સૌરાષ્ટ્રનો સાચો વારસો
સૌરાષ્ટ્રનો સાચો વારસો


જાન્યુઆરી 2008માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના આમન્ત્રણથી મર્જર એન્ડ વેલ્યૂએશન વિષય ઉપર વ્યાખ્યાન આપવા ચેન્નાઇ જવાનું થયું. ત્રણ દિવસના વર્કશોપ પછી કેટલાક સી.એ. મિત્રોએ આગ્રહ કર્યો કે ચેન્નાઈના ફરવા લાયક સ્થળો તો તમને બતાવી દીધા, છેક ગુજરાતથી અમારા માટે સમય કાઢીને આવ્યા છો તો ચાલો મદુરાઈ પણ બતાવી દઈએ. એક વૈભવી હોટેલમાં અમારો ઉતારો હતો. રોજની ટેવ પ્રમાણે સવારે વહેલો 5 વાગે ઉઠ્યો ત્યારે, સૌરાષ્ટ્રના લહેકા વાળા પ્રભાતિયાં સંભળાયા પણ ઘણા શબ્દો ગુજરાતી લાગ્યા. દિવસભર તેઓની બૂમાબૂમમાં કેટલાય શબ્દો ગુજરાતી લાગ્યા, મામો ને મોટો મામો, કાકો ને કાકી, નાનો ભાઈ ને બા. મારા યજમાન મિત્રો ને પૂછ્યું કે આ પ્રોગ્રામ ગુજરાતી છે? તો તેમણે બતાવ્યું કે ના ના આ લોકો તો તામિલ જ છે. ખુલ્લા મંડપમાં તામિલ જેવા લાગતા ટોળાના પહરેવેશ અને છટામાં મને ગુજરાતીપણું લાગ્યું એટલે નીચે જઈ ધ્યાનથી જોયું તો ઘણું બધું ગુજરાતી લાગ્યું. બોર્ડના અક્ષર તામિલ પણ બારીકાઈથી જોયું તો ગુજરાતી લાગે, મારા યજમાન કહે તમને ભ્રમ છે, ગુજરાતી જેવું કઈં નથી. મને સંતોષ ના થયો એટલે હું સીધો પહોંચ્યો મુખ્ય વક્તા પાસે અને નમસ્કાર કરી પૂછ્યું તો એમણે પોતાની ઓળખાણ પ્રો ક્ર્ષ્ણમૂર્તી તરીકે આપી. એમણે આપેલી માહિતી ના ફક્ત સ્ફોટક હતી પણ અત્યંત આશ્રર્યજનક, અકલ્પનિય હતી. તેમના જ શબ્દોમાં:
અમે ગુજરાતી નથી પણ સૌરાષ્ટ્રીયન છીએ, હા અમારી જાતી સૌરાષ્ટ્રીયન છે. તામિલનાડુમાં 700થી વધુ વરસથી રહીએ છીએ. અમારી લગભગ 400મી પેઢી મૂળ સૌરાષ્ટ્રમાંથી અહીં આવી. અમે સૌરાષ્ટ્રીયન ભાષા બોલીએ છીએ. અમારી સંખ્યા લગભગ 6 લાખ ઉપર છે અને તામિલનાડુના મદુરાઈ આસપાસના 7 જિલ્લામાં અમે વસીએ છીએ. 1000 વરસ પહેલા અમારા પૂર્વજો સૌરાષ્ટ્રના સોમનાથથી ફરતા ફરતા અહીં આવ્યા છે અને વિષમ પરિસ્થિતિમાં પણ અમે સૌરાષ્ટ્રનો ભાષા, વસ્ત્ર, ધર્મ, વ્યવહાર અને સંસ્કાર જાળવી રાખ્યા છે.
