શિક્ષણની કરામત
શિક્ષણની કરામત
નાનું એવું ગામ. ગામનું નામ દેમતિ. નદી કિનારે વસેલું અને પ્રકૃતિથી ઘેરાયેલું. ચારે બાજુ ડુંગરો અને લીલીછમ વનરાજી. જાણે સાક્ષાત વન દેવી. ચારે બાજુ ખજૂરીના વૃક્ષો તેની શોભામાં વધારો કરતાં હતાં.
છૂટા છવાયા માટીના કાચા મકાનોમાં વનવાસી પ્રજા વસે. પોતાની આગવી સંસ્કૃતિ અને સંસ્કાર તેમની ઓળખ હતી. ખેતી અને વન્ય પેદાશ થકી પોતાનું ભરણ પોષણ કરતાં. શિક્ષણનું પ્રમાણ નહિવત એટલે કાળા અક્ષર ભેંસ બરાબર.
ગામમાં એક શાહુકારની દુકાન. લોકો પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ ત્યાંથી ખરીદે. ક્યારેક પૈસા ન હોય ત્યારે બાકીમાં કે અનાજ આપી વસ્તુ ખરીદતાં. આ શાહુકાર ભણેલો અને ગણેલો એટલે શિક્ષણની કરામતે લોકોનાં માથે વ્યાજ વધારો કરી તેમનું શોષણ કરતો. લોકો પણ મજબૂર હતાં.
વાર તહેવારે તેમને બાકી આપી અનાજ પાકવાના સમયે ઘરે ઘરે ફરી ઉઘરાણી કરતો. પૈસા ન મળતાં જે અનાજ પાક્યું હોય તે લઈ આવતો. ઉઘરાણી સમયે તેનામાં રહેલી માનવતા, દયા એકાએક ગાયબ થઈ જતી અને જે મળે તે વસૂલ કરતો.
સરકાર તરફથી જે કંઈ યોજના આવતી તે શાહુકાર જાણતો એટલે તે કહેતો કે " લાવો હું આ લોકોને સમજાવીશ". શાહુકાર સરકારના પૈસા આ લોકો પાસે અંગૂઠો મરાવી લઈ લેતો.
એકવાર રાહત કાર્ય ચાલતું હતું. વર્ષો પહેલા ગામ છોડી શહેર વસેલો યુવાન વતનની યાદ આવતા આવી પહોંચ્યો. પોતાના લોકોને મળી તેને આનંદ થયો પરંતુ વર્ષો બાદ પણ તેમની સ્થિતિ એવી ને એવી જ હતી.
આટ
લો બધો વિકાસ થવા છતાં ગામમાં અને આ લોકોમાં વિકાસના નામે શૂન્ય હતું. રાત્રે લોકો સાથે મુલાકાત ગોઠવી અને તેમને સરકારની યોજના અને કાર્ય વિશે માહિતી આપી મેળવવા કહ્યું. શાહુકારને આ વાતની જાણ થઈ. જો લોકો જાણશે તો પોતાનો ધંધો ચોપાટ થઈ જવાની ભીતિ સેવાઈ. તેમણે લોકોને ઉશ્કેરી આ યુવાનને પાછો શહેર ધકેલી મૂકવા કહ્યું,પરંતુ લોકો માન્યા નહિ.
યુવાન પોતાની પાસે જે શિક્ષણ હતું તે થકી લોકોને સાક્ષર કરવાનું બીડું ઝડપ્યું. લોકો ધીરે ધીરે વાંચતા અને લખતા થયાં. પોતાના હક, જવાબદારી અને ફરજથી વાકેફ થયાં. અંગુઠાને બદલે હવે લોકો સહી કરવા લાગ્યાં.
શાહુકારને આ જરાય પસંદ ન હતું. ઘણા કાવાદાવા કરવા છતાં યુવાન મક્કમ મન કરી પોતાના લોકોને જાગૃત કરવા અડીખમ ઊભો રહ્યો. ગામના તમામ લોકોનો હિસાબ માંગ્યો. ચક્રવૃદ્ધિ વ્યાજ નાખી લોકોને લૂંટતો હતો. લોકો પણ હવે સમજવા લાગ્યાં હતાં.
પોતાના બાળકો શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે શહેર જઈ શાળાની માંગણી કરી. શાળા મંજૂર કરવામાં આવી. પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રસ્તો,પાણી,મકાન દવાખાનું જેવી સુવિધાઓ મળતાં લોકો વ્યવસ્થિત જીવન જીવવા લાગ્યાં.
વર્ષો સુધી અહી એક પણ ચુંટણી થઈ નથી. પોતાના લોકોમાંથી જે વધુ શિક્ષણ મેળવ્યું હોય તે બિનહરીફ પસંદ કરવામાં આવે. લોકોના સુખાકારી જીવન માટે સમર્પિત હોય.
એક યુવાનની શિક્ષણ કરામત થકી લાખો લોકોના જીવનમાં અજવાળું પ્રગટાવી ગયો.