સાગર અને સરિતા
સાગર અને સરિતા


સાગર ને સરિતા આજે વિવાદે ચડ્યા. સરિતા સાગર કિનારે આવીને કુદરતની અગાધ જળરાશી જોઈ રહી, ત્યાં તો સાગરે એક પ્રચંડ મોજાથી ઘૂઘવાટ કર્યો. સરિતા એ કહ્યું, "સાગર કેમ આજે તોફાને ચડ્યો ?"
સાગર આજે તોફાની મૂડમાં હતો, એણે વધુ એક મોજાથી સરિતાને ભીંજવીને ગર્જન કર્યું.
હવે સરિતાને ગુસ્સો આવ્યો, એણે સાગર ને કહ્યું, "સાગર, ભલે તારામાં શિવતાંડવ સમ ગર્જન અને નર્તન હોય, ભલે તારામાં અગાધ,અમાપ અને ગહન જળરાશી હોય પણ..હું મારા પાણીથી લોકોની તૃષા છીપાવું છું. મારી પાસે તારા જેટલી જળરાશી નથી પણ જે મીઠાશ મારી પાસે છે તેની સામે તારા ખારાશની કોઈ વિસાત નથી".
સાગર જરા શાંત થયો.
સરિતા બોલી, , "સાગર તારી અંદર ડુબનારા મૃત્યુ પામે છે. જ્યારે હું તો સરિતા છું. એક નદી ..લોકો માતા માની પૂજે છે મને. સાગર એક વાત કહું, અભિમાન વિનાશને નોતરે છે. "હું"નો હુંકાર પછડાટ આપે છે.
"સાગર હું તો તારી સરિતા છું. તારી પ્રચંડ ભુજાઓમાં સમાઈ જવું એ જ મારી નિયતિ છે. પણ સાગર, તારું અભિમાન મને નથી ગમતું." આટલું કહી સરિતા ઉત્તુંગ શિખરોથી કલકલ વહેતી, સાગરને સનાતન સત્ય સમજાવી, સાગરની મોજારૂપી પ્રચંડ ભુજાઓમાં સમાઈ ગયી.