સોમનાથ ઉપર મહમદ ગઝનીએ 17 વખત હુમલો કર્યો તે બધા જાણે છે. સોમનાથ મંદિર ના માત્ર એક ધાર્મિક સ્થળ છે પણ વિજ્ઞાન અને કલાનો ઉત્તમ નમૂનો છે. સોમનાથ મંદિરની સમૃદ્ધિ લૂંટવા મહમદ ગઝની આટલી વખત આવ્યો તે જ દાર્શવે છે કે એમનો ખજાનો કેટલો મોટો હશે. એની ખ્યાતિ કેટલી હશે કે સંદેશ વ્યવહાર વગરના એ સમયમાં મહમદ ગઝની સોમનાથ વિષે બધું જાણતો હતો. 10-11 મી સદીમાં અમારા પૂર્વજો જે બ્રહ્મક્ષત્રિય હતા અને અમારા કુળદેવી હિંગળાજ માતા. મહમદ ગઝની અને તેનું લશ્કર અમારા ઉપર જુલમ ગુજારી અમારી કલા શીખી લઇ અમારું શોષણ કરવા માંગતો હતો. એટલે જૂજ સંખ્યામા અમે ત્યાંથી છુપા વેશે ગણીગાંઠી વસ્તુ લઇ નીકળી પડ્યા અને મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રના કેટલાક હિન્દૂ રાજાના સહકારથી 200 વર્ષે મદુરાઈ પહોંચ્યા, ત્યાં સુધીમાં અમારી 7-9 પેઢી બદલી ગઈ હતી. રાજા ક્રિષ્નારાય અમને શરણ આપે છે અને છેલ્લા 700 વરસથી અમે અહીં સ્થાયી થયા છીએ. પણ અમારી ભાષા અને સંસ્કાર સૌરાષ્ટ્રના છે. પ્રો ક્ર્ષ્ણમૂર્તીના કહેવા પ્રમાણે 10મી સદી સુધી હજી ગુજરાતની સ્વતંત્ર ઓળખ ઉભી નહોતી થઇ. એટલે જ તેમની સમાજમાં અને સરકારી ચોપડે ઓળખ સૌરાષ્ટ્રીયન તરીકે જ છે. અમારી ભાષા લખવા અને બોલવામાં લાગે તમિલ જેવી લાગે, પણ શબ્દ છુટા પાડી જુઓ તો 70-80 ટકા ગુજરાતી જણાશે. બ્રિટિશ સરકારે 200 - 250 વરસ પહેલા તેમની અલગ વસ્તી ગણતરી કરી ખાસ સૌરાષ્ટ્રિયન જ્ઞાતિની ઓળખ આપી તો ભારત સરકારે ભણવા અને નોકરીમાં અનામતનો લાભ આપ્યો.
ઘણા બધા સૌરાષ્ટ્રીયન મોટા ઉદ્યોગ ધંધા ચલાવે છે તો કોઈ હજુ પણ બ્રહ્મક્ષત્રિય પરમ્પરા પ્રમાણે કલાના સહારે વ્યવસાયમાં જોડાયેલ છે. જેતપુરની જેમ ટેક્સટાઇલ અને રંગ, વણાટમાં તેઓ માહિર ગણાય છે. કેટલાક રાજકારણમાં સંસદ અને વિધાનસભાની ચૂંટણી જીતી પ્રધાન પણ બન્યા ને સિનેજગતમાં રૂપેરી પડદે પણ ચમક્યા. આધુનિક શિક્ષણ મેળવી આઈ. ટી. માં પણ યુવાન યુવતીઓ નોકરીમાં લાગ્યા, અમેરિકામાં સ્થાયી થયા અને સૌરાષ્ટ્રીયન ભાષાની કમ્પ્યુટર લિપિ ડેવેલોપ કરવામાં યોગદાન આપે છે. સોમનાથ છોડી રઝળતા ભટકતા જે જે પ્રદેશમાંથી નીકળ્યા ત્યાંની ભાષાના શબ્દો પણ સૌરાષ્ટ્રીયન ભાષામાં ઘુસી ગયા. ગુજરાતી ઉંપરાંત, મરાઠી, કોંકણી, તેલુગુ અને તામિલ શબ્દોની ઝલક જોવા મળે છે. લિપિ તામિલ છે, પણ ઝીણવટથી અક્ષર છૂટા કરો તો ગુજરાતી જેવા લાગે! વ્યવહારમાં અને સંબંધમાં વપરાતા શબ્દો મોટા ભાગે ગુજરાતી છે અને કેટલાક સવાઈ ગુજરાતી છે. જન્મથી માંડી મરણ સુધી સામાન્ય રીતે ઉજવાતા પ્રસંગો હજી પણ સૌરાષ્ટ્રની પરમ્પરા પ્રમાણે ઉજવાય છે અને તામિલથી બિલકુલ અલગ પડે છે. જન્મ પછી બાળકોની છઠ્ઠીના ગીત અને વિધિ, જનોઈ, સગાઇ, લગ્ન, મરણ અને ઉત્તરક્રિયા માં વિધિ અને વસ્તુ સામગ્રી સૌરાષ્ટ્રની પરંપરા છે. ગીતના રાગ ઢાળ તમિલ બિલકુલ નથી તો ગુજરાતીને બિલકુલ મળતા આવે છે. દાભડો, મીંઢળ, નાળાછેડી જેવી ઝીણી ઝીણી વસ્તુ અંગે પ્રો કૃષ્ણમૂર્તિએ વિગતો આપી છણાવટ કરી ગુજરાત નહીં પણ સૌરાષ્ટ્ર જોડે સરખાવી બતાવ્યું.
