સુદ્રઢકોએ કરી કરામત
સુદ્રઢકોએ કરી કરામત


બે નાનકડા બાલ દેવોનું શાળામાં પહેલી ઓક્ટોબરે આગમન થયું. મૌન રહેતા બાળકોને જોઈને જયશ્રીબેનને અપાર મૂંઝવણ થઈ. બંને ભાઈ હા કે નાનો જવાબ માત્ર ડોકું ધુણાવીને જ આપે. બાળકોને સહૃદયતા અને ખંતથી શીખવતા જયશ્રીબેનની પરેશાની વધી ગઈ. મીનુ-મીકુને બોલાવવાના પ્રયાસો કરે પણ કઈ ફેર ના પડે. આમ કરતાં એક અઠવાડિયું વીતી ગયું.
શાળામાં નવા પ્રવેશેલ ધોરણ-1 ના બાળકો ઓક્ટોબર આવતાં સુધીમાં પોતાની ક્ષમતા મુજબ શીખતા થઇ ગયા હોય ને આ બંને બાળકો તો સાવ કોરી પાટી ! ના બોલે કે ના કશુય શીખે. બંને બાળકોને બોલતાં કરવા બહેને ગીતો ગાયાં, વાર્તા કીધી પણ ઠેરના ઠેર ! આમ છતાં જયશ્રીબેન હિંમત ન હાર્યાં.
આજે બાળકોને બોલતાં કરવા જ છેના દ્રઢ સંકલ્પ સાથે વર્ગમાં આવ્યા. સાથે હતાં થોડાક ચોકલેટના કાગળ. પ્રવેશતા જ બાળકોને હૂંફાળું સ્મિત આપી બોલ્યાં, "બાળકો આજે આપણે આ કાગળમાંથી ઢીંગલી બનાવીશું. બનાવીશું ને ?" બાળકોને રમતાં રમતાં ભણવું ગમે એટલે તરત જ બોલી ઉઠ્યાં, હા હા બહેન. મીનુ-મીકુ તો તોયે મૌન.
જયશ્રીબેને દરેક બાળકને એક એક કાગળ આપ્યો. એક કાગળ તેઓએ હાથમાં લીધો. ઢીંગલી કેવી રીતે બનાવવી તે બોલતા જાય અને ઢીંગલી બનાવતા જાય. ઢીંગલી બની ગઈ. ખૂબ જ સુંદર, સરસ મજાની ઢીંગલી જોઈ બાળકો ખુશ થયાં ને પોતાના હાથ પણ ચલાવવા માંડ્યાં. એક પછી એક બાળકો આવી ઢીંગલી બતાવતા જાય.બેન વારાફરતી ઢીંગલીને જોવે ને બોલે, વાહ ખુબ જ સરસ ! કેવી રીતે બનાવી? મને બતાવ તો. આમ બધા બાળકોને સુદ્રઢકોથી નવાજતાં જાય.
દરેક બાળક રાજી રાજ
ી થતું પાછું બેસી જાય. હવે મીનુ-મીકુનો વારો આવ્યો. બંને બાળકો માંડ માંડ ઉભા થયાં અને ઢીંગલી બતાવવા આવ્યાં. બાળ મનોવિજ્ઞાનને જાણનાર જયશ્રીબેન આ તકને કેમ ચૂકે ? ઢીંગલી હાથમાં લેતા જ બોલી ઉઠ્યાં: "મીનુ-મીકુ, તમે તો ખૂબ જ સરસ ઢીંગલી બનાવી. વાહ વાહ !" ને બંને ભાઈનાં ભરપેટ વખાણ કર્યાં. પીઠ પર હૂંફાળો સ્પર્શ કરી શાબાશી આપી. સ્નેહનો સ્પર્શ પામતા જ બંને ભાઈઓની અંદર સુષુપ્ત પડેલી સર્જન શક્તિ અને આત્મવિશ્વાસ જાગી ગયાં.
બંને બાળકોનાં ચહેરા પ્રફુલ્લિત બન્યાં. બંનેના ચહેરાને વાંચી જયશ્રીબેને તે બંને ઢીંગલી તેમજ બાળકોએ બનાવેલી ઢીંગલીને ડિસપ્લે બોર્ડ પર લગાવવાનું કામ સોંપ્યું. બંને બાળકોએ આ કામ બખૂબી કર્યું. જયશ્રીબહેને ડિસપ્લે બોર્ડની ઢીંગલીઓ અને બંને ભાઈઓના થોડાં ફોટા પાડ્યાં. ફોટા બધાં બાળકોને બતાવ્યાં. પોતાની ઢીંગલીઓને જોઈ બધાં જ બાળકો પ્રસન્ન થયાં.
જયશ્રીબેનના શાબ્દિક અને શારીરિક સ્પર્શની કરામતે બંને ભાઈઓના મનમાં શિક્ષક એટલે ડરામણી વ્યક્તિનો ડર દૂર થયો. ડર દૂર થતા જ તેઓ ખૂબ જ સારી રીતે શીખવા અને વ્યક્ત થવા માંડ્યા. માત્ર 21 દિવસમાં જ બધા બાળકો સાથે શીખતાં થઈ ગયાં. બંને બાળકો શાળાના કોઈ પણ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેતાં થયાં. પોતાની શક્તિનું ઉત્તમ પ્રદાન કરતાં કરતાં આજે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9 માં અભ્યાસ કરી રહ્યાં છે. ઉજ્જવળ ભવિષ્ય એના કદમ ચૂમશે જ, ના ખ્યાલથી જયશ્રીબેન પુલકિત થઈ બમણા વેગથી કાર્ય કરી આવા અનેક મીનુ-મીકુને સ્નેહ સ્પર્શ દઈ ઝળહળતાં કર્યાં.