સાધના-૩
સાધના-૩
નક્કી કરેલ સમયે ભરત તેના પરિવાર સાથે જેન્તીભાઈના ઘરે પોહોચી ગયો. ’આવો ,આવો બધા જયશ્રી કૃષ્ણ, એવા આવકાર સાથે રમાબેને બધાને મીઠો આવકાર આપ્યો. ઔપચારિક વાતો પતાવ્યા બાદ જેન્તીભાઈ મુદ્દાની વાત પર આવ્યા, કે જો છોકરાને છોકરીને કઈ વાત કરવાની બાકી હોય તો કરી શકે છે. પણ ભરતે ના પાડી. જયશ્રીબેન જે સાધનાના મોટા બેન હતા, તેમને પણ, સાધનાને પૂછ્યું કે તારે કઈ પૂછવું હોય તો પૂછે લે પછી તું દેશમાં જતી રહીશ,પણ સાધના ને વાત કરવાનું ઉચિત ન લાગ્યું,તેણે કહ્યું, "તમે વડીલ લોકો જે કરો તે મંજુર જ છે."
ત્યાજ રમાબેને વાત ઉચ્ચારી, કે જો કોઈને વાંધો ન હોય તો, પરમ દહાડે વસંત પંચમી છે, તે દિવસનું મુહુર્ત શુભ હોય તો આપણે ગોળ ધાણા ખાઈ લઇ એ. જેથી વાત પાક્કી સમજાય. અને સાધના તથા તેના બાપુજી દેશમાં જઈ શકે. બધાને તેમની વાત ગમી અને બંને પરિવારે આ વાત ને સમર્થન પણ આપ્યું. નાસ્તો પતાવીને કેટલા લોકો વસંત પંચમી ના દિવસે આવશો ? તેની સામાન્ય યાદી બનાવી લીધી. જેન્તીભાઈના ઘરે જ ગોળ ધાણાનો પ્રસંગ અંગત માણસોની હાજરીમાં ઉજવવાનું નક્કી થયું.
અંતે રાતના મોડેથી બધા લોકો એ બધું નક્કી કરીને વિદાય લીધી. તે રાતના સાધનાની ઊંઘ હરામ થઇ ગઈ હતી. તેને એમ લાગતું હતું કે બહુ જલ્દીમાં નિર્ણય તો નથી લઇ રહી ને હું ? ભાઈ-ભાભીને, મારી સહેલીને પૂછીને હુ નિર્ણય લવ તો કેમ ? તેવા પ્રશ્નો તેને મુંઝવી રહ્યા હતા.
સવારે ઉઠતાજ, બાપુજી એ ગામ ફોન લગાવ્યો, અને ભાઈઓ ને કહ્યું કે "મેં કાલનું નક્કી કર્યું છે. છોકરો સ્નાતક તો છે જ પણ સાથે સાથે તેના વિચારો પણ ઉચ્ચ છે, તે તેના પપ્પાની દુકાનમાં બેસવા નથી માંગતો, પણ જોબ કરવામાં માને છે તેના પરથી એ સાબિત થાય છે કે તે સ્વાવલંબી છે . મુંબઈમાં ઘરના ઘર તો છે જ પણ દેશમાં પણ મકાન છે જેથી આપણી દીકરી વરસે બે વરસે પણ આવી શકશે. માટે ચિંતા કરવા જેવું કઈ જ નથી." ભાઈ એ પણ વળતો જવાબ આપ્યો કે બાપુ. તમને ઠીક લાગે તેમ કરો કઈ પૈસાની જરૂર હોય તો હું મની ઓર્ડેરકરી દઉં." "ના, દીકરા ફક્ત ચા નાસ્તો જ કરાવશું, તેથી કઈ જરૂર નથી. સારું બાપુ વિધિ પતિ જાય પછી ટેલીગ્રામ કરજો હું ગામમા ઢોલ વગડાવીશ. સારું ત્યારે આવજો, કહીને ફોન મૂકાઈ ગયો.
હવેં સાધનાને પણ થોડી રાહત થઇ કે, એક બે વરસે તો ગામ જવાશે ને, હવેં કોઈ ચિંતા નથી અહી પણ બહેન તો છે જ. ભાઈઓ પણ આવતા જતા રહેશે. અને સાધના નિરાતે ઊંઘી ગઈ. બીજે દિવસે નિયત સમયે બે ત્રણ મિત્રો સાથે ભરત અને તેનો પરિવાર જેન્તીભાઈ ના ઘરે આવી પોહોચ્યો. તે થોડો ઉત્સાહી લાગતો હતો, શ્રીફળ વિધિ શુભ ચોઘડિયે પૂર્ણ થઇ. જયશ્રીબેન તથા રમાબેને બટેટા વડા, ગુલાબ જાંબુ, સાબુદાણાના વડા તેમજ ચા સાથે મહેમાનોની પરોણાગત કરી.
