સાકર-પ્રિયા
સાકર-પ્રિયા
ત્વરિત ફ્લાઇટ પકડી અમેરિકાથી સતત વીસ કલાકની મુસાફરી કરીને મુંબઈની મમતા મલ્ટી શ્પેશિયલ ક્લિનિક મુકામે આવી પહોચેલા કુમારી ડોક્ટર મધુપ્રિયા સોનુવાલે. આજે ખુબજ ખુશ હતા, કારણકે આજના પેશન્ટ સાથે ડોક્ટરનો વિશેષ નાતો હતો. તેઓ વારે વારે રૂમ નંબર ૪૩૫ના પેશન્ટની ટ્રીટમેંટ મોનીટર કરી રહ્યા હતા. એક એક મિનિટ ડોક્ટર મધુપ્રિયા માટે અહમ હોય તેમ લાગતું હતું અને તેઓ કોઈ ઓપ્શન છોડવા માંગતા ન હતા.
રૂમ નંબર ૪૩૫ના પેશન્ટ સાકરબહેનનો જીવનદીપ ધીમે ધીમે બુઝાઈ રહ્યો હતો. બ્લડ પ્રેસર અનિયમિત હતું. હાર્ટ રૅઈટ ઘટતા જતા હતા. સાકરબહેન એ ડોક્ટર મધુપ્રિયા સોનુવાલેના માતૃશ્રી હતા. જે કોલ્હાપુર પાસેના તસ્ગૌવ ગામે રહેતા હતા. અને તેઓને પક્ષઘાતનો હુમલો થયેલ અને તેઓને મુંબઈની હોસ્પીટલમાં તેઓની દીકરીની સૂચનાથી ટ્રીટમેન્ટ માટે તેઓના પડોસી સુમનભાઇએ દાખલ કરેલા. માત્ર દસ-બાર દિવસમાં તેઓની કાયા ક્ષીણ થઈ ચેતન વિહિન લાકડું થઈ ગઈ હતી. પરંતુ ચહેરા તેમજ તેઓના હાથ પગમાં હજુ ચેતન હતું, શરીરની ઉષ્મા ઘટતી જતી હતી. છેલ્લા બે દિવસથી આવી સ્થિતિ હોવા છતાં કોઈ પરિબળે એને જીવંત રાખી હતી. જીવા દોરી તૂટી ન હતી. મધુપ્રિયાએ તેએનો હાથ પોતાના હાથમાં રાખીને એના બૅડ પર બેસી ગીતાના પાઠ વાંચી, તેઓની માતા સાકરબહેનના શાંતીપૂર્વક દેહવિલય માટે પ્રાર્થના કરતા હતા .
સાકરબહેનની બંધ રહેતી આંખો જરા વાર ખૂલતી ત્યારે સિલિંગને તાકતી રહેતી હતી. અને જરા હોઠ ફફડતા. બીજા કોઈને સમજાતું નહીં કે તેઓ શું બોલે છે કે કહેવા માંગે છે, પણ મધુપ્રિયા અંદાજ લગાવી શકતા હતા કે તેમની માતા શું ચાહે છે? ક્યારેક એ પૂછતી મધુ 'કોઈ આવ્યું ?' સાકર બહેનની આંખમાંથી બે ગરમ ટીપા હાથ પર પડતા. ડોક્ટર મધુપ્રિયા, બાળપણ યાદમાં સરી પડતાં.
તેમના ગામ કોલ્હાપુર પાસેના તસ્ગૌવ પહોચી પચીસ વરસ પહેલાની તેમની માતાની છબી નજર સામે તરવરતી હતી. માત્ર ત્રણ વરસનાં લગ્ન જીવન પછી સાકરબહેનનાં પતિ મધુભાઈનું અકસ્માતમાં અવસાન થયેલ અને આ ટૂંકી ગૃહસ્થીમાં તેઓને માથે દીકરી મધુપ્રિયાને ઉછેરવાની જવાબદારી આવી પડી. પરંતુ સાકરબહેન કોઈ હાંમ હાર્યા વગર હિમ્મતથી સીવણ કામ કરી દીકરીને ભણાવી ડોક્ટર બનાવી અમેરિકા મોકલી હતી.
