Valibhai Musa

Drama Thriller Tragedy

3  

Valibhai Musa

Drama Thriller Tragedy

સાચ્ચો ન્યાય

સાચ્ચો ન્યાય

2 mins
8.2K


વાર્તાસ્રોતની સફરે :

(મારા માધ્યમિક વિદ્યાભ્યાસ દરમિયાન ‘જૂનું ઘર ખાલી કરતાં’ સોનેટકાવ્ય ભણવામાં આવ્યું હતું. એ કાવ્યના કવિ ઘર ખાલી કરતાં બિનઉપયોગી અને ક્ષુલ્લક ચીજ વસ્તુઓને એકત્ર કરતા હોય છે. કાવ્યાંતે ઘરના ખૂણેથી કવિને એક આભાસી અવાજ સાંભળવા મળે છે કે ‘બા-બાપુ ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે!’. એ જ ઘરમાં કવિનો પુત્ર અવસાન પામ્યો હતો જેની યાદ આવતાં તેઓ વ્યથિત બની જાય છે. તેમના પગ ભારેખમ બની જાય છે, જાણે કે પગે લોઢાના મણિકા ન બંધાયા હોય! માતાપિતા નાની વયે અવસાન પામેલાં પોતાનાં બાળકોને ભૂલી શકતાં નથી હોતાં. આ નાનકડી વાર્તામાં પણ આવું જ કંઈક કહેવામાં આવ્યું છે.)


સાચ્ચો ન્યાય

હું મારા વરંડામાં હાથમાં સમાચારપત્ર સાથે આરામખુરશીમાં ઝૂલી રહ્યો છું. હું મારા વાંચનમાં મગ્ન છું, ત્યાં તો મારા બંને દીકરાઓના બુલંદ શબ્દો મારા કાને સંભળાય છે. તેઓ ઝગડતા નથી, પણ તેમની વચ્ચે પોતપોતાની ઊંચાઈ અંગે મતભેદ ઊભો થયો છે. તેઓ મારાથી દસેક ફૂટ દૂર ખભેખભા અડકાડીને તેમની બાળસહજ બોલીમાં મને પૂછે છે, “ડેડી,મહેરબાની કરીને તમારો સાચ્ચો ન્યાય આપજો. અમારા બંનેમાં ઊંચો કોણ છે?”

હું સ્મિતસહ તેમને ચોકસાઈપૂર્વક નિરખું છું, કેમ કે મારે તેમને સાચો ન્યાય આપવાનો છે. બંનેની ઉંમરમાં માત્ર બે જ વર્ષનો ફરક છે, છતાંય ઊંચાઈમાં બંને લગભગ સરખા જેવા જ લાગે છે. હું કંઈક બોલવાનો પ્રયત્ન કરું છું, પણ આ દરમિયાન હું થોડાક દૂરના ભૂતકાળ તરફ સરકી જાઉં છું. થોડીકવાર પછી તો મને તેમના ચહેરા ધૂધળા દેખાય છે, કેમ કે મારી આંખો અશ્રુથી ઊભરાઈ ગઈ છે.

બંને જણ સફાળા મારી તરફ ધસી આવે છે અને મારી બંને બાજુએ ગોઠવાઈ જાયછે. તેઓ તેમની નાનકડી ગુલાબી હથેળીઓ વડે મારાં અશ્રુ લૂછી નાખે છે અને રડતા રડતા બોલી ઊઠે છે, “ડેડી, તમે રડી રહ્યા છો?”

હું મારી જાતને સંભાળી લેવાનો પ્રયત્ન કરું છું કારણ કે તે સત્ય છે કે હું રડી જ રહ્યો છું. સમાચારપત્ર મારા ખોળામાં પડી જાય છે અને હું તેમના ગાલોને મારા ગાલો સમીપ દબાવી રાખતાં સાચો ન્યાય આપી દઉં છું, “તમે બંને સરખા જ છો. કોઈ કોઈનાથી સહેજ પણ વધારે ઊંચો નથી. પરંતુ તમારા બંનેની પાછળ બંને ગાલો ઉપર ખંજન સાથે કબૂતરી જેવી લાગતી અને ખીલેલા ફૂલની જેમ સ્મિત કરતી મારી સ્વાતિને મેં ઊભેલી જોઈ. તે તમારા બંને કરતાં વધારે ઊંચી હતી. મારી એ સ્વાતિ કે જે તમારા બંનેના જન્મ પહેલાં જ અમને રડતાં કકળતાં મૂકીને લગભગ તમારી જ ઉંમરે સ્વર્ગમાં દાદાના ખોળલે રમવા ચાલી ગઈ હતી, એ સ્વાતિ !”

મારા સમાચારપત્રના ખુલ્લા પાના ઉપર અમારી છએ આંખો આંસુથી ઊભરાઈને વરસાદનાં ટીપાં જેવા ધ્વનિ સાથે ટપટપ વરસી જાય છે. વળી બરાબર એ જ સમયે મારી પત્ની ટીપોય ઉપર ચાની ટ્રે મૂકવા નીચી નમે છે. તેણીનાં પણ હૂંફાળાં આંસુ ગરમ ચાના કપમાં પડે છે અને તેમાં ભળી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama