આદર્શ દાંપત્યજીવન
આદર્શ દાંપત્યજીવન


વિવાન અને વિશાખા કોલેજમાં સાથે ભણતા હતાં. ભણવાનું પૂરું થયું કે તરત જ બંનેને નોકરી પણ એક જ ઓફિસમાં મળી ગઈ. સાથે જ ભણ્યા અને સાથે જ નોકરી મળી એટલે બંને ખુશ હતાં.
વિવાન મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હતો; જ્યારે વિશાખાના પિતાના ઘરે તો રજવાડું, નોકર-ચાકર કોઈ વાતની કમી નહીં. વિશાખા તો માત્ર શોખ ખાતર નોકરી કરતી હતી. વિવાન પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નોકરી કરતો હતો.
ઉંમરલાયક થતા બંનેના સગપણની વાતો ચાલવા લાગી. આજે વિશાખાને અમદાવાદથી સગાઈ માટે જોવા આવવાના હોવાથી રજા ઉપર હતી. બીજા દિવસે તે ઓફિસમાં આવી વિવાન સાથે વાત કરતી બોલી કે વિવાન એમના ઘરે બધું સારું છે પણ મને છોકરો યોગ્ય લાગ્યો નહીં; તેનામાં તારા જેવી આવડત નથી. વિશાખાની આવી વાત સાંભળી બાજુમાં બેઠેલ વિરાજ બોલ્યો તો તને પસંદ હોય એવા છોકરાં સાથે પરણી જા ને !
વિરાજની વાત સાંભળી તરત જ વિશાખાએ જવાબ આપ્યો. એવો છોકરો મળવો તો જોઈએ ને ? તેમના ઘરે મારા પિતાના ઘર જેવું રજવાડું હોય તેમજ મને ગમતો હોય. આવો સુમેળ હોય તો હું તરત જ હા પાડી દઉં; પરંતુ આવો સુમેળ ક્યાંય જોવા મળતો નથી. હવે તો હું છોકરા જોઈ જોઈને થાકી ગઈ છું, મને લાગે છે કે મારા માટે ઈશ્વરે જીવનસાથીનું સર્જન જ નહીં કર્યું હોય એમ કહી હસતી હસતી ચાલી ગઈ.
રિસેસના સમયે બધાં કેન્ટીનમાં બેઠા ચા પી રહ્યાં હતાં; ત્યારે વળી સગાઈવાળી વાતની ચર્ચા ચાલી. ગઈ કાલે વિવાન પણ છોકરી જોવા ગયેલો પરંતુ વિવાનને તે પસંદ પડી નહીં. આ બધી વાતો કેન્ટીનમાં ચા સાથે ચાલી રહી હતી.
થોડાક મજાકિયા સ્વભાવનો વિરાજ તરત જ બોલ્યો કે વિવાનને છોકરી પસંદ પડતી નથી. વિશાખાને છોકરો પસંદ પડતો નથી. તમે બંને મિત્રો છો, સાથે ભણ્યા છો, સાથે નોકરી કરો છો, એકબીજાને ઓળખો છો તો પરણી જાવ ને ! વિરાજના આવા શબ્દો સાંભળી વિશાખા બોલી કે, તારી વાત સાચી છે વિરાજ, વિવાન સારો છોકરો છે, સારો મિત્ર છે; પરંતુ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી એટલે મારા પપ્પા હા પાડે નહીં ને !
આ સાંભળતા જ સાથે બેઠેલા મિત્રો બોલી ઊઠ્યા કે
વિશાખા માત્ર પૈસાથી જ સુખ પ્રાપ્ત ન થાય. લાખો રૂપિયા કમાતા હોય પરંતુ આપણા વિચાર સાથે આપણા જીવનસાથીના વિચાર મેચ ન થાય તો બધું જ વ્યર્થ ! આપણી સ્વતંત્રતાનું શું ? અને ખૂબ પૈસાદાર લોકો તો પોતાના ઘરની પુત્રવધુને નોકરી પણ ન કરવા દે. માત્ર ચાર દિવાલની અંદર કેદ થઈને રહેવું ગમે ખરું ? આવા કજોડા લાંબો સમય ટકતા નથી. ટૂંક સમયમાં છૂટાછેડા થઈ જાય અને પછી એકાકી બનીને જીવવું પડે. આપણો વાંક ન હોય છતાં પણ ત્યકતા બનેલ વ્યક્તિનો જ વાંક કાઢવામાં આવે અને લોકો બોલેય ખરા, તાળી એક હાથે ન પડે. પછી બીજીવારનું સગપણ કેવું મળે કોને ખબર ?
પરિપકવતાના આરે પહોંચેલા મિત્રોની આવી વાત સાંભળી વિશાખાએ વિચાર કર્યો ખરી વાત, માત્ર પૈસાથી સુખ પ્રાપ્ત થતું નથી. આપણા વિચાર સમજીને સધિયારો આપે ને લગ્ન પછીય આપણી સ્વતંત્રતા જળવાઈ રહે, તેવાજ પરિવારમાં લગ્ન કરવા જોઈએ. આ વાત સમજાતા જ વિવાન પોતાને બધી રીતે સમજતો હોવાથી વિશાખાએ વિવાનને પૂછ્યું કે તું શું કહે છે વિવાન ? આપણે લગ્ન કરવા જોઈએ. તું મને હંમેશા ખુશ રાખશે ? વિશાખાની વાત સાંભળી વિવાન બોલ્યો કે તું મારી પરિસ્થિતિથી વાકેફ છે જ. જો તું એમાં ઢળીશ તો મારો સથવારો તને કાયમ મળે જ એમાં કોઈ શંકા નથી. વિવાનનો જવાબ સાંભળી વિશાખાએ કહ્યું, હું આજે જ મારા પપ્પાને વાત કરું છું તું પણ તારા ઘરે વાત કરજે, કહી બધાં છૂટા પડ્યાં.
વિશાખાના પપ્પાએ વિશાખાની વાત પર વિચાર કર્યો તો સમજાયું કે વિશાખાની વાત ખરી છે, અતિશય પૈસાવાળાના છોકરાઓ બાપના પૈસે એશ કરનારા હોય છે. ખાઓ પીઓ અને મોજ મજામાં રાચનારા બન્યાં છે. જરાક અમથી સમસ્યા આવે તો નાસીપાસ થઈ અઘટિત પગલું ભરનારા બન્યાં છે. વિશાખા હંમેશા ખુશ રહે એવું ઈચ્છનારા નરોત્તમભાઈએ મધ્યમવર્ગીય સંસ્કારી, વિવાન સાથે વિશાખાના લગ્ન કરાવી દીધાં. વિશાખા અને વિવાનના લગ્નને આજે ૨૧ વર્ષ પુરા થયાં બંને પોતાના પરિવારમાં સુખેથી આદર્શ દાંપત્યજીવન જીવી અન્ય માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે. આ જોઈ નરોત્તમભાઈની છાતી ગજ ગજ ફૂલે છે ને પોતાની દીકરી પર ગર્વ લઈ કહે છે કે વિશાખા જેવી દીકરી દરેક મા-બાપને મળે.