શિષ્ય સ્મશાનમાં
શિષ્ય સ્મશાનમાં
એક સંતના એક શિષ્યને અહંકાર આવી ગયો હતો. તેને લાગતું હતું કે મેં બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. તે સંતે તે શિષ્યને કહ્યું કે તું થોડો સમય માટે સ્મશાનમાં રહેવા ચાલ્યો જા.
તે શિષ્યને નવાઈ લાગી. જોકે ગુરુજીની આજ્ઞાનું પાલન કરીને તે સ્મશાનમાં રહેવા ચાલ્યો ગયો. તે જે દિવસે સ્મશાનમાં ગયો ત્યારે સવાર સવારમાં જ કેટલાક લોકો એક મૃતદેહ લઈને આવ્યા. તેમાંના કેટલાક કલ્પાંત કરી રહ્યા હતા, પરંતુ તેમણે બધી વિધિઓ કરી અને મૃતદેહને અગ્નિદાહ આપ્યો.
સંતે તે શિષ્યને કહ્યું હતું કે તારે સ્મશાનમાં બેસીને ત્યાં જે બની રહ્યું છે એને ફક્ત નિહાળતા રહેવાનું છે. તે શિષ્યએ અગાઉ પણ મૃતદેહોને અગ્નિદાહ અપાતા જોયા હતા, પરંતુ એ વખતે તેણે ધ્યાનથી જોયું કે તે મૃત વ્યક્તિનાં સગાંવહાલાં અને મિત્રોએ તે મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા. તે મૃતદેહ અગ્નિમાં બળીને રાખમાં પરિવર્તિત થઈ ગયો ત્યાં સુધી તેઓ બેસી રહ્યા અને પછી ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાં સુધીમાં તેમનું રુદન લગભગ અટકી ગયું હતું અને સ્મશાનમાંથી બહાર નીકળતી વખતે તેઓ આપસમાં વાતો કરી રહ્યા હતા.
શિષ્યએ અત્યાર સુધી સભાનપણે આવી રીતે અંતિમક્રિયા જોઈ નહોતી. એ પછી તે સ્મશાનમાં ફરી બીજા લોકો આવ્યા. તેઓ પણ તેમના સ્વજનની અંતિમક્રિયા કરીને જતા રહ્યા.
ગુરુજીની આજ્ઞા પ્રમાણે શિષ્ય સભાનપણે સૌ મૃતદેહોની અંતિમક્રિયા જોતો રહેતો હતો. પણ એ દિવસે તે અહંકારી શિષ્યને એ અગ્નિમાં ભસ્મીભૂત થતા મૃતદેહો જોઈને જીવનની નિરર્થકતા સમજાઈ ગઈ.
એ દિવસે એ ગામનો એક વિદ્વાન માણસ મૃત્યુ પામ્યો. તેના સ્વજનો વિલાપ કરતાં કરતાં સ્મશાનમાં આવ્યા અને તેના મૃતદેહના અંતિમસંસ્કાર કરીને ચાલ્યા ગયા.
એ જ દિવસે એ ગામના એકદમ અભિમાની, દુષ્ટ તથા શક્તિશાળી માણસનું મૃત્યુ થયું. તે આખા ગામના લોકોને રંજાડતો હતો અને કોઈ તેને કશું કહેવા જાય તો તેને પણ ફટકારતો હતો. આખું ગામ તેનાથી ડરતું હતું. એ માણસના મૃતદેહને લઈને તેમના સ્વજનો આવ્યા. તેમણે તે માણસના મૃતદેહને ચિતા પર ગોઠવીને અગ્નિદાહ આપ્યો અને તે શિષ્યની સામે એ શક્તિશાળી, અભિમાની, દુષ્ટ માણસનો મૃતદેહ ભડભડ સળગવા લાગ્યો. શિષ્યને એ વખતે સમજાયું કે આજે કે કાલે હું પણ આ રીતે ચિતા પર ગોઠવાઈ અને મરી જઈશ !
સળગતી ચિતાની સામે જોઈ જોઈને તેનો અહંકાર પણ ઓગળી ગયો.
તે એ જ રાતે તેના ગુરુ એવા સંત પાસે પાછો ગયો. ગુરુએ તેને થોડા દિવસો માટે સ્મશાનમાં રહેવાનું કહ્યું હતું, પરંતુ તે રાત સુધીમાં જ પાછો આવી ગયો.
તેના ચહેરા પર જે ભાવ હતા એ જોઈને ગુરુએ કહ્યું કે ‘આવી ગયો.’
શિષ્યએ કહ્યું, ‘હા.’
ગુરુએ તેને એવું કશું ન પૂછ્યું કે મેં તો તને સ્મશાનમાં થોડા દિવસો સુધી રહેવાનું કહ્યું હતું તો કેમ આજે ને આજે પાછો આવી ગયો. તેમણે એટલું જ કહ્યું કે ‘સારું.’
પછી કોઈ સંવાદની જરૂર જ ન રહી. શિષ્યને જે સમજવાનું હતું એ સમજાઈ ગયું. ગુરુને સમજાઈ ગયું હતું કે શિષ્યને હવે સ્મશાનમાં રહેવાની જરૂર નથી રહી.
એ દિવસથી તે શિષ્ય નમ્ર બની ગયો અને પોતાને બીજા શિષ્યોથી ચડિયાતા માનવાનું તેણે બંધ કરી દીધું.
