સાથ
સાથ
રંગબેરંગી ફૂલો અને રંગીન લાઈટોથી સજાવેલ હોલમાં યોજાયેલી આલીશાન પાર્ટીની ઝગમગાટમાં બે સિતારા ચમકી રહ્યા હતા. પોતાના લગ્નજીવનની પચાસમી એનિવર્સરી મા એમના બાળકો તરફથી મળેલી સરપ્રાઈઝ પાર્ટી માણી રહેલા શ્રીકાંત અને હેમલતાના ચહેરા પર અનેરો આનંદ છલકતો હતો. એકબીજાના હાથમાં હાથ પરોવીને પ્રેમથી સાથે જીવન જીવ્યાનો સંતોષ સ્પષ્ટપણે વર્તાતો હતો. ચારે બાજુ પોતાના પરિવાર અને અંગત મહેમાનો વચ્ચે ઘેરાયેલા, સ્ટેજ પર બિરાજમાન શ્રીકાંત અને હેમલતાની નજર ક્યારેક એકબીજા સાથે ટકરાતી તો ક્યારેક પાર્ટીમાં આવેલા મહેમાનો સાથે મળીને એમનું સ્વાગત કરતી. પાર્ટીમાં ચાલી રહેલું લાઈટ મ્યુઝિકના કારણે આખું વાતાવરણ ખુશનુમા લાગી રહ્યું હતું. સુંદર રીતે સજાવેલા પાર્ટી હોલના એક ખૂણામાં મોટી ડિસ્પ્લે સ્ક્રીન ગોઠવવામાં આવી હતી જેમાં શ્રીકાંત અને હેમલતાના બાળકોએ એ બંનેના જીવનયાત્રા દરમિયાન બનેલા પ્રસંગોના ફોટાઓ મુક્યા હતા. બંનેના લગ્નથી માંડીને લગ્નના 50 વર્ષ સુધીના દરેકે દરેક નાના-મોટા પ્રસંગોના ફોટા જોઈને બંનેનું મન પ્રફુલ્લિત થઈ જતું અને થોડી થોડી વારે બંનેની દ્રષ્ટિ એકબીજા તરફથી અને આવેલા મહેમાનો તરફથી હટીને એ ડિસ્પ્લે સ્ક્રીન પર જઈને અટકતી.
50 વર્ષ પહેલા પોતાના લગ્ન ના ફોટામાં હેમલતા કેટલી સુંદર અને નાજુક લાગી રહી હતી. શ્રીકાંતને પહેલી જ નજરમાં એની સાથે પ્રેમ થઈ ગયો હતો અને એ પ્રેમ આજ સુધી બરકરાર હતો. એક પછી એક ક્રમ બંધ ફોટાઓ સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા અને દૂરથી સ્ટેજ પર બેઠેલા શ્રીકાંત અને હેમલતા એક પછી એક પોતાના જીવનના ખાસ પ્રસંગો વાગોળી રહ્યા હતા. અચાનક જ હેમલતા ની નજર એક ફોટા પર પડી અને એના ચહેરાના હાવભાવ થોડા બદલાઈ ગયા. એ ફોટો એ સમયનો હતો જ્યારે શ્રીકાંત એ પોતાની નવી ઓફીસ લીધી હતી અને ઓફિસમાં પૂજા રાખવામાં આવી હતી. ઓફિસના બધા દેખાતા ફોટા વચ્ચે એક ચહેરો હતો જે એ વખતે ફોટામાં તો કેદ ન'તો થયો પરંતુ હેમલતાના માનસપટ પર કેદ થઈ ગયો હતો અને એ ચહેરો તો શ્રીકાન્તની સેક્રેટરી જુલીનો. એ વખતે યુવાનીનો જોશ હતો અને જુલી ખૂબ જ સ્માર્ટ અને આકર્ષક હતી અને એટલે જ તો શ્રીઘકાંત એના તરફ આકર્ષાયો હતો, જેની જાણ હેમલતાને થઈ ગઈ હતી. શ્રીકાન્તની આ હરકતથી હેમલતાના સ્વાભિમાનને ઠેસ પહોંચી હતી. ગુસ્સામાં આવીને એણે ઘર છોડવાનો નિર્ણય કરી લીધો હતો. અને પછી તો શ્રીકાંતને એની ભૂલ સમજાઈ ગઈ અને એને ખૂબ જ પસ્તાવો હતો. એણે હેમલતાની દિલથી માફી માંગી હતી અને છેવટે હેમલતા પીગળી ગઈ અને એને માફ કરી દીધો હતો. એણે પોતાની સમજદારી અને પરિપકવતાથી પોતાના લગ્નજીવનમાં ભંગાણ થતું બચાવી લીધું હતું. અને આજે એને એ વાતનો બિલકુલ અફસોસ ન હતો. એ જૂનો પ્રસંગ જેણે એક સમયે એને હચમચાવી દીધી હતી એક પ્રસંગ યાદ આવતા આજે એને રજ માત્ર પણ દુઃખ ન હતું થઈ રહ્યું બલ્કે ભૂતકાળમાં એના એ લીધેલા નિર્ણય પર ગર્વ થઈ રહ્યો હતો.
