હા, હું શિક્ષક છું
હા, હું શિક્ષક છું
“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હે “- ચાણક્યનું આ વાક્ય આજે પણ એટલુજ સાર્થક છે. એક શિક્ષક ધારે તો શું ના કરી શકે ? તેના માટે બધુજ શક્ય છે. જરૂર છે તો માત્ર પહેલ કરવાની.
૧ ડિસેમ્બર ૨૦૦૪ ના રોજ સુરેન્દ્રનગર જીલાની ચોટીલા તાલુકાની છેવાડાની અંતરિયાળ ગામ ચિરોડા ભાદરમાં મારી નિમણૂક થઈ. હજારની વસ્તીવાળું નાનું ગામ. ભાદરના કિનારે નાની મારી શાળા. ગામમાં કોળી, રબારી, દરબાર, હરીજન અને દેવીપૂજક જાતિના લોકો રહે નળિયાવાળા એક રૂમમાં આખી શાળા ચાલે. સ્ટાફ્માં માત્ર બે શિક્ષકો જેમાથી એક શિક્ષકની બદલી મારા હાજર થતાં પહેલા છૂટા થયા. એજ મહિનામાં જૂથ શાળાનો રમતોત્સવ હતો. હું પોતે હોકી અને ફૂટબોલનો ખેલાડી એટ્લે મારા આચાર્ય ધ્વારા મને બાળકો લઈ મોકલવામાં આવ્યો. બાળકોના નબળા પ્રદર્શનથી હું ખૂબ નિરાશ થયો. પણ તેમાં બાળકોની કોઈજ ભૂલ નહોતી. કારણકે તેમને આ બાબતની કોઈજ તાલીમ આપવામા નહોતી આવી.
સમય બદલાતા આસપાસની શાળાની મુલાકાત લેતા મારી શાળામાં તો એ બાબતનું કશુજ નહોતું. આચાર્ય સાથેની વાતચીતમાં ઉપલી કક્ષાએ રજૂઆત કરતાં શાળાના પાંચ ઓરડા મંજૂર થયા. ૨૬ મી જાન્યુયારીના રોજ તેને બાળકો માટે ખુલા મૂકવામાં આવ્યા. નાની મહેનતથી વાલીગણમાં મોટી ખુશી જોવા મળી. નવા આવેલા શિક્ષકની ભણાવવાની પદ્ધત્તિ અને બાળગીતોની રમજાટ બાળકોના મુખે સાંભળતા વાલીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો. એજ અરસામાં ગણિતના શિક્ષકની નિમણૂક થઈ જેથી કર્યા ભાર ઘટતા શાળા વિકાસના આયોજનને નવો વેગ મળ્યો. વર્ષ ૨૦૦૮માં ધોરણ ૮ની મંજૂરી મળતા બાળકોનો આગળનો અભ્યાસ માટેની નવી તકો મળી રહી. કન્યાઓનાં ડ્રોપ આઉટ ને ઘટાડવા માટે ફરીથી રજૂઆત કરતાં વર્ષ ૨૦૧૦ માં માધ્યમિક શાળાની મંજૂરી મળી. આર્થિક રીતે નબળા બાળકોને આગળ અભ્યાસ માટે નવી દિશાઓ ખુલવા લાગી. ધોરણ ૧૦ પૂરું થયા પછી બાળકોની ક્ષમતા પ્રમાણે વિવિધ પ્રવાહોમાં જાતે જઈ પ્રવેશ અપાવતો. જયા જરૂર પડે ત્યાં આર્થિક રીતે મદદરૂપ થઈ ભણવા માટે પ્રોત્સાહિત કરતો. બાળકોને બહાર ભણતા જોઈ ગામ લોકોમાં પોતાના બાળકોને ભણાવવાની તમન્ના જાગી. જેના પરિણામે ગામમાં નવી પેઢી માટે શિક્ષણ અને સાક્ષરતા વધી.
ગામમાં એકલાજ રહેતા હોવાથી સંપૂર્ણ સમય શાળા અને બાળકો માટે આપી શકતો. રવિવાર કે રજાના દિવસ કે વેકેશન માં પણ બાળકોને વિવિધ પરિક્ષાની તૈયારી, રમતો, કમ્પ્યુટરની તાલીમ ગામ સફાઈ, વન ભોજન જેવી અનેક સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવતા બાળકો માં રહેલી વિવિધ પ્રતિભાના દર્શન થવા લાગ્યા. શિક્ષકની બાળકો અને શાળા પ્રત્યેની નિષ્ઠા જોતાં વાલીઓની શાળા પ્રત્યેની આત્મીયતા વધવા લાગી. શાળા વિકાસના આયોજન મુજબ શાળા પ્રગતિ કરવા લાગી.