“બ્લડ રિપોર્ટ્સ મેડમ” કહેતા ક્લિનિકની નર્સે એક કવર હાથમાં આપતા પાછા વર્તમાનમાં આવી ગયા. ધબકતા હૃદયે રિપોર્ટ્સનું કવર ખોલ્યું, અને રિપોર્ટ્સ વાંચતાં તેઓની આંખ અચંબાથી પહોળી થઈ ગઈ. પોતે સમજણી થયા ત્યારથી તેઓની માતા તેઓને ડાયાબિટીસ હોવાથી ખોરાક કે ચામાં ખાંડનો ઉપયોગ નહતા કરતાં, પણ હાથમાં રહેલા રિપોર્ટ્સ કઈક અલગજ કહેતા હતા. સાકરબહેનને બ્લડમાં સુગર નહોતી. આમ કેમ ? તેનો જવાબ મળતો નહતો, સામાન્ય રીતે હાઇ સુગરને કારણે આવા બ્રેઇનસ્ટોક આવતા હૉય છે . તો માતાની હાલત આમ કેમ ?
પાડોશમાં રહેતા કરિયાણાના દુકાનદાર સુમનભાઇ આવ્યા અને ડોક્ટરના ખભે હાથમુકતા કહ્યું, "દીકરી વાત નાની અમથી હતી. તું નાની હતી ત્યારે, મારી પત્ની સુનંદાએ તારી માતાને કહેલું આ તારી એકની એક દીકરીને કોઇપણ સાબુથી ન નહડાવાય, એને માટે પિયર્સ સાબુ જ વાપરજે અને બસ તે દિવસથી આ સાકરબહેને તમારા માસિક કરીયાણાના લીસ્ટમાં પિયર્સ સાબુનું નામ લખી દીધું. પરંતુ જ્યારે બધી વસ્તુઓ આપ્યા પછી બીલ બનાવ્યું ત્યારે બિલમાં ત્રણ રૂપિયા વધારે હતા, સાકરબહેને મને કહ્યું એટલા રુપિયાની કોઇ વસ્તુ કાઢી લો. અને મે તે પિયર્સ સાબુ કાઢી લીધો હતો, ત્યારે 'સુમનભાઇ, વાત આપના પૂરતી રાખશો, મારી ઉમ્મર થયેલી છે હું ખાંડ નહીં ખાઉ તે મારા માટે સારું રહેશે એમ કહી પણ મારી દીકરી માટેનો લિસ્ટમાં સાબુ રાખજો અને ત્યારે તારી માતાએ સાબુ રખાવી ખાંડ તે પછી દર મહિને એક કિલો ઓછી કરાવી દીધી હતી.'
સુમનભાઇની કેફિયત સાંભળતા મધુપ્રિયાની આંખમાથી વહેતા અશ્રુ સાકરબહેનના હાથ પર પડતાં તેમની માતામાં ક્ષણિક ચેતનાનો સંચાર થયો. મહાપરાણે ગણગણાટ થયો. તું આવી ગઈ દીકરા મને કાંઇ થવાનું નથી, તું રડીશ નહીં. મધુપ્રિયાને આવેલી જોઈ હવે સુમનભાઇ એ ક્લિનિકના રૂમથી વિદાય લીધી.
"મૉમ. હું તારી દીકરી મધુ, ચાલ જલ્દીથી આંખ ખોલ. લૅસ્ટ ગો હૉમ.પ્લીજ ઓપન યોર આઈ.સી હું કેઈમ ટુ રિસીવ યુ, યોર પ્રિયા”
બીજીવારના 'પ્રિયા' ના પોકારથી, એક…બે ક્ષણમાં..સાકરબહેનની આંખ અને શ્વાસની રફતારમાં સંચાર થયો તે નોર્મલ થતાં ગયા, જાણે કોઈ સ્ટેરોઈડનો ડોઝ ના લીધો હોય ? અને બીજી ક્ષણે મોનીટર ઉપરનો ગ્રાફ પણ નોર્મલ થતો જણાયો.
ક્લિનિકના ડોક્ટરો માટે આ આકસ્મિત રિકવરી હતી. આ માત્ર,ડોક્ટર મધુપ્રિયા માટે એક માનવીય સાહજિક પ્રયાસ જ હતો.
સાકરબહેનનું બોડી રિસ્પોન્સ વધતાં તાબડતોબ સેલાઇન ની બોટલની વ્યવસ્થા ગોઠવાયા પછી હળવાશની પળમાં ડોક્ટર મધુપ્રિયાએ રીપોર્ટ ફરીથી જોઇ કાગળ પરથી નજર હટાવી, ક્લિનિકના વોર્ડની દીવાલ પર એક સ્ટીકર હતું તેમાં લખ્યું હતું.
“ડાયાબીટીસ રોગ નથી ડીસઓડર છે નિયમીત ચેકઅપ કરાવો તે હિતાવહ વહે, તે મોટે ભાગે વારસાગત થઇ શકે છે”.
ત્યાં ક્લિનિકની નર્સે પુછ્યું “મેડમ નાસ્તાસાથે ચા લેશો કે કોફી”
મધુપ્રિયાએ કહ્યું, ”કોફી પણ બીલકુલ મોળી, ખાંડ વગરની."
"આય હાય માદામ ! શું તમને સુગર છે ? આટલી નાની ઉંમરે ?"
ના મને સુગર નથી. પણ મારી પાસે વારસાગત અને મારા નેટિવ કોલ્હાપુરની ભરપુર મીઠાસ છે.'
નર્સ કાંઇ સમજ્યા વિના ચાલી ગઇ.
તે પછી ત્રીજે દિવસે સાકરબહેન નોર્મલ થતાં તેઓના કોલ્હાપુર પાસેના તસ્ગૌવ ગામમાં આવેલા મકાને આરામ લેતા હતા, અને કોઈજ ચિંતા ના હોવા છતાં ડોક્ટર મધુપ્રિયાને આજે રાત્રે ઉંઘ ન આવી, તેણે ઉઠી ને મમ્મીનું કબાટ ખોલ્યું, તેમાંથી પોતાનાં જન્મદિવસના વર્ષની માતાની ડાયરી કાઢી. દીકરી પ્રિયાનો જન્મ, પછી પિતા સાથે વિતાવેલ બે ત્રણ વરસ .....અને એક પાના પર પિયર્સ સાબુ ખરીદવા એક કિલો ખાંડ પાછી આપી, અને કાયમ માટે ખાંડ ખાવાની છોડી એ નોંધ ટપકાવેલી હતી.
મધુપ્રિયાની આંખમાં આંસુ હતા. આંસુ નું એક ટીંપું પિયર્સ શોપ લખેલું ત્યાં પડ્યું.બીલકુલ પિયર્સ શબ્દ ના “ર્સ સાબુ ” શબ્દ પર પડતાં લખાયેલું તે વાક્ય ખરડાઇ “પિયર્સ સાબુ” ના બદલે “પ્રિયા” જેવુ વંચાતું હતું, મેડિકલ સાયન્સમાં કદી ના સમજેલું, હવે સમજાતું હતું કે સુગર વારસાગત છે તે સાચું પણ સુગર ટૂંકા દિલવાળા મોટાં લોકો ને હોય, સામાન્ય લોકોને તો દિલની મિઠાશ હોય, આ જગતના મશીનો સુગર જરૂર માપી શકે છે. પણ દિલની મીઠાસ માપવા તો બેટરીવગર ચાલતું દિલ જ જોઇએ.
આજે તસ્ગૌવ ગામમાં સાકરબહેનના “સોનુવાલે ભવનમાં” ભર રાત્રે સોનાનો સુરજ ઊગ્યો હતો. સાકરબહેનની આંખો તેઓના દિવંગત પતિ મધુભાઈની એકમાત્ર નિશાનીને યોગ્ય જાળવણી કર્યાના સંતોષમાં ઊંઘમાંપણ રેલાઈ રહેલી હતી તેમજ ડોક્ટર મધુપ્રિયા પણ ચોધાર આંસુએ રોતા હતા, હા પણ બંનેના આસુંના કારણ અલગ હતાં !
