લાલા હરદેવ
લાલા હરદેવ


સૌરાષ્ટ્રની ભોમકાનું નાનકડું ગામ પીઠડીયા. મા પીઠડાઈનાં પાવન બેસણાં હોય ત્યાં
કોઈ પીડા ડોકાય ખરી ?
પીઠડીયા ગામ રાજવી વાજસુરવાળાના તાબા નીચેનું પાવન ગામ. ગામ લોકોને રાજવી પર પૂરો ભરોસો ને રાજવી પણ પ્રજાવત્સલ. આવા રાજવીની રાજસત્તાનો ડંકો ચોમેર વાગે, તે ઈર્ષાળુ લોકો કેમ સાંખી શકે ? આવા રાજવી સ્વાર્થી લોકોની આંખમાં કણાની માફક ખૂંચતા હતાં.
કહેવાય છે ને કે એક સરખા દા'ડા કોઈના હોતા નથી. સુખ-દુ:ખ, તડકા-છાયા તો જીવન સંગ્રામે આવતાં જ હોય. એ ન્યાયે વાજસુરવાળાને ક્ષયનો વ્યાધિ લાગુ પડ્યો. શરીર દિવસે દિવસે ક્ષીણ થતું ચાલ્યું. કુંવર તો હજુ સાત વરસનાં. રાજવીને મરણ સામે દેખાય પણ ઉપાધિમાં પ્રાણ જતા નહીં. ઠકરાણાથી ધણીનું દુઃખ જોયું ના જાય. તે દ્વારકાધીશને ધણીના આત્માની સદગતિની પ્રાર્થના કરે. એમની પ્રાર્થના ફળી અને રાજવી વૈકુંઠે સિધાવ્યાં.
પાટવી કુંવર નાના હોવાથી ઠકરાણાએ એકલા હાથે રાજ કારભાર સંભાળી લીધો. કોઠાસૂઝ ભરેલા ઠકરાણાનો રાજ વહીવટ તો દરબારનેય ટપી ગયો. ક્યાંય કોઈ ચૂં કે ચાં નહીં. આમ કરતાં કુંવર ૧૮ વર્ષના થયાં.
૧૮ વર્ષના કુંવરને રાજભાર સોંપી દઈ હવે ભક્તિનું સુકાન સંભાળવાનું ઠકરાણાએ વિચાર્યું અને રાજસભા મધ્યે નિર્ણય લેવાયો કે ચૈત્ર સુદ નવમીના દા'ડે પાટવી કુંવરને રાજ તિલક કરવું. આ સમાચાર આખા પંથકમાં ફેલાઈ ગયા. ખબર સાંભળતા જ વિરોધીઓના પેટમાં તેલ રેડાયું. શિવરાત્રીના દિવસે રાજ્ય પર ઓચિંતુ આક્રમણ કર્યું. ગાયોના ધણને વાળી લીધું ને કુંવારી દીકરીઓના અપહરણ કરી જવા બહારવટિયા બની આવ્યાં. તૈયારી વગર રણસંગ્રામ થોડો જીતાય ? પણ પાટવી કુંવરના મિત્રોએ કહ્યું: "ચિંતા ના કરશો અમે ગાય માતા અને ગૌરીના રક્ષણ કાજે પૂરી હિંમતથી લડીશું અને ગાયોના ધણને તેમજ કુંવારી દીકરીઓને પાછા વાળીને લાવશું જ !"
આવી શૌર્ય ભરેલી વાણી સાંભળી માતાઓની છાતી ગજ-ગજ ફૂલવા લાગી. મૂછના દોરા હજું ફૂટ્યાં જ છે એવા નરબંકાઓ સિંહની જેમ ડણક દેતા સંભળાયા પણ માવડીઓના જીવ તો પડીકે બંધાઈ જાય ને ? ઠકરાણા કહે : " કુંવર જવા દો." પણ યૌવન ઝાલ્યું ઝલાય ? અરે ! અમારી માવડીના દૂધ લાજે, મસાણે સૂતા બાપાની મરજાદા જાય. નરબંકાઓની આવી શૌર્યભરી વા
ણી સાંભળી, ઠકરાણા સહિત ગામની સ્ત્રીઓએ પોતાના નવલોહિયા દીકરાઓને કુમકુમ તિલક કર્યાં ને ખોબલે ખોબલે વિજયના આશીર્વાદ આપ્યાં. કોડ ભરેલી પત્નીઓએ કહ્યું:" જાઓ ! સિધાવો, સંગ્રામે, ફતેહ કરો. કાં મારજો ને કાં મરજો પણ રણભૂમિથી પીછેહટ કરી ના આવશો. અમે કાયરની પત્નીનું કલંક પામી જીવવા માગતા નથી;" ત્યારે વીર યોધ્ધાઓ એકી સાથે બોલી ઊઠયાં:" મા ગૌરી અને કુંવારા ધનને ઉઠાવી જનાર શત્રુઓને રણમાં રોળીને, સામો પડકાર કરી પછી જ પાછા મળીશું.
કહેવાય છે ને કે જેનો સંકલ્પ દ્રઢ હોય તેને કોઈ ચળાવી શકે નહીં. માર માર કરતા ઘોડાને દોડાવી, શત્રુને ઘેરી લીધાં. કોઈને જોટાળી બંદૂકે, કોઈને પાટા મારી પછાડ્યાં તો કોઈને બાવડેથી પકડી ફેંક્યાં. હાકલા, પડકારા ને દે માર થઈ ગયું. શત્રુના સૈન્યનો કચ્ચરઘાણ નીકળી ગયો. થોડા ઘણાં બચ્યા તે પીઠ બતાવી, કાયર થઈને ભાગવા લાગ્યાં. મા ગૌરી અને દીકરીઓનું રક્ષણ થયું.
ફતેહ મળતાં જ બધા વીરો ખુશી મનાવતા એકઠા થયાં પણ લાલો હરદેવ ક્યાં ? લાલા હરદેવે એકલે હાથે ૪૦ શત્રુઓને ધામ પહોંચાડી દીધાં હતાં. મરેલા સૈનિકોની લાશોને વળોટતા લાલા હરદેવને ગોતવા નીકળી પડ્યાં. જોયું તો લાલા હરદેવના આંતરડા નીકળી ગયેલાં તોય હાથમાં તલવાર લઈ લડ્યો. સૌના મોંમાંથી શબ્દો સરી પડ્યા કે "વાહ જવામર્દ ! લાલા હરદેવ ! વતન માટે ફના થઈ જનાર શૂર ! તને સો સો સલામ."
ગાયોનું ધણ અને દીકરીઓને લઈને હેમખેમ પાછા ફરેલા શૂરવીરોને જોઈ માતાઓ પોતાના દીકરાઓના કપાળને ચૂમી રહીં હતી. લાલા હરદેવની માતાની આંખો લાલાને ખોળતી જ રહીં ગઈ પણ ક્યાંય લાલો દેખાયો નહીં; ત્યારે પાટવીકુંવર કહ્યું કે, "માવડી તમારો સાવજ દીકરો શહીદ થયો છે, શું એનું શૌર્ય !" આ સાંભળી તેની માતાના મુખેથી શબ્દો સરી પડ્યા કે " વાહ વાહ ! વતન કાજે શહીદ થનારા મારા લાલ તને લાખ લાખ વંદન." આટલું બોલતાં જ માતાનું પણ પ્રાણ પંખેરૂ ઊડી ગયું.
આજે પણ ગામનાં જાપે બે પાળિયા પૂજાય રહ્યાં છે. આ પાળિયાને દર વર્ષે અષાઢી બીજના નૈવેદ તેમજ કડા (સુખડી)ની માનતા રાખનારની મનોકામના પૂરી થાય છે. ગામની ગાયો અને ગૌરીને (કુમારિકાને) બચાવનાર વીર શહીદ લાલા હરદેવ અને પુત્ર વિયોગે પ્રાણ ત્યજનાર માતાને સો સો સલામ.