STORYMIRROR

Vibhuti Desai

Inspirational

3  

Vibhuti Desai

Inspirational

સૌભાગ્ય

સૌભાગ્ય

2 mins
24

હું ઝરણાં. ઝરણાં જેવી જ ઉછળતી, કૂદતી, અલ્લડ યુવતી. યુવાનીની અલ્લડતા માણું ત્યાં તો કપિલ સાથે વિવાહ થયા.એક સુંદર સાંજે ગોધૂલી ટાણે કપિલે મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું, સેંથીમાં સિંદૂર પૂરી એની જીવનસંગીની બનાવી. વડીલોના "અખંડ સૌભાગ્યવતી"ના આશીર્વાદ આપે આ ચપટી સિંદૂર અને મંગળસૂત્રે મને કાકી, મામી, ભાભી અને વહુ બનાવી દીધી. લગ્ન કરી સાસરે ગૃહ પ્રવેશ કર્યો.બાકી રહેલી વિધિ પૂર્ણ કરી. મારી નણંદ મને સજાવેલા શયનખંડમાં મૂકી ગઈ. કપિલ મારી પાસે બેઠ્યા ત્યાંજ હું તો એમને વળગીને રડી પડી. અને કહ્યું કે "કેટલાં બધાં રોલ કરવાના, હું કેમ કરીને નિભાવીશ ?" કપિલે સાંત્વન આપતા કહ્યું કે "કોઈપણ મુશ્કેલી આવે તું મમ્મી ને પૂછજે રસ્તો બતાવશે."

બધા સગાં સંબંધીઓ એક બે દિવસમાં વિદાય થઈ ગયા. રહ્યા હું ને મમ્મીજી. સાસુજીનો સ્વભાવ તેજ. કોઈ વસ્તુ આમતેમ હોય તે ન ચાલે. એક વાક્ય તો કાયમ સાંભળવાનું,"ઝરણાં, લાંબો હાથ વાડમાં ખોસવાનો ન હોય." જ્યારે પણ કોઈ વસ્તુ ખરાબ થાય કે બગાડ થાય ત્યારે અચૂક આ વાક્ય સાંભળવાનું. ધીમે ધીમે ટેવાતી ગઈ. કરકસર ને કંજુસાઈનો ભેદ તેમજ વસ્તુ વગર ચલાવી લેતા પણ શીખવું જરૂરી એ એમની પાસે જ શીખી. બાકી પિયરમાં તો પિતાની લાડકી એટલે કસર શબ્દ તો સાંભળેલો જ નહીં. ગમે તેટલો બગાડ થાય પણ કોઈ મને બોલે નહીં. એટલે શરુઆતમાં મને આ બાબતે બહુ તકલીફ પડી. પરંતુ મમ્મીજીની વાત સાંભળી એ પ્રમાણે ટેવાતી ગઈ.

આજે મમ્મીજી નથી પરંતુ એમની ટ્રેનીંગ મને જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડી. આ કોરોના કાળમાં લોકડાઉનની સ્થિતિમાં જે હોય એનાથી ચલાવી લેવાની આવડતે અમને સ્હેજ પણ તકલીફ નથી પડી. આનંદથી રહી શક્યા.

જ્યારે બીજા મિત્રો કપિલ આગળ બળાપો કરે કે કેમ જીવવું ? ત્યારે કપિલ મારા વખાણ કરતા થાકે નહીં. ગૌરવભેર કહે, "મારી જીવનસંગીનીની આવડતને કારણેજ આ કપરાકાળમાં સ્વસ્થ રહી શક્યો." ઝરણાં ભવોભવ તું જ મારી જીવનસંગીની બને એટલી જ પ્રભુ ને પ્રાર્થના.

મમ્મીજી આપ મને હરક્ષણે યાદ આવો છો. મારી પણ પ્રભુને પ્રાર્થના, "ભવોભવ આપ જ મારા સાસુજી બનો."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational