Jyotsna Patel

Inspirational

4.5  

Jyotsna Patel

Inspirational

સેવાકાર્ય

સેવાકાર્ય

4 mins
277


સૂર્યનારાયણની સવારી હળવે હળવે આગળ ધપી રહી હતી. અંધકારમાં ડૂબેલી અવનિ ઉજાશ ભણી ડગ માંડી રહી હતી. મોટાભાગનાં ઘરોનાં ઍલાર્મ હજૂ સૂતાં હતાં. રવિવાર આળસ મરડીને પાછો શાંત થઈ ગયો ! રોજ તો આ સમયે દરેક ઘરોમાં ચહલપહલ રહેતી, પણ આજે ના કોઈ ધમાલ હતી, ના કોઈ ઘોંઘાટ. નહોતો કોઈ રસોડામાં વાસણોનો ખખડાટ કે નહોતો શાકનો છમકારો! રોજ અવનવી વાનગીઓની સુવાસથી મહેંકતો પવન પણ આજે જાણે સુગંધ માટે ફાંફાં મારતો હતો ! સઘળે રવિવારીય માહોલ હતો, પણ ઋચાના ઘરે રવિવાર માત્ર કેલેન્ડરમાં જ હતો. તેના ઘરમાં તો આજે રોજ કરતાં વહેલી સવાર પડી હતી. આજે ઉત્સાહ તેના આંગણામાં આંટા મારતો હતો. ઋચા પતંગિયાની જેમ ફરતી રહી ને દૈનિક કામ આટોપાઈ ગયાં.

કાજલ માટે નોટબુક, મિહિર માટે પેન, નાનકડા હિરેન માટે સ્લેટ, વર્ષા માટે ચંપલ, બધાં બાળકો માટે બિસ્કીટ… યાદી મુજબ બધી ચીજો મૂકાઈ ગઈ છે તેની ખાત્રી કરી લીધી ! ત્યાં જ વેદ “કેટલી વાર છે, ઋચા ?” કહેતો આવી પહોંચ્યો. “બસ, બધું તૈયાર છે. ચાલ, હવે નીકળીએ” કહેતી ઋચાએ એક થેલો વેદના હાથમાં થમાવીને બીજો પોતે ઉપાડી લીધો.

શહેરના છેવાડે આવેલા ગરીબ વિસ્તારની ખોલીઓમાં પણ આજે ઉમંગે પોતાની હયાતી નોંધાવી હતી. ગરીબ પરંતુ સ્વચ્છ બાળકો પોતાની પાસેનાં ‘બેસ્ટ’ કહી શકાય એવાં કપડાં પહેરીને વિસ્તારની વચ્ચે આવેલા નાના મંદિર પાસે એકઠાં થઈ ઊંચાં નીચાં થઈ રહ્યાં હતાં. રોજ મેવા મીઠાઈઓ ખાતાં ને બંગલામાં સગવડો ભોગવતાં બાળકો કરતાં પણ વધુ તેજ આજે આ નિર્ધન બાળકોના ચહેરા પર છવાઈ ગયું હતું! આજે પર્યટન જો જવાનું હતું !

“દીદી આવી ગયાં” એક ઉત્સાહિત અવાજે અનેક નાના ચરણોમાં બુલેટની ગતિ આણી દીધી. બધાં દોડીને ઋચા અને વેદને વળગી પડ્યાં! ઋચા અને વેદ આ ગરીબ વસ્તી માટે ખુશીનું કારણ હતાં.

ઋચા નાની ઉંમરે મોટું પદ શોભાવતી ઓફિસર હતી, પણ તેનું મૂળ ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાયેલું હતું. પોતે સ્નેહાળ ખેડૂત દંપત્તિનું સંતાન. કુદરતી અને સુખી જીવન. કહેવાય છે ને કે ક્યારેક સુખ પણ નજરાઈ જતું હોય છે ! અચાનક જ દસેક વર્ષની ૠચાના માથેથી વ્હાલસોયી માતાનો પાલવ છિનવાઈ ગયો. માના વાત્સલ્યથી વંચિત દીકરીને પ્રેમાળ પિતાએ સંભાળી તો લીધી, પણ જાણે કુદરતને ઋચાનું આટલું સુખ પણ મંજૂર નહોતું. કુટુંબીઓ અને સગાસંબધીઓના આગ્રહ અને માતા-પિતાના હઠાગ્રહ આગળ નમતુ જોખીને ઋચાના પિતા હરીશભાઈએ પુનઃલગ્ન કરવું પડ્યું, ને જાણે ઋચાની દશા બેઠી. અપર માએ આવીને તરત પોત પ્રકાશ્યું. ખિલવાની ને ખૂલવાની ઉંમરે કુમળું ફૂલ મૂરઝાવા લાગ્યું. રોજરોજની ટક-ટક અને કારણ વગરના ઝઘડાના કારણે હરિશભાઈ પણ કંટાળી ગયા, ને એક સમય એવો આવ્યો કે તેમને ઘર છોડવા સિવાય કોઈ માર્ગ દેખાયો નહિ. બીજી વહુ માટે હઠાગ્રહ કરનાર તો ક્યારનાંય સ્વધામ પહોંચી ગયાં હતાં. 

