Alpa DESAI

Others Tragedy

3  

Alpa DESAI

Others Tragedy

સાધના-૨૨

સાધના-૨૨

5 mins
13.5K


સવાર પડતા સાધનાનો પગ ભારે થઇ ગયો તે નિર્દોષ હોવા છતાં પોતાની જાતને દોષી માનવા લાગી. પપ્પાજી અને મમ્મીજીને અકારણ દુખ આપવા માટે ખુબ પસ્તાવો કરવા લાગી. ઘરના કોઈ સદસ્ય તેની સાથે બરાબર વાત નહતા કરતા. ભરત પોતાના કામ પર નીકળી ગયો. અને બીજા લોકો પણ પોતાના કામ પર લાગી ગયા. સાધના ગમે તેમ કરીને મમ્મીજીની સાથે વાત કરવા માંગતી હતી. મમ્મીજીના વહેમને કોઈ મિટાવી શકે તેમ ન હતું. આમ આખો દિવસ વીતી ચુક્યો.

પપ્પાજીએ જમીને ફરી મીટીંગ બોલાવી અને કહ્યું કે “મુંબઈનું ઘર વેચી નાખીશું. મેં નિર્ણય લઇ લીધો છે અને તમે લોકો શહેરમાં પોતાનું ઘર લઈને ત્યાં રાજ ને ભણાવો. અમે પણ અવારનવાર ત્યાં આવી જશું બંનેભાઈ પાસે હોય તો એક બીજાને કામ આવો અને મારી હાજરીમાંજ રાજી ખુશીથી હું બંને ભાઈઓને અલગ કરું છું.” સાધનાએ આગળ આવીને ખોળો પાથરીને માફી માંગી અને બોલી પપ્પાજી આપની વાત શિરોમાન્ય, પણ મેં કોઈ દિવસ આ ઘરથી અલગ રહેવાનો નિર્ણય કર્યો નથી અને રાજના પપ્પાને પણ મુંબઈ જવા માટે દબાણ કર્યું નથી. છતાં પણ આપને એવું લાગે તો હું મારા રાજ ના સોગંદ ખાઈને આની નિર્દોષતા સાબિત કરું.

પપ્પાજી બોલ્યા,"ના, હું હવે કોઈના માટે પૂર્વગ્રહ રાખવા માંગતો નથી. અમારી હાજરીમાં તમે છુટા પાડો તો સારું. આની અસર મારા રાજના સંસ્કારમાં ન આવે તે માંટેના પ્રયાસો કરું છું. સાધનાના હ્રદયમાં આ વાત એક તીરની જેમ ખુંચતી હતી. પણ તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. મુંબઈનું ઘર પણ વહેચાઈ ગયું. સારી એવી રકમ મળી. તેમાંથી મોટો બંગલો શહેરમાં લેવામાં આવ્યો. અને સારા દિવસો જોઇને ત્યાં કુંભ ઘડો પણ મૂકી આવ્યા. સાધના નવા ઘરે રહેવા માંગતી ન હતી. તેથી થોડા દિવસ આ ઘર બંધ કરીને બધા ભરત સાથે નવા ઘરમાં રહેવા આવ્યા. અને આમ બાપુજીએ આ વાત થાળે પાડી. થોડા દિવસ બધા આનંદમાં હતા. નાનાભાઈનું સારા ઘરેથી માંગું આવ્યું અને અનુકુળ આવતા વાત પણ પાક્કી કરી નાખી. નવા ઘરમાં સગાઈનો પ્રસંગ પણ પતિ ગયો થોડા મહિના પછી લગ્ન પણ કરી લેવા તેવું નક્કી થયું. મમ્મી પપ્પા હવે ગામ જતા રહ્યા. તેમના ગયા બાદ બધું શાંતિથી ચાલી રહ્યું હતું. રાજ પણ હવે સમજીને ભણવા લાગ્યો હતો. અચાનક એક દિવસ મુંબઈથી મી. શાહનો ફોન આવ્યો. તેમણે બધાના સમાચાર પૂછ્યા. ભરતે ઘરે આવવાનું આમંત્રણ આપ્યું.