ગામને શાળા સાથે જોડવા માટે વિવિધ ઉત્સવો અને તહેવારની ઉજવણીના ભાગ રૂપે જોડવામાં આવ્યા. નવરાત્રિ,જન્માસ્ઠ્મી,રામા મંડળના આખ્યાનોમાં એક શિક્ષકનો વિચાર અને તેમાં નાવીન્યતા પ્રભાવિત કરી ગઈ. રાજ્ય સરકાર ધ્વારા ખેલ મહાકુંભની જાહેરાત થતાં બાળકોને વિવિધ રમતોમાં ભાગ લેવડાવી ઉતમ પરિણામ શાળાને જોવા મળ્યા. વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધીમાં કુસ્તી, કબડ્ડી દોડ, જૂડો જેવી વિવિધ રમતોમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઉત્તમ દેખાવ કરી ૧૮ જેટલી દીકરીઓ રાજ્યના સ્પોર્ટ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. જે દીકરીઓ જે તે જીલ્લામાં રહી રમત સાથે અભ્યાસ કરી શાળા અને ગામનું નામ રોશન કરી રહી છે. જેમાથી એક દીકરી “ખેલો ઈન્ડિયા ખેલો “રમી નેશનલ કક્ષાએ રમી શાળાને ગૌરવ અપાવ્યું. ત્યારબાદ શાળાના બાળકો રમ્તૌત્સવ,વિજ્ઞાન મેળામાં જીલ્લામાં બે વાર અને એક વાર રાજ્ય કક્ષાએ શાળાનું ગૌરવ વધાર્યું. જવાહર નવોદય પરીક્ષા,રાજી પરીક્ષા બોર્ડની nmms ,ચિત્ર પરીક્ષા, વિવિધ પરીક્ષામાં ઉતમ દેખાવ કરતાં તાલુકાની બેસ્ટ ૩ શાળામાં સમાવેશ થવા લાગી. વર્ષ ૨૦૧૬ માં કલા મહાકુંભમાં સુગમ ગીત ,લગ્નગીત, સમૂહગીત, નૃત્યમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવી જોન કક્ષાએ પહોચી નાના એવા ગામડાની જિલ્લા કક્ષાએ નોંધ લેવાઈ. સ્મયાંતરે વિવિધ વિષયોના શિક્ષકોની નિમણૂક થતાં શાળાનો ગ્રેડ D માઠી A ગ્રેડમાં આવી.
“થાય એટલું કરીએ ,અને કરવું હોય એટલું થાય. ” એ ઉક્તિ જાણે એક શિક્ષકે ચરિતાર્થ કરી બતાવી. વિવિધ સફળતા બાદ શાળાના બાળકો નોકરી લાગે ત્યારે જ શિક્ષણ સાર્થક થયું કહેવાય. આર્થિક રીતે નબળા બે બાળકોને દત્તક લઈ ઉચ્ચ અભ્યાસ કરી આજે એક વિદ્યાર્થી એસટી નિગમમાં સુરક્ષકરમી અને બીજો વિદ્યાર્થી રાજકોટ સિવિલમાં સ્ટાફ બ્રધર તરીકેની સેવા બજાવે છે. તેના બાદ ૪ દીકરીઓ નર્સિંગનો કોર્સ કરે છે, બે દિકરાઓ પોલીસમાં ફરજ બજાવે છે.
સામાજિક જીવનમાં પરીવર્તન લાવવા માટે શિક્ષકની અગત્યની ભૂમિકા હોય છે. મૃત્યુ પછી દહાડ્ની વિધિમાં ખોટો સમય અને રૂપિયાનો નો બગાડ કર્યા વગર તે રૂપિયા આર્થિક રીતે નબળા બાળકોને ભણાવવા માં ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૦ માં તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રાંત અધિકારી સાહેબ ધ્વારા સન્માન કરવામાં આવ્યું. વર્ષ ૨૦૨૦ ૫ સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિતે ચોટીલા તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે કેબિનેટ મંત્રીશ્રી કુવરભાઈ બાવળીયા સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યું. મળેલી રકમ શાળા વિકાસમાં આપી ઉત્તમ શિક્ષત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. “અડગ મન્ના માનવીને હિમાલય પણ નડતો નથી “
આ બધું ત્યારેજ શક્ય બને કે જ્યારે શિક્ષક પોતાના મનમાં પોતાની શાળા,પોતાના બાળકો સમજી કાર્ય કરે. સફળતા એમજ નથી મળતી તેના માટે તન,મન અને ધનથી ખર્ચાઈ જવું પડે છે.
આજે મને કહેતા ગર્વ થાય છે કે “હું એક શિક્ષક છું”
“જય જય ગરવી ગુજરાત “