એકલી પડી ગયેલી ઋચાને મામા-મામીના આશરા સિવાય કોઈ વિકલ્પ જ ક્યાં હતો ? ઋચાને સારી રીતે ભણાવી-ગણાવી નવા જમાનાને લાયક બનાવીને મામાએ મા સમાન મોટીબહેનનું ઋણ ઉતારવા પ્રયત્ન કર્યો. મામા-મામીની છત્રછાયા હેઠળ પાંગરેલી વેલને સમય જતાં ‘વેદ’રૂપી વટવૄક્ષનો સહારો મળ્યો. પહેલેથી જ સેવાકાર્યમાં રસ ધરાવતી ઋચા એકવાર એક કાર્યક્રમ માટે અનાથાશ્રમમાં ગઈ હતી. વેદ પણ એ જ હેતુથી ત્યાં આવ્યો હતો. બંને વચ્ચે પરિચય થયો, ને પછી તો બંનેનું વૈચારિક સ્તર સમાન હોવાથી સેવા પ્રવૃતિઓમાં સહકાર સધાવા લાગ્યો. પરિવારની સહમતીથી બંને લગ્નગ્રંથિથી જોડાયાં. ત્યારબાદ બંનેની સેવાયાત્રાએ વેગ પકડ્યો. શહેરમાં પ્રતિષ્ઠિત જોબ ધરાવતાં બંનેએ ગરીબ વિસ્તારમાં સેવાયજ્ઞ આરંભ્યો. દર રવિવારે જ્યારે દુનિયા આખી જલસા કરવામાં મગ્ન હોય ત્યારે વેદ અને ઋચા ગરીબ બાળકોને જલસા કરાવવામાં વ્યસ્ત હોય ! કોની નોટબુક ભરાઈ ગઈ છે, કોની પેનમાં રિફિલ પૂરી થઈ ગઈ છે, કોની પાસે ચંપલ નથી, કોને સ્લેટની જરૂર છે આ બધું જ ઋચાના ધ્યાનમાં હોય. બાળકોને નિયમિત અભ્યાસ કરાવવો, ક્યારેક બહાર ફરવા લઈ જવાં, એમને સ્વચ્છ કરવાં, એમના માવતરને શિક્ષણ અને સ્વચ્છતાનું મહત્વ સમજાવવું- આ હતો એમનો નિત્યનો રવિવાર! છેલ્લાં ત્રણ વર્ષથી વેદ અને ઋચા જાણે વસ્તીનાં અભિન્ન અંગ બની ગયાં હતાં. 

ઋચાએ આજના રવિવારે પર્યટનનું આયોજન કર્યું હતું. બધાં બાળકો તૈયાર થઈને ઉતાવળાં થઈ રહ્યાં હતાં, પણ બાર વર્ષનો મિહિર હજુ દેખાતો નહોતો. કાજલને લઈને ઋચા વસ્તીના છેવાડે આવેલા મિહિરના ઘર તરફ રવાના થઈ. મિહિરની માતાના જણાવ્યા મુજબ તે બાજુમાં એકલા રહેતા ભાઈ બિમાર હોવાથી ડૉક્ટર પાસેથી દવા લઈને તેમને આપવા ગયો હતો. મિહિરના નામની બૂમ પાડતી ઋચા પડોશી ખોલી તરફ વળી. ખુલ્લા બારણામાંથી મિહિર દર્દીને દવા પીવડાવતો નજરે પડ્યો. મદદ કરવાના ઈરાદે ઋચાએ અંદર પ્રવેશ કર્યો. એક કૃશકાય શરીર તગતગતી આંખે તેની તરફ તાકી રહ્યું હતું. દર્દી સામે જોતાં જ તેને પરિચિતતાનો અણસાર લાગ્યો, ને એકદમ જાણે ઝબકારો થયો! “પપ્પા, તમે અહીં ? આ હાલતમાં ?” કહેતી ઋચાએ દર્દીના હાથ પકડી લીધા ને તેની આંખોમાં શ્રાવણની હેલી ઉમટી.

ઈશ્વરે જાણે તેને રવિવારની સેવાનું ફળ આપ્યું! તેનો રવિવાર સફળ થઈ ગયો..


Rate this content
Log in

Similar gujarati story from Inspirational