હવે ભરતના મમ્મી કૈલાશબેન બોલ્યા કે, "અમે સાધનાને કંકુ પગલા કરવા લઇ જઈશું. ને સાંજે ભરત તેને મૂકી જશે." વડીલો પણ આ વાતમાં સહમત થતા તે લોકો સાધનાને પોતાના ઘરે લઇ આવ્યા.
સાધના થોડી ગભરાતી હતી. ભલે આ ઘર તેને જોયેલું હતું પણ એક વહુ થઇને તેનો આ પ્રથમ પ્રવેશ હતો, કઈ ભૂલ ન થાય તેની કાળજી રાખતી હતી. કૈલાશબેને સાધનાના પગની છાપ લીધી, તેને થયું કે હવે હું સાધનાને ઘરનો ભાર આપીને જાત્ર કરવા જઈ શકીશ.સાધના વડીલોને પગે લાગી. ભરતની બેન પોતાની ભાભીને હાથ પકડીને અંદરના રૂમમાં લઇ ગઈ. ભગવાન ને પગે લગાડવા માટે તેને પહેલેથી કહેવામાં આવ્યું હતું કે “રેખા તારી ભાભીને, ભગવાનને પગે પેલા લગાડજે તો તે તને કઈક ગીફ્ટ આપશે. રેખા પણ તેમ જ કર્યું, પણ સાધના પાસે કઈ ગીફ્ટ ન હતી તેથી કઈ આપી ન શકી, રેખા થોડી નિરાશ થઇ ગઈ. ત્યાજ કૈલાશબેન બોલ્યા કે આમ, રીસાવાઈ નહી, રાતના ભાઈ આવે ત્યારે કંઇક લઇને જ આવશે, બધા હસવા લાગ્યા, રેખાને થોડો અફ્સોસ થવા લાગ્યો, ત્યાં જ નાનો ભાઈ આઈસક્રીમ લાવ્યો. અને રેખા બધા માટે કાચના નાના બાઉલમાં આઈસક્રીમ કાઢીને લાવી. સાધનાને સાડીનો છેડો માથા પર રાખવાનું સૂચન કૈલાશબેને આપ્યું અને રેખાને કીધું કે તું બધા લોકોને આઈસક્રીમના કપ આપવા લાગજે .
“સારું મમ્મી," ને તેણે તેના મમ્મીનો પડ્યો બોલ જીલ્યો. “સાધનાને આ વાત ગમી, તેને પણ આજથીજ ઘરના રીતરીવાજ મુજબ ચાલવાનું નક્કી કરી લીધું.રાતના ભરતને સાધના સાથે આખો પરિવાર હોટલમાં જમવા ગયો, અને ત્યાંથી ભરત સાધનાને તેની બહેન ને ત્યાં મુકવા ગયો. કૈલાશબેને સાધનાને એક સાડી અને સો રૂપિયા આપ્યા.
ભરત અને સાધના રસ્તામાં એકાંતમાં મળતા હતા. બને એક બીજાને ગમતું કરવાના મૂડમાં હતા ભરતે સાધના નો હાથ પકડ્યો, સાધનાને ગમ્યું પણ ખરું, પણ મર્યાદા રાખવી તે પેલી ફરજ ગણીને તેને હાથ છોડાવી લીધો, તે દિલગીર હતી તેથી 'રસ્તા પર ન સારું લાગે' તેમ કહ્યું.
ભરત,આ સાંભળીને હસવા લાગ્યો, કે,
"આ તો મુંબઈ છે,અહી કોઈ કોઈને ઓળખતું ન હોય અને કોઈ એક બીજા સામે જોવે પણ નહિ. તું નિશ્ચિંત રહે," છતાં પણ સાધનાને આ વાત અજુગતી લાગી તેને કહ્યું
"ના ! આપણો અંતરાત્મા તો જોતો હોય ને, આવું સારું ન લાગે." પછી ભરત હાથ છોડતા બોલ્યો,
"પણ તારે પણ લગ્ન પછી હું કહું તેમ કરવાનું હો !"
"સારું," સાધના બોલી, અને બંને ચાલવા લાગ્યા,
"તું મને પત્ર તો લખીશ ને ?"
"હા , કેમ નહિ"
"સારું"
"તો ....હવે પાછા ક્યારે મળીશું ?"
"હું મારા મમ્મીને કહીને વહેલું મુહુર્ત કઢાવીસ. તું પણ તારા ઘર માં વાત નીકળે તો ના ન પાડતી કે હજુ વાર છે." ભરતે જરૂરી સુચના આપી. સાધના મનમાં ને મનમાં હરખાવા લાગી, કે પેલા તો ભણવાનું બહાનું કાઢતા હતા, હવે કેટલી ઉતાવળ કરે છે.ત્યાં તો સાધનાની બહેન નું ઘર આવી ગયું, ભરત સાધનાને મૂકીને વડીલોના આશીર્વાદ લઇ, કાલે ગાડીના સમયે મુકવા આવી જઈશ, કહીને તે છૂટો પડ્યો . સાધના મનોમન પોતાની જાતને નસીબદાર માનવા લાગી. અને જોત જોતામાં જ તેની આંખો બંધ થઇ ગઈ.
(ક્રમશ:)

