સાધનાબેનને સેવા ફળી
સાધનાબેનને સેવા ફળી


ત્યકતા સાધનાબેન ભજન મંડળીના પ્રમુખ હતાં. નિ:સ્વાર્થ ભાવે પરાર્થે જીવતા સાધનાબેનનો પડ્યો બોલ ભજન મંડળીના બહેનો ઝીલતા. સાધનાબેન વાર્ધક્યના ઉંબરે પહોંચેલ બેનોની સમસ્યા સાંભળી અને તેમાંથી પાર ઉતારવાના ઉપાય પણ બતાવતાં. આથી તેઓ બહેનોના પ્રિય થઈ પડેલા.
આવા સાધનાબેન છેલ્લા બે દાયકાથી એકાંકી જીવન જીવતા હતાં. એમના જીવનનું એક જ લક્ષ્ય કે, નારીશક્તિ ઉજાગર થાય અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. સાધનાબેનના સંગે રંગાયેલ બહેનોનાં કૌટુંબિક જીવન પણ એમનાં થકી જ થાળે પડેલાં. સાધનાબેનના સંપર્ક પછી સમસ્યાઓ ઉકલી ને સૌને લીલા લહેર !
એકવાર સૌએ ભેગા મળી હરિદ્વાર પ્રવાસનું આયોજન ગોઠવ્યું. ગંગાઘાટે આવેલા મંદિરોમાં દર્શન કરીશું અને મા ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરીશું આવો વિચાર કરી ટ્રેનમાં રિઝર્વેશન કરાવી દિવસ નક્કી કરી, હરિદ્વાર જવાની તૈયારી કરવા લાગ્યાં.
સાત દિવસનું રોકાણ હોવાથી સૌ બહેનો પોતાના સામાન સાથે રેલવે સ્ટેશને પહોંચી ગયાં. ટ્રેન આવતાં જ બધાં પોત પોતાનો સામાન લઈ ટ્રેનમાં બેસી ગયાં. સત્સંગ કરતાં જાય, ભજન ગાતા જાય અને હરિદ્વાર પહોંચી મા ગંગાના સાંનિધ્યમાં આનંદ કરીશુંની ભાવના ઉરમાં હોવાથી સૌ પ્રસન્ન હતાં.
સાધનાબેનના ગ્રુપ જેવું જ એક બીજું ગ્રુપ પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું હતું. તે પુરુષોનું ગ્રુપ હતું. આ ગ્રુપ પણ હરિદ્વાર જઈ રહ્યું હતું. બે-ત્રણ દિવસની મુસાફરી હોવાથી જાણે બધાં એકબીજાને ઓળખતા હોય તેવી રીતે વાતચીત કરી પ્રસન્ન થતાં. યોગાનુયોગે આ ગ્રુપ અને સાધનાબેન બંને ગ્રુપનો ઉતારો લોકેશ આશ્રમમાં જ હતો.
જેમ સાધનાબેન ભજન મંડળીના પ્રમુખ હતાં તેમ પુરુષોના આ ગ્રુપમાં સાગરભાઈ ભજન મંડળીના પ્રમુખ હતાં. હરિદ્વાર આવી જતાં બધાં જ ટ્રેનમાંથી નીચે ઉતરી લોકેશ આશ્રમ જવા નીકળ્યાં. આશ્રમ પહોંચી મા ગંગામાં સ્નાન કરી બધાં પરવાર્યાં અને મુસાફરીનો થાક ઉતારવા માટે થોડો આરામ કરી પછી હરિદ્વારના રમણીય સ્થળોની અને મંદિરોની મુલાકાત લેવાનું વિચાર્યું.
બે કલાક જેટલો આરામ કરી બધાં ભારત માતાના મંદિરે જવા નીકળ્યાં. બંને ગ્રુપ સાથે જ હોવાથી સાધનાબેનની જવાબદારી ઓછી થઈ; કારણ કે સાગરભાઈ જવા આવવાના વાહનની વ્યવસ્થા, ટિકીટ વગેરેની વ્યવસ્થા કરી લેતાં હતાં. ભારત માતાના દર્શન કરી સાંજે મા ગંગાની આરતીના દર્શનનો લાહ્વો લેવા માટે બંને ગ્રુપના સભ્યો ભગવતી ગંગાનાં કિનારે આવી ગયાં. મા ભગવતીના ચરણોમાં બહેનોએ શ્રદ્ધા ભાવથી દીપક પ્રજ્વલિત કરી, મા ગંગાનાં નિર્મલ નીરે વહાવ્યા ને ખુશ થયાં. આરતી સમયનો નજારો દિવ્ય હતો. ચારેબાજુ ઝળહળ જ્યોતિ અને મા ગંગાનાં ગુણગાન ગવાય રહ્યાં હતાં. આરતી પૂરી થતાં બધાં લોકેશ આશ્રમે પરત આવ્યાં. વાળુપાણી ક
રી, રાત્રે ભજન-કીર્તન થયાં અને પછી બધા પોતપોતાના રૂમમાં આરામ કરવા ગયાં.
