અવગુણોનું દહન
અવગુણોનું દહન
જીવનની ઢળતી સંધ્યાએ પ્રભાશંકર વિતાવેલી ક્ષણોને વાગોળતાં હતાં. કેટલાય ખાટા મીઠા સંસ્મરણો એક પછી એક યાદ આવતાં હતાં. જીવનરૂપી પુસ્તકમાં અનેક રંગીન યાદો તો ક્યાંક કુદરતે લખેલી ઘટનાઓ હર્ષ સાથે આંખોમાંથી અશ્રુનો દરિયો વહેતો હતો.
કુદરત જાણે સાક્ષાત દર્શન આપી આત્મતપાસ અને મનોમંથન કરવાનું કહેતું હોય તેવું લાગતું હતું. યુવાનીની તડકી છાંયડી અને પેટે પાટા બાંધીને કમાયેલી પ્રતિષ્ઠા આત્મસંતોષ આપતી હતી. પરિવાર અને સમાજ નિર્માણ સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતર ગૌરવ પ્રદાન કરતી હતી છતાં હજુ કંઈક ખૂટતું હોય તેવું લાગતું હતું.
રંગોનો તહેવાર હોળી અને પલાશ જાણે કંઈક નવો દિશા નિર્દેશ કરતો હોય તેવું લાગતું હતું. હૈયે ભારે અને અજંપો વર્તાતો હતો. કોણ જાણે કેમ શીદને આવું થયું ?
ફરી એકવાર અતીતમાં ડોકિયું કર્યું ત્યાં તો મનમાં રહેલી ઈર્ષ્યા, અદેખાઈ, લોભ, ક્રોધ જાણે વિવિધ રંગો સાથે ધૂમધામ રંગોત્સવ મનાવી રહ્યાં હતાં. અરે ! આ શું ? આ લોકો તો કેવી મજા લઈ રહ્યાં હતાં. બીજી બાજુ જીવનભર મેળવેલી માન, પ્રતિષ્ઠા આજે સાવ ફિક્કી લાગતી હતી. રંગોન
ી સાચી ઓળખ કરવામાં મોટી ભૂલ થયાનો અહેસાસ થયો.
જાગ્યાં ત્યાંથી સવાર. જીવનની ઢળતી સંઘ્યાએ સાથે શું લઈ જવાનાં ? બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાનું ભાન થયું. એજ રાત્રે હોલિકા દહન વખતે નારિયેળની જગ્યાએ તમામ નકારાત્મક બાબતોનું દહન કરી હૈયે હળવાશ અનુભવી.
બીજા દિવસે તમામ મિત્રો પાસે માફી માંગી રંગોનો તહેવાર હોળી ધુળેટી ધૂમધામ મનાવી. જીવનના તમામ રંગો આજે તેને મળવા આતુર બન્યાં હતાં. તેની માફીની વાણીમાં શબ્દ રંગ છલકાતો હતો.
જીવન જાણે ધન્યતા અનુભવી રહ્યું હોય તેવું લાગતું હતું. બીજા દિવસે પોતાની ભેગી કરેલી મિલકત લઈ અનાથ આશ્રમ, વિધવા સહાય, ગરીબ અને અશક્ત લોકોને વિવિધ સહાય આપી કંઈક બીજા માટે કશુંક કર્યાનો અદભૂત રંગ છલકાતો હતો. નિર્દોષ બાળકોના ચહેરાની ખુશી તેના હૈયે હરિયાળી ફેલાવતી હતી.
પ્રભાશંકરનાં આ રંગ જોઈ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયાં.સાથે તેણે કરેલા કાર્યની પ્રસંશા કરવાં લાગ્યાં. શાંતિ, આનંદ, પ્રેમ અને ભક્તિનો અનેરો રંગ તેના જીવનને મધુવનમાં ખીલેલા ફૂલોની જેમ ચોમેર પમરાટ ફેલાવતાં હતાં. લોકો માટે આદર્શ નમૂનારૂપ બન્યાં.