એક પછી એક ચાલી રહેલા ફોટાઓ વચ્ચે અચાનક જ શ્રીકાંત નજર સામે પુત્ર કરણના પહેલા જન્મદિવસનો ફોટો દેખાયો. ફોટામાં બધા કેટલા ખુશ ખુશાલ લાગી રહ્યા હતા પરંતુ એ ખુશ ખુશાલ લાગતા ચહેરા પાછળ એ ક્યાંય નથી દેખાઈ રહ્યું કે એ દિવસે પોતાના સંતાનના પહેલા જન્મદિવસની ઉજવણી હતી અને કોઈ અગત્યના કામમાં શ્રીકાંત અટવાઈ ગયો હતો અને ખૂબ જ મોડો ઘરે પહોંચ્યો હતો જેને કારણે હેમલતા એ ગુસ્સામાં આવીને બધા જ મહેમાનોની સામે શ્રીકાંત સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. એ દિવસે હેમલતા શ્રીકાંત મજબૂરી ના સમજી શકી અને એની નાદાનિયત પર શ્રીકાન્તની ખૂબ જ ગુસ્સો આવ્યો હતો પરંતુ એણે પોતાની મેચ્યોરિટીથી એ સમય સાચવી લીધો અને ગુસ્સાનું કડવો ઘૂંટડો લીધો હતો. પછી હેમલતાનું મન પણ શાંત થઈ ગયું હતુ અને એ લોકો બધું ભૂલીને મહેમાનોની માફી માગી અને પછી બધાએ પાર્ટીની મજા લીધી હતી.
કોઈ ત્રણ કલાકની પિક્ચર ચાલી રહી હોય એ જ રીતે સામે ડિસ્પ્લે સ્ક્રીન પર શ્રીકાંત અને હેમલતાના પચાસ વર્ષનું જીવન દેખાતા ફોટાઓમાં સંકેલાઈ ગયું હતું. દરેક પ્રસંગે દેખાતા એ હસતા ખીલતા ચહેરા ની પાછળ બીજી પણ તસવીર છૂપાયેલી હતી જે માત્ર શ્રીકાંત અને હેમલતા દેખાતી હતી. એ હસતા ચહેરા પાછળ કેટલા રિસામણા-મનામણા હતા, ક્યાંક અહમ ઘવાયા હતા તો ક્યાંક કડવા ઘૂંટડા પણ પીવાયા હતા. દરેકના જીવનમાં આવે એમ એમના જીવનમાં પણ ક્યારેક એવી સંવેદનશીલ ક્ષણો આવી હતી જેની સામે બંને જણાએ સમજદારીથી કામ લીધું હતું અને અંતમાં તો એકબીજાની માફી માગી લઈને જીવન ખુશી ખુશી આગળ વધાર્યું હતું. કોઈ પણ સંબંધ હોય પરંતુ જીવનમાં દરેક દિવસો સરખા નથી હોતા. કેટલાય ઉતાર-ચઢાવથી ભરેલા જીવનમાં ક્યારેક કોઈ એક થોડો ડગમગી જાય તો બીજો પોતાનો હાથ આપી અને એને ઝાલી લે અને નીચે પડવા ન દે તેનું નામ જ સુખી દાંપત્યજીવન. જે છોડ કાંટા સહી શકે એ છોડ પર પ્રેમના પ્રતિક સમુ લાલ ગુલાબ ખીલે છે. સ્ક્રીન પર ચાલી રહેલા ફોટા જોઈને હાથમાં હાથ પરોવીને બેઠેલા શ્રીકાંત અને હેમલતા હાથની પકડ વધુ મજબૂત થઈ ગઈ.