સૌરાષ્ટ્રના લોકો અથવા સૌરાષ્ટ્રિય લોકો, એ દક્ષિણ ભારતનો એક ભારતીય-આર્યન હિન્દુ સમુદાય છે, જે સૌરાષ્ટ્ર ભાષા બોલે છે, જે એક ભારતીય-આર્યન ભાષા છે, સૌરાષ્ટ્રિયન ભાષા એકમાત્ર ભારત-આર્યન ભાષા તરીકે દ્રવિડ લિપિનો ઉપયોગ કરે છે અને તે તમિળ અને તેલુગુ જેવી દ્રવિડ ભાષાઓથી ભારે પ્રભાવિત છે. જો કે, ભારતની વસ્તી ગણતરી ભાષાને ગુજરાતી હેઠળ સ્થાન આપે છે. મુખ્યત્વે તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને કેરળના રાજ્યોમાં રહે છે. કેટલાક પોતાને બ્રાહ્મણ તો કેટલાક બ્રહ્મક્ષત્રિય તરીકે ઓળખાવે છે. તેઓ મોટાભાગે વૈષ્ણવ અને શૈવ ધર્મ પાળે છે. મોટા ભાગના લોકો વેજીટેરીઅન છે. પરંપરાગત રીતે, સંયુક્ત કુટુંબ તેમના માટે સામાજિક અને આર્થિક એકમ હતું. તદુપરાંત, સંયુક્ત કુટુંબની રીત તેમને તેમની પરંપરાગત સંસ્કૃતિને યુવા પેઢી સુધી પહોંચાડવામાં મદદ કરી, આનાથી તેમનો સાંસ્કૃતિક વારસો 1000 વરસ સુધી જળવાઈ રહ્યો. સૌરાષ્ટ્રની મહિલાઓ તમિલ મહિલાઓ કરતાં અલગ રીતે સાડી પહેરે છે. અપરિણીત લોકો બંગાળી શૈલીમાં પહેરે છે, જ્યારે પરિણીતા મરાઠી શૈલીમાં પહેરે છે.
સૌરાષ્ટ્રીયન લોકો ખુબ લાગણીશીલ છે, પોતાની અલગ ઓળખ અને ઉજ્જવલ ઇતિહાસને ગૌરવરૂપ ગણે છે. મેં સૌરાષ્ટ્રીયન લોકો ઉપર કેટલાક આર્ટિકલ લખ્યા પછી ઘણા લોકો તેમની વ્યથા, વેદના, સિદ્ધિની વાતો જણાવે છે. એક ઉંમરલાયક વિદ્વાનનો એક વખત ફોન આવ્યો અને રડવા લાગ્યા કે ગુજરાતી લોકો એવું તો નથી માનતા ને કે અમારા પૂર્વજો મહમદ ગીઝનીના લશ્કરથી ડરીને ભાગી ગયા છે ને અમે કાયર છીએ? અમે તો કલા અને ધર્મની રક્ષા કરવા નીકળી ગયેલ. મેં તેમને આશ્વાસન આપ્યું કે મોટા ભાગના ગુજરાતીને તો ખબર જ નથી કે આવી ખમીરવંતી સૌરાષ્ટ્રની પ્રજા 1000 વરસથી અમારો વારસો દક્ષિણ ભારતમાં જાળવે છે. પણ જેને ખબર છે તેમાં કોઈ તમને ડરપોક નથી માનતું. તેમણે મને ભાર દઈને પૂછ્યું કે ખરેખર? મારા જવાબથી તેમને બહુ આનંદ થયો ને ગુજરાત જોવા અને આવવાની ઈચ્છા વ્યક્ત કરી. સૌરાષ્ટ્રીયન લોકો, ભાષા, સંસ્કાર, રીતરિવાજ અને ઇતિહાસ ઉપર પ્રો કૃષ્ણમૂર્તિએ એક પુસ્તક લખ્યું છે. વિકિપીડિયા ઉપર પણ જિજ્ઞાસુને પુષ્કળ માહિતી મળી રહેશે એટલે આ વાર્તાને અહીં વિરામ આપું છું. આવી ખમીરવંતી પ્રજા આપણા સૌ માટે ગૌરવરૂપ છે. આવી ખમીરવંતી પ્રજા આપણા સૌ માટે ગૌરવરૂપ છે.