તેઓ ભરતના નવા ઘરે આવ્યા તેથી ભેટ પણ લાવ્યા. બધા બેઠા હતા. ભરતે કંપનીની વાત કાઢી. શાહભાઇ બોલ્યા “આપણી કંપની તો બંધ થઇ ગઈ અને હું બહુ સારી કમ્પનીમાં સેટ થઇ ગયો છું. થોડા દિવસો ચિંતામાં કાઢ્યા પણ મારું કામ સારું હોવાથી કામ મેળવવામાં બહુ તકલીફ ન પડી.” શાહભાઈ ના ગયા બાદ ભરત ફરી ભૂતકાળમાં સરી પડ્યો. સાધના ભણેલી ન હતી પણ તેની મનને જાણવાની શક્તિ ખુબ ઉર્જાયુક્ત હતી. તે ભરતના મનમાં ચાલતા વિચારોને ઓળખી ગઈ, તે કઈ પણ બોલ્યા વગર સુવા ચાલી ગઈ. રાજ પણ તેની રૂમમાં જતો રહ્યો.

ભરત આવીને બોલ્યો “જો થોડી શાંતિ રાખી હોત તો શાહ ભાઈને જેમ મને પણ કામ મળી ગયું હોત. મારું કામ તો તેમના કરતા પણ સારું અને ઉમર પણ નાની તેથી કામ શોધવામાં કોઈ અગવડ ન પડત.” પણ સાધના એ કઈ જવાબ ન આપ્યો. તે સુવાનો ડોળ કરવા લાગી. હવે ભરત થોડું મોટેથી બોલ્યો, “સુઈ ગઈ કે ? હું તારી સાથે વાત કરૂ છું.” સાધના બોલી, "ના સાંભળું છું પણ હવે આવી વાતો કાઢીને શું કામ છે ?” હવે ભરતને ગુસ્સો આવ્યો. "કેમ વાત ન કરાય ?તારું માનીને હું અહી આવ્યો હતો, જો તે દિવસે તારું ન માન્યો હોત અને ન આવ્યો હોત તો બધું સારું થઇ જાત. પણ તું તો દસ ચોપડી ! મારી બુદ્ધિ બેડ મારી ગઈ હતી કે મેં તારી વાત માની અને તને મહત્વ આપ્યું.

આજે સાધનાનું સ્વાભિમાન તેને કહેતું હતું કે કઈ તો બોલ ! સાધના પણ માનસિક ત્રાસ, મ્હેણાંટોણાથી ત્રસ્ત થઇ ગઈ હતી આજે થોડી હિમત કરીને બોલવું છે તેમ વિચારતી હતી ત્યાજ ભરતે તેનો મારો ફરી ચલાવ્યો. "નાનાગામની અને ઓછુ ભણેલી પત્ની શું પતિની વાતને અને મનોમંથનને સમજી શકે ?" ત્યાંજ સાધના બોલી “તમારી કંપની બંધ થઇ તે માટે હું જવાબદાર ? કે મારું ભણતર જવાબદાર ? મને લાગ્યું કે તમે ગામ ઉદ્વેગ વગર જીવી શકો, અને વડીલોની છત્રછાયામાં નિશ્ચિંત બની ને રહો. માટે મેં આવવાનું કહ્યું. મે પણ રાજનું ભણતર બગાડ્યું કે નહિ ?” આ સાભળી તે વધુ ગુસ્સે થયો. તેનો અહમ ઘવાયો. સાધના મારી સામે બોલી કેમ શકે ?

"હું તમારી પત્ની છું તમને સારા નરસાનું કહીજ શકું ને ? ત્યાં તો ભરત તાડૂક્યો" "વડીલની છત્ર છાયાની વાત કરે છે મને ખબર છે કે તને મમ્મી પ્રત્યે કેટલી લાગણી છે તે તો ! તારે પોતાનું પિયર નજીક થાય એટલે જ આ બાજુ આવવું હતું.” હવે સાધના તમતમી ઉઠી પણ એક શબ્દ ન બોલી અને મો ધોઈને પાણી પીને સુઈ ગઈ. આજે તે ભરત માટે પાણી ન લાવી. તેનો પ્રેમ ડચકા ખાતો હતો, મરણ શૈયા પર સૂતેલો લાગ્યો, એક દિવસ તેની સાથે સુખ દુઃખમાં ચાલનારી એક પત્નીના પગ આજે ડગમગવા લાગ્યા. તે અંદર થી તૂટી પડી. અત્યાર સુધી હસ્તે મોઢે સહેલા મ્હેણાંટોણાના અવાજો તેને ટકોરી રહ્યા હતા. તેનું મન અશાંત હતું. દિલ અને દિમાગની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું કે "હું ભરતની સામે બોલી તે સાચું હતું કે ખોટું ?" આમ વિચારતા જ તે સુઈ ગઈ...(ક્રમશ)


Rate this content
Log in