સારવાર મનની
સારવાર મનની
“હલ્લો, તરલ ઈન્જેક્શન મળે ?”
“હં... હેં ?”
“અરે કરુણાને દાખલ કરી છે.”
“ઓહો ! શું થયું ?”
“બસ આ જ મહામારી.”
“હા એટલે મળે તો ખરાં પણ યુનો મનોજ એવું છે ને કે..”
સહેજ સોપો પડ્યો.
“અરે ભઈ બોલ ને!”
“હા એટલે આજકાલ ક્યાંય ઈન્જેક્શન મળતાં નથી એટલે હું પરોપકારનું કમ કરું છું પણ મારેય ઘર ચલાવવાનું ને તે એક ઈન્જેક્શનનો ભાવ પંદરસો થશે. બોલ કેટલાં મોકલાવું ?”
મનોજ સ્તબ્ધ હતો પણ પત્નીને બચાવવાની લાચારી હતી એટલે એણે ઈન્જેક્શન લીધાં. એક અઠવાડિયા બાદ રાત્રે બે વાગે મનોજનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર તરલનું નામ ઝળકતું હતું. મનોજે નારાજગી સાથે ફોન ઉપાડ્યો.“હલ્લો.”
“અરે મનોજ તારી મદદની તાતી જરુર પડી છે દોસ્ત.”
“શું થયું ?”
“મારી દીકરીને તાત્કાલિક લોહીની જરુર પડી છે. એ તો વળી છેલ્લા કેમ્પમાં આપણે સાથે હતા એટલે મને તારું બ્લડગૃપ ખબર છે. ભાઈ મારી દીકરીને બચાવી લે.”
અને તરલનો અવાજ તરડાઈ ગયો. મનોજની નજર સમક્ષ પોતાની મજબૂર સ્થિતી તાદ્રશ્ય થઈ ન થઈ ત્યાં ઢીંગલી જેવી કિયા નજરે તરતી આવી. અને અરધી રાત્રે મનોજે રક્તદાન કરીને કિયાને બચાવી લીધી.
ત્રણ દિવસ બાદ તરલ મનોજને મળવા આવ્યો.આંસુ આંસુ આંખે એણે દોસ્તનો હાથ પકડીને કહ્યું, “મારા રસ્તે આગળ ખાઈ હતી અને તારા રસ્તે આગળ જિંદગી છે દોસ્ત એ મને કુદરતે થપ્પડ મારીને સમજાવી દીધું. આ તારા વધારાના પૈસા લઈ લઈશ તો મને ઈશ્વર મને એના દરબારમાં હું જઈશ ત્યારે કદાચ સહેજ માફી બક્ષશે.”
મનોજે કહ્યું,“લોભ લાલચ બે એવા આ વાયરસ જેવા નજરે ન ચડે પણ ઘર કરી જાય તો જીવલેણ નીવડે એવા શત્રુ છે. પણ તું એ રસ્તેથી પાછો વળી જાય તો હજી કાંઈ બગડ્યું નથી.”
અને તરલ છેલ્લા કેટલાય વખતથી જરુરિયાતમંદ દર્દીઓ માટે તન મન ધનથી ઘસાઈને પૂણ્ય કમાઈ રહ્યો છે.