બે દિવસ ટ્રેનમાં મુસાફરી અને સાત દિવસના રોકાણ દરમ્યાન સાધનાબેનની સેવાભાવના, ઈશ્વર ભક્તિ અને કર્તવ્યનિષ્ઠા જોઈ વનપ્રવેશે પહોંચેલા સાગરભાઈ અભિભૂત થયાં. સાત દિવસના સહવાસે સાગરભાઈ સાધનાબેન પોતાની જિંદગીમાં આવે તેવા શમણાં જોવા લાગ્યાં.
આજે હરિદ્વારના રોકાણનો છેલ્લો દિવસ હતો. બધાં બહેનો પોતાનો સામાન પેક કરી રહ્યાં હતાં. સાધનાબેન પણ સામાન પેક કરી અંતિમ વખત ગંગા સ્નાન કરવા ગયાં. ખૂબ જ સાવધાની રાખવા છતાં આજે ન જાણે તેમનાથી શું ભૂલ થઈ કે તેમનો પગ લપસ્યો અને તેઓ ડૂબવા લાગ્યાં. આગળના ઘાટે સાગરભાઈ સ્નાન કરતાં હતાં. તેમણે આ દ્રશ્ય જોયું ને એક પળનોય વિલંબ કર્યા વગર મા ગંગામાં ઝંપલાવી ડૂબતાં સાધનાબેનને બચાવી કિનારે લાવ્યાં. સાધનાબેન થોડું પાણી પી ગયાં હોવાથી બેહોશ થઈ ગયેલાં. સાગરભાઈ તેમને 108 મારફત દવાખાને લઈ ગયાં. તેમની સમય સૂચકતાથી સાધનાબેનને નવી જિંદગી મળી.
સાધનાબેન જ્યારે ભાનમાં આવ્યાં ત્યારે તેઓએ પોતાને આશ્રમની જગ્યાએ હોસ્પિટલમાં જોયા. અચરજ પામીને બોલી ઉઠ્યાં કે, "હું અહીં ક્યાંથી ?" સાગરભાઈએ બધી માંડીને વાત કરી. વાત સાંભળતા જ સાધનાબેને સાગરભાઈનો ઉપકાર માનવા બે હાથ જોડ્યાં. સાગરભાઈ જોડેલા હાથને પકડીને બોલ્યાં કે, "આમ મારી સામે હાથ જોડશો નહીં; પરંતુ જો તમારી ઈચ્છા અને અનુમતિ હોય તો તમારો હાથ મારા હાથમાં કાયમ માટે આપો. હું છેલ્લા 30 વર્ષથી એકાકી જીવન જીવી કંટાળ્યો છું. દીકરા-વહુ સૌ પોતાના જીવનમાં વ્યસ્ત છે. મારા માટે કોઈ પાસે સમય નથી. હું નિવૃત્ત શિક્ષક હોવાથી આવકનો કોઈ પ્રશ્ન નથી; પરંતુ મનના ભાવોને સમજનાર જીવનસાથીની ખોટ વર્તાઈ રહી છે. જો તમે મારા પ્રસ્તાવનો સ્વીકાર કરશો તો મને આનંદ થશે."
સાગરભાઈની વાત સાંભળી સાધનાબેન ઊંડા વિચારમાં પડી ગયાં કે, શું આ મુસાફરી બે એકાકી જીવને જોડવા માટેનું નિમિત્ત હશે ? અને મા ભાગીરથીની પણ આવી ઈચ્છા હશે ? આ મિલન ઈશ્વરની ઈચ્છા હશે એમ માની હકારમાં માથું ધુણાવ્યું.
સાધનાબેનની હા પડતાં જ સાગરભાઈ ખુશ થયા અને મા ભગવતી ગંગાની સાક્ષીએ સાધનાબેનના ગળામાં હાર પહેરાવી જીવનસંગિની બનાવ્યાં. આ વેળાએ જાણે કે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. સાથે રહેલા બંને ગ્રુપના ભાઈ બહેનો પણ એકાકી સાગરભાઈ અને એકાકી સાધનાબેનના આ નિર્ણયથી હરખાઈ ઊઠ્યાં.
સાધનાબેન અને સાગરભાઈએ મા ગંગાનાં પવિત્ર જળને હાથમાં લઈને સંકલ્પ કર્યો કે, "અમે બંને અંતિમ શ્વાસ સુધી સાથે રહીશું. સત્કાર્ય કરી જીવનને ધન્ય બનાવીશું." બંનેએ મા ભગવતી ગંગાનો ઉપકાર માન્યો અને બોલ્યાં કે, "અમારા માટે મા ગંગાનાં સાંનિધ્યની આ મુસાફરી ફળી."