે શાકભાજી લેવા ગઈ હતી ત્યારે આપણા ફ્લેટના દેવીના બેન મલ્યા. તેમણે મને કહ્યું કે આજે મધુકર ભાઈ બાઇક પર એક સ્વરૂપવાન સ્ત્રી ને બેસાડી ને જતાં હતાં. તેમના વરે તમને જોયા હતા... અને તેમના વરે એક અઠવાડિયા પહેલાં એક હોટલમાં એક બહેન સાથે પાર્ટીમાં જોયા હતા. એક તો મારૂં મગજ સારુ નથી અને આ સાંભળીને મને મારા જીવન પ્રત્યે નફરત થઈ અને હું આત્મહત્યાના વિચારોમાં ધાબે ગઈ.... અને આત્મહત્યા માટે કુદવા જ જતી હતી ને તમે મને બચાવી લીધી..અરરર..આ મેં શું કર્યું.. મેં મારી દિકરી સામે પણ ના જોયું..તમે મને આટલો પ્રેમ કરો છો છતાં પણ હું તમારા પર શંકા કરવા લાગી.."..... આ સાંભળી ને મધુકરના મોઢા પર થોડા ગુસ્સાના ભાવ આવ્યા પણ પછી મધુ સામે જોઈ ને બોલ્યો.," અરે, ગાંડી હું તને કેટલો પ્રેમ કરું છું. તારા માટે તો હું જાન આપવા તૈયાર છું. તને સાજી કરવા નિયમિત દવાઓ હું તને યાદ કરી ને આપું છું. ડોક્ટરે કહ્યું છે કે ત્રણ ચાર મહિનામાં સારું થઇ જશે બસ નિયમિત દવાઓ લેવાની અને સકારાત્મક વિચારો કરે અને બીનજરૂરી બાબતોમાં પડે નહીં અને હા, હોટલની વાત કરે છે તો જણાવું કે અમારી ઓફીસના એક બહેનને પ્રમોશન આવ્યું અને તેનો જન્મ દિવસ પણ હતો. તેની પાર્ટી એ બહેને આપી હતી. ઓફિસનો બધો સ્ટાફ હતો. તે ભાઈને મારા સ્ટાફના બીજા કોઈ ના દેખાતા?.. અને આજે જે બહેન ને બાઇક પર લીફ્ટ આપી તે બહેન મારી ઓફિસમાં નવા આવેલા છે તેઓ બસની રાહ જોતા હતા અને હું ત્યાંથી પસાર થયો એટલે માનવતા ખાતર મેં તેને બેસાડ્યા હતા. આવી નાની નાની બાબતોમાં તું શંકા ના કરે. જીવવુ મુશ્કેલ થઈ જાય!!! એક વાર શંકા નો કીડો સળવળે તો તે જાય નહીં.અને બંને નું જીવન બરબાદ થાય..."
મધુ હવે શાંત થઈ.. અને તેની સમજમાં આવ્યું અને બોલી," હવે હું એ બહેન સાથે વાત કરીશ નહીં.. હું અને મારૂં ઘર...." આ વાત ને છ મહીના થયા.. મધુએ નિયમિત દવાઓનો કોર્ષ કર્યો અને સરસ થઇ ગયું. આપઘાતના વિચારો હવે આવતા નહોતા....મધુ અને મધુકર, દિકરી સેજલ સાથે આનંદથી જીવે છે.
તા.૧૦ સપ્ટેમ્બર વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ડે નિમિત્તે આજની વાર્તા.